For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

વાર્તાકાર રમેશ પારેખને ઓળખો છો ?

વાર્તાકાર રમેશ પારેખ

રમેશ પારેખ, ગુજરાતી કવિતાના સર્વોચ્ચ શિખર કહી શકાય એ પૈકીના એક કવિ. ગુજરાતી ભાવકોએ કવિ તરીકે તેમને ખુબ પ્રેમ આપ્યો. તેમની કવિતાને વિદ્વાનોનું વિવેચન અને સામાન્ય ભાવકોનો પ્રેમ બંને મળ્યા. સાહિત્યના ઘણા બધા અવોર્ડથી તેમને નવાજવામાં આવ્યા. તેમના ગીતોને સંગીતકારોએ નવા નવા સ્વર અને સ્વરાંકનો મળ્યા. તેમને તેમના એક જ સાહિત્ય માટે બિરદાવવામાં ન આવ્યા તે તેમની વાર્તાઓ. આધુનિક એવી તેમની વાર્તાઓનો સંગ્રહ ‘સ્તનપૂર્વક’ ઈ.સ. 1983માં પ્રકાશિત થયો.

તેમની વાર્તાઓ માનવમન- પ્રકૃતિ-સંબંધની સંકલતાઓને તથા માનવીની કશાક કામ્ય માટેની ઉત્કટ ઝંખના, તેને પ્રાપ્તિ માટેનો સંઘર્ષ અને અંતે મળતી વિફળતાને આલેખતી આ વિવાદાસ્પદ વાર્તાઓમાં એમણે પરીકથા અને લોકકથાના મોટિફનો પ્રયોગ, તરંગલીલા, ઉરાંગઉટાંગ ચેતના પ્રવાહ, દુઃસ્વપ્ન, પ્રતીક, નાટ્યાત્મક ભંગિ અને નિરૂપણરીતિની નવીનતા જેવા વિવિધ કસબ દ્વારા શબ્દને અભિધાથી દૂર લઈ જવાની અને વાયવ્ય ભાવનભૂતિઓને અનુભવના ક્ષેત્રમાં લઈ આવવાની મથામણ કરી છે.

તેમની વાર્તાઓ એક બિંદુએ છૂટીને ભાવકને વિચારવા મજબુર કરી દે તેવી છે. રમેશ પારેખની વાર્તાઓ આધુનિકતાની આબોહવામાંથી આવી છે. તેથી તેમની વાર્તાઓમાં ઘટના ધીમે ધીમે સાવ ઓછી થતી જોવા મળે.

તેમના સંગ્રહની પહેલા જ વાર્તા ‘સ્તનપૂર્વક’. આ વાર્તામાં એક સ્ત્રી સૌદામીની જે સુઈ રહી છે, બાજુમાં તેનો પતિ સુતો છે. સાથે સુતેલી દીકરીનો હાથ માતાના સ્તન ઉપર છે. અને પતિનો હાથ ગળા ઉપર છે. અહીંથી વાર્તા બીભત્સ રસમાં પ્રવેશે છે જ્યાં પત્ની સૌદામીની પતિનું હ્રદય કાઢી લે છે ને હ્રદય પી ને લોહી પી લે છે. આ ઘટના હકીકતમાં સ્ત્રીના સ્વપ્નાવસ્થામાં બને છે. વાર્તાના અંતે ખ્યાલ આવે છે કે દીકરીનું સ્તનપૂર્વક હોવું ને પતિનું સ્તનપૂર્વક હોવું એ બંને ઘટનામાં કેટલો બધો ફર્ક છે. આ વાર્તા વાંચવાથી ખબર પડશે કે રમેશ પારેખે અહીં શું કમાલ કરી છે.

બીજી વાર્તા ‘બાવને અડકવાની ભૂલ’. આ વાર્તામાં એક બાળક નગ્ન હાલતમાં રમતો હોય છે અને પોતાના જનાંગ સાથે રમી રહ્યો હોય છે. જ્યાં એને દાદા ટોકે છે. મોટી મૂછો વાળા દાદાનો એક ઠપકો વાર્તાના અંતે સુધી જકડી રાખે છે. જાતીયતાનું રૂપકાત્મક નિરૂપણ કરતી આ વાર્તા રમેશ પારેખની બહુ સારી વાર્તામાની એક છે.

આ સંગ્રહની ત્રીજી વાર્તા ‘નદી નદી, રતિ ક્યાં છે?’ આ વાર્તા એક મૂંગી છોકરીની છે, જેનું નામ રતિ છે. રતિ રોજ નદીએ જતી હોય છે ત્યાં તેનામાં રહેલું નદીપણું, એ સાહજીકતા પણ ભલે છે. રતિ મામાને ત્યાં રહેતી હોય છે, તેના મામીનો સગો એક યુવક ચંદુ તેનું મન મળે છે. તેનામાં રહેલું સ્ત્રીત્વ જાગી ઉઠે છે. એ નદીએ બેસતી હોય છે ત્યાં ગામના યુવક તેની સાથે બળાત્કાર કરે છે, પણ મૂંગી હોવાથી કોઈને કહી શકતી નથી. તેથી તેની સાહજિકતા સાવ સુકાય જાય છે. અંતે રમેશ પારેખ લખે છે કે, રતિને વાચા ફૂટશે ત્યારે તે પૂછશે કે મારી નદી ક્યાં ગઈ? રમેશ પારેખની આ બહુ સુક્ષ્મ નજર માંગી લેતી વાર્તા છે.

ચોથી વાર્તા ‘ચાબુક વિનાની ક્ષણ’ સુંદર વાર્તા છે. એ સિવાય ‘એક કદાચ રંગની કદાચિકા’  ‘તું શમિતા નથી, તારું નામ શમિતા નથી’, ‘ઓળખવું ઓળખવું અને હાથ’, ‘ચોથો પુરુષ બહુ વચન’, ‘બનવું’ ‘જમીનદાર છાપ ગાંજાની સિગારેટ’ ‘ત્રેપનસિંહ ચાવડા જીવે છે’, ‘બુધાબાવની’ ‘ ફેમો ફેબિયા એ તો કેવો રોગ છે દાકતર?

રમેશ પારેખનો વાર્તાસંગ્રહ સ્તનપૂર્વકની આ વાર્તાઓ ગુજરાતી વાર્તા સાહિત્યમાં એક વિશિષ્ઠ સ્થાન ધરાવે છે. તેમની ગીતો કવિતાઓ ગમતી હશે તો તો આ ગમશે જ. પણ જયારે રમેશ પારેખના નામથી સાવ અજાણ વ્યક્તિ પણ વાર્તા વાંચશે ત્યારે તેને વિશેષ અનુભૂતિ થશે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz