વાર્તાકારો એ જલસોના સૌથી પ્રિય વ્યક્તિત્વોમાંના એક છે. જલસો અને એમની વાર્ચિતાઓનું વાચિકમ એ એકબીજાના પર્યાય બની ગયા છે. ભારતીય સાહિત્યમાં વાચિકમની પરંપરા રહી છે. પરંતુ જલસોએ તેને અલગ રીતે રજુ કર્યું. અને આજે એ વાચિકમ જલસોની સૌથી મોટી ઓળખ પૈકીનું એક છે. અને જલસો હોય ત્યાં નવીનતા તો હોવાની જ ! દિવાળી, આપણો સૌથી મોટો તહેવાર. દરેક સામાયિક, છાપાઓ દિવાળી પર વિશેષાંકો બહાર પાડતા હોય છે. વાંચકોમાં દિવાળી વિશેષ અંકની એક અલગ જ મજા અને ઉત્સુકતા જોવા મળતી હોય છે. સાહિત્યની એક પરંપરાને આગળ વધારતા જલસો એ પણ શરૂઆતના વર્ષથી જ જલસોએ દિવાળી વિશેષાંકની શરૂઆત કરેલી. પરંતુ આ વિશેષાંક સામાન્ય વિશેષાંકની એટલો અલગ હતો કે બધા વિશેષાંકો પ્રિન્ટ સ્વરૂપે હોય છે, જયારે જલસોનો દિવાળી અંક ઓડિયો સ્વરૂપે.
જલસો દિવાળી વિશેષાંકમાં અમે લેખકોને પોતાની વાર્તાઓ મોકલવા આમંત્રણ આપીએ છીએ. અને આવેલી વાર્તાઓમાંથી ઉત્તમ વાર્તાઓનું જલસોની ટીમ વાચિકમ કરીને ‘દિવાળી ઓડીઓ અંક’ તરીકે પ્રસિદ્ધ કરે છે. આ થયો જલસો દિવાળી ઓડિયો અંકનો પરિચય. પણ આજે પરિચય કરતા કૈક વિશેષ વાત કરવી છે.
જલસોના આ દિવાળી અંકમાં અમે વાર્તાકારો પાસેથી મંગાવીએ છીએ એમાંથી અમને અમુક એવા ઉત્તમ વાર્તાકારો મળ્યા જેમની વાર્તાઓ પ્રથમવાર જલસો પર રજુ થઇ હોય અને બાદમાં તેઓ વાર્તાક્ષેત્રે બહુ નામના કમાયા હોય. જલસો પર પોતાની લેખન કારકિર્દીની શરૂઆતમાં પોતાની વાર્તા મોકલનાર આજના જાણીતા લેખકોની વાત કરીએ તો દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર મેળવનાર અભિમન્યુ આચાર્ય અને સાગર શાહ, ફિલ્મ ડીરેક્ટર ડો.વિક્રમ પંચાલ, જાણીતા કવયિત્રી પારુલબેન ખખ્ખર, ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત ગિરિમા ઘારેખાન, કુમાર જિનેશ શાહ, નીતા જોશી અને જયંત રાઠોડ જેવા જાણીતા વાર્તાકારોએ પોતાની શરૂઆતની વાર્તાઓ જલસો પર ઓડિયો અંક સ્વરૂપે રજુ કરી હતી.
આ થઇ જાણીતા વાર્તાકારોઅને તેમની વાત, આજે અમુક એવા વાર્તાકારોની વાત કરવી છે, જે આ બધા વાર્તાકારો કરતા થોડાક અલગ છે.
સૌપ્રથમ વાત કરું પરબતકુમાર નાયીની. પરબતકુમાર નાયી એ આજે ગુજરાતી કવિતામાં ઉભરતું નામ ગણાય છે. સાહિત્ય માટે ખુબ ભાવ ધરાવતા આ સર્જક સાહિત્યના એક ઉચ્ચ કક્ષાના ભાવક છે. કવિતા લખતા લખતા તેમણે વાર્તા પર હાથ અજમાવ્યો, આજે એક ઉભરતા વાર્તાકાર તરીકે વાર્તા રસિકો અને સર્જકો તેમને સન્માને છે. જલસો પર તેમણે ‘ગુલાબી મોજડી’ અને ‘કંધોતર’ નામની બે વાર્તાઓ દિવાળી ઓડિયો અંક માટે મોકલી હતી. અને આ બંને ઉત્તમ વાર્તાઓનું જલસો દ્વારા વાચિકમ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ અનેક વાર્તા સ્પર્ધાઓમાં વિજેતા થયા છે. શિક્ષક તરીકે ફરજ બજાવતા આ વાર્તાકાર ભવિષ્યમાં એક ઉત્તમ સર્જક તરીકે ખ્યાતનામ થશે એવી તેમની સબળ કલમ છે.
આવા જ એક બીજા વાર્તાકાર એટલે ગિરિમા ઘારેખાન. આ નામ આજે ગુજરાતી સાહિત્યમાં ઘણું ચર્ચિત થઇ ચુક્યું છે. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા તેમના એક કરતા વધારે પુસ્તકો પુરસ્કૃત થઇ ચુક્યા છે. ઉત્તમ વાર્તાકાર તરીકે તેમણે ઘણી વાર્તાઓ લખી છે, જે આજે ભાવકો અને અભ્યાસીઓ પણ વખણાય છે. ‘શ્રદ્ધાના શિખરો’ અને ‘વાયા રાવલપીંડી’ તેમના નીવડેલા પુસ્તકો છે. જીવનની ઢળતી ઉંમરે લેખનની શરૂઆત અને તેમાં તેઓ ખુબ સફળ થયા છે. આજે તેઓ વાર્તાકાર, નવલકથાકર, કવિ અને બાળસાહિત્યકાર તરીકે ખુબ આદર ધરાવે છે.
જલસોએ યુવાનો માટે બહુ ઉપયોગી સરનામું રહ્યું છે. પછી એ સાહિત્યના ભાવકો હોય કે પછી સર્જકો. તેમના સાહિત્ય રસને પોસવા માટે જલસોએ ઉત્મોત્તમ સાહિત્ય સર્જન પીરસ્યું છે. એવા જ એક યુવાન હુકમસિંહ જાડેજા. બહુ નાની ઉંમરે તેમણે વાર્તાકાર તરીકે પોતે કેટલા શસક્ત છે તે ‘વાંઢોયો’ અને ‘રાતા પાણી’ વાર્તા લખીને સાબિત કરી દીધું. હજુ તો લખવાની શરૂઆત કરતા આ સર્જક ભરૂચ જેવા પ્રમાણમાં નાના શહેરમાંથી આવે છે. લખવાના શોખીન આ સર્જક વાર્તા ઉપરાંત ગીતો પણ લખે છે. બ્લોગિંગ, કવિતા, ચિત્રકારીન જેવી કલાના શોખીન આ વાર્તાકાર ભવિષ્યમાં ગુજરાતી સાહિત્યને ઉત્તમ વાર્તાઓ આપશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
જેમની કલમ પર ગુજરાતી સાહિત્યને બહુ આશા છે એવા એક વાર્તાકાર ડૉ.રંજન જોશી. જ્યોતિષ વિદ્યાના જાણકાર, સ્ટેજ સંચાલક, ફ્રી લાન્સ લેખક અને જાણીતા સામયિકોમાં કોલમ લેખન કરતા ડૉ.રંજન જોશી એ ગુજરાતી વાર્તા ક્ષેત્રે ઉભરતું નામ છે. ‘હાલરડું’ અને ‘દ્વંદ’ જેવી ઉત્કૃષ્ટ વાર્તા તેમણે લખી છે જે જલસો પર સુંદર રીતે પ્રસ્તુત થઇ છે. મૂળ તો શિક્ષક એટલે બાળકો પ્રત્યેનું વ્હાલ તેમના વ્યક્તિત્વમાં સહજ હોય એટલે જ કદાચ ‘હાલરડું’ જેવી ઉત્તમ વાર્તા લખી શક્યા હશે. ‘જસ્ટ બે મિનીટ’ એ તેમની ટૂંકીવાર્તાઓનું સંગ્રહ છે, જે ખુબ પ્રશંસા પામ્યો છે. તેઓ અને તેમના પતિ કમલેશ જોશી બંને સાહિત્યની સેવા કરતા રહે છે અને ઉત્તમ વાર્તાઓ લખે છે. તેમના પતિ કમલેશ જોશીની વાર્તાઓ પણ જલસો દિવાળી ઓડિયો અંકમાં રજુ કરવામાં આવી છે. All is well એ તેમની ખુબ જાણીતી વાર્તા આ જ નામે તેમને વાર્તાસંગ્રહ પ્રકાશિત કર્યો છે. કમલેશનું પુસ્તક ‘સાપસીડી’ પણ ખુબ જાણીતું બન્યું છે.
અહીં માત્ર અમુક જ વાર્તાકારોનો ઉલ્લેખ કર્યો છે. જલસો દિવાળી ઓડિયો અંકમાં રજની પટેલ, નરેશ બલદાણીયા જીગર બુન્દેલા, વંદના ભટ્ટ, ખુશાલી દવે જેવા સર્જકોની સશક્ત કલમે લખાયેલી વાર્તાઓ પણ છે. આ બધા જ સર્જકોની વાર્તાઓ જલસો દિવાળી ઓડિયો અંક 1 થી 5 માં ઉપલબ્ધ છે. જે આપ ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે સ્થિતિમાં સાંભળી શકો એટલું સરળ રીતે ઉપલબ્ધ છે.