ઋતુરાજ ‘વસંતઋતુ’નો વૈભવ
વૈવિધ્ય સભર રંગોનું એક્ય પ્રકૃતિમાં પ્રાંગર્યુ છે. રંગોને ખીલતા જોવાની મૌસમ છે ફાગણવંતી વસંતઋતુ. રંગોનું સૌથી વધુ વૈવિધ્ય પ્રકૃતિનાં એક મહત્વનાં અંગમાં ઉગ્યું છે અને તે છે રંગ બેરંગી ફૂલો. વસંતનો ટહૂકો મૌન રુપી ફૂલો છે. વિવિધરંગી ફૂલો વસંતનો વૈભવ છે. સાગર ઘુઘવાટા કરશે, વાયરો વૃક્ષોની ડાળીઓના ઘર્ષણથી વાશે. ઝાડવાની ડાળીએ બેસી પંખીઓ કલરવ કરશે. પ્રાણીઓનો અવાજ આપણું ધ્યાન ખેંચશે. પણ વૃક્ષોની સૌથી ટોચ પર ખીલેલા ફૂલો મૌન રહેશે. મૌન છે. ફૂલો કોઈ અવાજ નહીં, શોર નહીં કેવલ પોતાની મૂંગી ઉપસ્થિતિથી ખીલીને ખરી જવાનું.સુગંધ અને સુંદરતા તેમની વાચા છે. જે વસંત ઋતુમાં અભિવ્યક્ત થાય છે.
ઉનાળો બેસી ગયો છે. ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ ચાર મહિના વસંત અને ગ્રીષ્મ આખી પ્રકૃતિમાં નવચેતન ભરી દેશે. વસંતઋતુ આવતા જાણે પ્રકૃતિ પોતાનું નવું વર્ષ ઉજવીએ રહી હોય એવું લાગે. સ્વથી લઈને સર્વસ્વ સુઘી એક નૂતનતા જન્મે છે.
કોઈ પણ વ્યકિત સવારે પોતાનાં કામે નીકળશે અને રસ્તા પર આવતાં વૃક્ષોને જોઈને શાતા અનુભવશે. ગરમાળો અને કેસુડાનાં ફૂલોએ રસ્તાની સુંદરતા વધારી દીધી છે. બોરવેલ, કરેણ, ચંપો, બારમાસી, ફૂલોને જોઇએ તરત મન પ્રફુલ્લિત થઇ જાય.
સંસ્કૃતમાં રસ્તા માટે ગમી જાય એવો શબ્દ છે. ‘વીથી’. ‘વીથી’ એટલે બંને બાજુ વૃક્ષો હોય તેવો રસ્તો.
આમ તો જમાલપુરના ફૂલબજારમાં અને મંદિરોમાં ભગવાનની શ્રી મૂર્તિ પર બારેમાસ વધારે ફૂલોને ત્યાં જોઇએ. અત્યારે ફૂલોએ ઠેર ઠેર પોતાનું સામ્રાજ્ય પાથરી દીધું છે.
આ લાંબા દિવસો અને ટૂંકી રાતોમાં પૂરા દિવસમાં સૂર્ય દેવને પણ રંગોની પીંછીઓ દોડતી આવીને જતી રહેતી હોય એવું લાગે.તમે જો જો વસંત ઋતુનો પ્રભાતી સૂર્ય જાસુદનાં ફૂલ જેવો લાલાશ પડતો, બપોર પડતા ગરમાળા અને કરેણનાં ફૂલ જેવો અને સાંજે તો કેસુડાંનાં ફૂલ જેવો ઘટ્ટ કેસરિયો થઈને અસ્ત થાય છે. વસંતઋતુ ઋતુઓનો રાજા કહેવાય છે. વસંતઋતુ ભગવાન કૃષ્ણની વિભૂતિ તો છે જ પણ કૃષ્ણ જ આખી પૃથ્વીનાં વૃક્ષો, વનસ્પતિઓને પોષે છે એવું ભગવદ્ ગીતાનાં પંદરમાં અધ્યાયમાં અર્જુનને સંબોધીને કહે છે.
ફૂલોની આ ઋતુ વસંત જેમભગવાન કૃષ્ણને પ્રિય છે તેમ ભગવાન રામને પણ પ્રિય છે, કારણ કે ત્રેતાયુગમાં રામ અવતર્યા તે સમય વસંતઋતુનો છે. ચૈત્ર માસમાં બપોરનાં સમયે ભગવાન રામ અવતર્યા છે. રામચરિતમાં માનસમાં તુલસીદાસજી રામ જન્મની કથાને વસંત ઋતુનું જ નામ આપી દે છે.તેનાથી આગળ તુલસીદાસજી અધ્યાત્મ જગતનું ઉત્તમ સદ્ગુણ શ્રદ્ધા તત્વને વસંતઋતુ કહે છે.
અધ્યાત્મની કેડીમાંથી બહાર આવીને વસંતઋતુનાં બહારનાં વૈભવને નિહાળીએ તો ય કુદરત એટલો જ નજીક અનુભવી શકીએ એમ છીએ.
ફાગણ – ચૈત્રમાં ફૂલો આવ્યાં અને રંગો લાવ્યા. એટલે હોળી – ધુળેટીનો પર્વ આવ્યો. કૃષ્ણ મંદિરોમાં વસંત ઋતુ બેસતાં જ ભગવાન કૃષ્ણનો પુષ્પો અને ચંદનથી શૃંગાર કરવામાં આવે છે. ઘરે પણ નાના બાળકોને કેસૂડાંનાં ફૂલોથી નવડાવવામાં આવે. હજુય ગામડાઓમાં કેસુડાના ફૂલોને પાણીમાં બોળીને તેના રંગ બનાવી કેસુડાંથી ધૂળેટી રમવામાં આવે છે.
કેસુડાંની સુંદરતા ગુજરાતી કવિઓએ પણ પારખી ને આપણી કવિતામાં, લોકગીતોમાં અને લગ્નગીતમાં કેસુડો પોંખાયો છે.કવિ સુન્દરમ તો કેસૂડાને “ કામણગારો” કહે છે.
“ મને ફાગણનું એક ફૂલ આપો કે લાલ મોરા !
કેસૂડો કામણગારો જી લોલ
વતનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું રે લોલ
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ…
તો એવું જ બીજું અતિ પ્રસિદ્ધ ગીત કેસરીયા કેસુડાનો ઉલ્લેખ કરતુ બીજું એક ગીત યાદ આવે..
ફાગણ ફોરમ તો આયો !
ઋતુઓનો રાજા પેલો ફાગણ
આંગણ આવી અલબેલો લહેરાયો..
શિયાળો અને ચોમાસું આમ સર્વાધિક રીતે પોતાનું અખંડ સ્થાન જમાવી બેઠા છે પણ ઉનાળો એ હોડમાંથી બાકાત નથી કારણ કે ઉનાળાની બે પેટા ઋતુમાં એક તો ઋતુઓનો રાજા છે. વસંત અને ગ્રીષ્મના કિનારે ઉનાળાનો સુંદરતા,શીતળતા, નવી ઉર્જા લઈને પ્રવાહિત થાય છે.
ફૂલો સાથે મીઠાં ફળો કુદરતનની વધુ એક દેન છે. કેરી, રેણ, દ્રાક્ષ, સક્કર ટેટી, શેરડી, તરબૂચ રસદાર ફળો કેટલાં સ્મરણો રચે છે. બપોરે કેરીનો પરિવાર સાથે બેસીને ખાવાની મજા જ કંઇક અલગ છે. રાતે આઈસ્ક્રીમ ખાતાં ખાતાં દિવસભરનાં થીજી ગયેલા અનુભવો વાત વાતમાં પીગાળી મનનાં થાકને મિટાવી દે છે નિરાંતની નિદ્રા આપે છે.