લોકગીત એક ખાસ વિશેષતા ધરાવે છે. ગમે તે ભાષામાં તે અસરકારક જ નીવડે છે. આ લોકગીત લોક-સમાજમાંથી તેમના અનુભવે જ આવે છે.
ગુજરાતી લોકગીતોની વાત કરીએ, તો આપણે ત્યાં ગુજરાતી ભાષામાં ગુજરાતી ગીતો બાળક ગર્ભમાં હોય ત્યાંથી લઈને જન્મે અને જીવન જીવીને મૃત્યુ પામે ત્યાં સુધીના ગીતો ગવાય છે. સીમંતથી લઈને મરસીયા સુધીના ગીતોનો વૈભવ આપણી ભાષાને સમૃદ્ધ બનાવે છે.
માત્ર એટલું જ નહીં, આપણે ત્યાં ઋતુગીતો પણ ખુબ ગવાય છે. ખાસ કરીને ચોમાસાના ગીતોનો વૈભવ આપણી ભાષામાં લીલાશ ઉમેરે છે. આદિકવિ નરસિંહ મહેતાથી લઈને કવિ કાગ અને સાંપ્રત કવિઓએ પણ વરસાદ વિશે ખુબ લખ્યું છે.
નરસિંહ મહેતાના ગીતોમાં – વા વાયા ને વાદળ ઊમટ્યાં, મેહુલો ગાજે ને માધવ નાચે વગેરેનો સમાવેશ થાય છે. તો ગુજરાતી ભાષાના લોકપ્રિય કવિ રમેશ પારેખની કલમે – આકળવિકળ આંખ કાન વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે.
આવું જ એક અદ્ભુત ગીત લખ્યું છે કવિ કાગબાપુ એ. મેઘરાજા ધરતીને પરણવા આવે ત્યારે કેવો માહોલ હોય એની વાત દુલા ભાયા કાગ લખે છે. વાદળા ઘનધોર ઘેરાય અને વરસાદ પડું પડું થતો હોય એવે ટાંણે મધ્યરાત્રિએ જે મોર બોલતો હોય એ મોર ‘પિયુ… પિયુ…’ બોલતો હોય એવું સંભળાય. બપૈયો પણ વરસાદને આવકારતો હોય એમ ટહુકાના તોરણ બાંધે. આકાશમાં જાણે કાળા ડિંબાગ વાદળોની પાઘડી બાંધીને મેઘરાજા વરરાજા બનીને ધરતી પર ઉતરતાં હોય એવું લાગે. આપણાં રિવાજ પ્રમાણે પાછા વરરાજા આવે ત્યારે એના સામૈયા થાય, પણ અહીં કવિ જ્યારે પ્રકૃતિની વાત કરે છે ત્યારે ગીતના બીજા અંતરામાં તેઓ લખે છે કે,
એના હામૈયામાં કોરા જળના કુંભ, અને હામૈયા લઈ હાલી રે ગંગા ને ગોદાવરી રે લોલ.”
જેનો સ્વભાવ જ ભિનાશ છે , તે પાણી કોરું કેવી રીતે હોઈ શકે? જોકે મારા મતે કવિ કાગ અહીં કહેવા માંગે છે કે, વૈષ્ણવોમાં ભોગ બનાવતી વખતે અપરસની પરંપરા છે. મૂળ શબ્દ ‘અસ્પર્શ’ જેનું અપભ્રંશ અપરસ થયું છે. આ પરંપરામાં રસોઈ બનાવતી વેળા કાં તો ભીના કપડા અથવા જેનો કોઈએ પણ સ્પર્શ ન કર્યો હોય એવા કોરા કપડા પહેરવાનો રિવાજ હોય છે. એટલે આ સામૈયામાં કોઈ પણ અડ્યું ન હોય એવું જળ એટલે કોરા જળના કુંભની વાત કરવામાં આવી છે. વરાળ થઈને આકાશમાં ગયેલું પાણી વળી પાછું પૃથ્વી પર આવે છે. એ નદીઓમાં ભળે છે અને ભારતવર્ષની પવિત્ર નદીઓ આ કોરા જળને પોતાનામાં સમાવીને મેઘરાજાના સામૈયા કરે છે.
કોઈક રેકોર્ડીંગમાં કાગ બાપુ એટલે કે પદ્મશ્રી દુલા ભાયા કાગે લોકગીતોની વાત કરતા આ ગીતની વાત કરી હતી. આ ગીત આપણા લોકગીતોના વૈભવમાં ચાર ચાંદ લગાવે
છે.બોલ્યાં બોલ્યાં મધરાતુ ના મોર.. બાપૈયાએ દીધા રે વરના વધામણા રે લોલ.
વરરાજાનો કાળો પણ મીઠો વાન
માથલડે કંઈ શોભે વરને પીળી પીળી પાઘડી રે લોલ
વાદળીયું એ ઓઢ્યાં છે એવા રૂડા ચીર
વરરાજાને અંગે કંઈ નવરંગ ખેસ ભર્યો રે લોલ
પહેલું પહેલું મંગળિયું વરતાય
હેજી આભની અટારીએ વરરાજાની પાઘડી રે લોલ
એના હામૈયામાં કોરા જળના કુંભ
અને હામૈયા લઈ હાલી રે ગંગા ને ગોદાવરી રે લોલ.
આ ગીત લોકઢાળમાં સુંદર રીતે આદિત્ય ગઢવીએ ગાયું છે. જેનું સંગીત કીર્તન બ્રહ્મભટ્ટે આપ્યું છે.