રાવજી પટેલ એ એક વાર લખેલું કે, ‘મારી પાસે કવિતાનો નથી કશો નર્થ’ છતાં તેઓ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ કવિઓમાં ગણાય છે.
“દેહમાં પુરાયલું અસ્તિત્વ આ
ગમતું નથી.
મને કોઈ રાવજીથી ઓળખે
એય હવે ગમતું નથી.”
રાવજીથી ઓળખે એય ન ગમાડનાર રાવજી પટેલ, મૃત્યુના 55 વર્ષ બાદ પણ સાહિત્યપ્રેમીઓના દિલો દિમાગ પર તેમની રાવજી પટેલ તરીકેની ઓળખ અકબંધ રાખી શક્યા, એટલી સશક્ત તેમની કલમ હતી.
રાવજી પટેલ મૂળ તો ગામડાના માણસ. ગામની એ સંસ્કૃતિ, ખેતર, ખેતરના શેઢા, વગડો, ગામડાના માણસોની પ્રકૃતિ, કૃષિજીવન, ગ્રામ્યપરિવેશ તેમની નસેનસમાં વહેતા હતા. અને એ બધું પડતું મેલીને અભ્યાસ માટે અમદાવાદ આવવું પડ્યું હતું.. તેથી જ રઘુવીર ચૌધરી લખે છે કે, “રાવજીનો મુખ્ય અનુભવ વિખૂટા પડવાનો છે, ખેતર અને સ્વજનોથી વિખૂટા પડવાની વેદનાનો છે… એણે જે વેઠેલું એ માટે તો વરદાન જોઈએ. ઝેર પીને કોઈક મીરાંબાઈ જ ગાઈ શકે.” ઘરથી વિખુટા પટવાની વેદનાને એમણે શબ્દોના વાઘા પહેરાવીને કાગળ પર ઉતારી. રાવજી એટલે વેદનાની સરહદ સુધી જીવતા સર્જક. કેટકેટલા સપના જોયેલા? હજુ તો બી.એ. થઇ કૉલેજમાં પ્રોફેસર થવું હતું, રમણ અને બીજા ભાઈઓને ભણાવવાના હતા. વીસ વીઘામાંથી ગીરો મુકાઈ ગયેલી દસ વીઘા જમીન છોડાવવાની હતી, ખેતી કરતા પિતાજીનો ભાર ઓછો કરવો હતો. અરે સાહિત્યનો નોબેલ જીતવાનું સપનું પણ સેવેલું અને સામે મૃત્યુ રાહ જોઈ રહ્યું હતું!
વેદનાની વચ્ચોવચ ઉભેલા આ સર્જક પોતાની ક્ષયની પીડા વચ્ચે પણ પોતાની કૃતિ માટે કેટલા સચેત હતા એનો ખ્યાલ ‘મોલ ભરેલું ખેતર’માં મણિલાલ હ.પટેલે ટાંકેલા આ પ્રસંગથી આવે છે.
‘ઝંઝા’ લખાઈ ત્યારે રાતે ચિનુ મોદીના ઘરે જઈને કહે છે, “નવલકથા પૂરી થઈ ગઈ છે તે લઈ આવ્યો છું…!”
ચિનુ મોદી કહે છે, “મૂકીને જા કાલે વાંચી લઈશ.”
રાવજી કહે છે, “નહીં અત્યારે જ વાંચવી છે…! ને સવાર સુધી આખી નવલકથા ઝંઝા વાંચી સંભળાવે છે.”
રાવજી પટેલને અમર કરી દેનાર કૃતિ એટલે તેમનું આ આ ગીત.
‘મારી આંખે કુંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો’
આ ગીત સાંભળવા નીચેની લિંક પર ક્લિક કરવું. https://jalsounique.page.link/qxWRCmoZUyKHgD287
એ દિવસે રાવજીએ થોડા દિવસો પહેલાં જ રચેલું આ ગીત ફરીથી યાદ કરીને પોતાના ભાઈ રમણને લખાવ્યું હતું. રાવજી આછી હાંફ વચ્ચેય લગ્નગીતના લયમાં ગાવા મથતા હતા અને ભાઈ રમેશ આ ગીત લખી રહ્યા હતા. રાવજી પટેલ જે ગીતને લગ્નગીતમાં ગાવા માટે મથતા હતા એ ‘મૃત્યુ ગીત’ હતું. તેઓ મૃત્યુ ગીતને લગ્ન ગીતના ઢાળમાં લખે અને એ પણ એ વખતે જ્યારે તેમને ખબર હોય કે તેઓ હવે લાંબું જીવી શકવાના નથી.
પીડાને પ્રેમ તરીકે સ્વીકારનાર રાવજી વિશે મણિલાલ હ. પટેલ કહે છે એમ ‘તેમણે દુઃખ કે અભાવો માટે ક્યારેય આહ નથી કાઢી. રાવજીએ પીડાને પ્રેમ અને વેદનાને વ્હાલ તરીકે સ્વીકારી છે.
રાવજી પોતાની કવિતામાં જાણે કે મૃત્યુનો સ્વીકાર કરતો હોય એવું લાગે છે.
“પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ”
અને 10 ઓગસ્ટ 1968 ના રોજ માત્ર 28 વર્ષની વયે રાવજી પટેલનું અવસાન થયું. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાની કેડી કંડારનાર સુરેશ જોશી આ કૃષિ કવિએના નિધન વખતે લખે છે કે, “રાવજી જીવિત હતો ત્યારે મૃત્યુ સાથે પ્રેમીને જેમ ઝઘડતો હતો… જ્યારે રાવજીનું મૃત્યુ થયું ત્યારે મોત પોતે અનાથ થયું હતું”
જેના મૃત્યુથી મોત પોતે અનાથ થયું હતું એવા રાવજી પટેલની પુણ્યતિથિએ જલસો તમને વંદન કરે છે. તેમના ગીતો અને કવિતાઓ અમે જલસો પર સમાવી શક્યા છીએ એ અમારા માટે આનંદનો વિષય છે.