‘રસકવિ રઘુનાથનું અર્પણ ગુજરાતી રંગભૂમિનું કાયમનું સંભારણું છે. કવિ ! તમે રંગભૂમિને અતોનાત પ્રેમ કર્યો છે. તમારો આ પ્રેમ અમારી પેઢીને વારસામાં મળ્યો.’ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ વિશેનું આ વિધાન કવિ હરીન્દ્ર દવેનું છે.
જયારે મહાકવિ નાનાલાલે લખ્યું કે, ‘એક રઘુનાથ આવ્યા ને એમણે ગાયું : ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજ મહેલોમાં’ ને હજારો ગુર્જર નારીઓએ એને ઝીલી લીધું.’
‘રસકવિ એ ગાયું ને હજારો ગુર્જર નારીઓએ એને ઝીલી લીધું’ એવું ભલે ન્હાનાલાલ કહેતા પરંતુ હકીકતમાં ન માત્ર નારીઓ, પરંતુ હજારો ગુજરાતી નર – નારીઓએ આ અને તેમના બીજા અનેક ગીતોને ઝીલ્યા હતા.

સાક્ષરનગરી નડિયાદ ગુજરાતી ભાષાના અનેક મહાન સર્જકોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહ્યું છે. એ સર્જકોને પેદા કરતી ફળદ્રુપ જમીન પર આપણા ‘રસકવિ’ તરીકે જાણીતા રઘુનાથ બ્રહ્મભટ્ટનો જન્મ થયો હતો. સાક્ષરભૂમિમાં જન્મ્યા હોવાથી એ સાક્ષરોના સંસ્કાર જીવનમાં ઉતરે એ સ્વાભાવિક હતું. તેથી કવિતા અને નાટ્યલેખનમાં નાનપણથી જ સ્વાભાવિકપણે અભિરુચિ હતી. મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને ગોવર્ધનરામ ત્રિપાઠીનાં સાહિત્યસર્જનોએ એમને પ્રેરણા પૂરી પાડી. શરૂઆતમાં નાની નાની નાટક મંડળીઓ માટે એમણે નાટકો લખ્યાં. સંસ્કૃતના મહાન કવિ અશ્વઘોષનું ‘બુદ્ધચરિત્ર’ વાંચ્યું જેની તેમના પર ઊંડી અસર રહી. અને તેના પરથી તેમણે ‘બુદ્ધદેવ’ નામનું નાટક નાટક લખ્યું જે 1914માં મોરબીની આર્ય સુબોધ નાટક મંડળી દ્વારા ભજવાયું. આ નાટક સુપરહીટ નીવડ્યું.
નાટ્યમહર્ષિ તરીકે જાણીતા પ્રભુલાલ દ્વિવેદીએ કહેલું કે, ‘કવિના શરૂઆતના ત્રણેય Natako ખુબ સફળ રહ્યા. આ ખ્યાતિ કોઇપણ ઊગતા લેખકને અભિમાન આપે એવી છે. સદભાગ્યે કવિને અભિમાન તો ન આવ્યું, પણ નાટકો કવિતાપ્રધાન હતાં એટલે જીવનને કવિતાપ્રધાન કરી મુક્યું.’
અને એ કવિતાપ્રધાન તે એવા કે લોકો માત્ર નાટકમાં એમનાં Geeto સાંભળવા જતા. શૃંગાર રસના ગીતો તેમને શબ્દોની સુરુચિ સાથે એવા રચ્યા કે ક્યાંય છીછરાપણું ન આવ્યું. એકવાર ગુજરાતી નાટકના મહારથી કહેવાય છે એ ચં. ચી. મહેતાએ તેમના વિશે કહ્યું હતું કે, ‘કવિ રઘુનાથને ‘રસકવિ’નું બિરૂદ મળ્યું છે. આ નાટ્યલેખકે એકેય નાટક ના લખ્યું હોત અને ફક્ત ગીતો લખ્યાં હોત તો એમાંથી એવડો કાવ્યસંગ્રહ જરૂર થાત કે જેથી એ પોતાનું સ્થાન આપમેળે કોઇપણ પ્રતિષ્ઠિત કવિસંમેલનમાં પ્રાપ્ત કરી શકત.’
કોઈ Kavi કે ગીતકારના ગીતો કરતા પણ તેમના નાટકોના ગીતો વધુ લોકપ્રિય હતા. અમે કદાચ તેમનું સૌથી લોકપ્રિય ગીત કહેવું હોય તો આ કહી શકાય,
સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની;
ઊડશું જીવનમાં જોડાજોડ
પાંખો જેવી પતંગની.
આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી…
રંગમાં ભીંજી ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની,
સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની.
આ ગીત લખાયું એ સમયની સ્થિતિ જો તમે જાણતા હોવ તો તમને આ ગીત ઔર ગમવા લાગશે. આ ગીત લખાયું ત્યારે રસકવિ બીમાર હતા. નાટ્ય કંપનીના માલિક નકુભાઈ શેઠનું કહેણ આવ્યું કે કંપની ખૂબ જ ખરાબ હાલતમાં છે. બે મહિનાથી કોઈને પગાર ચૂકવાયો નથી. તેથી કોઈ સારું ગીત લખી આપો. તેથી આ ગીત લખવું જરૂરી છે. રસકવિને સ્ક્રિપ્ટ મળી, વાંચી, શરીરે ખૂબ તાવ હતો, પણ રસકવિ કોને કહ્યા! આવા તાવમાં પણ તેમણે યૌવનની પાંખે પ્રણયફાગ ખેલતાં યુગલ માટેનું ગીત લખ્યું. પછી તો આ ગીત એવું લોકપ્રિય થયું કે રંગભૂમિ પર ઇતિહાસ સર્જી નાખ્યો. ‘હંસાકુમારી’ નાટકમાં લેવાયેલું આ ગીત નાટકમાં રાત્રે એક વાગ્યે ને પાંચ મિનિટે શરૂ થતું, પણ ગીતને એટલા બધા વન્સમોર મળતાં કે છેક રાત્રે બે વાગ્યા સુધી આ જ ગીત ચાલતું. સ્ટેજ પર પૈસા અને ફૂલોનો ઢગલો થઈ જતો.
આ ગીત માટે ભરતપુરની જાટ કન્યા મીનાક્ષીને ખાસ તાલીમ આપવામાં આવેલી અને તેની પાસે ગુજરાતી શબ્દો ઘુંટાવી ઘુંટાવી એક ગુજરાતણના કંઠની હલક તૈયાર કરાવાયેલી. મીનાક્ષી અને મા. ભોગીલાલની આ જોડી ગીત ગાતી, વળી માસ્ટર મોહન જૂનિયરનું સંગીત સોનામાં સુગંધ ભળે તેમ ભળતું. આ બધાનો સમન્વય જ્યારે રંગમંચ પર થતો ત્યારે શ્રોતા આફરીન પોકારી જતા. ‘હંસાકુમારી’ નાટક લખેલું મણિલાલ પાગલે, પણ તેનાં ગીતો રસકવિની કલમે અવતરેલાં. વર્ષો સુધી આ નાટક શ્રી આર્ય નૈતિક નાટક સમાજે ભજવેલું અને તેનાં ગીતોને લીધે ખાસ લોકપ્રિય થયેલું.
તેમણે ‘સરસ્વતીચંદ્ર’ જેવા મહાનવલનું તેમણે નાટ્ય રૂપાંતર કર્યું. તેમણે પોતાની આત્મકથા “સ્મરણ મંજરી” પણ લખી છે , જેમાં તેમણે ગુજરાતી રંગભૂમિનાં સ્મરણો પણ લખ્યાં છે. ગુજરાતી રંગભૂમિ તેમને “વન્સ મોર” ની શ્રુંખલાના ગીતકાર તરીકે હંમેશા યાદ કરશે.