For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

રજનીકુમાર પંડ્યા માટે ‘કુંતી’ નવલકથા સફળ રહી કે પછી પીડાદાયક?

રજનીકુમાર પંડ્યા
રજનીકુમાર પંડ્યાને શત શત નમન

રજનીકુમાર પંડ્યા, ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ વાર્તાસર્જકોની અગ્ર હરોળમાં સ્થાન ધરાવતા મૂર્ધન્ય સાહિત્યકાર. ગુજરાતી સાહિત્યમાં અનેક અદ્ભુત વાર્તાકાર અને નવલકથાકાર થઇ ચૂક્યા છે જેમના સર્જનો બેનમૂન છે, જે સર્જકોએ ગુજરાતી ભાષાને અને ગુજરાતી સાહિત્યને નવી ઉંચાઈએ પ્રસ્થાપિત કરી છે. એવા સાહિત્યકારોમાંથી એક ખૂબ જ આદરણીય નામ એટલે શ્રી રજનીકુમાર પંડ્યા. વાર્તાલેખનમાં તેઓ સિદ્ધ છે. જયારે લેખક વાસ્તવિક દુનિયાની આજુબાજુની બધી જ ઘટનાઓ જે ત્રિપરીમાણીય સ્વરૂપમાં થઇ રહી છે તેને આત્મસાત કરી ચોથા પરિમાણમાં કે જે છે કાલ્પનિક પરંતુ વાસ્તવિકતાને પ્રદર્શિત કરે તેમાં કંઇક સર્જન કરે ત્યારે એક શ્રેષ્ઠ વાર્તાનું નિર્માણ થાય છે. આદરણીય રજનીકુમાર પંડ્યા આ સર્જનાત્મક શૈલીમાં સિદ્ધ છે. તેઓ ‘ચંદ્રદાહ’ વાર્તાની રચનાપ્રક્રિયા સમજાવતાં લખે છે કે,”મને હંમેશા ઘટનાની અવાંતરે પડેલી ઘટના અને તે પણ ચોથા જ પરિમાણમાં દેખાય છે.” (‘ચંદ્ર્દાહ’ પૃષ્ઠ ૨૬૩) અને આ વાત તો સર્વસિદ્ધ છે કે જેમને ચતુર્થ પરિમાણનો સાક્ષાત્કાર થયો તે આ ભવસાગર પાર કરી જ ગયો સમજો!

જલસોનો આદરણીય રજનીકુમાર પંડ્યા સાથે એક ખૂબ જ રસપ્રદ સંવાદ થયો હતો જે તેમના જૂજ સંવાદોમાંથી એક છે. આ સંવાદમાં તેમણે તેમના સમગ્ર જીવન વિશે, લેખનપ્રક્રિયા વિશે, તેમના સાહિત્યસફર વિશેની વાતો મુક્ત મને કરી છે. જયારે આ સંવાદ સાંભળીએ ત્યારે તેમના લેખન કૌશલથી વધુ ને વધુ પ્રભાવિત થઇ જવાય છે અને સાથે સાથે તેમની આંતરિક વિડંબનાઓને જયારે સાંભળીએ, તેમણે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તે કિસ્સાઓ સાંભળીએ તો જીવન જીવવા માટે સહેજ વધુ બળ પણ પ્રાપ્ત થઇ જાય છે. તેમના દરેક સાહિત્યસર્જન પાછળની કથા, તેમના અનુભવો પણ એટલા અદ્ભુત છે કે કદાચ જો તેને કલમથી ટાંકવાની કોશિશ કરીએ તો તે પણ એક અનન્ય, સુંદર સર્જનમાં પરિણમે.

રજનીકુમાર પંડ્યા વિશે

6 જુલાઈ 1938ના રોજ જેતપુર (સૌરાષ્ટ્ર)માં તેમનો જન્મ થયો. ગુજરાતી સાહિત્યને રજનીકુમાર પંડ્યાએ વિશદ પ્રમાણમાં સર્જનો પ્રદાન કર્યા અને તેમના દરેક સર્જનો વાચકવર્ગે ખૂબ વધાવ્યા. આજે પણ તેમની લિખિત વાર્તાઓ, નવલકથાઓ ને એટલું જ નહીં પરંતુ પહેલા છાપામાં આવેલ લેખોને પણ લોકો સંભારે છે, વાંચે છે. ‘કુંતી’, ‘પુષ્પદાહ’, ‘અવતાર’ જેવી અદ્ભુત નવલકથાઓ, ‘ચંદ્રદાહ’, ‘રંગબિલોરી’, ‘મનબિલોરી’ જેવા ઉત્કૃષ્ટ વાર્તાસંગ્રહો તેમણે આપ્યા છે અને આવા તો હજી અનેક સુંદર સર્જનો તેમના હસ્તે લખાયા છે. કોઈ લેખક આટલા વિપુલ પ્રમાણમાં સાહિત્યને ખેડે, તેમાંથી આવી ઉત્તમ કૃતિઓ સર્જે તેવું ભાગ્યે જ જોવા મળે છે.

તેમની વાર્તાઓ જીવનના રંગોને જે સુંદર છટાથી પ્રસ્તુત કરે છે કે તેને વાંચતા ક્યાંય કદાચ એમ વિચાર ન આવે કે સર્જક કોઈ આંતરિક પીડામાંથી પસાર થઇ રહ્યો હોય. આ સંવાદમાં તેઓ પોતાની તે પીડાને વ્યક્ત કરતા જણાવે છે કે તેઓ પ્રાધ્યાપક ન બની શક્યા એ તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતી. ‘મારા જીવનની મોટામાં મોટી ભૂલ હોય તો કે હું પ્રાધ્યાપક ન બની શક્યો. તે સમયે મેં કોમર્સ લીધું પણ એમાં મને બિલકુલ રુચિ નહોતી તેમ છતાં ક્યાંક આવડતથી સફળ રીતે તેને પાર પાડ્યું. ત્યારબાદ પ્રાધ્યાપક થવાની મને ઘણી ઈચ્છા થઇ, એટલે મેં B.A. કરવાનું નિર્ણય લીધો કે જેથી હું પ્રાધ્યાપક થઇ શકું. પરંતુ મારા જીવનમાં તે સમયે એવા તોફાનો થયા કે હું ચૂકી ગયો.’ આ વાત સાંભળતા અંદરથી એવું થાય કે ઉંમરના આ પડાવે પણ, આટલા સુંદર-અદ્ભુત સાહિત્યસર્જનો આપ્યા બાદ પણ જો તેમને આ રંજ પજવે છે તો એ કેટલો કપરો સમય હશે.

‘કુંતી’ નવલકથાની અદ્ભુત સફળતા પણ સાથે કેટલી યાતનાઓ?

આ સંવાદમાં તેમણે ‘કુંતી’ નવલકથા સાથે જોડાયેલો અત્યંત રસપ્રદ કિસ્સો પણ વર્ણવ્યો છે. ‘કુંતી’ એ તેમની અત્યંત લોકપ્રિય નવલકથા છે. તેમની નવલકથા ‘કુંતી’ સત્યઘટના પર આધારિત હતી – એવી સત્યઘટના, જેમાં રજનીકુમાર પોતે એક મહત્ત્વનું પાત્ર હતા. અનાથાશ્રમમાં તજી દેવાયેલો પુત્ર સ્વીડીશ દંપતી દ્વારા દત્તક લેવાયો ને યુવાન બન્યો, ત્યાર પછી તેની ગુજરાતી માતા પુત્રને જોવા ઝંખતી હતી. તે ઇચ્છા પૂરી કરવાની ભલા રાજ્યપાલ ને વડા પ્રધાન સુદ્ધાંએ સાફ શબ્દોમાં અશક્તિ દર્શાવી, ત્યારે રજનીકુમારે ‘ચિત્રલેખા’ના તંત્રી હરકિસન મહેતાના સંપર્કો અને તેમના હોસ્ટેલકાળના મિત્ર (ધીરુભાઈના નાના ભાઈ) નટુભાઈ અંબાણીની આર્થિક મદદથી મા-દીકરાની અશક્ય મુલાકાત શક્ય બનાવી.

આ ઘટનાક્રમનો આધાર લઈને તેમણે લખેલી સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા લેખક તરીકેની તેમની ઓળખ બની. નવલકથાનું પ્રકાશન થયું ત્યારબાદ વાચકવર્ગમાં તો તે સમયે ખૂબ લોકપ્રિય થઇ જ સાથે સાથે તેના ઉપરથી નિમેષ દેસાઈએ તે સમયે દૂરદર્શન ઉપર સિરિયલ પણ બનાવી અને તે પણ ઘણી ફેમસ થઇ. અને શું તમે માનશો કે બોલીવુડના મેગાસ્ટાર એક્ટર અને ડાઈરેક્ટર દેવાનંદ સાહેબે પણ આ નવલકથાને વખાણી? હા, દેવાનંદ સાહેબને પણ આ નવલકથાની વાર્તા એટલી બધી પસંદ પડી કે તેમણે રજનીકુમાર પંડ્યા સાહેબને પત્ર લખીને પ્રોત્સાહન આપ્યું, એટલું જ નહીં પરંતુ આ વાર્તા પરથી ફિલ્મ બની શકે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી. ફિલ્મ તો સંજોગોવશાત ન બની શકી પરંતુ એક ગુજરાતી નવલકથાને આટલી બધી રીતે સન્માન મળવું, લોકપ્રિયતા મળવી એ કેટલી મોટી વાત છે! પરંતુ આ નવલકથાએ રજનીકુમાર પંડ્યાજીને જેટલું સન્માન પ્રદાન કર્યું, જેટલી લોકપ્રિયતા અપાવી, સફળતા અપાવી, સુખ અપાવ્યું તેટલું જ પાછળથી તેમને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો પણ કરવો પડ્યો. આપ તે સમગ્ર કિસ્સાને જલસો સાથેના તેમના સંવાદમાં સાંભળી શકશો.

કઈ રીતે રજનીકુમાર સાહેબ સાહિત્યના તે યુગ કરતા અલગ પડતા સર્જક હતા?

ગુજરાતી સાહિત્યનો એ સમય કે જયારે લેખક સુરેશ જોષીનો યુગ કહેવાતો, લેખનમાં પ્રયોગશીલતા જાણે કે એક સામાન્ય ઘટના થઇ ચૂકી હતી, દરેક સર્જક નવા-નવા પ્રયોગો કરતા જણાતો. અમુક કૃતિઓ ખૂબ સફળ થઇ, અમુક સર્જકો વિશાળ વાચકવર્ગ સુધી પહોંચ્યા અને ઘણા સર્જકો ને તેમની કૃતિઓ ક્યાંક કાળ સાથે ખોવાઈ ગઈ. તે સમયે આદરણીય રજનીકુમાર પંડ્યાએ પોતાના વિચારો ઉપર, લેખન કૌશલ ઉપર વિશ્વાસ રાખી જે ખુદ છે બસ તેમ જ રહી સાહિત્ય સર્જન કર્યું અને એટલે જ આજે પણ તેમની કૃતિઓ અમર છે. ‘ચંદ્રદાહ’ એ તેમનું એટલું ઉત્તમ સર્જન છે કે કદાચ જો તેમણે આ એક વાર્તા જ સર્જી હોત તો પણ ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ વાર્તાકારોની હરોળમાં તેમનું સ્થાન સાધિકાર તેઓ પ્રાપ્ત કરી લેત.

વાર્તાની સૂક્ષ્મતા અને કલાત્મકતા વિશેની તેમની સમજ પાકી અને પાંડિત્યગ્રસ્ત પરિભાષાથી મુક્ત હતી. સર્જક તરીકે પરકાયાપ્રવેશ કરવું એ સર્જનાત્મકતાના શીર્ષ ઉપર આવતી કળા છે અને આ કળામાં રજનીકુમાર પંડ્યા સિદ્ધ હતા જેનું ઉત્તમ ઉદાહરણ ‘ચંદ્રદાહ’ વાર્તા છે. ‘ચંદ્રદાહ’, ‘ગુલાબી કાગળ’ જેવી કલ્પાંત કૃતિઓ તેમણે સર્જી છે તો સાથે સાથે ‘જુગાર’, ‘નક્કી’, ‘દસની નોટ’ જેવી સામાજિક સંદર્ભમય કૃતિઓ પણ તેમના ઉત્કૃષ્ટ સર્જનોમાં સ્થાન પામે છે. ખરેખરમાં તેમણે સર્જેલી દરેક કૃતિઓ ઉત્તમ છે.

રજનીકુમાર પંડ્યાની અન્ય કૃતિઓ

રોમાંચક સત્યઘટનાઓ પરથી રજનીકુમારે લખેલી નવલકથાઓ ‘અવતાર’ અને ‘ફરેબ’ પણ ટેલીવિઝનમાં ઉતરવા માટે ગઈ. તેમાંથી ‘અવતાર’ પરથી અરવિંદ જોષીએ નાટક બનાવ્યું. ‘પુષ્પદાહ’માં ફરી ‘કુંતી’ જેમ તેનું સ્વરૂપ નવલકથાનું,પરંતુ હકીકતમાં તો એ એક સાચી ઘટના. આ નવલકથામાં પતિ-પત્નીના છૂટાછેડાને કારણે બાળકોના મન પર થતી અસરની વાત નવલકથાના રસ સાથે ઉપસાવી.

તો આ છે આપણા ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા. તેમના જીવન વિશે, સાહિત્યસર્જન વિશે તો હજી ઘણું લખી શકાય એમ છે પણ કદાચ શબ્દમર્યાદા અહીં નડે છે. જલસો સાથેનો તેમનો સંવાદ અત્યંત રોચક છે, શારીરિક રીતે તે સમયે તેઓ બીમારીથી પીડાતા હતા પરંતુ માનસિક રીતે તેઓ તેટલા જ મક્કમ, સબળ હતા. 13 માર્ચે રાત્રે તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા અને 15મી માર્ચની રાત્રે તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી. પરંતુ તેમની કૃતિઓ, તેમના સર્જનો અમર છે અને અમર રહેશે જ. આદરણીય રજનીકુમાર પંડ્યાને શત શત નમન.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz