માતૃભાષા ગુજરાતીનો મહિમાગાન કરતી અદ્ભુત પંક્તિઓ
આવ ગિરા ગુજરાતી ! તને અતિ શોભિત હું શણગાર સજાવુ..
કવિ દલપતરામની આ નાનકડીમાં પંક્તિમાં પોતાની માતૃભાષા ગુજરાતી ભાષાને કેવા લાડ લડાવે છે? અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રહરી કવિ દલપતરામ 1845માં બાપાની પીપર કવિતા લખે છે, અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અર્વાચીન સાહિત્ય તરફ પગરવ માંડે છે. માતૃભાષા ગુજરાતી મધ્યકાળથી આધુનિકતા તરફ ડગ માંડી રહી હતી ત્યારે ગુજરાતી ભાષાને એક ઝુઝારું કવિ, લેખક મળ્યા. એ વ્યક્તિ એટલે વીર નર્મદ. જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત જેવી કવિતા કરનાર નર્મદે ગુજરાતી ભાષાની અનન્ય સેવા કરી.
ગુજરાતી ભાષાને પ્રથમ કોશ, નિબંધ, આત્મકથા અને ગદ્ય આપનાર આ નર્મદ ગુજરાતી ભાષાના પ્રથમ પ્રહરી હતા એમ કહીએ તો જરાય ખોટું નથી. નર્મદ – દલપતરામ ગુજરાતી ભાષાને ધાર્મિકતામાંથી પ્રશિષ્ટતા તરફ લઇ ગયા.
આજે જયારે ‘ગુજરાતી ભાષા લુપ્ત થતી જાય છે.’ એવા વિધાન સતત સંભળાતા હોય ત્યારે ગુજરાતી ભાષાના એ સર્જકોને યાદ કરી લેવા જોઈએ, જેમના અથાક પ્રયત્નો, ભાષા માટેની મમતના કારણે જે સર્જન કરીને ગયા એ સર્જન ક્યારેય આ ભાષાને લુપ્ત નહિ થવા દે.
‘ગુજરાતી રાણી વાણીના વકીલ’ એવું કહેનાર દલપતરામની ગુજરાતી ભાષા થોડી લુપ્ત થાય! ગુજરાતી રાણી વાણીના વકીલ એ પછી તો અનેક સર્જકો થયા. જેમણે ગુજરાતી ભાષામાં સર્જન કરીને આ ભાષાને અમર કરી. એવા જ એક કવિ રઈશ મનીયાર શું કહે છે?
મેં તારા નામનો ટહૂકો અહીં છાતીમાં રાખ્યો છે,
ભૂંસાવા ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે,
મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ
હજુયે મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.
તારા નામનો ટહુકો છાતીમાં રાખ્યો છે, ભૂંસાવા ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે. અને અંતે તો કહે છે મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. આજે ગુજરાતીઓ દુનિયાભરમાં વ્યાપ્યા છે છતાં તેમનો ધબકારો તો ગુજરાતીમાં જ રાખ્યો છે. અને વિદેશમાંથી આવતા કોઈને ગુજરાતી ન સમજાય એમને કવિ ખલિલ ધનતેજવી જવાબ આપે છે,
વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી.!
પોતાની સૌથી સરળ વાત પણ ન સમજાય એ ગુજરાતી જ નથી! જ્યાં હરદ્વાર ગોસ્વામી ગુજરાતી ભાષા માટેની પોતાની પ્રતિબદ્ધતા કેવી રીતે વ્યક્ત કરે છે!
દૂધ નહીં તો પાણી દે, ડોલ મને કાં કાણી દે;
તગતગતી તલવારો દે, યા ગુજરાતી વાણી દે.!
જ્યાં ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ – ગીતકાર વિનોદ જોશીએ બહુ સુંદર પંક્તિ લખી છે.
એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી; હું ને મારી ભાષા બન્ને ગુજરાતી ! –
હું ને મારી ભાષા બંને ગુજરાતી છીએ એનાથી મારી છાતી ગજગજ ફૂલી રહી છે. જ્યાં કવયિત્રી શબનમ ખોજાએ સુંદર પંક્તિ લખી છે. ગુજરાતી ભાષા, માતૃભાષા કે ગુજરાતી વિશે કંઈપણ વાત થાય ત્યારે ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ નામ ઉમાશંકર જોશી પહેલા યાદ આવે. તેમની વિશ્વ પ્રસિદ્ધ પંક્તિ
સદા સૌમ્ય શી વૈભવ ઉભરાતી
મળી માતૃભાષા મને ગુજરાતી…
માતૃભાષા ગુજરાતી મળી ત્યારે ત્યારે એનું ગૌરવ હોવું જ જોઈએ. એ ગૌરવના ગાન કરતા અમે જલસો જેવી અદ્ભુત એપ્લીકેશન ચલાવી રહ્યા છીએ. જેમાં ગુજરાતી ભાષાની 500 જેવી અદ્ભુત વાર્તાઓ, એ વાર્તા પણ કોની? ઝવેરચંદ મેઘાણી, જયંત ખત્રી, ચંદ્રકાંત બક્ષી, વર્ષા અડાલજા અને ચુનીલાલ મડિયા જેવા મૂર્ધન્ય સર્જકોની. 1000 કરતા વધુ કવિતાઓ પણ કવિના સ્વમુખે. કવિ હરીશ મીનાશ્રુ, રાજેન્દ્ર શુક્લ, જવાહર બક્ષી, રાજેશ વ્યાસ મિસ્કીન અને મણિલાલ હ. પટેલ જેવા મૂર્ધન્યની કવિઓની કવિતાઓ એપ પર ઉપલબ્ધ છે. ગુજરાતી ભાષાના અનેક ગીતો અને પોડકાસ્ટ પીરસતી આ જલસો એપ માતૃભાષા ગુજરાતીના પ્રચાર અને પ્રસાર માટે કામ કરતી પ્રથમ એપ છે.