ભાગ્યેશ જહા લખે છે,
SMS કરવાનું બંધ કરો શ્યામ! હવે રૂબરૂમાં આવવાનું રાખો.
વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યાં છે, મોરલી મોબાઇલ જેવી રાખો.
ગુજરાતી ભાષાને ઘણાં એવા સર્જકો મળ્યા છે, જેઓ વ્યવસાયે સરકારી અધિકારીઓ હોય. ઘણાં પ્રથમ હરોળના કવિઓ અને લેખકોનો આ યાદીમાં સમાવેશ થાય છે.

ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં એક સમયે તેઓ સૌથી વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યા છે. ભાગ્યેશ જહાએ ગુજરાતી સાહિત્યની સેવા એક ઉત્તમ કવિ અને નિબંધકાર તરીકે કરી છે. તેમની સંસ્કૃત ભાષા અંગેની સમજ અને જ્ઞાન પણ સરાહનીય છે. સાથે સાથે અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ પણ ખૂબ જ સરસ છે.
કવિ ભાગ્યેશ જહા ગાંધીનગર જિલ્લાના નારદીપુર ગામે 18 ફેબ્રુઆરી, 1955ના રોજ જન્મ્યા હતા. આજ પર્યન્ત તેમની સાહિત્યની સેવા અવિરત ચાલુ છે.