નિનુ મજુમદાર એ ગીતકાર-સંગીતકાર અને ગાયક એ ત્રણે કલાનું કોમ્બિનેશન હતા. આ માટે જ અવિનાશ વ્યાસે તેમને `બિલિપત્ર’નું બિરુદ આપ્યું હતું. ઉસ્તાદ ફૈયાઝખાં તથા ઉત્સાદ ઇમામ અલીખાંના શિષ્ય નિનુ મજમુદાર વડોદરાના જમીનદાર નાગર કુટુંબનું સંતાન હતા. તેમનું મૂળ નામ નિરંજન મઝુમદાર હતું.
તેમણે અનેક હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. રવીન્દ્ર સંગીત જાણતા નિનુ મજુમદાર એ લોકસંગીતમાં સંશોધન કર્યું છે અને સૂરદાસ તથા અન્ય સંતકવિઓની રચનાઓ પણ સ્વરબદ્ધ કરી છે. તેમણે બાંસુરીવાદનના કાર્યક્રમો આપ્યા છે. તેમની રચનાઓમાં સંગીતના ઊંડા રસની અભિવ્યક્તિ અને અગાધ જ્ઞાન જોવા મળે છે. ચાળીસના દાયકામાં નિનુભાઈનો અવાજ હિન્દી ફિલ્મોમાં સાંભળવા મળે છે.
સરદાર અખ્તર સાથે ‘ઉલઝન’માં, અમીરભાઇ કર્ણાટકી સાથે ‘પરિસ્તાન’માં અને મીનાકપૂર સાથે ‘ગોપીનાથ’માં તેમણે ગીતો ગાયાં છે. રાજકપૂરની સૌપ્રથમ ફિલ્મો ‘જેલયાત્રા’ અને ‘ગોપીનાથ’માં તેમણે સંગીત નિર્દેશન કર્યું છે. ફિલ્મ ‘ગોપીનાથ’ માટે એમણે લખેલું ગીત – આઇ ગોરી રાધિકાને શબ્દોમાં સહેજ ફેરફાર કરીને એ જ તરજ સાથે ફિલ્મ ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં લેવામાં આવ્યું હતું. એ ગીત હતું – યશોમતી મૈયા સે બોલે નંદલાલા. બાળકો માટે તેમણે સંખ્યાબંધ સંગીતનાટિકાઓ અને ગીતો લખ્યાં છે. રાષ્ટ્રીયસ્તરે પણ એમનું ગીત – આકાશગંગા સૂર્ય ચંદ્ર તારા સંધ્યા ઉષા કોઇનાં નથી – પસંદગી પામ્યું છે, તે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. રાષ્ટ્રીય સમારોહ માટે જુદી જુદી ભાષાઓમાંથી સર્વશ્રેષ્ઠ રચનાઓની પસંદગી સરકાર દ્વારા થતી હોય છે તેમાં ગુજરાતી ભાષામાંથી નિનુભાઇની આ રચના પસંદ થઇ છે.
1954થી નિનુભાઈએ ઓલ ઈન્ડિયા રેડિયો – મુંબઈ માટે 20 વર્ષ સુધી લાઈટ મ્યૂઝિક પ્રોડ્યુસર તરીકે સેવાઓ આપી હતી. ઓખાહરણ અને શરદપૂનમ જેવી ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે સંગીત આપ્યું છે.નિનુ મજુમદાર અને તેમનો સમગ્ર પરિવાર શબ્દ અને સૂર સાથે જોડાયેલો છે.
નિનુભાઈ હવે હયાત નથી પણ એમના ઘરનો સૂરવૈભવ આજે પણ સમૃદ્ધ છે. નિનુભાઈના પત્ની કૌમુદી મુન્શી (પ્રખ્યાત ગાયિકા), ત્રણ દીકરીઓ રાજુલ મહેતા (ગાયિકા), સોનલ શુકલ (સોશિયલ એક્ટિવિસ્ટ), મીનળ પટેલ (અભિનેત્રી) તથા સૌથી નાનો દીકરો ઉદય મઝુમદાર (સ્વરકાર-ગાયક) છે, જેઓ પણ ગુજરાતી ગીત-સંગીતની દુનિયામાં સારી નામના મેળવી ચૂક્યા છે.
જલસો પર અમે નિનુ મજુમદારના ઘણા ગીતો રજુ કર્યા છે. નિનુ મજમુદારના સુપુત્ર ઉદય મજમુદાર અને કૌમુદી મુનશીના ગીતો પણ જલસો પર ઉપલબ્ધ છે.