ગુજરાતી સાહિત્યને સમયના ફલક પર જોઈએ, તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમય ઘણો જ લાંબો રહ્યો છે. મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં ભક્તિને વધુ મહત્ત્વ અપાયું છે. ભક્તિકવિઓ આ સમયગાળામાં જ વધારે થયા છે. આદિકવિ નરસિંહ મહેતાથી શરૂ થયેલી આ પ્રણાલી દયારામ પાસે આવીને અટકે છે.
દયારામ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ કવિ હતા. તેઓ ગરબી સાહિત્યના પ્રથમ અને પર્યાયરૂપ સર્જક રહ્યા છે.
દયારામનો સમયગાળો ઇ.સ. 1777થી 1853 સુધીનો ગણવામાં આવે છે. દયારામના સાહિત્યમાં મોટેભાગે પુષ્ટિમાર્ગને અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે. દયારામ એ નરસિંહ મહેતા અને મીરાંબાઈની સાથે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલનના અગ્રણી યોગદાનકર્તા ગણાય છે.
દયારામનો જન્મ 16 ઑગસ્ટ, 1777ના રોજ નર્મદા નદીને કિનારે આવેલા ચાણોદમાં થયો હતો. તેઓ નાગર બ્રાહ્મણ પ્રભુરામ પંડ્યાના બીજા પુત્ર હતા. તેમની મોટી બહેન ડાહીગૌરી અને નાનો ભાઇ મણીશંકર 9 અને 2 વર્ષની વયે જ અવસાન પામ્યા હતા. તેમના પિતા કારકૂન હતા. દયારામે બહુ અલ્પ માત્રામાં શિક્ષણ લીધું હતું અને તેમને વૈષ્ણવ મંદિરમાં ભજન ગાવામાં રસ વધારે હતો. તેમના લગ્ન બાળપણમાં થયા હતા. પરંતુ તેમના પત્ની લગ્નના બે વર્ષ પછી મૃત્યુ પામ્યાં. બાદમાં તેમણે બીજા લગ્ન કર્યા, પરંતુ તે તેમના પિતાનું અવસાન થવાથી ટક્યા નહી. બે વર્ષ પછી તેમની માતાનું પણ અવસાન થયું. તેઓ ચાણોદ અને ડભોઇમાં તેમના સગા-સબંધીઓનાં ઘરે રહેતા હતા. દયારામે ભારતભરમાં વૈષ્ણવ સંપ્રદાયનાં મહત્વનાં સ્થળોની મુલાકાત લીધી હતી. ઇચ્છારામ ભટ્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓ ધાર્મિકવૃત્તિ તરફ વળ્યા હતા. વિક્રમ સંવત 1858માં તેઓ વલ્લભ મહારાજ થકી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયા અને વિક્રમ સંવત 1861માં સંપૂર્ણ રીતે પરોવાઈ ગયા હતા.
દયારામનું મોટાભાગનું સર્જન ગરબી સ્વરૂપે છે. તેમની કુલ રચનાઓ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. તેમની કુલ રચનાઓની સંખ્યા 87 જેટલી કહેવાય છે.
તેમની કેટલીક જાણીતી કૃતિઓ:
-
શ્યામ રંગ સમીપે ન જાઉં
-
હવે સખી નહીં બોલું,
-
ઓ વ્રજનારી!.