“જેલ-ઓફિસની બારી”
ઝવેરચંદ મેઘાણીનું આ પુસ્તક એક એવા વિષય ઉપર આધારિત છે કે જે ખૂબ લખાયું નથી પરંતુ જો તે વિષયને વિસ્તૃત માં વાંચીએ કે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે સૌ તે વિષય સાથે ઘણો મજબૂત જોડાણ અનુભવાય છે. અહીં વાત થાય છે જેલની, જેલમાં થયેલા અનુભવોની. સ્વતંત્રતાની ચળવળ સમયે જેલમાં, જેલ ઉપર સાહિત્યનું ખૂબ ખેડાણ થયું. કારાવાસ એક એવું સ્થળ હતું કે જ્યાં માનવી દરેક પ્રકારના અનુભવોને પ્રત્યક્ષ રીતે અનુભવતું, દરેક લાગણીને જીવતું. પીડક-પીડિત ની દ્રષ્ટિએ ખૂબ લખાયું છે પરંતુ આ પુસ્તકમાં વાત થઇ છે માનવ-સંવેદનાની અને તે અનુભવોની કે જે માત્ર જેલમાં જ અનુભવી શકાય છે. તેમાંનો જ એક ખૂબ કરુણ અનુભવ એટલે ‘મુલાકાત’. ઝવેરચંદ મેઘાણી તે સમયે જયારે ખુદ કારાવાસમાં ૧૧ મહિના માટે કેદી થયા તે સમયના ઘણા અનુભવોને આ પુસ્તકમાં આલેખ્યાં છે. પરંતુ એવું નથી કે માત્ર એક જ જેલની વાત હોય, અનેક કારાગૃહના અલગ અલગ અનુભવોનું પણ ‘જેલ ઓફિસની બારી’ પુસ્તકમાં ચિત્રણ કરવામાં આવ્યું છે. ઝવેરચંદ મેઘાણીને તેમના કારાગૃહના સમય દરમિયાન કારકુન તરીકે કામ મળ્યું અને ત્યારે તેમણે જેલની દરેક દિવાલો અને તેમની વચ્ચે ઉપજાતી સંવેદનાઓને લખાણમાં અદ્ભુત રીતે ફેરવી. જેલ-ઓફિસની બારી એ જેલની અંદરની દુનિયા અને બહારની દુનિયા વચ્ચેના મેળાપનું એકમાત્ર સ્થાન હોય છે, ત્યાં થતી કરુણ મુલાકાતો, કેદીનો આવેશ, કર્મચારીઓની ક્યાંક સંવેદનાશીલ પ્રતિક્રિયા તો ક્યાંક નિષ્ઠુર વર્તણુક તે જીવનમાં ક્યાંય ન થાય તેવા અનુભવો હોય છે. “જેલ-ઓફિસની બારી” પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીએ આ અનુભવોનું-વાર્તાલાપોનું ખૂબ જ સુંદર ચિત્રણ કર્યું છે. સાંભળો આ સંપૂર્ણ પુસ્તકને Audio Format માં માત્ર જલસો એપ્લિકેશન પર.
“રા’ગંગાજળિયો”
મેઘાણી સાહેબે લોકસાહિત્યમાં અને ઈતિહાસમાં ખૂબ ખેડાણ કર્યું છે. આજે ગુજરાતી લોકસાહિત્ય જીવંત છે, તેમાં ઝવેરચંદ મેઘાણીનું યોગદાન વિશિષ્ટ છે. ‘સૌરાષ્ટ્રની રસધાર’ હોય કે પછી ‘સોરઠી બહારવટિયા’ ને એવા તો અનેક પુસ્તકો જે મેઘાણી સાહેબે લોકસાહિત્યને આલેખતા લખ્યા છે તે તમામમાં ઈતિહાસ અને લોકસંસ્કૃતિ માત્ર શબ્દોમાં નહીં પરંતુ અનુભવોમાં પણ છલકાય છે. તેવું જ એક પુસ્તક છે “રા’ગંગાજળિયો”. મેઘાણી સાહેબે સોરઠ વિસ્તાર અને તેના ઈતિહાસનું ખૂબ જ નજીકથી વિશ્લેષણ કર્યું છે. ૧૪૦૦મી સદીમાં થઇ ગયેલા જૂનાગઢના રા’માંડળિક એટલે કે જે ગંગાજળિયો તરીકે ઓળખાતો, તેમના ઉપર અને તે સમયના ઈતિહાસ ઉપર લખાયેલી પુસ્તક એટલે “રા’ગંગાજળિયો”. તેમનું ગંગાજળિયો નામ કેમ પડ્યુંથી લઈને તે સમયના જૂનાગઢના રાજપાઠ, ગુજરાતમાં શરુ થયેલા સુલતાનકાળને આ પુસ્તકમાં ખૂબ જ અદ્ભુત રીતે સમજી શકાય છે. અસલ કાઠિયાવાડી બોલી ને તેમાં પાત્રોનું એવું વર્ણન જાણે કે વાંચતાની સાથે જ આંખોની સામે તરી આવે એ આ પુસ્તકને વિશિષ્ટ બનાવે છે. સાથે સાથે તે સમયના ઈતિહાસ, હમીરસિંહ ગોહિલની વીરતા, નરસિંહ મહેતાની ભક્તિ વગેરે ખૂબ સુંદર રીતે આલેખ્યા છે. ગુજરાતના ઈતિહાસ અને સોરઠની લોકકથાઓને સમાવતી ઝવેરચંદ મેઘાણીની એક ઉત્કૃષ્ટ રચના “રા’ગંગાજળિયો” ને સાંભળો Audiobook સ્વરૂપે માત્ર જલસો એપ્લિકેશન પર.
“માણસાઈના દીવા”
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કલમે સાહિત્યના લગભગ દરેક પ્રકારો ખેડાયા છે અને તેમાનું જ એક છે જીવનચરિત્ર. “માણસાઈના દીવા” તેવી જ એક જીવનચરિત્ર ઉપર લખાયેલી પુસ્તક છે અને તેમાં વાત થાય છે રવિશંકર મહારાજની. રવિશંકર મહારાજ એક એવું વ્યક્તિત્વ કે જેમણે સમાજ માટે અને લોકકલ્યાણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. જયારે એક બાજુ અંગ્રેજોથી આઝાદી મેળવવા સમગ્ર દેશમાં ચળવળ ચાલી રહી હતી તે જ સમયે આંતરિક દુષણો અને કુપ્રથાઓથી પણ આઝાદી મેળવવા પણ એક લડત ચાલતી હતી જેના અનેક અગ્રણીઓ હતા અને તેમાંના એક રવિશંકર મહારાજ. ઊંચ-નીચના ભેદભાવ, ગરીબાઈ અને સ્ત્રીઓ માટેના કલ્યાણ માટે તેમણે અનેક ક્રાંતિકારી પગલાઓ લીધા. આમ ઝવેરચંદ મેઘાણીએ મહારાજ સાથે બહુ સમય નહોતો પસાર કર્યો છતાં જયારે આપણે “માણસાઈના દીવા” પુસ્તકને વાંચીએ-સાંભળીએ ત્યારે મહારાજની દરેક વાત ખૂબ જ સ્પષ્ટ રીતે અનુભવાય છે. મેઘાણી સાહેબ માટે કહેવાતું કે તેઓ માત્ર સોરઠ ભૂમિને માટે જ ધ્યાનમાં લઈને પુસ્તકો લખતા પરંતુ આ પુસ્તકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની સંસ્કૃતિ અને ભાષાને આલેખીને સંપૂર્ણ પુસ્તક લખાઈ છે. જલસો એપ્લિકેશન પર આ સંપૂર્ણ પુસ્તકને તમે Audio Format માં સાંભળી શકશો.
“કાળચક્ર”
૧૯૪૩માં “પ્રભુ પધાર્યા” લખ્યા પછી છેક ત્રણુ વર્ષે ૧૯૪૬માં ઝવેરચંદ મેઘાણીએ એક નવી નવલકથા લખવાની શરૂઆત કરી હતી અને તે હતી “કાળચક્ર”. તબિયત બરાબર ન રહેતી હોવાથી તેઓએ તે સમયે લખવાનું ખૂબ ઓછું કરી દીધું હતું. માત્ર સાપ્તાહિકના આર્ટિકલ્સ લખવાનું જ તેમનાથી બનતું હતું. પરંતુ લડાઈ, કાળાબજારી, દુકાળ, લોક્ક્રાંતિ, આઝાદીની ચળવળો સાથે જોડાયેલા કિસ્સા અને આવી અનેક ઘટનાઓ તેમના મનમાં રહેતી જેના ઉપર તેઓ લખવા ઇચ્છતા હતા અને આ મુદ્દાઓને સંકેલતી તેમની એક રચના એટલે “કાળચક્ર”. ૧૯૪૬માં એમણે જયારે લખવાની શરૂઆત કરી ત્યારે માસિક રીતે એક પ્રકરણ લખતા અને તેમને “ઊર્મિ”માં છાપતા પણ ખરા. પરંતુ માર્ચ ૧૯૪૭માં લાંબી બીમારીથી તેમનું અવસાન થયું અને આ નવલકથા અધૂરી રહી. છતાં આ નવલકથા વાચક ઉપર ખૂબ પ્રભાવ ધરાવે છે. ૧૯૪૨ની લોક્ક્રાંતિની ચળવળોનો પણ આમાં તેમણે સમાવેશ કરવાનું ધાર્યું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ અંતિમ નવલકથા “કાળચક્ર”ને સાંભળો માત્ર જલસો એપ્લિકેશન પર.
“તુલસી-ક્યારો”
સોરઠની પૃષ્ઠભૂમિ પર આધારિત ખૂબ જ અદ્ભુત નવલકથા એટલે “તુલસી-ક્યારો”. “વેવિશાળ”ની જેમજ “તુલસી-ક્યારો” પુસ્તકના પ્રકરણો લેખ સ્વરૂપે સાપ્તાહિક રીતે ‘ફૂલછાબ’માં આવતા. આંતરિક કોઈક સમસ્યાને લીધે તે પૂર્ણ ન થઇ શકી અને તેના અંતિમ ચાર પ્રકરણો તેમાં પ્રકાશિત ન થયા. પરંતુ વાચકો આ સમગ્ર શ્રેણી સાથે ખૂબ જ પ્રભાવિત થયા. તેમના ઘણા પત્રો આવ્યા કે આ લેખનો અંત આપવો જોઈએ, ઘણા પત્રોમાં તો કેવો અંત હોવો જોઈએ તે પણ વાચકોએ નિર્દેશ કર્યો. એક ગામડાની અભણ સ્ત્રી કેટલું અદ્ભુત બુદ્ધિચાતુર્ય ધરાવે છે તે આ પુસ્તકમાં ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. પુસ્તકના અમુક પાત્રો માટે તો વાચકોને ખૂબ પ્રશ્ન થતા કે આ મેઘાણી સાહેબે કોને ધ્યાનમાં લઈને લખ્યા હશે પરંતુ તે તો મેઘાણી સાહેબના બનાવેલા વૈચારિક પાત્રો હતા. ઘણા વાચકોએ પુસ્તક વાંચ્યા બાદ તે પાત્રોના લીધે માઠપ પણ અનુભવી. તળપદી ભાષા અને સોરઠ ભૂમિનો રંગ આ સમગ્ર રચનામાં ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત થાય છે. વેવિશાળમાં એક વૈશ્ય પરિવારની વાત થાય છે તો તુલસી-ક્યારો પુસ્તકમાં એક બ્રાહ્મણ પરિવારની. સૌરાષ્ટ્રના રંગ અને સમાજની અનેક વાતોને આલેખતી આ નવલકથા એટલે કે “તુલસી-ક્યારો”. ઝવેરચંદ મેઘાણી “શબ્દોના સોદાગર’ ઉપનામથી પણ જાણીતાં છે અને તે વાત આ સંપૂર્ણ પુસ્તકમાં, તેમનાં લખાણમાં દરેક શબ્દ ઉપર અને દરેક વાતમાં અનુભવી શકાય છે. સાંભળો Audiobook સ્વરૂપે માત્ર જલસો એપ્લિકેશન પર.