For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

ઝવેરચંદ મેઘાણી ચારણોના ટપાલી કેમ કહેવાયા?

ઝવેરચંદ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી ચારણોના ટપાલી કેમ કહેવાયા?

“ઘટમાં ઘોડા થનગને આતમ વીંજે પાંખ,

અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.”

સંપાદક, અનુવાદક, અનુસર્જક, સર્જક, લોકકવિ જેવી અનેક ઓળખ ધરાવનાર ઝવેરચંદ મેઘાણીની સર્જન યાત્રા બહુત વિશાળ છે. ‘યુગવંદના’ તેમનો કાવ્યસંગ્રહ છે. ‘સૌરાષ્ટ્રની રસધાર’ તેમનો અનન્ય ગ્રંથ છે.

લેખક તરીકેની તેમની કલમને કાગ બાપુના શબ્દોમાં કહીએ તો,

“હાથ વખાણાં હોય કે વખાણું દિલ વાણિયા,

કલમ વખાણું હોય કે તારી જીભ વખાણું ઝવેરચંદ”.

લેખકનાં પનોતા હાથ, તેમનો લોકજીવનમાં ઓતપ્રોત જીવ, અદ્ભુત કલમ અને તેમની વાતને રજૂ કરવાની રીત અનોખી હતી. મનમાં જે હતું તે જ કલમ અને જીભ પર આવ્યું. જેમ સાધુ મન, વચન અને કર્મથી એક હોય તેમ મેઘાણીની જીવનયાત્રા અને સર્જનયાત્રાનો સુર એક જ હતો.

‘શબ્દોનાં સોદાગર’ મેઘાણી સાહેબ તેમના સમયના લોકપ્રિય સાહિત્યકાર તો હતા જ પણ તેમની અનોખી બોલી, પ્રખર યાદશકિતનો એક કિસ્સો જાણવા જેવો છે. એક વાર રાજકોટમાં અખિલ હિંદ ચારણ સંમેલનમાં કવિ ઝવેચંદ મેઘાણીએ પોણા બે કલાક સુધી ચારણ કથાઓ ગાઈને રજૂ કરી. આ સંમેલનમાં લીંબડીના રાજકવિ શંકરદાનજી પણ હાજર હતા. લગભગ બે હજાર જેટલાં ચારણો વચ્ચે કવિ મેઘાણીએ રસપ્રદ ચારણી વાર્તાઓ પોતાના બુલંદ અવાજમાં રજૂ કરી. રાજકવિ શંકરદાનજી તેમને સાંભળીને ભેટી પડ્યા અને કહ્યું કે, “મેઘાણી ખરો કળજુગ આવ્યો લાગે છે, એ સિવાય વાણિયો ગાય અને ચારણો બેસી રહે એમ કેવી રીતે બને?.” એક સાહિત્યકારને છાજે એવો ઉત્તર આપતા મેઘાણી બોલ્યાં કે, આ તો આપનું નામ જ છે હું તો ચારણોનો ટપાલી છું”. મેઘાણી સાહેબના જીવનની સર્જન યાત્રાનાં આવા અનેક પ્રસંગો છે. જે આપણને તેમનાં પ્રત્યેના માન અને ગૌરવને વધારે પોષી શકે એમ છે.

અત્યારે તેમનાં જીવનની પ્રારંભિક યાત્રા વિશે જાણીએ.

માથે પાઘડી, મોટી આંખો, પડછંદ અવાજ અને મિજાજવાળું ચીરસ્મરણીય વ્યક્તિત્વ એટલે આદરણીય ઝવેરચંદ મેઘાણી. ગુજરાત અને ગુજરાતી ભાષાનાં પનોતા પુત્ર ઝવેરચંદ મેઘાણીથી કોણ અપરિચિત હોય !. ‘મોર બની થનગનાટ કરે’, ‘જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસૂંબીનો રંગ’, ‘અષાઢી મેઘના અંબર ગાજે’, ‘ શિવાજીનું હાલરડું’ કે પછી અતિ પ્રસિદ્ધ ‘સૌરાષ્ટ્રની રસધાર’નાં રચિયતા મેઘાણી સાહેબનું સાહિત્ય સર્જન ગણ્યું ગણાય નહી એટલું છે.

૧૮૯૭ની 28મી ઓગસ્ટ, વિક્રમ સંવત ૧૯૫૩ની શ્રાવણ વદ પાંચમનાં દિવસે માતા ધોળીબાઈની કૂખે ગુર્જર સાહિત્યનાં એક મહાન સાહિત્યકારનો જન્મ થયો. પિતા કાલિદાસ દેવચંદ મેઘાણી બ્રિટીશ હુકુમતના ચોટીલા ખાતે પોલીસ થાણાની એજન્સીમાં કામ કરતા હતા. તેથી તેમનાં પિતાની બદલી ગમે ત્યારે થતી. મૂળે કવિનું વતન અમરેલીનું બગસરા હતું. ઝવેરચંદ મેઘાણીના જન્મ પછી પિતાની બદલી લાખાપાદરમાં થઇ અને તેમનું બાળપણ લાખાપાદરમાં વીત્યું. તેમનું પ્રાથમિક શિક્ષણ દાઠા અને પાળીયાદમાં તેઓએ પ્રાથમિક શિક્ષણ લીધું અને અમરેલીમાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું.

૧૯૧૨માં તેઓ મેટ્રિક થયા અને ૧૯૧૩ તેઓ ભાવનગરની શામળદાસ કૉલેજમાં ભણવા ગયા. ૧૯૧૬માં તેમણે સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે જુનાગઢમાં બી.એ.નો અભ્યાસ પૂરો કર્યો. એમ.એ.નો અભ્યાસ ચાલતો હતો અને તેઓ ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. વાંચન ઘેલાની સાથે મેઘાણી સાહેબને ગાવાનું પણ ગમતું. ભાવનગરની મહિલા કોલેજમાં તેઓ ગાવા માટે પણ જતા.

આ દરમિયાન તેમનાં મોટા ભાઈ બિમાર પડ્યા છે એ સમાચાર જાણી તેઓ કલકતા ગયા. મોટા ભાઈના આગ્રહને કારણે કલકતાની એલ્યુમિનીયમ કંપનીમાં તેઓ જોડાયા.

શિક્ષક તરીકેની નોકરી છુટી પણ સાહિત્ય પ્રત્યેનો લગાવ તો પહેલેથી જ હતો તેથી બંગાળી કવિતા, સંગીતથી પરિચિત થયા. ૧૯૧૯માં તેઓએ તેમનાં શેઠ સાથે બ્રિટન ગયા. લોકજીવ અને કવિહૃદયી મેઘાણી ત્રણ વર્ષ સુધી બંગાળમાં રહ્યા પણ તેમનો માયલો પોતાની જન્મભૂમિ જવા માટે તરસતો હતો. આ વાત એટલી દ્રઢતાપૂર્વક એટલે લખી શકાય છે કારણ કે, કલકતાથી પાછા ફરતા પહેલા તેમણે તેમનાં મિત્રને પત્રમાં લખેલું કે, “ વગડામાંથી પાછી ફરતી વાછડીઓના કંઠે બાંધેલી ઘંટડીઓનો ગંભીર અવાજ મારા કાને પડી રહ્યો છે, મંદિરોની ઝાલર સંભળાઈ રહી છે.” પોતાના મિત્રને લખેલો આ પત્ર ‘લિ. હું આવુ છું’ આજે ખૂબ જ પ્રસિદ્ધ છે.

અંતે, ૧૯૨૧માં તેઓ સૌરાષ્ટ્ર, બગસરા પાછા ફર્યા. પાછા ફરતા મેઘાણી સાહેબે લોકવાર્તાઓ અને કથાઓ પોતાના બાળ સ્નેહી મિત્રો પાસેથી સાંભળવાનું શરુ કર્યું. સોરઠની લોકસંસ્કૃતિને પીછાણતા પીછાણતા જીવનયાત્રામાં તેમણે જેતપુર નિવાસી દમયંતીબહેન સાથે પ્રભુતામાં પગલા ભર્યા, ને તે પછી લેખનયાત્રા શરુ થઇ.

મેઘાણી સાહેબ વિશેની આ રસપ્રદ વાતોનો ખજાનો આગળ ચાલશે. એ સાથે જલસો મેઘાણી સાહેબના જન્મ દિવસ પર લાવી રહ્યું છે કંઇક ખાસ..

તે જાણવા અને માણવા માટે જોડાયેલા રહો જલસો સાથે.

 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz