આજકાલ સંગીત ક્ષેત્રે એક નવો જ પ્રયોગ થઇ રહ્યો છે. ગીતોના Unplugged વર્ઝન બની રહ્યા છે. અને તે ખુબ લોકપ્રિય બની રહ્યા છે. Unplugged ની સામાન્ય સમજ એવી આપી શકાય કે જે જેમાં ઇલેક્ટ્રિક સાઉન્ડ ન હોય, ઓર્ગેનિક સાઉન્ડ હોય. ગીતોના વાજિંત્રોમાં Plug In ન કરવામાં આવ્યું હોય તે. એટલે માત્ર તબલા, ઢોલક, વાંસળી, ગીટાર, સેક્સોફોન જેવા વાદ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. આજકાલ મોટાભાગના ગીતોના Unplugged વર્ઝન બનાવવામાં આવતા હોય છે. સંગીતની દુનિયામાં કઈ થઈ રહ્યું હોય ત્યાં જલસો પાછળ હોય? સંગીત ક્ષેત્રે થતા નવા નવા ટ્રેન્ડને જલસો હંમેશા અપનાવતું હોય છે, પરંતુ તેમાં નવીનતા લાવીને. જલસોએ Unplugged વર્ઝન બનાવ્યા, પરંતુ સુગમ સંગીત કે ગઝલોના નહિ પરંતુ પ્રાચીન લોકગરબાના, જે કદાચ બહુ ઓછા કે નહીવત બન્યા છે. જલસોએ કેટલાક શ્રેષ્ઠ અને લોકપ્રિય ગરબાનું Unplugged વર્ઝન તૈયાર કર્યું છે. જલસોની આ નવીન પ્રયોગશીલતાને આપ સૌએ ખુબ પ્રેમ આપ્યો છે, એટલે જ જલસોના સૌથી લોકપ્રિય ગીતોમાં આ Unpluggedના ગીતો પણ સમાવિષ્ટ છે. જલસોના આ બધા જ ગરબાના Unplugged વર્ઝનને કુશલ ચોકસી દ્વારા અરેંજ કરવામાં આવ્યા છે. અને કોરસ સિંગર શેન સ્ટીફન, નિશાંત ઉપાધ્યાય અને બાલીન વ્યાસ છે.
જલસો Unplugged ગરબામાંથી અમુક ગરબાનો પરિચય કરાવવો હોય તો ગુજરાતના કોકિલકંઠી ગાયિકા ગાર્ગી વોરાના સ્વરે ગવાયેલો ગરબો કુમકુમના પગલાં પડ્યા સૌથી પહેલું યાદ કરવું પડે. આ ગરબો લગભગ દરેક ગુજરાતીને કંઠસ્થ હશે. સંકેત ખાંડેકર, કુશલ ચોકસી અને રિશીન સરૈયાએ આ Unplugged વર્ઝન કમ્પોઝ કર્યું છે. અને ગાર્ગી વોરા સાથે શેન સ્ટીફન, નિશાંત ઉપાધ્યાય અને બાલીન વ્યાસ કોરસમાં જોડાયા છે.
અને કુમકુમના પગલા પાડીને મા ગરબો કોરાવવા આવ્યા અને રચાયો એક સુંદર ગરબો. મા એ ગરબો કોરાવ્યો. કુસલ ચોકસી દ્વારા આ Unplugged વર્ઝન કમ્પોઝ કરવામાં આવ્યું છે અને સ્વર આપ્યો છે. સ્તુતિ જાનીએ, જેમની સાથે શેન સ્ટીફન, નિશાંત ઉપાધ્યાય અને બાલીન વ્યાસ કોરસમાં જોડાયા છે.
મા એ ગરબો કોરાવ્યો એના અજવાળામાં રાતો પણ અજવાળી છે. હા, તમને યાદ આવ્યો એ જ ગરબો, અજવાળી રાતો. જલસોના પ્રોગ્રામિંગ હેડ શ્રીનૈષધ પુરાણી લિખિત આ ગરબો જલસોના સૌથી લોકપ્રિય ટ્રેકમાં સમાવિષ્ટ છે. સંકેત ખાંડેકર, નૈષધ પુરાણી, રિશીન સરૈયા અને હર્ષ ભટ્ટ દ્વારા કમ્પોઝ થયેલો આ ગરબો ગાર્ગી વોરાના મીઠામધુર સ્વરે ગવાયો છે. આ સિવાય તેમણે મા તારો ગરબો ઝાકમઝોળ જેવા સુંદર ગરબાને પોતાનો સ્વર આપ્યો છે.
અને એવો જ એક પ્રચલિત ગરબો એટલે સોનલ ગરબો શિરે, પાર્થ દોશીએ એ ગાયેલો ગરબો સાંભળવા પછી તમને ચોક્કસ ગરબે ધૂમવાનું મન થશે જ.
ઘણા એવા ગરબા છે જેને ગાવા માટે ગુજરાતીઓ નવરાત્રી સુધી રાહ નથી જોતા પરંતુ સતત મનમાં જ રમ્યા જ કરતા હોય છે, એમાંનો એક ગરબો એટલે અમે મહિયારા રે, કુશલ ચોક્સીએ બહુ સુંદર રીતે આ ગરબો ગાયો છે.
આજના ગુજરાતી સંગીતમાં ભુમિક શાહ એ ખુબ જાણીતું ને માનીતું નામ છે, વિશેષ કરીને તેઓ ગુજરાતી ગરબાના ઉત્તમ ગાયક મનાય છે. તેમના સમકાલીનોમાં તેઓ શ્રેષ્ઠ ગરબા ગાયક તરીકેનું સ્થાન જમાવી શક્યા છે. આવા આલા દરજ્જાના ગરબા ગાયકના ઘણા ગરબા, ગીતો જલસો પર અમે સતત સાંભળતા રહેતા હોઈએ છીએ. અને અમારા આ ગરબા વર્ઝનમાં તેમને એક બહુ જાણીતો ગરબો ગાયો, કેસરિયો રંગ તને લાગ્યો આ ગરબો સાંભળીને તમે ચોક્કસ ગરબાના મેદાનમાં કેસરિયા કરવા નીકળી પડશો. અને સાથે સાથે તેમણે મા ભવાનીને ખેલવતા ખેલ ખેલ રે ભવાનીમા ગરબો પર અદ્ભુત ગાયો છે.
પ્રથા ખાંડેકરે હું તો ગઈ’તી મેળે અને ઢોલીડા ઢોલ રે વગાડ એ ગરબા બહુ સુંદર રીતે ગાયા છે. તથા જલ્પા દવેએ કૃષ્ણ ભગવાન હાલ્યા અને શામળાજીના મેળે ગરબાની સરસ રજૂઆત કરી છે. ફોરમ શાહએ મારી મહીસાગરને આરે અને રંગ તાળી એ ગરબામાં રમઝટ બોલાવી છે. અને કદાચ દરેક ગરબાનો અંત કાં તો દુહા છંદ અથવા હેલો મારો સાંભળોથી થતો હોય છે. અમે પણ હેલો મારો સાંભળો આ અનપ્લ્ગ્ડ ગરબાનો છેલ્લો ટ્રેક એ જ રાખ્યો છે અને એને અવાજ આપ્યો છે જયસિંહ ગઢવીએ.
જલસોના આ અનપ્લ્ગ્ડ ગરબાએ ગુજરાતને ઘેલું લગાડ્યું છે. નવરાત્રી સિવાય પણ આ ગરબા ખુબ સંભળાય છે. તમે આ નવરાત્રીએ ગરબાની ધૂમ મચાવવાના હો તો આ ગરબા તમારા માટે જ છે.