ગુજરાતી સુગમ સંગીતમાં અવિનાશ વ્યાસ અને પુરુષોત્તમ ઉપાધ્યાય પછી કોણ એ પ્રશ્ન જયારે ચર્ચાતો હતો ત્યારે જાણે તેનો જવાબ આપતા હોય તેમ ગુજરાતી Music માં પરેશ ભટ્ટ પ્રવેશે છે. પણ દુર્ભાગ્યે તેઓ બહુ નાની ઉંમરે આકસ્મિક અવસાન પામ્યા. છતાં આજે પણ તેમનું સંગીત અને સ્વરબદ્ધ Geeto ગુજરાતી સંગીતમાં એક માઈલસ્ટોન ગણાય છે. જાણકારોએ તો તેમને એક ઓલિયા સંગીતકાર તરીકે નવાજ્યા છે.
રમેશ પારેખે તેમના વિશે કહેલું કે, ‘પરેશ જીવનરસનો ધોધ હતો, ઊર્મિલ હતો, સ્નેહાળ હતો, નિખાલસ હતો. ગુજરાતનું બેનમૂન મોતી હતો.
ગુજરાતી સંગીતના આ બેનમુન મોતી એવા પરેશ ભટ્ટ એકવાર ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોળી ‘દર્શક’ અને રઘુવીર ચૌધરી જેવા સાહિત્ય સ્વામીની હાજરીમાં કવિવર ઉમાશંકર જોશીની મૂર્ધન્ય રચના પ્રસ્તુત કરે છે.
મારું જીવન એ જ મારી વાણી, બીજુ એ તો ઝાકળ પાણી,
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વિરામો.
મારું જીવન o
તેમનું આ ઉત્તમ સ્વરાંકન અને સ્વર સાંભળીને ઉમાશંકર જોશી એટલા ખુશ થયા કે વર્ણવી ન શકાય. કવિના શબ્દોને શ્રેષ્ઠત્તમ રીતે સમજીને તેનું ઉત્તમ સ્વરાંકન પરેશ ભટ્ટે અહીં રજુ કર્યું હતું. આ રચના સાંભળીને ઉમાશંકર જોશીએ કહ્યું કે,
‘મંચ ઉપર વાદ્ય સાથે ઉભેલા પરેશની સૂરધારા ધસમસતી આવી. એમાં માર્દવ હતું, દર્દ હતું, શ્રદ્ધાની ખુમારી હતી, કર્મયોગના ખમીરનો રણકો હતો.’
આ આલા દરજ્જાના ગાયક – સ્વરકાર પરેશ ભટ્ટ રાજકોટ ખાતે 24 જુન, 1950નાં રોજ જન્મેલા. નિવૃત્ત જીવન જીવતા શિક્ષણાધિકારી પિતા ચૂનીલાલ પણ સાહિત્ય અને સંગીતમાં રસ ધરાવતા હતા. તેથી પરેશ ભાઈ બાલમંદિરથી જ સંગીતમાં રસ લેતા થયા. બાળમંદિરમાં ભણતા ત્યારે વિશ્વનાથ વ્યાસ પાસેથી તેઓ ગીતો ગાવાનું શીખ્યા. આકાશવાણી રાજકોટના બાલસભાના કાર્યક્રમોમાં ગીતો ગાતા અને બાલનાટકોમાં અભિનય કરતા.
ગાવાનું ગમતું તેથી ગાતા, આ શોખ તેમની શેરી ગરબામાં ગરબા ગાઈને વિસ્તાર્યો. રાજકોટની શેરી ગરબીઓમાં તેમની ગાયિકીની પ્રશંસા થતી. કલાકાર દીકરાને પારખીને પિતા ચુનીલાલે તેમને શાસ્ત્રીય સંગીતના તાલીમ વર્ગોમાં મુક્યા. રાજકોટની રાષ્ટ્રીય શાળામાં વિજયાબહેન ગાંધી પાસે સંગીતની તાલીમ લીધી. વધુ અભ્યાસ માટે સૂરત ગયા. વિજ્ઞાન વિષયમાં સ્નાતક પરેશ ભટ્ટ સુવર્ણચંદ્રક સાથે બી.એડ્. થયા. 1980માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ગાયનકલામાં સ્નાતકની પદવી પણ મેળવી.
પરેશ ભટ્ટ સારા ગાયક અને સ્વરનિયોજક ઉપરાંત રંગમંચના એક સમર્થ અભિનેતા પણ હતા. તેમણે સંગીતની હરીફાઈઓમાં ઘણાં પારિતોષિકો મેળવ્યાં હતાં; 1963-66 દરમિયાન સતત ત્રણ વર્ષ સુધી તેમણે ભારત સેવાશ્રમ સંઘ દ્વારા આયોજિત હળવા કંઠ્યસંગીતમાં પ્રથમ પારિતોષિક મેળવ્યું હતું. ઉપરાંત, ગુજરાત રાજ્ય યુવક મહોત્સવમાં 1973માં રાજ્યભરમાં તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેવી જ રીતે સૂરતના નિવાસ દરમિયાન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી યુવક મહોત્સવોમાં અને અમદાવાદ આવ્યા બાદ ગુજરાત યુનિવર્સિટી યુવક મહોત્સવોમાં હળવા કંઠ્યસંગીતમાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું.
સૂરતના નિવાસ દરમિયાન તેમણે ‘જુગજુગનો અન્યાય’, ‘ટીક-ટીક-ટીક’, ‘હું-તું-તે’, ‘મહેકી ઊઠી ફૂલવાડી’ અને ‘ઘર, કબર અને સાગર’ જેવાં નાટકોમાં પ્રશંસનીય અભિનય કર્યો હતો. તેમણે એકપાત્રી અભિનયમાં કર્ણનું જે પાત્ર ભજવ્યું હતું તેની ખૂબ પ્રશંસા થઈ હતી. સમાજશિક્ષણ સમિતિ, સૂરત નિર્મિત ‘હાલો તરણેતરને મેળે’ માહિતી-ફિલ્મના સંગીતમાં તેમણે કંઠ આપ્યો હતો. અમદાવાદની કૉલેજમાં ભણતા હતા ત્યારે ‘ખેલંદો’ નાટકમાં તેમણે કરેલ અભિનય યાદગાર બન્યો હતો. 1973માં યોજાયેલ રાજ્યસ્તરના યુવક મહોત્સવમાં સમૂહગીતની સ્પર્ધામાં તેમની ગાયક ટુકડીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
કલાકાર હોવા છતાં બી.એડ્. થઈને તેઓ શિક્ષક તરીકે નોકરીમાં જોડાયા. થોડા જ સમયમાં તેમાંથી છુટા થયા. હવે બાકીનું જીવન જાણે સંગીત અને કળાને સમર્પિત કરવાનું હોય તેમ 1978માં આકાશવાણીમાં જોડાયા. આકાશવાણીમાં તેમનું કામ અને નામ ખુબ જાણીતું બન્યું.
પરેશ ભટ્ટનું શ્રેષ્ઠ સ્વરાંકન મનાતું ગીત એકલે.
એકલ દોકલ વરસાદે કેવી ભીંજાણી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.
આ ગીત વિશે વાત કરતા આ ગીતના રચિયતા મુકેશ માલવણકર કહે છે કે, ‘હું અને પરેશ ભટ્ટ ખાસ મિત્રો. એક વાર વરસાદની ઋતુમાં હું ભૂજથી રાજકોટ બસમાં પ્રવાસ કરી રહ્યો હતો અને સૂરજબારી પૂલ પર અચાનક મને છૂ શબ્દ સૂઝ્યો. રાહ જોતી પ્રિયતમાને છોડીને ચાલી જતા વ્હાલમ માટે ‘ગયો’ શબ્દ પણ મને ભારે લાગતો હતો. લાગણીના ઉભરાને પંપાળીને વરસાદમાં ભીંજાઈ રહેલી પ્રિયતમા હજુ તો પ્રેમના ધોધમાં પૂરેપૂરી ભીંજાય એ પહેલાં તો વ્હાલમ છૂ થઈ જાય છે! એ વાત અચાનક મનમાં સ્ફૂરી અને શબ્દો ઊતરવા લાગ્યા. પાસે કાગળ પેન્સિલ કંઈ ન હોવાથી આખું ગીત મેં મારી હથેળીમાં લખી દીધું.
રાજકોટ જઈ સીધો પહોંચ્યો આકાશવાણી પર પરેશને મળવા. હાથમાં લખેલું ગીત જોઈ એ અચંબિત થઈ ગયો. ગીત એને એટલું ગમી ગયું કે એ જ વખતે એણે કમ્પોઝ કરી દીધું. છૂ શબ્દને એણે જે રીતે સંગીતબદ્ધ કર્યો એ જબરજસ્ત હતો. કમ્પોઝ કરવામાં આ ગીત ઘણું અઘરું હતું કારણ કે એમાં કહન છે, અભિનય છે. વ્હાલમ શબ્દ મેં ચાર વાર એટલે લીધો કેમ કે તો જ એની ધારી અસર પડે એમ હતી. પરેશે ચાર જુદી રીતે એ રજૂ કરીને કમાલ કરી હતી. એમાં ય ‘રોકાઈ જા’ શબ્દ તો એણે જે અદ્દભુત રીતે ગાયો છે એવો આજ સુધી કોઈ કલાકારે ગાયો નથી. પ્રિયતમને રોકાઈ જવા કરવામાં આવેલી વિનંતી આબેહૂબ એણે ગાઈ અને પછીની પંક્તિ, તો એ કહે – ઉંહું…માં એ ફક્ત ખભો જ ઉલાળતો અને ઉમાશંકર જોશી સહિત ઉપસ્થિત અનેક ધૂરંધરો છક્કડ ખાઈ જતા.’
‘આ ગીત ઘણા કલાકારોએ ખૂબ સરસ રીતે ગાયું છે પણ પરેશની ગાયકી લાજવાબ હતી. કાવ્યમાં હું તો એવા જ શબ્દો પસંદ કરું કે અભણ માણસને પણ હૈયા સોંસરવા ઊતરી જાય. પરેશનાં ગીતોની ખૂબી એ હતી કે શબ્દો અને સંગીત બેઉની બારીકી ઉજાગર થતી. એના સંગીતની મીઠાશમાં શબ્દો ખોવાઈ જતા નહોતા, પરંતુ પૂરેપૂરો અર્થ પામતા. બીજું કે એનામાં એક આગ, જુનૂન હતાં. પરેશ ગાવા બેસે પછી બીજા કોઈ કલાકારને ઓડિયન્સ સ્વીકારે જ નહીં એવો હતો એનો જાદૂ. પ્રેક્ષકોને વશ કરી દે એવું સંગીત હતું. આજે એ હયાત હોત તો સુગમ સંગીતને ચાર ચાંદ લગાવી દીધા હોત.’ તેમનું શ્રેષ્ઠ ગીત માણીએ.
તેમનું આ સ્વરાંકન ગુજરાતી સુગમ સંગીતના કેટલાક સર્વશ્રેષ્ઠ સ્વરાંકન પૈકીનું એક છે. જલસો પર ઝરમર આલબમમાં ઐશ્વર્યા મજમુદારે આ ગીત બહુ સુંદર રીતે ગાયું છે. એ ગીત બાજુની ઈમેજ પર.
પરેશ ભટ્ટ ગુજરાતી સુગમ સંગીતના શ્રેષ્ઠ ગાયક – સ્વરકાર પૈકીના એક હતા, એમાં કોઈ શંકા નથી. પરંતુ દુર્ભાગ્યવશ આજે તેઓ હયાત નથી, માત્ર 33 વર્ષની ઉંમરે રાજકોટ નિવાસ સ્થાને વીજ શોક લાગતા તેમનું આકસ્મિક અવસાન થયું. ગુજરાત સરકારે તેમને મરણોત્તર ‘ગૌરવ પુરસ્કાર’ એનાયત કરીને તેમની ઉચિત અંજલી આપી છે. જલસો આ મહાન સંગીતકારને નમન કરે છે.