ચાંદ, વરસાદ અને ચોમાસા પછી કદાચ કવિઓનો સૌથી પ્રિય વિષય જો કોઈ હોય તો એ ચાંદ છે. ચાંદ, ચંદ્ર કે ચાંદની. આ એક જ અર્થ ધરાવતા અલગ અલગ નામોવાળા ચંદ્રનું નિરૂપણ પોતાની કવિતામાં કરવામાં કોઈ કવિ બાકી હોય એવું મને તો નથી લાગતું. કવિ કાન્ત હોય, ઉમાશંકર જોશી હોય કે પછી આજે લખતા વીકી ત્રિવેદી. દરેક પેઢીના દરેક કવિની કવિતામાં ક્યાંકને ક્યાંક ચાંદ આવ્યો જ છે.
ચાંદની અભિવ્યક્તિ કવિતામાં શ્રેષ્ઠ રીતે થતી જોવા મળે છે, પરંતુ એમાંય જો એ ચાંદ શરદ પુનમનો હોય તો પછી કહેવું જ શું? શરદ પૂર્ણિમા, વર્ષની સૌથી સુંદર રાત્રી. સાહિત્યમાં શરદ પુનમ વિશે ઘણું લખાયું છે. કવિ કાન્તે તો ‘શરદ પૂનમની રઢિયાળી સદા, મને સાંભરે આપણી રાત, સખી !’ જેવી સુંદર કવિતા લખી છે. શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆતના આ દિવસોમાં કવિની કલમ કંઈક અલગ જ રીતે અભિવ્યક્ત થતી હોય છે. ગુજરાતી કવિતામાં શરદ પુનમ અને ચાંદને નિરૂપતા કેટલાક ઉત્તમ શેરમાંથી અમુક શેર માણીએ.
આજની પેઢીના કવિઓમાં બહુ ઉજળું ભવિષ્ય ધરાવતા આશાસ્પદ કવિ એટલે વિકી ત્રિવેદી. જીવનના અનેક સંઘર્ષોમાંથી સુંદરતાને શોધીને કવિતા લખતા આ કવિ લખે છે કે,
આ ચાંદ જેનો ચાંદલો છે એનું મુખ બતાવ,
હે આસમાન, બોલ તું કોનું કપાળ છે?
શું અભિવ્યક્તિ છે! ચાંદને ચાંદલો સમજીને આસમાનને પૂછે છે કે, તું કોનું કપાળ છે. વિકી ત્રિવેદીની કવિતામાં એક અલગ જ પ્રકારના કલ્પન જોવા મળે છે.
અને એવી જ સુંદરતા યુવા કવિ દર્શન પરમારના શેરમાં જોવા મળે છે, તેઓ લખે છે કે,
આવ્યો મને ખયાલ, તને જોઈને તરત,
અંજાઈ પણ શકે છે નજર ચાંદની થકી!
કોઈને કહે છે કે તને જોઇને તો ચાંદની પણ અંજાઈ શકે છે, કોઈની સુંદરતા વિશે કહેવા માટે આનાથી ઉત્તમ શેર બીજો કયો હોય શકે ?
આ શેર વાંચીને મને પ્રેમાનંદનું નળાખ્યાન યાદ આવ્યું. નળાખ્યાનમાં પ્રેમાનંદ લખે છે કે, દમયંતી એટલી સુંદર છે કે ચાંદ બિચારો વાદળોમાં સંતાય ફરે કે અમારે બંનેને સાથ દેખાવાનું આવશે ને કોઈ સરખામણી કરી બેસશે તો દમયંતીની સુંદરતા આગળ મારે ભોંઠા પડવાનું આવશે.
દમયંતીનું મુખ જાણે ચંદ્ર જેવું સુંદર છે. ઉત્પ્રેક્ષા અલંકારનું આ ઉદાહરણ લગભગ બધા જ ભણ્યા હશો. ચંદ્રને સુંદરતાનું પ્રતિક માનીને તેના વિશે અનેક કવિઓ લેખકોએ લખ્યું છે.
પરંતુ ગુજરાતી સાહિત્યમાં ચંદ્ર વિશેની સર્વશ્રેષ્ઠ કવિતા મનાતી હોય તો એ કવિ કાન્તનું ‘સાગર અને શશી’.
આજ મહારાજ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા! કાલના સર્વ સન્તાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે!
પિતા! કાલના સર્વ સન્તાપ શામે!
યોગેન્દ્ર વ્યાસ સાહેબ એવું કહેતા કે ચંદ્ર વિશેનું આનાથી ઉત્તમ કાવ્ય ભારતીય સાહિત્યમાં ક્યાંય નથી લખાયું.
ચન્દ્ર આપણે બધાંએ જોયો છે; સમુદ્ર પણ આપણાંમાંના ઘણાંએ જોયો હશે. સમુદ્ર પર ઉદય પામતા ચન્દ્રને પણ ઘણાંએ જોયો હશે. તેમ છતાં આ કાવ્ય વાંચીએ છીએ ત્યારે એ સાગર અને શશીને જાણે નવે જ રૂપે, પહેલી જ વાર કોઈ બતાવતું હોય એવો સુખદ અનુભવ થાય છે. કવિઓ ચન્દ્રનું વર્ણન કરતાં ક્યારેય થાક્યા છે? વાલ્મીકિ જેવો કોઈ આરણ્યક કવિ શરદ્ના ચોખ્ખા આકાશમાં ચન્દ્રને જોઈને કહી ઊઠે છે: અરે, નીલ સરોવરમાં શ્વેત રાજહંસ તરી રહ્યો છે કે શું?
કૃષ્ણ ભગવાનની બાળલીલા વર્ણવવામાં રમમાણ રહેતો કોઈ કવિ એ જ ચન્દ્રને જોઈને કૃતાર્થ ભાવે કહે છે: ઘનશ્યામ ભગવાનના દેહ ઉપર માખણનો પિણ્ડ કેવો ચોંટી ગયો છે! તો વળી બીજની તન્વી શશીલેખાને જોઈને કોઈ શૃંગારી કવિને પુરૂરવા સાથે પ્રણયકલહ કરી બેઠેલી ઉર્વશીના મરડેલા હોઠ યાદ આવે છે. એ જ ચન્દ્રને જોઈને પ્રથમ પ્રણયથી ચકિત બનેલી કોઈ મુગ્ધા એમ કહી ઊઠશે: હે પ્રિય, મારા હોઠ તારું જ રટણ કરતા હતા, ત્યાં સાક્ષાત્ તને જ મારી સામે ઊભેલો જોતાં હું એવી મુગ્ધ બની ગઈ કે એ રટણ કેવળ ઉચ્છ્વાસ રૂપે જ રહી ગયું. મારા મુગ્ધ હૃદયના એ ઘનીભૂત ઉચ્છ્વાસનો જે પિણ્ડ તે જ આ ચન્દ્ર! એ મૌનના અવકાશમાં કેવું તેજ પાથરી રહ્યો છે! આધુનિક કવિ આ બધી રંગદર્શી વાતોથી સો ડગલાં દૂર હઠી જઈને કહેશે: પરુ દૂઝતા ઉઘાડા વ્રણ ઉપર આ તારાની માખીઓ કેવી બણબણી રહી છે!
આ ચંદ્ર, આ ચંદ્ર, આ ચંદ્ર. શું શું રૂપ ચંદ્રના.
બેફામ લખે કે,
એમનાં ચહેરાને કોઈ ચાંદની ઉપમા ન દો,
ચાંદ બહુ બહુ તો બિચારો ગાલ પરનો તલ હશે.
ચાંદનીની ઉપમા આપવાની પણ ના પાડે છે, આટલો સુંદર ચાંદ પણ બિચારો ગાલ પરનો તલ જ હશે.
જ્યાં આસીમ રાંદેરી લખે છે કે,
જો મળતે તારી ઝુલ્ફો નો સહારો મારી રાતોને,
તો મારા પણ જીવનમાં ચાંદ હોતે, ચાંદની હોતે.
અને ચાંદની સુંદરતાનું સૌથી જાણીતું પ્રતિક એટલે આદીલ મન્સૂરીનો આ શેર
આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.
ચાંદ, ચાંદની, શરદ પુનમ કે પછી ચંદ્રનું નિરૂપણ કરતા વધુ કેટલાક શેર,
પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે,
પછી ચાંદ બહુ હોશિયારી કરે છે.
– હેમંત પૂણેકર
માણી લે ચાંદનીની મજા હમણા ઓ ગરીબ
કારણ શશી મનુજના કબ્જામાં જાય છે
– જલન માતરી
ઊગ્યો’તો ચાંદો બારીએ, એ પણ ઢળી ગયો,
બાકી બચેલ રાત હવે કોને તાકશે?
– જિગર ફરાદીવાલા
ચાંદની જેમના પાલવનું શરણ શોધે છે,
એ કહે છે મને ચાંદ ઉતારી આપો.
ચાંદ મેહમાન બની આવ્યો છે આજે ઓ પ્રભુ
આજ તો રાતની સીમાઓ વધારી આપો.
– ‘આદિલ’ મન્સૂરી
આ શેર તો પાશેરામાં પહેલી પૂણી સમાન છે. ગુજરાતી કવિતામાં એકથી એક ચડિયાતા શેર અને કવિતા છે જેમાં ચાંદની અભિવ્યક્તિ ઉત્કૃષ્ટ રીતે થઇ છે. જલસોના મખમલ વિભાગમાં 100 કરતા વધુ કવિઓએ પોતાના અવાજમાં કવિતા રેકોર્ડ કરી છે, આપ વધુ કવિતા સાંભળવા ઈચ્છતા હો તો એ સાંભળી શકો છો.