ગુજરાતમાં બે સ્થળોની પરિક્રમા સૌથી વધુ જાણીતી છે. એક ગિરનાર પર્વતની અને એક પાવાગઢ પર્વતની. આપણા ભારતમાં ગોવર્ધન પર્વતની પરિક્રમાનો જે મહિમા છે એવો જ કઈક મહિમા ગિરનાર પરિક્રમાનો છે.
એક કહેવત આપણે ત્યાં ખૂબ જાણીતી છે. ‘ શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલી ગુજરાત, ચોમાસે વાગડ ભલો, મૂંજો કચ્છડો બારેમાસ’. આ કહેવત આપણા ગુજરાતનાં દરેક પ્રદેશની ખાસિયતને વ્યક્ત કરે છે. બદલાતી ઋતુઓની સુંદરતામાં આપણા તહેવારો ભાગ ભજવે છે.
એક બાજુ શિયાળુ ઋતુનો કૂણો તડકો અને બીજી બાજુ તહેવારોનો પડઘો. આપણા સાહિત્યમાં ગિરનાર પર્વતનો મહિમા ખૂબ આલેખાયો છે.
પર્વ એક હોય પણ તેની ઉજવણી દરેક પ્રદેશમાં જુદી જુદી રીતે થાય છે.
અને એથી એક વાત એવી પણ ઘટે છે, કે એ પર્વ જે તે પ્રદેશની ઓળખ થઇ જાય છે.
જેમ કે ગુજરાતમાં અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો, શામળાજીનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો, દ્વારકાનો જન્માષ્ટમી પર્વ, સોમનાથની શિવરાત્રી પર્વ. આવી જ રીતે ગરવા ગિરનારનો ત્રિ કે પંચ દીવસીય પરિક્રમાનો પર્વ.
ગુજરાતમાં ગિરનારની પરિક્રમા એક પ્રસિદ્ધ અને પવિત્ર પરંપરા છે.આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે.
પુરાણ કથાઓમાં રૈવતક પર્વત તરીકે ઓળખતા ગિરનાર પર્વતની પરિક્રમાનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે.
લગભગ ૧૪૦વર્ષ પહેલા સોરઠનાં બગડુ ગામમાં એક સંત રહેતા હતા. તેમનું નામ અજા ભગત ડોબરીયા હતું. તેઓ દરરોજ પોતાના ગામથી દામોદર કુંડ જતા. ગિરનાર એ સાધુ- સંતોનું નિવાસસ્થાન છે. એથી અહીં અનેક આશ્રમ આવેલા છે. દામોદર કુંડ પાસે એક સંતનાં નિવાસસ્થાને અજા ભગત દરરોજ આવતા.
તે સંતનાં નિવાસ સ્થાને અનેક યાત્રાળુઓ આવતા.એકવાર યાત્રાળુઓને તેઓ ગિરનારની પરિક્રમાનું મહાત્મ્ય સંભળાવતા હતા. તે વાત અજા ભગતે સાંભળી. અજા ભગતે ગિરનાર પર્વતનું મહાત્મ્ય સાંભળી ગિરનાર પરિક્રમા કરવાનો નિશ્ચય કર્યો. એ સમય ૧૮૯૦- ૯૨ હતો. ત્યારથી ગિરનાર પર્વતની પરિક્રમા શરુ થઇ એમ માનવામાં આવે છે.
ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે. લોકજીભે તો જુનાગઢનો પર્યાય ગિરનાર જ બોલાય છે. સાધુના અખાડા અને અખંડ ધૂણાની ભૂમિ ગિરનાર કહેવાય છે. તપ અને ભગવાન દત્તની ભૂમિ ગિરનાર કહેવાય છે. યોગી અને રુખડનું નિવાસ સ્થાન ગિરનાર પર્વત મનાયું છે. સિદ્ધ ચોરાસી સંતોનાં બેસણાની ભૂમિ એટલે ગિરનાર પર્વત.લોક સાહિત્યમાં ગિરનાર પર્વતનો મહિમા ગાતો એક દોહો ખૂબ પ્રસિદ્ધ છે.
સોરઠ દેશ ન સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર
ન નાહ્યો દામો- રેવતી,અફળે ગયો અવતાર.
સોરઠ શૂરો ન સરજિયો, ન ચડ્યો ગઢ ગિરનાર
ન નાહ્યો ગંગા – ગોમતી એનો એળે ગયો અવતાર.
ત્રણ ત્રણ ધર્મોનાં પ્રાચીન મંદિર અને તીર્થનો સમન્વય ગિરનાર પર્વત છે. ભગવાન દત્તાત્રેય શિખર, ભગવાન નેમિનાથનું તીર્થ અને પવિત્ર મીરા દાતાર ગિરનાર પર્વતનાં ટોચના સ્થાનો છે.
આમ તો અનેક નાના – મોટા ડુંગરોનો સમૂહ છે. પણ મુખ્ય પાંચ શિખરો છે. અંબાજી, ગોરખ, ઓઘડ, દત્તાત્રેય અને કાલિકા તેના મોટા શિખરો છે. ગિરનાર પર્વત પર નાનામોટા થઈને ૮૦૦થી વધારે મંદિરો આવ્યાં છે.
પૂરા વર્ષ દરમિયાન કયા દિવસે ગિરનાર પર્વત સૌથી વધુ ચઢાય છે.
દર પૂનમનાં દિવસે ગિરનાર પર્વત ચડવાનો ખાસ મહત્વ છે.
મોટા ભાગે દર મહિનાની પૂનમે ગિરનાર પર્વત ચડવાનું મહત્વ ખૂબ છે. પૂનમનાં દિવસે ગિરનાર પર્વત પર સૌથી વધુ યાત્રાળુઓ આવે છે.
ગિરનાર પરીક્રમા દર વર્ષે ક્યારે શરુ થાય છે ?
દર વર્ષે કારતક સુદ અગિયારસે ગિરનાર પરિક્રમા શરુ થાય છે. અને દેવ દિવાળીનાં દિવસે પૂરી થાય છે.મોટા ભાગે યાત્રાળુઓ ત્રણ દિવસમાં ગિરનાર પરીક્રમા પૂરી કરી દે છે.
કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથતળેટીમાં યાત્રિકો ભેગા થાય છે. સવારેસાધુ- સંતો, જીલ્લાનાં વહીવટ અધિકારીઓ અને લાખો યાત્રાળુઓની સાથે ગિરનાર પરિક્રમા શરુ થાય છે. લગભગ આઠની દસ લાખ યાત્રાળુઓ ગિરનારની પરિક્રમા કરે છે.ગિરનાર પરીક્રમાનો રુટ ૩૬ કિલોમીટરનો છે. તેના પાંચ પડાવ છે.ભવનાથની તળેટીથી શરુ કરી જાંબુડી પહેલો પડાવ છે. બીજો પડાવ સરકડિયા ઘોડી છે. ત્રીજો પડાવ બોરદેવી છે. ચોથો પડાવ ભવનાથ છે.
પૂરી પરિક્રમા સૌ યાત્રાળુ પ્રકૃતિનાં ખોળે વન ભોજન કરે છે.હવે તો પૂરી યાત્રા દરમિયાન સ્વયં સેવકોની સહાયથી યાત્રા ખૂબ સરળ થઇ છે.
પરિક્રમાને લીલી પરિક્રમા કેમ કહેવાઈ ?
પર્વત પર અનેક વનસ્પતિઓ છે. મોટા મોટા વૃક્ષોની લીલી છમ વનરાઈ આપણું મન પ્રફૂલ્લિત કરી દે છે. ચારેકોર હર્યાભર્યા વૃક્ષો અને ફૂલોને લીધે આ સમયમાં ગિરનાર પર્વતનું સૌન્દર્ય અદ્ભુત હોય છે. ગિરનાર પરિક્રમાથી યાત્રાળુનું મન પણ શાંત અને નિર્વિચાર કરી દે છે.આ યાત્રા અધ્યાત્મનાં માર્ગે રહેલા સાધકોને પણ એટલી જ અસર કરે છે. આપણા મન અને હૃદય બંનેની એક નવી ઉર્જા પ્રદાન કરે છે. આથી ગિરનારની પરિક્રમાને લીલી પરિક્રમા કહેવાઈ.
ગિરનાર પરીક્રમાનું મહાત્મ્ય
લોક માન્યતા પ્રમાણે ગિરનારની પરિક્રમા કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ભક્ત કે શ્રદ્ધાળુનાં બધા જ પાપો ધોવાઇ જાય છે. કહેવાય છે કે ગિરનાર પર્વત પર ૩૩ કરોડ દેવી- દેવતાઓનો વાસ છે.ગિરનારની પરિક્રમા આ તેત્રીસ કરોડ દેવી- દેવતાનું પૂજન અને નમન કરવાનો અવસર કહેવાયો છે.એક માન્યતા પ્રમાણે ગિરનારની પરિક્રમા ત્રણ વાર તો કરવી જોઈએ.