For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

ગાયત્રી મંત્ર:સાયન્ટિફિક એનર્જીનો મહાસ્ત્રોત!

ગાયત્રી-મંત્રસાયન્ટિફિક-એનર્જીનો-મહાસ્ત્રોત.jpg
ગાયત્રી મંત્ર: માત્ર એક ધાર્મિક જાપ નહીં, પણ પ્રાણ અને સાયન્ટિફિક એનર્જીનો મહાસ્ત્રોત!

વર્ષ 2026 ને અંકશાસ્ત્ર મુજબ ‘સૂર્યનું વર્ષ’ માનવામાં આવે છે. સનાતન પરંપરામાં સૂર્ય એ માત્ર એક તારો નથી, પરંતુ આ બ્રહ્માંડનો પ્રત્યક્ષ પ્રાણ છે. કેવો અદભુત અને સુભગ સંયોગ છે કે સૂર્યના આ ખાસ વર્ષમાં, સૂર્ય ઉપાસનાના સર્વોચ્ચ મંત્ર—ગાયત્રી મંત્રના ગૂઢ રહસ્યો પરથી પડદો હટે!

નાનપણથી જ દરેક ઘરમાં બાળકોને વડીલો કે ગુરુઓ દ્વારા એક સલાહ અચૂક મળતી હોય છે:  “ગમે તે કરો, પણ વિદ્યાર્થી અવસ્થામાં રોજ ગાયત્રી મંત્ર તો કરવો જ જોઈએ.”

પરંતુ આ મંત્ર પાછળનું અસલી રહસ્ય શું છે? તે માત્ર એક સામાન્ય શ્લોક છે કે કોઈ રહસ્યમય મહાવિજ્ઞાન?

જલસો પોડકાસ્ટના  વિશેષ એપિસોડમાં, આ વિષય પર જેમણે પીએચડી (Ph.ed) કરીને મહાનિબંધ લખ્યો છે તેવા પ્રોફેસર શ્રી રવીન્દ્ર ખાંડવાળા સાહેબ સાથે નૈષધ પુરાણીએ એક તલસ્પર્શી સંવાદ સાધ્યો.

૧. બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર અને મંત્રનું દિવ્ય અવતરણ

આપણી ભારતીય વૈદિક પરંપરામાં વેદોને ‘અપૌરુષેય’ કહેવામાં આવ્યા છે. તેનો અર્થ એ છે કે વેદોની રચના કોઈ મનુષ્યે વિચારીને કે લખીને નથી કરી, પરંતુ ઋષિઓએ તેમની દિવ્ય સમાધિ અવસ્થામાં બ્રહ્માંડના સત્યનું દર્શન કર્યું છે. એટલે જ મંત્ર બનાવનારને ‘લેખક’ નહીં પણ ‘દૃષ્ટા’ (જોનાર) કહેવાય છે.

ગાયત્રી મંત્રના દૃષ્ટા છે બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર. શાસ્ત્રોમાં કથા છે કે વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે વૈદિક જ્ઞાનના અધિકાર બાબતે ભારે મતભેદો હતા. વિશ્વામિત્રજી રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનવા અને મનુષ્ય માત્રના કલ્યાણ માટે ઘોર તપસ્યામાં લીન થયા.
વર્ષોના તપ પછી એક દિવ્ય પ્રભાતે, જ્યારે આકાશમાં સૂર્યનારાયણ ઊગી રહ્યા હતા, ત્યારે વિશ્વામિત્રજીની ભીતર પણ આત્માનો સૂર્ય જળહળી ઊઠ્યો! બાહ્ય સૂર્ય અને આંતરિક સૂર્ય એકાકાર થઈ ગયા.

તે સમયે તેમના ગુરુ ભૃગુ ઋષિના જ્ઞાનના આધારે તેમની અંદર એક દિવ્ય તેજ પ્રગટ થયું, જેને મંત્રમાં ‘ભર્ગ’ કહેવાયું છે.
આ દિવ્ય અનુભૂતિમાંથી જે મંત્ર પ્રગટ થયો, તે ગાયત્રી છંદમાં હોવાને કારણે ‘ગાયત્રી મંત્ર’ તરીકે જગ પ્રસિદ્ધ થયો.વિશ્વામિત્રજીએ આ મંત્ર દ્વારા અનાર્ય પ્રજાને પણ આર્યત્વ (શ્રેષ્ઠતા) પ્રદાન કરીને જ્ઞાનના દરવાજા સર્વ મનુષ્યો માટે ખોલી દીધા.

૨. મંત્ર અને શ્લોક વચ્ચેનો અસલી ભેદ

ઘણા લોકો સહજતાથી ગાયત્રી મંત્રને એક શ્લોક સમજી લે છે, પણ શાસ્ત્ર અનુસાર મંત્ર અને શ્લોકમાં જમીન-આસમાનનો ફેર છે:

  • શ્લોક: તેમાં લૌકિકતાનો ભાવ હોય છે. તે કોઈ વ્યક્તિ કે કવિ દ્વારા રચાયેલો હોઈ શકે છે અને તેને સિદ્ધ કરતા ઘણો સમય લાગે છે.
  • મંત્ર: મંત્રનો અર્થ છે — “મનનાત ત્રાયતે ઈતિ મંત્રઃ” જેનું વારંવાર મનન, ચિંતન કે રટણ કરવાથી ‘ત્રાણ’ એટલે કે રક્ષણ થાય તે મંત્ર. મંત્ર દિવ્ય સમાધિ અવસ્થામાં સીધો પરમાત્મા પાસેથી પ્રાપ્ત થાય છે, તેથી તેમાં અસીમ ઉર્જા હોય છે. તે મનુષ્યનું આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એમ ત્રણેય પ્રકારના દુઃખોમાંથી રક્ષણ કરે છે.
૩. ચારેય વેદોમાં વ્યાપ્ત એકમાત્ર મંત્ર અને ‘વેદમાતા’નું રહસ્ય

સનાતન ધર્મમાં લાખો મંત્રો છે, પણ ગાયત્રી એકમાત્ર એવો મંત્ર છે જેનો મહિમા ચારેય વેદોમાં સરખો જોવા મળે છે:

ઋગ્વેદ: ઋગ્વેદના ત્રીજા મંડળના ૬૨મા સૂક્તનો ૧૦મો મંત્ર એ ગાયત્રી મંત્ર છે. (ત્યાં તે ‘તત્સવિતુર…’ થી શરૂ થાય છે).

શુક્લ યજુર્વેદ: યજુર્વેદ એ કર્મકાંડનો વેદ છે.આ વેદની માધ્યંદિન સંહિતામાં ગાયત્રી મંત્રની આગળ ઓમકાર અને ત્રણ વ્યાહૃતિઓ એટલે કે “ઓમ ભૂ ર્ભુવ:સ્વ:” જોડવામાં આવ્યા.

સામવેદ: સંગીતના આ વેદમાં જુદા જુદા સામગાન છે, જેમાં સૌથી પ્રમુખ ગાન ‘ગાયત્રગાન’ છે, જે ગાયત્રી મંત્ર પર આધારિત છે.

અથર્વવેદ: અથર્વવેદમાં અંગીરા ઋષિએ ગાયત્રીને ‘વેદમાતા’ તરીકે સ્થાપિત કર્યા છે. માતાનો અર્થ છે જે નવું સર્જન કરે. સૂર્ય (સવિતા) રોજ સવારે સૃષ્ટિને નવો પ્રાણ આપે છે, માટે તે જગતની માતા છે. અથર્વવેદનો મંત્ર કહે છે કે ગાયત્રીનો જાપ સાધકને આયુષ્ય, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ, ધન અને બ્રહ્મવર્ચસ્વ (આધ્યાત્મિક તેજ) પ્રદાન કરે છે.

 

૪. ધ્વનિ તરંગોનું વિજ્ઞાન (Sound Vibrations)

શું ગાયત્રી મંત્ર માત્ર એક આધ્યાત્મિક વિદ્યા છે? ના, તે એક શુદ્ધ વિજ્ઞાન છે.આદિ શંકરાચાર્ય રચિત પ્રસિદ્ધ ગ્રંથ ‘સૌંદર્ય લહરી’ પર આચાર્ય લક્ષ્મીધરે એક અદભુત ટીકા લખી છે. તેમાં તેમણે બતાવ્યું છે કે આપણે જે સ્વરો અને વ્યંજનો બોલીએ છીએ, તેની બ્રહ્માંડમાં કેટલી ગતિ હોય છે.

જ્યારે આપણે ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરોનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે બ્રહ્માંડમાં ગજબના વાઈબ્રેશન્સ પેદા થાય છે. શાસ્ત્રોક્ત ગણતરી મુજબ:

માત્ર ‘અ’ કાર બોલવાથી તેનો ધ્વનિ બ્રહ્માંડમાં ૮૦ લાખ યોજન સુધી ગતિ કરે છે.

‘ઉ’ કારની ગતિ ૧ કરોડ યોજન છે.

‘મ’ કારની ગતિ ૮૦ લાખ યોજનથી બમણી છે.

(નોંધ: ૧ યોજન એટલે આશરે ૧૦ કિલોમીટર). આ હિસાબે જ્યારે આપણે માત્ર ‘ૐ’ (ઓમ) બોલીએ છીએ, ત્યારે તેની ફ્રિક્વન્સી બ્રહ્માંડના અબજો કિલોમીટર દૂરના છેડા સુધી લાઈવ સેટેલાઈટની જેમ પહોંચે છે! ન્યાય, વૈશેષિક દર્શન અનુસાર, મંત્રના શબ્દો ‘વીચી તરંગ ન્યાય’ (શાંત પાણીમાં પથ્થર નાખતા જેમ એક પછી એક તરંગો કિનારા સુધી પહોંચે તેમ) અને ‘કદંબ મુકુલ ન્યાય’ (ચારેય દિશામાં એકસાથે ફેલાવવું) દ્વારા સમગ્ર બ્રહ્માંડને આંદોલિત કરે છે.

૫. બુદ્ધિયોગ અને વિદ્યાર્થીઓ માટે અનિવાર્યતા

ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતાના ૧૦મા અધ્યાય (વિભૂતિ યોગ) માં અર્જુનને કહે છે  કે “ છંદોમાં હું ગાયત્રી છું.”

આ મંત્રની સૌથી મોટી સુંદરતા એ છે કે આમાં સાધક ઈશ્વર પાસે કોઈ ભૌતિક વસ્તુ,ધન કે સામ્રાજ્ય નથી માંગતો.
આ મંત્રની અંતિમ પંક્તિ છે — “ધિયો યો નઃ પ્રચોદયાત” (હે પરમાત્મા! અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરો).

પુરાણોમાં ગાયત્રી માતાનું વાહન ‘હંસ’ દર્શાવ્યું છે.
હંસ એ ‘નીરક્ષીર વિવેક’ (દૂધ અને પાણીને જુદું પાડવાની ક્ષમતા) માટે જાણીતો છે. જીવનમાં જ્યારે પણ મનુષ્ય ‘ટુ બી ઓર નોટ ટુ બી’ એટલે કે ધર્મસંકટ કે અસમંજસની સ્થિતિમાં મુકાય છે, ત્યારે ગાયત્રી મંત્ર તેની સુમતિ (સાત્વિક બુદ્ધિ) જગાડે છે. ગીતામાં કૃષ્ણ કહે છે કે જે લોકો પ્રીતિપૂર્વક મારું ધ્યાન ધરે છે, તેને હું ‘બુદ્ધિયોગ’ આપું છું.

૬. આશ્ચર્યજનક રહસ્ય: વલ્લભાચાર્યજીનું ગાયત્રી ભાષ્ય

પ્રોફેસર રવીન્દ્ર ખાંડવાળા સાહેબે સંશોધન દરમિયાન એક અત્યંત ચોંકાવનારી વિગત શેર કરી. પુષ્ટિ સંપ્રદાયના પ્રણેતા જગદ્ગુરુ શ્રીવલ્લભાચાર્યજી (જેમણે અણુભાષ્ય લખ્યું છે), તેમણે ગાયત્રી મંત્ર પર પણ એક વિશેષ ભાષ્ય લખ્યું છે! એટલું જ નહીં, તેમના પુત્ર શ્રીવિઠ્ઠલનાથજીએ પણ તેની ઉપર ટીકા લખી છે.

પુષ્ટિ માર્ગમાં સામાન્ય રીતે અન્ય દેવ-દેવીઓની ઉપાસનાથી દૂર રહેવાનો (અન્યાશ્રય ન કરવાનો) દ્રઢ નિયમ છે, તેમ છતાં વલ્લભાચાર્યજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું, કારણ કે ગાયત્રી એ કોઈ વ્યક્તિગત દેવી નથી, પણ એ દરેક ઈષ્ટદેવ કે સાધનાનો મૂળ પાયો (Base) છે. મહામંડલેશ્વર સ્વામી ગંગેશ્વરાનંદજી મહારાજે તો પોતાના ‘સમન્વય ભાષ્ય’માં ગાયત્રી મંત્રના અક્ષરોમાંથી ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ બંનેની સ્તુતિ સિદ્ધ કરી બતાવી છે.

૭. ગાયત્રી: ત્રણ મહાવિદ્યાઓનું સંયોજન

શાસ્ત્રોમાં ગાયત્રી મંત્રને આધ્યાત્મિક કેમેસ્ટ્રીની ફોર્મ્યુલા ગણાવી છે. તેના વગર આ ત્રણ ગૂઢ વિદ્યાઓ અધૂરી છે:

મધુવિદ્યા (અમૃતપાન વિદ્યા): બૃહદારણ્યક ઉપનિષદ્માં ઉલ્લેખ છે કે આ વિદ્યાના પ્રયોગથી સૂકું લાકડું પણ લીલુંછમ થઈ જાય છે. તેનો બેઝ ગાયત્રી છે.

બલા અને અતિબલા વિદ્યા: રામાયણમાં ઋષિ વિશ્વામિત્રે જંગલમાં શ્ર રામ અને શ્રીલક્ષ્મણને આ વિદ્યા આપી હતી, જેના કારણે યુદ્ધ દરમિયાન તેમને ભૂખ, તરસ કે થાક લાગતા નહોતા. સાવિત્રી ઉપનિષદ્ મુજબ આ વિદ્યાના દેવતા પણ ગાયત્રી જ છે.

મૃતસંજીવની વિદ્યા: શુક્રાચાર્ય પાસે રહેલી મૃતકોને જીવતા કરવાની વિદ્યામાં ગાયત્રી મંત્રના ચરણો અને મહામૃત્યુંજય મંત્રના બીજ મંત્રોનું સંયોજન હતું.

 

૮. દૈનિક જીવનમાં ઉપાસના કેવી રીતે કરવી?

ગાયત્રી મંત્ર એ સાધકનું ‘નિત્ય કર્મ’ છે. જેમ શ્વાસ લેવો કે જમવું એ નિત્યક્રમ છે  તેમ જ આ મંત્ર પણ રોજ કરવો જોઈએ.

સમય: કુદરતના ત્રણ સંધિકાળ (સવારની નવરાશ, બપોરનો મધ્યાહન અને સાંજની સંધ્યા) એ સૂર્યની ફ્રિક્વન્સી પકડવા માટે બેસ્ટ સમય છે. માટે તેને ‘ત્રિકાળ સંધ્યા’ કહે છે.

શાસ્ત્રીય નિયમ: શાસ્ત્રોક્ત રીતે યજ્ઞોપવિત (જનોઈ) ધારણ કર્યા પછી જ્યારે ગાયત્રીનો જાપ કરવામાં આવે છે, ત્યારે સાધકના જીવનના બંધ દરવાજા ખુલી જાય છે અને વિઘ્નો નાશ પામે છે.

ભાવ: કોઈ પણ સકામ ઈચ્છા કે લાલચ વગર (“હું આ કરીશ તો મને આ મળશે”), માત્ર બ્રહ્માંડની પરમ ચેતના સાથે જોડાવા અને સદ્બુદ્ધિ મેળવવાના શુદ્ધ ભાવથી જાપ કરવો જોઈએ.

    ટૂંકમાં કહીએ તો…

2026 ના આ સૂર્ય વર્ષમાં, આવો આપણે પણ આપણા ઋષિમુનિઓના આ આર્ષ વિજ્ઞાનને સ્વીકારીએ. ભલે દિવસની એક માળા કે થોડો સમય, પણ ગાયત્રી મંત્રને આપણા જીવનનો હિસ્સો બનાવીએ અને આપણી ભીતર રહેલા આત્મ-સૂર્યને ઉજાગર કરીએ.આ અદ્ભુત જ્ઞાન સભર સંવાદને વિગતે સાંભળવા માટે આજે જ ‘Jalso’ એપ ડાઉનલોડ કરો અથવા યુટ્યુબ પર આખો એપિસોડ નિહાળો.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz