For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

શૂન્ય પાલનપુરી – ગઝલ શિરોમણી

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે

નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે

આ શેર લગભગ દરેક વક્તાએ એકવાર તો પોતાના વક્તવ્યમાં ઉપયોગમાં લીધો હશે. ગુજરાતી ભાષાનો આ અતિશય જાણીતા શેરના શાયર એટલે જનાબ શૂન્ય પાલનપુરી.

ગુજરાતી સાહિત્યમાં ગઝલસમ્રાટ તો શયદા સાહેબ કહેવાય છે. પરંતુ એ સિવાય કોઈને ગઝલસમ્રાટ કહેવા હોય તો આમને કહી શકાય.

Shuny Palanpuri
જનાબ શૂન્ય પાલનપુરી

એક વખત હરીન્દ્ર દવેને લખેલા પત્રમાં શૂન્ય સાહેબે ગઝલસર્જન વિશે જે લખ્યું હતું તે આજે પણ અનેક શાયરોને મદદરૂપ થાય એવું છે. શૂન્ય સાહેબે લખેલું કે, ‘ગઝલકાર એ શબ્દનો શિલ્પી છે. એક શિલ્પકારને સુંદર પ્રેરણા થાય તો એ પ્રેરણાને આકાર આપવા તે તત્પર થાય છે. પણ એ માટે એને શરીરશાસ્ત્રનો અભ્યાસ હોવો જોઇએ, નહીંતર ક્યાંક પગ કરતા હાથ જાડો થઇ જાય, ક્યાંક દેહના પ્રમાણમાં માથું નાનું થઇ જાય. બાકી પ્રેરણા તો દૈવી જ હોય છે. ગઝલકારને ગઝલ લખવાની પ્રેરણા એ દૈવી ઘટના છે. યાંત્રિકતા લાવવાની છે ફક્ત ગઝલ-કલા પૂરતી. એનાથી વધુ સપ્રમાણ લખી શકાય.’ અને તેમની આ જ વાતને ઘાયલ સાહેબ જાણે પ્રમાણતા હોય એમ તેમણે કહેલું કે, ‘શૂન્ય દૈવી પ્રેરણાથી અધિક મહત્ત્વ સજ્જતાને આપે છે.’ અને શૂન્ય સાહેબના ગઝલસર્જનમાં આપણે એ સજ્જતા જોઈ પણ શકીએ છીએ. તેમનો જ એક શેર,

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,

એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

શૂન્ય પાલનપુરીનું મૂળ નામ તો અલીખાન ઉસ્માનખાન બલોચ હતું. અલીખાન જયારે ચાર વર્ષના  હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું હતું. તેમનો ઉછેર પાલનપુરમાં મામાને ઘેર થયો. માતા ભક્તિ પરંપરામાં માનતા હોવાથી તેમને ઘરમાં જ સંગીત અને કાવ્યનો માહોલ મળ્યો. તેથી તેમને નાનપણથી જ વાંચનમાં રસ કેળવાયો. ત્રીજા-ચોથા ધોરણમાં ભણતા અલીખાન જોડકણાં લખતા થઇ ગયેલા. હજુ તો મૅટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારે તો તેઓએ ઉર્દૂમાં ગઝલ લખી. વધુ અભ્યાસ માટે તેઓ જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં દાખલ થયા; જે તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. અભ્યાસ તો પૂર્ણ ન કરી શક્યા. છતાં 1945માં પાલનપુરની શ્રી અમીરબાઈ મિડલ સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક તરીકે જોડાયા અને ત્યાં સત્તર વર્ષ કામ કર્યા પછી મુંબઈના દૈનિક ‘પ્રજાતંત્ર’માં જોડાયા. તે પછી 1962થી ‘મુંબઈ સમાચાર’ના તંત્રીવિભાગમાં જોડાયા.

અલીખાન બલોચ એટલે કે શૂન્ય પાલનપુરી શરૂઆતમાં ‘રૂમાની’, ‘રમ્ઝ’ અને ‘અઝલ’ એવા તખલ્લુસથી ગઝલ લખતા. મામાનો પરિવાર રાજ દરબારની નોકરીમાં હોવાથી નવાબ સાથે તેમના સંબંધો બહુ સારા હતા. એકવાર પાલનપુરના નવાબે તેમને કહ્યું કે, ‘રાજ્યમાં બધું જ છે પણ કોઈ એવું વ્યક્તિત્વ નથી કે જે પાલનપુરનું નામ રોશન કરે.’ આ વાત તેમના મનમાં વસી ગઈ અને તેમણે ઉર્દૂમાં ‘અઝલ’ની સાથે ‘પાલનપુરી’ જોડી ‘અઝલ પાલનપુરી’ –નામે લખવાનું શરુ કર્યું.

પાલનપુર નવાબની ભલામણથી તેમને જુનાગઢ પાસેના પાજોદ દરબારરુસ્વા મઝલૂમી’ના અંગત મંત્રી તરીકે નોકરી મળી. એક ઉત્તમ શાયર એવા રુસ્વા મઝલુમીનો રાજ દરબાર શાયરો માટે સ્વર્ગ સમાન હતો. શૂન્ય પાલનપૂરીએ રુસ્વા સાહેબને પોતાના ગુરુ માન્યા. શૂન્ય પોતાની ડાયરી ગુજરાતીમાં લખતા હતા. એ ડાયરી એક વખત ઘાયલ સાહેબના હાથમાં આવી ગઈ. ઘાયલ સાહેબે જ તેમને ‘શૂન્ય’ નામ આપ્યું અને ગુજરાતીમાં લખવાનો આગ્રહ કર્યો હતો. અને એ શૂન્ય નામે તેઓ લખે છે કે,

જેટલું છે બધું જ તારું છે,

કૈં ન હોવાપણું જ મારું છે.

શૂન્ય’ અવમૂલ્યનોની દુનિયામાં

તારું ઉપનામ કેવું પ્યારું છે!

શૂન્ય પાલનપુરી

અને પછી શૂન્યના સર્જનની શરૂઆત થઇ, જે પછી ‘શૂન્યનું વિસર્જન’, ‘શૂન્યના અવશેષ’, ‘શૂન્યનું સ્મારક’ અને ‘શૂન્યની સ્મૃતિ’ સાથે પૂર્ણ થઇ. અને શૂન્યનો ખરેખરો વૈભવ તેમના મૃત્યુ બાદ ‘શૂન્યનો વૈભવ’ અને ‘શૂન્યની સૃષ્ટિ’ નામે તેમના સમગ્ર સર્જન સાથે રજુ થયો.

બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;

કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.

શૂન્ય પાલનપૂરી ઉર્દૂ, અંગ્રેજી અને ફારસીના ઉચ્ચ કક્ષાના જ્ઞાતા હતા. ફારસીના પિંગળશાસ્ત્ર પર તેમની વિદ્વતા સૌ જાણતું હતું. અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈય્યામ તેમની તત્ત્વચિંતન ભરી ફારસી રૂબાઈઓ માટે દુનિયાભરમાં જાણીતા છે. તેમની રૂબાઈઓનું ગુજરાતીકરણ કરવાનું એક મહત્ત્વનું કામ શૂન્ય પાલનપુરીએ કર્યું હતું. આ રૂબાઈનો અનુવાદ એટલી ઉત્તમ કક્ષાનો હતો કે બચુભાઈ રાવતે તેને ‘હૃદ્ય, ચોટદાર અને પ્રસાદ ગુણવાળો’ કહ્યો હતો. શૂન્યની ગઝલોમાં રહેલી આધ્યાત્મિકતાની અસર એ આનું પરિણામ કહી શકાય. તેનું એક ઉદાહરણ જોઈએ,

દીધો છે સાદ ‘શૂન્ય’ ગહનતાઓએ મને,

કાંઠે ટહેલવાના ધખારાને રામરામ.

અને ઉમર ખૈયામની રૂબાઈના એક ઉદાહરણ જોતા આપણે સમજી શકીએ કે તેમણે ઉમર ખૈયામને કેટલા આત્મસાત કર્યા હતા!

તુંગી મય-ઈ-લાલ ખ્વાહમ ઓ દિવાની

સાદ-ઈ રમકી બાયદ ઓ નિસ્ફ-ઈ-નાની,

વાંગહ મન ઓ તુ નિશાસ્તા દર વિરાની,

ખૂવશ્ત બુવદ અઝ મામલાકત-ઈ-સુલ્તાની.

ઉમર ખૈયામ

અનુવાદ

એક રોટી ઘઉંની, એક શીશામાં અંગૂરી અસલ,

શાંત નિર્જનમાં પ્રિયા ગાતી હો વીણા પર ગઝલ;

ભલભલા સમ્રાટને જે સ્વપ્નમાં પણ ના મળે,

ભોગવું છું વાસ્તવમાં ઐશ હું એવો વિરલ.

શૂન્ય પાલનપુરી

શૂન્ય પાલનપુરીના માનસપુત્ર ગણાતા શૈલ પાલપુરી કહે છે કે, અમૃત ઘાયલે શૂન્યને ગુજરાતીમાં લખવાની પ્રેરણા આપી પણ જ્ઞાન અને આધ્યાત્મિકતા બાબતે શૂન્ય પાલનપુરી ઘાયલથી આગળ હતા.

કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ,

વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ.

તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો,

જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ.

દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં,

જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ.

આવ્યા, તમાશો જોયો અને લીન થઈ ગયા…

ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ.

શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’ એટલે

આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.

– ‘શૂન્ય’ પાલનપુરી

શૂન્ય પાલનપુરીના પ્રાથમિક શાળાના વિદ્યાર્થી એવા ચંદ્રકાંત બક્ષીએ શૂન્ય પાલનપુરી વિશે લખેલું “શૂન્યનું વ્યક્તિત્વ ખજૂરી જેવું છે, હું મંચ પર હોઉં અને તેઓ સભામાં બેઠા હોય તો મારે તેમને મંચ પરથી સલામ કરવી પડે.’

ગઝલ શિરોમણી - શૂન્ય પાલનપુરી
એક મુશાયરામાં ગઝલ પઠન કરતા શૂન્ય પાલનપૂરી

અને એ વ્યક્તિત્વનો પરિચય ગુજરાતને બહુ સારી રીતે થયેલો. શૂન્ય પાલનપુરીને હરિન્દ્ર દવેની મદદથી મુંબઈ સમાચારમાં નોકરી મળી હતી, જ્યાં તેમણે લગભગ 20 વર્ષ સુધી તંત્રીલેખ લખ્યા. એ દરમિયાન ગુજરાતી સાહિત્યની અતિશય ચર્ચાસ્પદ ઘટના બની હતી. બન્યું હતું એવું કે, “ચંદ્રશેખર ઠાકુર નામના મુંબઈમાં એક તબીબ હતા. તેમની પાસેથી મરીઝે 2000 રૂપિયા ઉછીના લીધેલા. એ મરીઝ પરત ન આપી શક્યા એટલે ચંદ્રશેખર ઠાકુરે મરીઝનો એક કાવ્ય સંગ્રહ પોતાને આપી દેવાની માગ કરી. મરીઝે એ આપી દીધો અને તબીબના નામથી એ ગઝલો છપાઈ. આ સંગ્રહનું વિમોચન થવાનું હતું અને શૂન્ય પાલનપુરીને આ બાબતની જાણ થઈ. તેમણે ચંદ્રશેખરને કહ્યું કે આવતી કાલના મુંબઈ સમાચારમાં હું આ અંગે લખીશ.

શૂન્ય પાલનપુરીના કારણે આ કાવ્ય-સંગ્રહનું વિમોચન ન થયું. તેની બધી જ નકલોનો નાશ કરવામાં આવ્યો, આમ મરીઝ સાથેની આ ઘટનાને બહાર લાવવાનું શ્રેય શૂન્ય પાલનપુરીને જાય છે. પાછળથી આ ગઝલોનો ‘સમગ્ર મરીઝ’માં સમાવેશ કરવામાં આવ્યો. આમ, શૂન્ય પાલનપુરી ન માત્ર પોતાના પરંતુ પોતાના સમકાલીન શાયરોના સર્જન પ્રત્યે પણ સભાન હતા.

જયારે જયારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં –

શૂન્ય દોડે છે વહારે, જો કે અવતારી નથી.

અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી

ધરા છે અમારા હ્રદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી

અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી

આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી

મને ગર્વ છે કે અમારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે

સિકંદરના મરહુમ કિસ્મતના સૌગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી

તને એકમાંથી બહુની તમન્ના, બહુ થી મને એક જોવાની ઇચ્છા

કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી

શૂન્ય પાલનપુરી

TOP 10 GAZALS SHUNYA PALANPURI
શૂન્ય પાલનપુરીની શ્રેષ્ઠ ગઝલ સાંભળવા ઈમેજ પર ક્લિક કરો

ગુજરાતી ગઝલમાં શૂન્ય પાલનપુરીનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. કાળને નાથીને આઠે પ્રહર ખુશાલીમાં રાચનાર, દિવાળી મનાવનાર આ કવિ જાણે ફકીરી ઓઢી જન્મ્યા છે. સરળ ભાષામાં ચિંતનશીલ ગઝલો આપનાર શૂન્ય પાલનપુરી જ્ઞાાન વધતા જ અજ્ઞાાન કેટલું અગાધ છે તે જાણી ગયા હતા એટલે જ એમની પાસેથી ‘શૂન્યનાં સર્જન’ પછી ‘શૂન્યનું વિસર્જન’ મળે છે. શરૂઆતમાં જગત પ્રત્યેનું વિસ્મય પછી તેમને ફિલસુફી તરફ લઇ જાય છે. આમ તેમની ગઝલો ભાવકને દર્શન તરફ તાણી જાય છે. અને તેઓ લખે છે,

‘ઓથ લેવી પડે પથ્થરની

મને માન્ય નથી,

‘શૂન્ય’ છું, ઠીક છું,

ઈચ્છા નથી ઈશ્વર બનું.

આ ગઝલ શિરોમણીની અનેક ગઝલો જલસો પર વિવિધ ગાયકોએ ગાયેલી છે. જે સાંભળવા આ લિંક પર ક્લિક કરો. https://jalsounique.page.link/MwLpU3EQva9ELJzq7

 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz