અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા. જેઓ ગની દહીંવાલાના નામે ગુજરાતી સાહિત્યરસિકોમાં જાણીતા છે. તેમનો જન્મ 17 ઑગસ્ટ, 1908ના રોજ થયો હતો. મૂળે તો ગુજરાતી કાવ્ય અને ગઝલમાં તેમનું નામ ખુબ જાણીતું છે. મૂળ સુરતના વતની ગની દહીંવાલાએ અભ્યાસ ત્રણ ધોરણ સુધીનો જ કરેલો છે. તેમણે 1928 માં અમદાવાદમાં અને પછી 1930 માં સુરત જઈ દરજી તરીકે કામ કર્યું.
સુરતમાં તેમણે સ્વરસંગમ નામના સંગીતમંડળની સ્થાપના કરી. તેઓ 1942માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય રહી ચૂક્યા છે. ઇ.સ. 1981માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે તેમણે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. સુરતથી પ્રકાશિત થતા ગુજરાતમિત્ર દૈનિકમાં કાવ્ય કટાક્ષિકા લેખન કરવાનું કામ તેમણે કર્યું હતુ.
ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત, અને નિરાંત એ તેમના ગીત, ગઝલ અને મુક્તકના સંગ્રહો છે. ભીખારણનું ગીત કે ચાલ મજાની આંબાવાડી જેવી કેટલીક નોંધપાત્ર ગીતરચનાઓ આ સંગ્રહોમાં છે. પરંતુ કવિની વિશેષ સિદ્ધિ તો ગઝલમાં જ છે. નવા ગઝલકારોની પ્રયોગશીલતાને અનુસરવાનું વલણ તેમની આ ગઝલોમાં દેખાય છે. પ્રણય-મસ્તી કરતાં દુનિયાના અનુભવોમાંથી જન્મતું દર્દ તેમ જ આધ્યાત્મિકતા કરતાં પૃથ્વી પ્રત્યેનો પ્રેમ એમની ગઝલોમાં વિશેષ છે. રદીફ-કાફિયા પરનું પ્રભુત્વ અને છંદની સફાઈ એ આ ગઝલોની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે.
તેમનું મૃત્યુ 5 માર્ચ, 1987 ના રોજ થયું હતું.
ગની દહીંવાલા લખે છે કે,
તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે.