જેમના દ્વારા ગવાયેલા ગીતો લોકગીતોની શ્રેણીમાં જઈને બેસે, તેવા ગુજરાતી ગાયિકા પદ્મશ્રી દિવાળીબેન પુંજાભાઇ ભીલ. દિવાળીબેનનો જન્મ તારીખ 2 જૂન, 1943ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં થયો હતો. દિવાળીબેનના પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી તેઓ તેમની સાથે નવ વર્ષની ઉંમરે જૂનાગઢ સ્થાયી થયા હતા. શરૂઆતમાં તેમણે નર્સને ઘરે રસોઈ બનાવી આપવા જેવી નોકરી પણ કરી હતી. તેમનું લગ્ન-જીવન ફક્ત બે દિવસ ટક્યું હતું અને એ પછી તેમણે ફરી ક્યારેય પણ લગ્ન કર્યા નહોતા.
હેમુ ગઢવીએ આકાશવાણી રાજકોટ માટે સહુ પ્રથમ વખત તેમના અવાજમાં રેકોર્ડીંગ કર્યું હતુ. એ માટે તેમને પાંચ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું. એ પછી તેમણે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્ચગાયિકા તરીકે પણ કામ કરેલ છે. પ્રાણલાલ વ્યાસ સાથે તેમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કર્યા છે.
તેઓ ગુજરાતી ભજન અને લોકગીત માટે જાણીતા હતા. તેમણે ફિલ્મી ગીતો પણ ખૂબ ગાયા છે. 1990 માં એમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી સન્માન વડે નવાજવામાં આવ્યા હતા. લાંબી બિમારીને કારણે તેમનું મૃત્યુ 19 મે, 2016 ના રોજ થયું હતું.