દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
આ હાલરડું ન ગાયું હોય તેવા કોઈ માવડી ખરાં! પોતાના સંતાનો માટે હાલરડું ગાતા દરેક માનો ભાવ આ હાલરડાંમાં વ્યક્ત થયો છે. અને આશ્ચર્ય વચ્ચે આ હાલરડું લોકગીત નથી, એક ગઝલકારે રચેલી રચના છે. કવિ કૈલાસ પંડિતની આ રચના તેમના સમગ્ર સર્જનની લોકપ્રિયતાને વટાવી ગઈ છે. આ રચનાને મનહર ઉધાસે ગાઈને ગુજરાતી સંગીતમાં અમર કરી દીધી છે.
કૈલાસ પંડિત વિશે ગુજરાતીમાં બહુ ઓછુ લખાયું છે. તેઓ મૂળ મધ્યપ્રદેશમાં જન્મ્યા હતા. મૂળ હિન્દીભાષી હોવા છતાં ગુજરાતી સાહિત્યમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. એમના માતાનું નામ કસ્તુરીબેન અને પિતાનું નામ ચંદ્રિકાપ્રસાદ. 23 ડિસેમ્બર, 1941ના રોજ જન્મેલા આ શાયર બહુ ઓછુ જીવ્યા હતા. માંડ અડધી સદી જેટલું જીવેલા આ સર્જકે આટલાં ટૂંકા ગાળામાં પણ ‘દીકરો મારો લાડકવાયો’, ‘ચમન તુજને સુમન’, ‘ન આવ્યું આંખમાં આંસું’, ‘અર્થનો અવકાશ હોવો જોઈએ’ જેવી તો કંઈ કેટલીય રચનાઓથી ગુજરાતી સાહિત્યને શણગાર્યું છે.
મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.
અને ખરેખર એવું જ થયું, તેમના ગયા પછી તેમની રચનાઓની ખુબ ચર્ચા થઇ છે. આજે પણ તેમની ઘણી રચનાઓ લોકોને કંઠસ્થ છે. તેમના આ ટૂંકા જીવન કવનમાં તેમણે ગુજરાતી સાહિત્યને ‘દ્વિધા’, ‘સંગાથ’, ‘ઉમકળો’ અને ‘ખરા છો તમે’ એમ ચાર સંગ્રહો આપ્યા છે. આર.આર.શેઠ દ્વારા પ્રકાશિત ‘અમર મુક્તકો’ નામનું તેમનું સંપાદન બહુ મોટું મુલ્ય ધરાવે છે. તેમણે ચિનુ મોદી સાથે સુખનવર શ્રેણી અંતર્ગત 20 ગઝલકારોનું પણ મુલ્યવાન સંપાદન આપ્યું છે.
ભૂલી જવાનો હું જ, એ કહેતાં હતાં મને,
એવું કહીને એ જ તો ભૂલી ગયાં મને.
આ શેર લખનારને ખરેખર તો કોઈ નથી ભૂલ્યું. મનહર ઉધાસે તેમની રચનાઓ ગાઈ ગાઈને તેમને અમર કરી દીધા છે. હકીકતમાં મનહર ઉધાસને ગુજરાતી ગઝલ ગાતા કરનાર જ કૈલાસ પંડિત હતા.
બન્યું હતું એવી કે મુંબઈમાં કૈલાસ પંડિત અને મનહર ઉધાસ બંને એક જ કંપનીમાં સાથે કામ કરતા હતા. એ સમયે મનહર ઉધાસ ગુજરાતી ગઝલના પરિચયમાં આવેલ ન હતા. અને કૈલાસ પંડિતે લખવાની શરૂઆત કરી દીધેલ. તેથી રીશેસ કે સાંજના સમયે મનહર ઉધાસને નિયમિત રીતે પોતાની ગઝલો વાંચી સંભળાવતા. અને આમ મનહર ઉધાસ ધીરે ધીરે ગઝલના પરિચયમાં આવતા ગયા. આ સમય દરમિયાન મુંબઈમાં યોજાતા મુશાયરામાં મરીઝ, બેફામ, શૂન્ય, ગની દહીંવાલા અને અમૃત ઘાયલ જેવા ખ્યાતનામ શાયરોને સાંભળવા કૈલાસ પંડિત જતા અને તેમની સાથે મનહર ઉધાસને પણ અચૂક લઈ જતાં.
આ મુશાયરામાં થતા કાવ્યપઠન અને તરન્નુમમાં શાયરોને મળતી દાદ જોઇને મનહરભાઈ ગઝલ પ્રત્યે આકર્ષાયા. મુંબઈમાં વિદ્યાભવન ખાતે દર મહિને નિયમિત ‘આ માસના ગીતો’ નામનો સંગીતમય કાર્યક્રમ થતો, જેમાં નવા ગીતો અને નવોદિત ગાયકોને રજુ કરવામાં આવતા.
એક દિવસ વિદ્યાભવન તરફથી મનહર ઉધાસને ગીતો ગાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા. મનહરભાઈએ અન્ય કોઈ ગીતો ગાવાને બદલે તેમના મિત્ર કૈલાસ પંડિતની કેટલીક ગઝલો કમ્પોઝ કરીને આ કાર્યક્રમાં રજુ કરી અને શ્રોતાઓ તરફથી અદ્ભુત પ્રતિસાદ મળ્યો.
આમ, મનહર ઉધાસની સંગીતની સફળતાનું પહેલું પગથીયું કૈલાસ પંડિત હતા. અને તેમના થકી જ મનહર ઉધાસનું પ્રથમ આલ્બમ ‘પ્રીતના શમણાં’ 1970માં રજુ થયું અને પ્રથમ આલ્બમથી જ તેઓ સૌના માનીતા થઇ ગયા.
મનહર ઉધાસને ગઝલ ગાવાની પ્રેરણા કૈલાસ પંડિત પાસેથી મળી હોવાથી તેમણે કૈલાસ પંડિતની બહુ બધી રચનાઓ ગાઈ જે ખુબ લોકપ્રિય થઇ છે. તેમની આ રચના મનહર ઉધાસના સ્વરે ખુબ જાણીતી બની છે.
હે… ક્યારે પૂરા થશે મનના કોડ ?
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ…
ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં,
ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
ભમરાની જેમ તો ય માની જો જાય તો
કહેવી છે વાત એવી મારે પણ કાનમાં
હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે પણ આ જ જમીન પર એક ગીત લખ્યું છે, જે પણ ખુબ જાણીતું થયું. ખેર, તેમના તો લગભગ બધા જ ગીતો જાણીતા છે. પણ આ ગીત,
સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.
જલસો પર અમે આ બંને અલગ અલગ કવિઓની રચનાઓ સમાવી છે. છેલ્લે કૈલાસ પંડિતના એક ખુબ જાણીતા મુક્તકને માણીએ.
કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?