મહેફિલ થવાના મૂળ કારણમાં કોઈ એક કારણ નથી હોતું. કારણ કે મહેફિલમાં આવતા લોકોમાં કોઈ સાહિત્ય પ્રેમી હોય છે તો કોઈ શાંતિ પ્રિય. કોઈને નવા લોકો સાથે વાતો કરવી હોય છે તો કોઈને એમની જૂની યાદો તાજી કરવી હોય છે. પણ હવે કદાચ આ મહેફિલનો દોર ધીરે ધીરે ઓછો થતો ગયો છે. પણ એવા લોકો તો હજીય છે જે લોકો આવી મહેફિલની રાહ જોવે છે. એમના મનના ઊંડાણમા હજીય એ ઈચ્છા તો હશે કે ક્યાંક કોક મહેફિલ થાય. એ લોકોની ઈચ્છા પૂર્તિ અને નવી પેઢીને નવું સાહિત્ય પીરસવાના ધ્યેયથી જલસો ઉપર શરું થઈ ‘મહેફિલ with નૈષધ’.
નૈષધ પુરાણીની કલમે લખાયેલી આ મહેફિલ અને એમનો અવાજ વ્યક્તિને જાણે નવું વિશ્વ આપતું હોય એવું લાગે છે. મહેફિલમાં કહેવાયેલી વાતો કોઈના દિલનો ખાલી ખૂણો ભરી દે છે તો કોઈકની એકલતાના અંધારા દૂર કરે છે. આ પોડકાસ્ટની ખાસ વાત એ છે કે મહેફિલ સાંભળનાર દરેક વ્યક્તિ એમાં પોતાની જાતને ક્યાંક ને ક્યાં સાંકળી લે છે. પોડકાસ્ટ શરું થતાની એક-બે મિનીટ પછી એ વ્યક્તિ પ્રત્યક્ષ એ મહેફિલનો હિસ્સો બની જતો હોય છે. મહેફિલ સાથે જલસોના અનેક શ્રોતાઓની લાગણીઓ જોડાયેલી છે. મહેફિલમાં કહેવાયેલી વાતો સાંભળનારના હ્રદયને સ્પર્શે છે. મહેફિલમાં થતી વાતો સાથે જોડાયેલી ગુજરાતી ગઝલો અને શેરની મજા અનોખી છે.
તમે આખો દિવસ ઓફીસના કામથી થાકી ને ઘરે આવો કે પછી ઘરના કામ કરીને થાકેલી સ્ત્રી, મનની હળવાશ માટે મહેફિલ શરુ કરે અને એમાં આવે એક શેર,
‘તું આવે અને આવવાની એવી શરત હોય,
હું હોઉં નહીં મારા ઘરમાં તું જ ફક્ત હોય …’
અને આ સાંભળીને થાકેલા શરીરમાંથી ડોકિયું કરતી તમારી આહ!, વાહ! માં બદલાઈ જાય ત્યાંરે અમારી આ મહેફિલ સાર્થક થતી નજર આવે છે. ક્યારેક ખુલ્લા આકાશ નીચે બેઠેલી વ્યક્તિના કાને મહેફિલમાં વાગતી ગની દહીંવાલાની કલમે લખાયેલી ગઝલ,
‘તું ન મને કહ્યું તું ન માને સમય,
લાગણીવશ હૃદય, લાગણીવશ હૃદય…’
ત્યાંરે કોઈ અજાણી લાગણી તમને ઘેરી વળે છે. એ લાગણી કદાચ મહેફિલ સિવાય ક્યાંય અનુભવી શકવી શક્ય નથી. મહેફિલમા આવતા શેર, ગઝલ અને કેટલાક ગુજરાતી સાહિત્યના ઉમદા સ્વરાંકનો આ મેહફિલની શાન છે.
મહેફિલ with નૈષધના ખુબ લોકપ્રિય એપિસોડમાંથી ખુબ સંભળાયેલો અને ખુબ વખણાયેલો એપિસોડ એટલે ‘શનિવારની રાત’. એ મહેફિલની એક ઝલક.
શનિવા૨ની રાત મસ્તીમાં જ વીતવી જોઈએ તો જ રવિવાર પસ્તીમાં જતો અટકાવી શકાય છે. શનિવાર અઠવાડિયાનો શ્રેષ્ઠ વાર છે અને શનિવારની રાતો તો કાચની બરણીમાં પીગળતા મુરબ્બા જેવી મધમીઠી. શનિવારની રાત માત્ર ગમતાં દ્રાવણોની આસપાસ નથી ખખડતી પણ છેક તળિયેથી સપાટી ઉપર આવતા પરપોટાના એસિડીક અવકાશની આરપાર ઊતરીને દિમાગની કોઈક સૌથી પાતળી નસમાં ફૂટતી હોય છે. ચેતાતંત્રની સૌથી નાજુક નાડી પર લાત મારતી શનિવારની રાત જીવનની કડવાશનું અને જીવવાના ચચરાટનું સૌથી મોટું સુખ છે. ભાગ્યના બળે મળતી હોય છે એક સુગંધીદાર, સોહામણા, લોભામણા અને સુકૂનથી ભરી ભરી શિનવારની રાત. હલકની અણજાણી ઊંડાઈમાં ગહેકતી શનિવારની રાતોમાં આપણા જ અસ્તિત્વની કોઈ અણજાણી આવડત ભરપૂર કળા કરતી હોય છે. મઘમઘતી મોસમ અને મદમસ્ત માહોલ, મધ્ધમ હવા અને ઓ૨ડાનો ખુશ્બોદાર ખૂણો એ અઠવાડિયાની આ ઉત્તમ રાતના વારસદારો છે જે તેની પ્રજનન ક્ષમતાનું શ્રેષ્ઠ વહન કરે છે અને આંખોમાં ભરી જાય છે નીંદરનો એક વિકસતો ગર્ભ જે જ્યારે સુખરૂપ અવતરે છે ત્યારે સોમથી શુક્રનો માર વેઠ્ઠી એક આખી પેઢીને તારે છે અને રવિવારનું કલ્યાણ કરે છે. નસીબમાં બીજું કંઈ નહિ, દર અઠવાડિયે એક યાદ રહી જાય એવી શનિવારની મસ્તીભરી રાત હોવી જોઈએ. પણ ઘાયલસાહેબ કહે છે એમ,
‘બધાના ભાગ્યમાં મસ્તી નથી હોતી,
તમે માનો છો મસ્તી એટલી સસ્તી નથી હોતી.‘
મહેફિલમાં લખાયેલી, કહેવાયેલી દરેક વાત પર તમારા મોઢેથી વાહ! નીકળવું બહુ જ સહજ થઈ પડે છે. આજના સમય પ્રમાણે આગળ વધતા મહેફિલ with નૈષધની અમે છેલ્લા બે વર્ષથી રીલ પણ બનાવીએ છે. Instagram અને Facebook ઉપર મહેફિલની રીલને બહોળો પ્રતિભાવ મળ્યો. છેલ્લા કેટલાક સમયમાં તો કેટલીક રીલના વ્યુવ્ઝ 1 Milion પાર કરી ચુક્યા છે. જેમાં સ્ત્રીનો અધિકાર સૌથી વધુ જોવાયેલી રીલ છે જેના વ્યુવ્ઝ 1.3 Milion છે.
સંબંધો, લાગણીઓ, ખાલીપો, એકલતા, એકાંત, કોઈનું હોવાપણું, કોઈની યાદ, કોઈનો ઝાંખો ચેહરો, તહેવારો, કંઈક કહી દેવાની ઉતાવળ, કંઈક ન કહી શકવાનો અફસોસ, સ્ત્રીની સુંદરતા, એનું રીસાવવું, તમારું મનાવવું, ચાંદ અને ચાંદની, રાતો, નિરાંત, પ્રેમ, પરીક્ષા, પ્રતીક્ષા અને કેટકેટલી એવી વાતોની હુંફ મેળવવા માટે કદાચ આ મહેફિલ પૂર્તિ છે. મહેફિલ સાંભળ્યા પછી કંઈક એવું સાંભળ્યાનો સંતોષ મળે જેનાથી વ્યક્તિનો માંહ્યલો રાજી થાય. અને કદાચ એટલે જ ‘મહેફિલ with નૈષધ’ એ જલસો ઉપર સૌથી વધુ સંભળાતો પોડકાસ્ટ છે. એટલે તમારે આ પોડકાસ્ટ સાંભળવો જ રહ્યો.