કલ્યાણજી શાહ કે આણંદજી શાહ. આમાંથી માત્ર એક જ નામ લઈએ તો કદાચ ખબર ન પડે કે આ કોણ છે. પણ કલ્યાણજી- આણંદજી એમ લખીએ તો તુરંત ખ્યાલ આવે કે આ તો ભારતના સુપરહીટ મ્યુઝીક કમ્પોઝર. ત્યાં પછી તેમની શાહ અટક લખવાની પણ જરૂર નથી પડતી. બોલીવુડના આ હીટ માસ્ટર કમ્પોઝરની જોડીએ એવા સમયે સૂરમયી ગીતો આપ્યા જયારે કહેવાતું હતું કે બોલીવુડમાં મેલોડી ગીતોનો દૌર પૂરો થયો. જાણકારો તો કહે છે કે અમિતાભ બચ્ચનની મારધાડવાળી ફિલ્મોમાંથી મેલોડી મ્યુઝીકની વિદાય થઇ ગઈ હતી. અને એ સમયે કલ્યાણજી-આણંદજીએ બતાવ્યું કે મેલોડી મ્યુઝીક કેવું હોય! અને શરુ થયો એ શાનદાર ગીતોનો સમય. અને એ પણ કેવા? ‘નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે?’ હોય કે પછી ‘મારા તે ચિત્તનો ચોર રે’ જેવા અતિશય લોકપ્રિય ગીતો. આ તો ફક્ત ગુજરાતી ગીતોની વાત થઇ. બોલીવુડમાં તો કેટકેટલા ગીતો!
બોલીવુડમાં હીટ ગીતોની હારમાળા રચનાર આ મહાન મ્યુઝીક ડીરેક્ટર કલ્યાણજી આણંદજીનો સંગીત ક્ષેત્રે પ્રવેશ કેવી રીતે થયો એ જાણશો તો અચરજ થશે. ગુજરાતીમાં કહેવત છે કે ‘મોરના ઈંડાને ચીતરવા ન પડે’. કલ્યાણજી આણંદજીના પિતા વીરજી શાહ સંગીતના શોખીન હતા. અફવા તો એવી પણ ઉડેલી કે તેમના ધંધામાં એક વ્યક્તિ ઘણીવાર તેમની પાસેથી ઉધાર લઇ જતો. પણ એણે પૈસા ચુકવેલા નહીં. તે સંગીતનો જાણકાર હતો. તેણે પૈસાની બદલે પોતાનું સંગીત આપ્યું. પરંતુ આ વાતનું ખંડન ખુદ કલ્યાણજી આણંદજીએ કરેલું. પણ આ અફવાથી ખ્યાલ આવે કે તેઓ સંગીત અને કળા પ્રત્યે કેવા રસિક અને ઉદાર હતા. તેમની ઉદારતાનો પરચો આગળ પણ મળશે.
આ સંગીત બેલડીમાં કલ્યાણજી મોટા હતા. પિતાના પગલે બહુ નાની વયે તેઓ સંગીતને જાણતા અને માણતા થયેલા. વિધાર્થી અવસ્થામાં આ રસ ખુબ આગળ વધ્યો. ને સંગીતને સાથે એ સંગીતના સાધનો પ્રત્યે આકર્ષણ થયું. સંગીતના સાધનો પ્રત્યેના તેમના આકર્ષણના ગાળામાં જ તેમણે છાપામાં એક જાહેરાત વાંચી. એ જાહેરાતને આપણે તેમના જીવનનો ટર્નીંગ પોઈન્ટ ગણી શકીએ.
થયું હતું એવું કે છાપામાં જાહેરાત હતી કે એક એવું વાજિંત્ર છે જેમાંથી પચાસ વાજિંત્રોનો અવાજ નીકળી શકે છે. પરંતુ તેની કિંમત અધધધ એવી ચોવીસો રૂપિયા હતી. આજની 70 80 વર્ષ પહેલાના 2400 એટલે આજના કેટલા ? એ ગણતરી કરી જોજો! સંગીતના વાદ્યમાં જેમને રસ પડ્યો હતો એ કલ્યાણજીને આ મોંઘુ સંગીત વાદ્ય ખરીદવાના કોડ જાગ્યાં. પણ પ્રશ્ન એ હતો કે આટલી મોટી રકમ પિતાજી પાસેથી માંગવી કઈ રીતે?
કલ્યાણજી હિંમત કરીને પિતાની પાસે આ વાદ્ય ખરીદવાનો પ્રસ્તાવ મુક્યો. પિતા વિરજી શાહે આટલું મોંઘુ વાદ્ય ખરીદવા આનાકાની કરી. કહ્યું કે વધુમાં વધુ 1000 રૂપિયા સુધીની મદદ કરી શકે. પિતાજી પાસેથી એ રકમ લીધી, અહીં તહીંથી બીજા રૂપિયા એકઠાં કરીને તેમને એ વાજિંત્ર ખરીદવા માટેના રૂપિયા ભર્યા. એ કંપનીવાળા એ પૈસા લઈને કહ્યું કે પંદર દિવસે તપાસ કરતા રહેજો, તમારું વાદ્ય આવી જશે.
આ વાજિંત્ર એટલે સોલોવોક્સ. દસમાં દિવસે કલ્યાણજી શાહ કંપનીવાળાને ત્યાં ગયા પરંતુ એ વાદ્ય તેમને મળ્યું નહીં. આમને આમ એક વર્ષ સુધી રાહ જોઈ પણ એ સોલોવોક્સ તેમને મળ્યું જ નહીં. આ જ સમયે તેમણે અન્ય એક યુરોપિયન વાદ્ય જોયું, પરંતુ એ મળ્યું નહીં. અને અચાનક તે યુરોપિયન વાદ્ય આ કંપનીમાં મળી ગયું. તેમણે સોલોવોક્સના બદલે આ સેકંડ હેન્ડ વાદ્ય લઇ લીધું. .
આ સેકંડ હેન્ડ વાદ્ય તેમણે સોલોવોક્સના બદલામાં લીધું હતું, પરંતુ એ તેમના જીવનનો બીજો મોટો ટર્નીંગ પોઈન્ટ સાબિત થયો. એ વાદ્ય એટલે કલેવાયોલીન. ક્લે વાયોલીને તેમને ખુબ પ્રસિદ્ધી અપાવી.
પછી તો લોકોને ભેગા કરીને અને જુદા જુદા કાર્યક્રમમાં આ વાજિંત્ર વગાડીને લોકોને હેરત પમાડવાનું કામકાજ ચાલ્યું. તેમાં થોડાક નમુના મહેનત કરીને બેસાડ્યા હતા. એ નમુનામાં પાંચ પાંચ મિનિટના ટુકડા પાડ્યા અને તેમાં બિસ્મીલ્લાની શરણાઈ… પન્નાલાલ ઘોષનું બંસીવાદન… રવિશંકરની સિતારની ઝંકાર… બધું બેસાડ્યું અને વાજિંત્રની કી દબાવીને ચલાવવા માડ્યું. લોકોને રોમાંચક ચમત્કાર લાગ્યો.
પછી તો એકવાર એક સ્ટુડિયોમાં પહોંચ્યા… પણ આ વાજિંત્રના વાદક તરીકે ફિલ્મોમાં કસબ દેખાડવાની હોશ હતી. સ્ટુડિયોમાં સીન જામતો નહોતો… બધા માથાકુટ કરતા હતા. ત્યાં કલ્યાણજીભાઈએ પોતાના વાજિંત્રમાંથી બીનના સુર છેડ્યા… બધાનું ધ્યાન ગયું. …સીન જામી ગયો…વાહ વાહ! આ છોકરાઓએ તો કમાલ કરી.
એ કમાલ કરનાર છોકરો એટલે કલ્યાણજી શાહ, જેમણે પોતાના ભાઈ આણંદજી સાથે મળીને મ્યુઝીક ડીરેક્ટર તરીકે અનેક સુપરહીટ ગીતો આપ્યા. બેફામ સાહેબની પ્રસિદ્ધ ગઝલ નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. અખંડ સૌભાગ્યવતી ફિલ્મનું આ ગીત આજે પણ ગુજરાતી ગીતોના લોકપ્રિય ગીતોમાં સુમાર છે.