કલાઈ કરવાની પરંપરા આપણે ત્યાં ખુબ જૂની છે. પણ સમય જતા આ પરંપરા જાણે હવે લુપ્ત થતી હોય એમ લાગી રહ્યું છે. દિવાળી આવે એટલે ઘરના માળિયામાં આખું વર્ષ ભરાઈ રહેલો સામાન પોતાની વાર્ષિક સફાઈ માટે નીચે આવે. એ સામાનમાં તાંબા પિત્તળનાં વાસણો પણ વર્ષે એકવાર માળિયામાંથી બહાર આવે. જે વાસણો સમયે પાણિયારે ચકચકતાં, જે વાસણો છાજલી પર હારબંધ શોભતાં. રસોઈ પણ એમાં જ થતી અને થાળી પણ કાંસાની પીરસતી. આ વાસણોનો ઠસ્સો હતો.નાતના પ્રસંગે કે ઘરના નાના મોટા પ્રસંગે તાંબા પિત્તળનાં વાસણ આપવાનો મહિમા હતો. હવે તો આ વાસણો માત્ર એન્ટીક બનીને રહી ગયા છે. એક સમયે જરૂરીયાત હતી તે માત્ર હવે બજારની શોભા છે.
પહેલાંનાં સમયમાં દરેક વસ્તુ માટે નાના મોટા અલાયદા બજાર રહેતા. દરેક મોટા શહેરમાં વાસણબજાર હોય. જેમકે અમદાવાદ શહેરનાં માણેકચોક વિસ્તારમાં આવેલી માંડવીની પોળમાં ખુબ જ જાણીતું અને અનોખું વાસણ બજાર આવેલું છે. એક સમયે તો રસોઇમાં પણ આ જ વાસણ વપરાતાં એટલો તેનો વેપાર પણ વધુ રહેતો હશે. જોકે આ બજારમાં ખરીદી કરતાં લોકોને જોઇને લાગે કે આપણી એ સંસ્કૃતિ હજુ પણ ધબકે છે. આ વાસણ લેવા પણ એક પ્રસંગ જેવું લાગે. ઘરના ચાર પાંચ લોકો મળીને પસંદગી કરે. પસંદ કરેલા વાસણ પર નામ લખાવાનો પણ મહિમા હતો. પોળ કે સોસાયટીનાં ઘરોમાં લગભગ સરખા વાસણો હોતા અને એકબીજા ઘરે વાટકી વ્યવહાર પણ ખરો એટલે વાસણોની અદલાબદલી અટકાવવા માટે આ વાસણો પર નામ લખતા.
આજની ઝેન ઝીને તો કદાચ આ પ્રથા જ અજાણી લાગશે. આવી જ એક બીજી પ્રથા છે જે સમય સાથે જીવનશૈલીમાંથી બાકાત થઇ ગઈ છે. એ પ્રથા એટલે ‘કલાઈ’ કરવાની. તાંબા કે પિત્તળનાં વાસણોમાં સીધી જ રસોઈ ના કરાય, તેથી તેને કલાઈ કરીને ઉપયોગમાં લેવાતાં.દિવાળીની સાફસફાઈની શરૂઆતમાં જ આ કામ કરાવી લેવાતું. વાસણને ખૂબ ગરમ કરી તેમાં ટીનનો સળીયો અડાડી પિગળેલા ટીનને રૂના ગાભા વડે સપાટી પર ફેલાવી દેવાય છે. આ ક્રિયાને કલાઈ કહે છે. કલાઈ કરવાથી વાસણ ઉપર ચાંદી જેવી ચમકતી સપાટી બની જાય છે. અને લાંબો સમય ટકી રહે છે. આજે પણ તાંબા પિત્તળના કલાઈ કરેલા વાસણો જોવા મળે છે. જોકે કલાઈ કરનારા લોકો ખુબ જ જુજ થઇ ગયા છે.
એક સમયે ઘરે ઘરે કલાઈ કરનારા માણસો આવતા. ઘણી સ્ત્રીઓને જાતે પણ કલાઈ કરતા આવડતી. હવે તો કળા અને તેના કલાકાર જ રેર થતા જાય છે. જુના શહેરની ગલીઓમાં એકાદ આવી દુકાન મળી આવે જ્યાં હજુ પણ એ જ જૂની રીતથી કલાઈ થાય છે. ત્યારે દટાયેલું ધન મળી ગયું હોય એવી ખુશી થાય છે. દશેરા પુરા થાય અને દિવાળી આવે એટલે ઘરોમાં સાફસફાઈ જ નહિ પણ જૂની યાદોનો પણ એક દૌર શરુ થાય. માળીયામાંથી નીકળતા તાંબા પિત્તળના વાસણો દાદી કે નાનીની યાદમાં એને લુછતી મમ્મીની આંખમાં પાણી લાવી શકે છે. કે પછી આ બજારોમાં ફરતા મારા પપ્પા મને અહિંયા લાવતા કહીને અટકી જતા તમારા પપ્પાનાં પગ બે ઘડી થંભી જતા હશે. તહેવારોની રોનક બજારોમાં છે અને સાચું કહું તો આ જુના બજારોમાં જ્યાં હજુ પણ કલાઈ જેમ જ ચમકી ઉઠે છે ચહેરા. ટકોરાબંધ ઉજવણીનાં જાણે કે અહિંયાથી શ્રી ગણેશ થાય છે. કોતરતા નામો, એને જોઇને ચમકી ઉઠતી આંખો અને વેપારીઓની સાથે રકઝકથી તો ફળે છે દિવાળીના દિવસો. સમય ગમે તે હોય, આ પરંપરાઓ આપણા માટે ખજાના સમી છે. આ પરંપરા સાથે જોડાયેલી યાદો અમુલ્ય છે.