For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

આદિ શંકરાચાર્ય કૃત મા લક્ષ્મી સ્તોત્રનું નામ કનકધારા સ્તોત્ર કઈ રીતે પડ્યું ?

કનકધારા સ્તોત્ર

સંસ્કૃત સ્તોત્રમાં અમુક સ્તોત્રો ખૂબ જાણીતા છે. ભગવાન શિવનાં મહિમ્મ્ન સ્તોત્રનો મહિમા આપણે સૌ જાણીએ છીએ.એનાં જેવું જ મહિમાવાન પ્રસિદ્ધ સ્તોત્ર મા લક્ષ્મીનું છે.આ સ્તોત્રનું નામ છે કનકધારા સ્તોત્ર. કનકધારા સ્તોત્રની રચના ભગવાન આદિ શંકરાચાર્યએ કરી છે. મા લક્ષ્મીનું આ સ્તોત્ર હોવાથી તેનું નામ મૂળે તો લક્ષ્મી સ્તોત્ર છે.પરંતુ આ લક્ષ્મી સ્તોત્રનું નામ કનકધારા સ્તોત્ર કેમ પડ્યું તેની એક કથા છે.

શંકરદિગ્વિજય નામનો પ્રસિદ્ધ ગ્રંથ ભગવાન મધ્વાચાર્યએ લખ્યો છે. આ ગ્રંથમાં ભગવાન શંકરાચાર્યનું સમસ્ત જીવન અને કવન લખેલું છે. આ ગ્રંથનાં ચોથા સર્ગમાં કનકધારા સ્તોત્રની કથા મળે છે.આ કથા પ્રમાણે એક વાર ભગવાન શંકરાચાર્ય ભિક્ષા માટે એક ગૃહસ્થના આંગણે પહોચ્યા. ભાગ્યવશ શંકરાચાર્યજી જે ગૃહસ્થનાં ઘરે ભિક્ષા માંગી એ પરિવાર અતિ દારિદ્રયપૂર્ણ સ્થિતિમાં જીવી રહ્યું હતું. ભગવાન શંકરાચાર્યએ જયારે વિપ્રપત્ની પાસે ભિક્ષા માંગી ત્યારે તે ગૃહિણી સંકોચમાં આવી ગયા. કારણ કે તેમની પાસે ભગવાન શંકરાચાર્યને ભિક્ષા આપવા માટે કશું જ ધાન્ય નહોતું. તે વિપ્રપત્ની રડવા લાગ્યા.પરંતુ સન્યાસીને કઇક ભિક્ષા તો આપવી જ પડે એથી તે વિપ્ર પત્ની પાસે જે થોડા આમળા હતા તે ભગવાન શંકરાચાર્યને આપ્યાં. શંકરાચાર્યજીને આમળાનાં  ફળ જોઇને ખ્યાલ આવી ગાયો કે , આ અતિ દરિદ્ર પરિવાર છે. વિપ્ર પરિવારની આવી સ્થિતિ જોઇને શંકરાચાર્યને ખૂબ દયા આવી.

એ જ સમયે ભગવાન શંકરાચાર્યએ મા લક્ષ્મીનું આરાધન કરતા એક સ્તોત્રની રચના કરી. અનયાસે રચેલ આ સ્તોત્રની સ્તુતિથી પ્રસન્ન થઇ એ સમયે મા લક્ષ્મી પ્રગટ થાય છે. મા લક્ષ્મી ભગવાન શંકરાચાર્યને પૂછે કે, “ હે મહાત્મા, હે આચાર્ય આપે તત્કાળ આ સ્તોત્રની રચના કેમ કરી ? ત્યારે ભગવાન શંકરાચાર્યએ મા લક્ષ્મીને પ્રણામ કરતા કહ્યું , કે હે ભગવતી હું જે ગૃહસ્થનાં ઘરે ભિક્ષા માટે આવ્યું છું તે ખૂબ દરિદ્ર છે, તેમની પાસે કશું જ ધન-ધાન્ય નથી. હે મા આપ આ પરિવાર પર કૃપા કરો. આ પરિવારને ધનધાન્યથી પરિપૂર્ણ કરો”. ત્યારે મા ભગવતીએ આચાર્ય શંકરને કહ્યું કે , હે આચાર્ય! આ બ્રાહ્મણ પરિવાર  પૂર્વ જન્મનાં કર્મોવશ અત્યારે આવી દયનીય અને દારિદ્રયપૂર્ણ હાલતમાં છે.

આ બ્રાહ્મણ પરિવાર આ જન્મમાં પણ પોતાના દોષજન્ય કર્મોને કારણે દરિદ્ર જ રહેશે.” આ સાંભળી ભગવાન શંકરાચાર્યએ ફરી મા ભગવતીને પ્રાર્થના કરી કે,” હે મહાદેવી  આપ આ દરિદ્ર પરિવારનું દુઃખ હરી લો અને તેમના પર કૃપા કરી તેમને ધન, ધાન્ય અને સંપત્તિથી પૂર્ણ કરો.” મા લક્ષ્મી આચાર્યશ્રીનાં વચનો સાંભળી તેમને તથાસ્તુ કહી અંતર્ધાન થઇ ગયાં.

એ બાદ ભગવાન શંકરાચાર્યએ તત્કાળ જે સ્તોત્રની રચના કરી હતી તે સ્તોત્ર દ્વારા માની સ્તુતિ કરવા લાગ્યાં. ભગવાન શંકરાચાર્યએ અતિ આર્દ્ર ભાવ અને શ્રદ્ધાથી મા ભગવતીનાં સ્તોત્રનું ગાયન કર્યું. ભગવાન  શંકરાચાર્યનાં આ સ્તોત્રનાં ગાયનથી આકાશમાંથી સુવર્ણની વર્ષા થવા લાગી. અને કહેવાય છે, કે ત્યાર બાદ એ ગરીબ બ્રાહ્મણ પરિવાર ખૂબ જ ધનધાન્ય, વૈભવ અને સંપત્તિવાળો બન્યો.શંકરાચાર્યનાં આ સ્તોત્રનાં ગાયનથી આકાશમાંથી સુવર્ણ એટલે કે કનકની વર્ષા થઇ તેથી આ સ્તોત્રનું નામ કનકધારા સ્તોત્ર પડ્યું.

સ્વાભાવિક છે કે, આ સ્તોત્રનાં રચયિતા ભગવાન શંકરાચાર્ય છે એટલે તેની ભાષા  અને કાવ્યાત્મકતા કલિષ્ટ હોવાની. પરંતુ આ સ્તોત્ર એટલું જ મધુર,  ભાવપૂર્ણ અને અર્થપૂર્ણ છે. જાણીતા સંગીતકાર વિપુલ ત્રિવેદીનાં સંગીત અને ગાયક ભૌમિક રાવલનાં સ્વરમાં જલસો પર આદ્ભૂત સ્તોત્ર ઉપલભ્ધ છે. આ  સુંદર ગાયિકી સાંભળીને  આપ આ સ્તોત્રનાં મહિમાથી ચોક્કસ અવગત થશો.

ભગવાન શંકરાચાર્યએ મા ભગવતી લક્ષ્મીનાં  કેટલી કેટલી  ઉપમાઓ આપી  ગુણગાન કર્યા છે તેને વર્ણવતો આ શ્લોક અને તેનો ભાવાનુવાદ –

सरसिजनिलये सरोजहस्ते
धवलतमांशुकगन्धमाल्यशोभे ।
भगवति हरिवल्लभे मनोज्ञे
त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम् ॥

અર્થાત્ કમળકુંજમાં રહેવાવાળા, આપના ચરણોમાં નીલ કમળ શોભાયમાન છે,સ્વેત વસ્ત્ર ધારણ કરવાવાળા અને ગંધમાળાથી સુશોભિત એવા મા ભગવતી આપની છબી સુંદર અને અદ્વિતીય છે.ત્રિભુવનને વૈભવ પ્રદાન કરવાળા, હે ભગવતી ! હે વિષ્ણુ પ્રિયા આપ મારા પર પ્રસન્ન થાઓ

કનકધારા સ્તોત્ર કરવાની વિધિ

કનક ધારા સ્તોત્ર કરવાની એક નિશ્ચિત વિધિ બતાવામાં આવી છે. આ સ્તોત્ર મા લક્ષ્મીની મૂર્તિ સમક્ષ કે કનકધારા શ્રી યંત્ર સમક્ષ કરવાનું સૂચવવામાં આવ્યું છે.આ સ્તોત્ર કરતી વખતે મા લક્ષ્મીને શુદ્ધ ગાયના ઘીનો દીપક કરવામાં આવે છે. એ સાથે મા લક્ષ્મીને થોડા આમળા પણ ધરવવામાં આવે છે. ત્યાર બાદ આ ધ્યાનશ્લોક બોલવામાં આવે છે.

ઓમ વંદે વન્દારુ મંદાર  મિન્દીરાનન્દ કલ્દલમ |

અમંદાનન્દ સન્દોહ બંધુરં  સિંધુરાનનં ||  આ ધ્યાનશ્લોક કર્યા પછી કનકધારા સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે.

કનકધારાસ્તોત્રની ફળશ્રુતિ.

કનકધારા સ્તોત્ર સ્વયં સિદ્ધ સ્તોત્ર માનવામાં આવ્યું છે. કનકધારા સ્તોત્રની ફળશ્રુતિમાં કહેવામાં આવ્યું છે કે, જે ઉપાસક કનકધારા સ્તોત્રનો દરરોજ ત્રણ વાર પાઠ કરે છે તે ભગવાન કુબેર સમાન ધનવાન બને છે. કનકધારા સ્તોત્ર  દરરોજ કરવામાં આવે તો તેનું શીઘ્ર ફળે છે. બ્રાહ્મણ દેવતાઓ દ્વારા કનકધારાસ્તોત્રનો પાઠ દિવસમાં 16 કરવાનું  સૂચવાવમાં આવ્યું છે.કનકધારા સ્તોત્રની વિશેષતા એ છે કે તે શીઘ્ર ફળ આપનારું સ્તોત્ર છે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz