દિવાળી નિમિત્તે દિવાળી વિશેષાંક બહાર પાડવો એ આપણી પરંપરાનો એક ભાગ છે. લગભગ દરેક સામાયિક વિશેષાંકો બહાર પાડતા હોય છે. જલસો એ પરંપરામાં નવીનતા લાવતા જલસો જેનું માધ્યમ છે, એ ઓડિયો ફોર્મેટમાં દિવાળી ઓડિયો અંક પ્રસ્તુત કર્યો છે. જલસોની શરૂઆતથી જ જલસો દિવાળી ઓડિયો અંક પ્રસ્તુત કરે છે, જેના પ્રથમ વર્ષ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય વાર્તાકારોની શ્રેષ્ઠ વાર્તાઓ ઓડિયો અંકમાં વાચિકમ કરીને રજુ કરી હતી. અને બીજા વર્ષથી ગુજરાતી ભાષાના વાર્તાકારોને પોતાની વાર્તા લખીને મોકલવામાં માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જલસોના દિવાળી ઓડિયો અંકની પાંચ આવૃત્તિ થઇ ચુકી છે. જેમાં ગુજરાતી ભાષાના કેટલાક ઉત્તમ વાર્તાકારોએ પોતાની વાર્તાઓ જલસો દિવાળી ઓડિયો અંક માટે મોકલી છે. આ વાર્તાકારોની વાત અલગ બ્લોગમાં થઇ ચુકી છે. અહીં વાત કરવી છે એ વાર્તાઓ પૈકીની કેટલીક ઉત્તમ વાર્તાઓની.
સૌપ્રથમ વાત કરું જયંત રાઠોડની વાર્તા ‘એક નષ્ઠ નગરની દાસ્તાન’ જે તેમના વાર્તાસંગ્રહ ‘ધોળી ધૂળ’માં ‘દટાયેલું નગર’ નામે પ્રસિદ્ધ થઇ છે. આ વાર્તા તેમની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પૈકીની એક વાર્તા છે. આ વાર્તા અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વાર્તા સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમાંકે આવી છે. એ ઘટના રસપ્રદ છે. એ સ્પર્ધામાં 125 વાર્તાઓમાંથી સ્પર્ધાના ત્રણેય નિર્ણાયકો કિરીટ દુધાત, મણિલાલ હ. પટેલ અને રજનીકુમાર પંડ્યા એ ત્રણેય સ્પર્ધકોએ પોતપોતાના નિર્ણયમાં આ વાર્તાને પ્રથમ ક્રમાંક આપ્યો હતો. એ સિવાય ગુજરાતી સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તક તરીકેનો પ્રથમ પારિતોષિક આ વાર્તાસંગ્રહને મળી ચુક્યો છે. પોતાની કેફિયતમાં તેમની જણાવેલું કે ‘કળાની દ્રષ્ટીએ મારી વાર્તાઓ કેટલી ખરી ઉતરે છે તે બતાવવાનું કામ અન્ય લોકોનું છે, પરંતુ હું એટલું ચોક્કસ કહી શકું કે જીવન પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ, મને સંતોષ થાય એવી સર્જનાત્મકતા સાથે, મારી વાર્તાઓમાં નિરૂપી શક્યો છું.’
તેમની આ વાર્તા ‘એક નષ્ટ નગરની દાસ્તાન’ જે પછીથી ‘દટાયેલું નગર’ નામે પ્રસિદ્ધ થઇ તે કચ્છની ધોળાવીરા સાઈટના સ્થળે આકાર લે છે. જેમાં ઉત્ખનન કરેલા સ્થળે એક માનવ હાડપિંજર મળી આવે છે. એ નિમિત્તે સદીઓ પહેલા દટાયેલું નગર, એક રહેતા લોકોના સ્થળાંતર પાછળના તર્ક અને હાડપિંજરમાંથી આકાર લેવા લાગેલા પુરાતન વૃદ્ધ પુરુષની કથા નિરુપાય છે. કચ્છમાં પાણીના અભાવની પરિસ્થિતિ ભૂતકાળના આ નગરના વિનાશ સાથે જોડી છે. ઉત્ખનન સ્થળનો વર્તમાન અને એમાં દટાયેલા નગરનો ભૂતકાળ સમયાંતરે ચાલે છે. વાર્તાના અંતે સાઈટમાં પડેલા મુશળધાર વરસાદને કારણે માનવકંકાલ જળાશયના કુવા સુધી ખેંચાઈ આવવાની ઘટના ભૂતકાળને વર્તમાન સુધી જોડે છે. અતીતરાગને વર્તમાન સાથે જોડતી આ એક ઉત્તમ વાર્તા છે.
ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કૃત વાર્તાસંગ્રહ ‘ખુલ્લી હવા’ના લેખિકા નીતા જોશીએ પણ તેમની શરૂઆતની વાર્તાઓમાંની એક વાર્તા ‘જમણા હાથની પેલ્લી આંગળી’ જલસો દિવાળી ઓડિયો અંકમાં મોકલી હતી. આ વાર્તા પછી એક સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંકની વિજેતા બની હતી. તેમની આ વાર્તા ‘જમણા હાથની પેલ્લી આંગળી’માં પિંજારા મુસ્તાકના કુટુંબની રોજીરોટી જેના પર આધારીત છે આંગળીને સુયો વાગતા વણસેલી પરીસ્થિતિની હ્રદયવિદારક કથા છે. પિંજારાનું કામ કરતા મુસ્તાકને અકસ્માતે સુયો હાથની સૌથી અગત્યની આંગળી પર વાગે છે. શરૂઆતમાં તો મુસ્તાક તેના પર બહુ ધ્યાન દેતો નથી, પરંતુ તેની પ્રાણપ્રિય પત્નીની ઝીદના કારણે તે હોસ્પિટલ જાય છે. બે દિવસ ત્યાં રહે છે. ઘરે તેની પત્ની નૂરી ચિંતામાં બેબાકળી બની જાય છે. બે દિવસ બાદ મુસ્તાક જયારે ઘરે પરત ફરે છે ત્યારે નૂરી તેનો હાથ પકડે છે અને તુરંત આઘાત લાગે છે. તેની રજાઈ વણવાની કળા જેના પર આધારિત હતી તે આંગળી કપાવી દેવી પડી હતી.
Diwali Audio અંકમાં એક કરતા એક ઉત્તમ વાર્તાઓ મળતી રહી છે. નવલકથાકાર અને વાર્તાકાર એવા રજની પટેલ અછાંદસ કવિતા લખતા એક ઉત્તમ કવિ પણ છે. કોલમ લેખક તરીકે તેઓ ઘણા જાણીતા છે. તેમની એક વાર્તા ‘નેહ નીતરતી આંખો’ તેમણે જલસો diwali ઓડિયો અંક માટે મોકલી છે. દુષ્કાળની ઘટનાને કેન્દ્રમાં રાખીને લખાયેલી વાર્તા સુંદર વાર્તા બને છે. દુષ્કાળને કેન્દ્રમાં લખાયેલી વાર્તાઓ – નવલકથાઓ ગુજરાતી સાહિત્યમાં ઘણી લખાય છે. ‘માનવીની ભવાઈ’ જેવું સર્વોચ્ચ શિખર આપણી પાસે એ વિષયના નિરૂપણમાં મળે છે. છતાં આ વાર્તા એના કરતા અલગ પડે છે.
દુષ્કાળના મારથી મરી રહેલું રતનપર ગામ છે તેના મુખી એ દુષ્કાળમાં સૌથી વધારે અસરગ્રસ્ત પૈકીના એક છે. છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી ચાલી રહેલા દુષ્કાળે તેમના પત્નીને તેમની પાસેથી છીનવી લીધા છે. તેમનો પ્રાણ પ્રિય અને તેમનો સૌથી મોટો સાથીદાર એવો તેમનો બળદ મુઝ્ડો પણ આ દુષ્કાળના કાળ સામે ટક્કર જીલી નથી શકતો અને અવસાન પામે છે. સમય હવે એવો આવે છે ઘરે એક ટંક ખાવાના પણ ફાંફા છે, પરંતુ ગામના શેઠ પાસેથી અપમાનિત થવાના ડરે તેઓ મદદ માટે જતા નથી.
છેલ્લા પચીસ વર્ષથી મુખીનું ખેતર ખેડતા કેશાજી ઠાકોર અને તેમની દીકરી ગવરી તેમનો આધાર બની રહે છે. ગવરીનું સગપણ થઇ ચુક્યું છે. જયારે ઘરમાં એક ટંક ખાવાના પણ ફાંફા હતા ત્યાં જ તેમના વેવાઈ આવીને લગ્નની વાત કરે છે અને આ વર્ષ લગ્ન ન લેવાય તો લગ્ન ફોક કરવાની વાત કરે છે. ત્યારે કેશાજી ઠાકોર પોતાની દીકરી માટે રાખેલા ઘરેણા જે દીકરી હવે હયાત નથી તે મુખીને દીકરીના લગ્ન માટે આપે છે. આમ ખેડૂત – ભાગીયાતના સંબંધ ખરા સમયે મદદે આવીને અંગત સંબંધમાં પરિણમે છે.
જલસો દિવાળી ઓડિયો અંકમાં અનેક ઉત્તમોત્તમ વાર્તાઓ આવતી રહે છે, પરંતુ અહીં અમુક વાર્તાઓની જ વાત કરી છે. દિવાળી અંકની બધી જ વાર્તાઓ જલસો એપ પર છે, જ્યાં કોઈપણ સમયે સાંભળી શકાય છે.