રઈશ મનીઆર જેમને ગુજરાતી ગઝલના એક ‘શાલીન યુગપુરુષ’ કહે છે એવા શાયર એટલે આસિમ રાંદેરી.
સફળ હો કે નિષ્ફળ, મહોબ્બત કરી છે
અમે જિંદગી ખૂબસૂરત કરી છે.
ઝિંદગીને ખૂબસૂરત કરનાર આસિમ રાંદેરીની ગઝલકાર સિવાયની ઓળખ એટલે લીલાના પ્રેમી! પોતાની રચનાઓમાં એમણે લીલાને અમર કરી દીધી.
એમાં બન્યું હતું એવું કે, 15 ઓગસ્ટ 1904ના રોજ જન્મેલા આ શાયરનો ઉછેર એવા સમયમાં થયો કે જ્યારે ભારતમાં સ્વતંત્રતા ચળવળ હજુ તીવ્ર નહોતી. રમણીય તાપી તટે વસેલા એ સમયના ખૂબસૂરત સુરતમાં કોલેજ કેમ્પસએ શિક્ષણ – સંસ્કાર તેમજ યુવાન હૈયાઓ માટે મિલન સ્થાન તરીકે તેમજ અરસપરસના ઉલ્લાસને ઝીલવાના પ્લેટફોર્મ તરીકે લોકપ્રિય હતું. કન્યા કેળવણી માટે ત્યારે સુવર્ણકાળ હતો. અને અહીં જ આસિમને ‘લીલા’ મળી. કોલેજમાં સખીઓ સંગે સાડી પહેરી આવતી ભદ્ર વર્ગની કલાપ્રેમી કન્યા લીલાના પ્રેમમાં એમના કાવ્યો લખાયાં. રાંદેરમાં વ્યાપેલી ઉર્દુ ગઝલની આબોહવામાં અખ્તર શિરાનીની કાવ્ય નાયિકા ‘સલમા’ આસિમના કવિ હૃદયમાં રમતી હતી. ત્યાંથી પ્રેરણા લઈ એમણે ગઝલ અને નઝમની રચના કરી. એમની પહેલી ગઝલ 1927માં શયદા સાહેબના ‘બે ઘડી મોજ’માં પ્રકાશિત થઈ હતી. એમની શરૂઆતની એક ખુબ જાણીતી રચના.
જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે,
મને દિલની ધડકન ખબર દઇ રહી છે,
પ્રણય રૂપના રંગ જોવાને માટે,
બધાની નજર એ તરફ થઇ રહી છે,
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે…
કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી,
પ્રણય ઉર્મિઓ મનની મનમાં સમાવી,
મનોભાવ મુખ પર ન દેખાય તેથી,
અદાથી જરા ડોક નીચી નમાવી,
મને અવનવી પ્રેરણા દઇ રહી છે,
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે…
જીવનની અનેક રંગીનીઓ જોઈએ ચુકેલા આ શાયરના શાલીન જીવન અને કવનની મહેક એક સદી સુધી પ્રસરી રહી. તેઓ 101માં વર્ષમાં પ્રવેશ્યા એ જ દિવસે તેમને કલાપી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. એ સમારંભમાં તેમણે સો વરસની ઉંમરે પણ 25 મિનીટ સુધી ગઝલોનો ધોધ વહાવ્યો. શતાયુ શાયરે “વરસ બાવીસમુ એ લાવું ક્યાંથી” પંક્તિ દ્વારા પોતાની જુવાની યાદ અપાવી દીધી.
24 વરસની ઉંમર પછી તેઓ મોટેભાગે મુંબઈ તથા વિદેશ રહ્યા પણ કવિ તરીકે આસિમ રાંદેરીની ઓળખ તાપી નદીને પ્રેમ કરનાર અને તાપી નદીના કાંઠે લીલાને પ્રેમ કરનાર કવિ તરીકે જ રહી. કેમ કે આ કવિ જીવનભર 22 વર્ષની ઉંમરના રોમાંચમાં જ અટકીને જીવ્યા.
કંકોત્રી થી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને છે પ્રેમ તો વ્યવહાર થાય છે
આ અમર શેરમાં દર્શાવાયેલી ઘટના પછી તેમની કવિતા એ પ્રેમ પ્રસંગમાં અટકીને રહી ગઈ. જીવનભર એમની ગઝલોમાં અહીં સુધીની ગાથા જ ગવાતી રહી. એ પૂરી રચના માણીએ.
‘આસિમ’ હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો…
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે, હું એનો એ જ છું…
મારી એ કલ્પના હતી, ગઈ વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…
સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે…
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સરનામું મારું કીધું છે ખુદ એના હાથથી,
છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી…
દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે…
કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે,
ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
તકદીરનું લખાણ છે, કંકોતરી નથી…
આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં…
નિષ્ફળ પ્રણયે આપણને અનેક કવિઓ આપ્યા છે પણ તેમાં આસિમ રાંદેરીની કવિતાની કક્ષા બહુ ઓછામાં જોવા મળી. આસિમ રાંદેરીનો પ્રેમ નિષ્ફળ રહ્યો, પરંતુ તેમની કવિતા વિષાદપ્રધાન નથી. પાછલી ઉમરે પણ એમની કવિતામાં અતીત રાગની મુગ્ધતા ગૂંજતી રહી.
આવા મહાન શાયરને જલસો યાદ કરે છે. તેમની કેટલીક રચનાઓ જલસો પર છે એનો અનેરો આનંદ છે.