આલ્બર્ટ આઈન્સ્ટાઈનશેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા ગુજરાતીઓમાં શેખાદમના ઉપનામથી જાણીતા બનેલા ગુજરાતી કવિ અને નવલકથાકાર હતા. તેમનો જન્મ 15 ઓક્ટોબર, 1929ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓ ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક થયા અને ત્યારબાદ ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે જોડાયા. તેઓ સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો ગયા અને ત્યાંથી પોલૅન્ડ થઈને પશ્ચિમ જર્મનીમાં સ્થાયી થયા.
1956 થી 1974 સુધી તેઓએ પશ્ચિમ જર્મનીમાં નિવાસ કર્યો અને ત્યાં ‘વૉઇસ ઑફ જર્મની’માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યું.
ભારતમાં પરત ફર્યા બાદ તેઓએ પત્રકાર તરીકે કાર્ય કર્યું. આંતરડાની બીમારીથી 20 મે, 1985ના રોજ તેમનું અવસાન થયું.
ચાંદની (1953) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો પ્રથમ સંગ્રહ છે. તેમાં સંસ્કૃત છંદો અને ગઝલો પર એમનું પ્રભુત્વ જણાય છે. અજંપો (1959), હવાની હવેલી (1978), સોનેરી લટ (1959), ખુરશી (1975), તાજમહાલ (1972) એમના અન્ય પદ્યસંગ્રહો છે. એમનાં કાવ્યોમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે. રાજ્કીય-સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં એમનાં ખુરશી કાવ્યો નોંધનીય છે.