નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ છે, માટે તેમને આદિકવિ કહેવામાં આવે છે. તેમણે લખેલી રચનાઓમાં વૈષ્ણવ જન તો ખૂબ જાણીતી રચના છે, જે મહાત્મા ગાંધીનું ખુબ પ્રિય હતું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.
નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ. 1414માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. 5 વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ 8 વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો હતો.
નરસિંહ મહેતાના લગ્ન 1429 માં માણેકબાઇ સાથે થયા. તેઓ અને તેમની પત્ની તેમના ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા. તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.
નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, શ્રાદ્ધ, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વગેરે 1500 થી વધારે પદો રચ્યા છે. તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.
ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈ.સ. 1999 થી થઈ હતી. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.