ગુજરાતી સંગીત અને સાહિત્યનુ એક અતિ આદરણીય નામ એટલે અરવિંદ બારોટ. બેંકમાં અધિકારી તરીકે નોકરીની શરૂઆત કરનાર અરવિંદ બારોટે અંકને બાજુ પર મુકીને શબ્દની આરાધના કરી. અને એ શબ્દ તેમને ગુજરાતની ગલીએ ગલીએ લઈ ગયો. આજે પણ ગુજરાતના સૌથી લોકપ્રિય કલાકારોમાં તેઓ શુમાર છે. ‘રૂસવા મઝલુમી’ સાહેબને કહેવું પડેલું કે ‘મારો ય એક જમાનો હતો કોણ માનશે?’ અરવિંદ બારોટને એ કહેવાની જરૂર નથી. તેમનો જમાનો હતો જ અને એ બધા માને જ છે. આજે પણ તેઓ ગુજરાતી સંગીતમાં સરટોચ પર બિરાજમાન કલાકાર છે. એક સમય હતો જયારે ફિલ્મ જોવા કે સંગીત સાંભળવા માટે આટલા સંશાધનો ઉપલબ્ધ ન હતા. એ સમય DVD કેસેટનો હતો. એ સમયમાં ગુજરાતી સંગીતમાં એકચક્રી રાજ જો કોઈએ કર્યું હોય તો એ અરવિંદ બારોટ. ગુજરાતનું કોઈપણ ધાર્મિક સ્થળ એવું નહીં હોય જ્યાં અરવિંદ બારોટે ગાયેલા ધાર્મિક ગીતોની DVD ન વહેંચાતી હોય.
લોકગીત, ફિલ્મી ગીત, ડાયરા, ભજન, માતાજીના ગરબા, ડાકલા, સાહિત્યિક રચનાઓ, દેશી ઓઠા, લગ્નગીતો વગેરે… સંગીતના અનેક સ્વરૂપમાં સતત સાત્વિક પ્રદાન કરનાર અરવિંદ બારોટ લોકસાહિત્યના સંશોધક પણ છે. ‘ગળગુથીથી ગંગાજળ’ નામે લોકસાહિત્યનો સંશોધનના અભ્યાસ લેખોનું પુસ્તક છે. એ જ રીતે ‘મોર જાજે ઉગમણે દેશ’ જેમાં પરંપરાગત લગ્નગીતો, ફટાણા અને રાંદલમાના ગીતોનો સંગ્રહ છે. ‘વરત –વરતોલાં’ નામના તેમના પુસ્તકમાં આપણા પરંપરાગત વ્રતોની કથા છે. ‘નવ્વાણુંનો ધક્કો’ અને ‘ખાતર માથે દીવો’ તેમના દેશી ઓઠાનું પુસ્તક છે. ‘હરી તારા નામ છે હજાર’ પુસ્તકમાં ધોળ – મંગળ, કીર્તન, પફ, આરતી, ઝિલણીયાં, થાળ અને ધૂનનો સમાવેશ કર્યો છે.
ગુજરાતી ફિલ્મ ઇન્સ્ટ્રી જયારે સફળતાના સર્વોચ્ચ શિખર પર બિરાજતી હતી એ સફળતામાં અરવિંદ બારોટના સંગીતનો બહુ મોટો ફાળો હતો. જો એક જ નામ આપવું હોય તો ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’. ગુજરાતના ફિલ્મ ઇતિહાસની સૌથી સફળ ફિલ્મમાંની એક આ ફિલ્મમાં તેઓ સંગીતકાર, ગીતકાર અને ગાયક તરીકે હતા. તેમના દ્વારા સંગીત અપાયું હોય તેવી ફિલ્મો અન્ય લોકપ્રિય ફિલ્મોની વાત કરીએ તો ‘મૈયરમાં મનડું નથી લાગતું’. આહા કેટલા સુંદર ગીતો! આજે પણ એ નામ લેતા મન પ્રફુલ્લિત થઇ જાય એવા અદ્ભુત ગીતો. ‘તારો મલક મારે જોવો છે’, ‘ગામમાં પિયરીયું ગામમાં સાસરિયું’, ‘દીકરીનો માંડવો’, ‘પાલવડે બાંધી પ્રીત’, એકવાર મારા મલકમાં આવજો અને હજુ હમણાં આવેલી ફિલ્મ કસુંબો તેમના ગીતો દ્વારા ઔર માણવા લાયક બની છે.
લોકસંગીત અને લોક સાહિત્યના વિદ્વાન એવા અરવિંદ બારોટે લોક ગીતોમાં માણારાજ શબ્દનો અર્થ શું થાય એના વિષે એમના પુસ્તક ‘ગળગુથીથી ગંગાજળ’માં સરસ અભ્યાસલેખ લખ્યો છે. એમાંથી જાણીએ કે માણારાજ શબ્દ કેમ લોકગીતોમાં જોવા મળે છે.
માણારાજ : લગ્નગીતોનો નમણો રણકો
માણારાજ એક સંબોધન છે. ગીતના લયની પૂર્તિ માટે પણ ગવાય છે. નિશ્ચિત અર્થ ન કરી શકાય. પણ માણ-માણા એટલે માન. માણારાજ એટલે માનેતું > માનીતું માણસ, વહાલું માણસ, માનવંતુ માણસ. માણારાજ એટલે મારા રાજ-એવો અર્થ પણ બેસે.
આ જ અર્થની આજુબાજુના કેટલાક અર્થો ભગવદ્રોમંડલમાં દર્શાવેલા છે : માણો-ગર્વ, અભિમાન, ખમીર, મર્યાદા/ભોગ, મોજ, આનંદ, લહાવો, માણવું, સીમા, હદ, માણ-માન, માણીગર
‘માણારાજ’ જેવો જ એક શબ્દ છે-માણીગર. માણારાજની સરખામણીમાં ‘માણીગર’નો અર્થ વધુ સ્પષ્ટ થઈ શકે છે. રસિક, મોજીલો, ખમીરવંતો અને મર્યાદાશીલ નર.
લોકબોલીના કેટલાક શબ્દોમાં પોતીકી નમણાશ હોય છે. એવા શબ્દોને ચોક્કસ અર્થનું આલંબન પણ નથી હોતું છતાં બોલનાર-સાંભળનારને સમાન અર્થભાવ અભિપ્રેત હોય છે. લોકપરંપરાના પોષણથી એવા વ્યંજનો કે શબ્દોની સમૃદ્ધિ કંઠોપકંઠ જળવાતી રહે છે.
ગુજરાતી ભાષાની એવી તાસીર છે કે કેટલાક શબ્દો માત્ર પદ્યમાં જ પ્રયોજાતા હોય છે, ગદ્યમાં નહીં. રે લોલ, હોજી રે, હાં હાં રે… એ પ્રકારના શબ્દો છે. આવો જ એક મીઠો શબ્દ છે – માણારાજ. લોકગીતોમાં, વિશેષતઃ લગ્નગીતોમાં ‘માણારાજ’ શબ્દથી સમગ્ર અવસરમાં વૈભવ, ઠાઠ અને ગૌરવ ઉમેરાતા અનુભવાય છે.
આવી રૂડી અજવાળી રાત, રાસે તે રમવા નીસર્યાં રે, માણારાજ..
કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો
મોરલિયો બેઠો રે ગઢને કાંગરે, માણારાજ.
સૂરત શેરનું સોનું મંગાવો, અમદાવાદી મોતી રે સાયબા !
નથડી ઘડાવો, માણારાજ..!
દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ…
લીલાં નાળિયેર વાપર્યાં વીર,
તરવાયુને તીરે નાળિયેર ઝીલ્યાં, માણારાજ !
ઢોલ વાગે, શરણાયું વાગે, બંધૂકુંના સૂબા,
રે હો ડોલરિયો, લાડી લેવા ચાલ્યા, માણારાજ…
મારો માંડવો રઢિયાળો લીલી પાંદડીએ છવરાવો, માણારાજ…!
કેડી રે કંડારો, માણારાજ!-
હાલોને, આપણે સાચુંકલું હાલીએ!
અમને સંકારો, માણારાજ!
હાલોને, હાથ હાથમાં ઝાલીએ
(રમેશ પારેખ)
મોલું રુવે મધરાતે, રાજ !
સાજણ, મારો ઈડરિયો ગઢ સૂનો, માણારાજ !
(અરવિંદ બારોટ)