અમૃતા : ગુજરાતી ભાષાની એક અજોડ કૃતિ
ગુજરાતી સાહિત્યનું ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય તેમજ આપણી ભાષાનું સૂર્ય સમાન તેજસ્વી નામ એટલે શ્રી રઘુવીર ચૌધરી સાહેબ. જ્ઞાનપીઠ પુરસ્કાર તેમજ પદ્મશ્રીની ખ્યાતીથી તેઓ સન્માનિત થયા છે. છેલ્લા પાંચેક દાયકાથી ગુજરાતી ભાષા માટે તેઓ સતત કાર્યરત છે. તેમની કલમ જ જાદુઈ હોય કે જાણેકે લખાયેલો શબ્દ પણ કાંઇક અલગ જ અનુભૂતિ લઈને આવે છે. તેમની રચિત કવિતાઓ, નવલકથાઓ, એકાંકી નાટકોનો ગુજરાતી ભાષામાં થયેલા શ્રેષ્ઠ સર્જનોમાં સમાવેશ થાય છે. ‘અમૃતા’, ‘વેણુ વત્સલા’ ‘લાગણી’, ‘પૂર્વરાગ’ જેવી અનેક શ્રેષ્ઠ નવલકથાઓ તેમણે આપી છે. ’ઉપરવાસ’, ‘સહવાસ’ અને ‘અંતર્વાસ’ નવલકથા શ્રેણી માટે તો તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમનું ‘તમસા’ કાવ્યસંગ્રહ અદ્ભુત છે. ‘ત્રીજો પુરુષ’ અને ‘ડીમલાઈટ’ ગુજરાતી ભાષાના અમુક શ્રેષ્ઠ એકાંકી નાટકોમાં આવે છે. આ સાથે સાથે તેઓ સામયિકો માટે પણ લેખ લખતા જે વાચકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે અને આજે પણ ઘણા વાચકોએ તે લેખોને સાચવી રાખ્યા છે. માનનીય શ્રી રઘુવીર ચૌધરી સાથે જલસોએ ખૂબ જ રસપ્રદ સંવાદ કર્યો છે. વાંચો અને જાણો રઘુવીર ચૌધરી સાહેબને અને ગુજરાતી ભાષાને થોડું વધુ નજીકથી.
વતન પ્રત્યેનો પ્રેમ
મૂળે તેઓ બાપુપૂરા ગામના રહેવાસી. આજે પણ તેમને વતન પ્રત્યેનો પ્રેમ એટલો ને એટલો જ છે. યુવાન વયે વ્યવસાય અર્થે વતન છોડવું પડ્યું હતું પરંતુ અવારનવાર વતને જવું, ખેતર ઉપર કામ કરવું એ તેમની મનપસંદ પ્રવૃત્તિ હતી. આજે સ્વાસ્થ્યના કારણે વતન જવાનું ઓછું થઇ ગયું છે. તેમના અર્ધાંગીની પારુબા ના ગયા પછી તો પ્રસંગ સિવાય વતન જવાનું તો ખૂબ ઓછું થઇ ગયું છે. લેખન સિવાય રઘુવીર સાહેબને ગાયનનો ખૂબ શોખ. તે અને પારુબા તો સાથે ગરબા પણ ઘણા ગવડાવતા ને જૂનાં ફિલ્મી ગીતો પણ ખૂબ ગાતા. આજે પણ જૂનાં ફિલ્મી ગીતો સાંભળવાનો તેમને એટલો જ શોખ છે અને તે વાત જણાવતા તેઓ કટાક્ષમાં કહે પણ છે કે આજકાલના ફિલ્મી ગીતો તો ક્યાં એટલા સાંભળવા લાયક હોય જ છે. જયારે પારુબાની વાત કરવામાં આવી ત્યારે તેઓ તેઓ જરાક ભાવુક થઇ જાય છે. પારુબાને યાદ કરતા તેઓ કહે છે કે,”કોઇપણ શહેરી નાર કરતા પારુ ઘણી હોશિયાર અને સમજું હતી. મારી સાથેના તમામ સાહિત્યકારોને પણ તે ઓળખતી. હું કોઇપણ કૃતિ લખવાનું વિચારું તો તે સૌપ્રથમ પારુને જ સંભળાવતો પછી જ મારી કૃતિ આગળ વધતી. ઘણી કૃતિમાં તે મદદ પણ કરતી તેમાં પણ બોલચાલની ભાષામાં તો તેનું અદ્ભુત પ્રભુત્વ.”
‘અમૃતા’ એક અદ્ભુત રચના
રઘુવીર સાહેબને તેમની આટલી બધી નવલકથાઓમાં સૌથી પ્રિય ‘અમૃતા’ અને ‘ઉપરવાસ’ છે. ‘અમૃતા’ જયારે એક એવી નવલકથા છે કે જેમાં અત્યાધુનિક વિષયને સાંકળવામાં આવ્યો છે જયારે બીજી બાજુ ‘ઉપરવાસ’ એ રઘુવીર સાહેબે તેમના અનુભવ પરથી લખેલી કૃતિ છે.
તેમની દરેક કૃતિ ગુજરાતી ભાષાની શોભા વધારે છે, એકથી એક ચઢિયાતી. તેમાં પણ ‘અમૃતા’. કહેવાય છે કે રઘુવીર ચૌધરી તે સમયે આધુનિક વિચારો ધરાવતા, સમય કરતા આગળ ચાલતા જે તેમના લેખનમાં સ્પષ્ટ રીતે આપણે સાંભળી શકીએ છે, અનુભવી શકીએ છીએ. અને ‘અમૃતા’ તેવી જ એક કૃતિ છે. 1964માં લખાયેલી આ કૃતિમાં સ્ત્રીઓને પોતાના જીવનસાથીને પસંદ કરવાની મુશ્કેલી વિષે અને તે સાથે જોડાયેલા અનેક પ્રશ્નોને ખૂબ જ અદ્ભુત રીતે વણ્યા છે. એટલી અદ્ભુત નવલકથા કે જેની 15-16 આવૃત્તિઓ થઇ છે અને વાચકો વચ્ચે આજે પણ એટલી જ પ્રિય છે. અમૃતા જે વિષય ઉપર લખાઈ તે વિષય તે સમય માટે ખૂબ જ અલગ પડતો અને આધુનિક હતો પરંતુ આજે લોકો આ વિષય સાથે સરળતાથી કનેક્ટ કરે છે. ઘણા તો 3-4 વાર સમગ્ર પુસ્તકને વાંચે છે. સાચે જ ‘અમૃતા’ નવલકથા સમગ્ર ગુજરાતી સાહિત્યમાં અજોડ છે.
ગુજરાતી ભાષાની વર્તમાન પરીસ્થિતિ
રઘુવીર સાહેબ આગળ કહે છે કે,”આજના સમયમાં વાચકવર્ગ ઘટતો જાય છે. લોકો ફિલ્મો અને વેબસીરીઝના માધ્યમ તરફ વધુ વળી રહ્યા છે તેમાં પણ ઘણીવાર હિંસક તેમજ વ્યભિચારયુક્ત કન્ટેન્ટને ક્યાંક વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે. પરંતુ લોકોને જે વિષય ગમતો હોય તેમાં કંઈ ખોટું નથી. સાહિત્યનું રસપાન કદાચ જો પુસ્તક માધ્યમે સીધું ન થતું હોય તો જો લોકો સંવાદ સાંભળીને કે માત્ર ઓડીઓ સ્વરૂપે સાંભળીને પણ કરતા હોય તો તે પણ ક્યાંક ના ક્યાંક સાહિત્યને જીવંત રાખવામાં મદદરૂપ બને જ છે.” તેઓ માને છે કે ભાષા ક્યારેય મરતી નથી, એ તો હંમેશા જીવતી જ રહે. પરંતુ લોકસાહિત્ય માટે તેઓ વિશિષ્ટ ચિંતા વ્યક્ત કરે છે અને જણાવે છે કે,”લોકસાહિત્યને જો નહીં સાચવીએ તો તે સતત બદલાતું રહેશે અને એક દિવસે તેનું મૂળભૂત અસ્તિત્વ નહીં રહે માટે જ લોકસાહિત્યને સાચવવા માટે કાંઇક કરવું જોઈએ.”
ગુજરાતી ભાષાના સુવર્ણ દિવસો
તેમના જૂના દિવસોને તેઓ યાદ કરતા કહે છે કે,”એ સમયના સર્જકો વિશિષ્ટ હતા. પન્નાલાલ પટેલ તો મારા વેવાઈ પણ થાય અને તેમની વાર્તાઓ-લેખનો ખૂબ વાંચ્યા. ઉમાશંકર જોશી તો ખૂબ જ વિદ્વાન હતા તેમને અંગ્રેજી અને સંસ્કૃત ભાષા ઉપર પણ પકડ હતી.”
તેમને હજી પણ અનેક સર્જનો કરવાની ઈચ્છા છે પરંતુ ઉંમરના હિસાબે અને સ્વાસ્થ્યના લીધે શક્ય નથી બની રહ્યું. તેમણે જે રીતે શ્રીકૃષ્ણને કેન્દ્રબિન્દુમાં રાખી ‘ગોકુળ-મથુરા-વૃંદાવન’ ની રચના કરી તે જ રીતે તેમને ભગવાન શિવ ઉપર પણ સર્જન કરવું છે. હજીપણ તેમને નાટ્યસાહિત્યમાં ખેડાણ કરવાની ઈચ્છા છે તેમાં પણ એક સંગીતમય નાટક લખાય એવી તેમને ખૂબ ઈચ્છા છે.
કેટલું અદ્ભુત વ્યક્તિત્ત્વ અને કેટલી સચોટ તેમની વાતો. આપણી ગુજરાતી ભાષાના વરિષ્ઠ અને મૂર્ધન્ય સાહિત્યકાર રઘુવીર ચૌધરી સાહેબ સાથેનો આ અદ્ભુત સંવાદ સાંભળો માત્ર જલસો પોડકાસ્ટ YT Channel પર.