અમદાવાદને લોકો એના ઈતિહાસ માટે યાદ રાખે છે. કોઈ કોઈ ભૂમિનું ભાગ્ય વિધાતાએ વિશેષ રીતે લખ્યું હોય છે. અને તેથી ત્યાં વસનાર પૂરી આબાદીને તે ભૂમિ ફળે છે. વિશ્વનાં એવા અનેક ભૂમિ પ્રદેશો કોઈનાં આશીર્વાદથી આબાદ બન્યા છે. એમાં ભારતની પશ્મિમમાં આવેલું ગુજરાત ચારે દિશાએથી સમૃદ્ધ રાજ્ય છે. અને તેનું સૌથી મોટું શહેર એવું અમદવાદ તો આબાદ હોવાનું બિરુદ ધરાવે છે.
600 વર્ષથી વધારે પ્રાચીન અમદવાદ વિશેની ઘણી વાતો અજાણી છે. July 2017માં world heritage city તરીકે અમદવાદને ઘોષિત કરવામાં આવ્યું ત્યાથી જ તે પ્રસિદ્ધ થયું એવું નથી. ખ્યાત તો અમદવાદ સલ્તનત કાળથી છે. સલ્તનકાળમાં અમદાવાદ શહેરનો વૈભવ અને સમૃદ્ધિ આસમાન સુધી પહોચ્યાં છે.
એવું કહેવાય છે કે, અહમદ બાદશાહએ જયારે સાબરમતીનાં કિનારે એક સસલાને હિંસક કુતરાની પાછળ દોડીને તેને ભગાવતા જોયું. ત્યારે બાદશાહ આ જોઇને ભારે ચકિત થયેલા. આનાથી પ્રભાવિત થઈને તેમણે અમદવાદને પોતાની રાજધાની તરીકે પસંદ કર્યું.અને અમદવાદ શહેર અસ્તિત્વમાં આવ્યું.
અમદાવાદને ઈતિહાસ સાથે ખુબ જૂનો નાતો છે. અમદાવાદ શહેરનાં ઈતિહાસની રસપ્રદ વાતો છે. જાણીને નવાઈ લાગશે કે, આજનાં ભદ્રના કિલ્લાનાં નિર્માણમાં પણ કોઈ સંતનાં આશીર્વાદ છે. એવું માનવામાં આવે છે, કે માણેકનાથ નામના સંતે પહેલા તો અહમદ શાહને ભદ્રના કિલ્લાનું નિર્માણ કરતા અટકાવેલા. કિલ્લાનાં નિર્માણમાં વારંવાર નિષ્ફળતા મળતી હતી. અંતે અહમદશાહ બાદશાહે સંત માણેકનાથને વિનંતી કરી, કે તે માર્ગ દર્શન આપે. સંત માણેકનાથની સલાહ મુજબ શહેરનો નકશો બદલાવવામાં આવ્યો.
આથી શહેરનાં પ્રથમ ચોકને તેમના નામ પરથી માણેકનાથ ચોક નામ આપવામાં આવ્યું. અને કિલ્લાનાં બુરજને પણ તેમના નામ પરથી માણેક બુરજ નામ આપવામાં આવ્યું છે. સુફી સંતનાં આશીર્વાદથી અહમદ બાદશાહે આ શહેરનો પાયો નાખ્યો હતો. સંત માણેકનાથની સમાધિ આજે માણેક ચોકમાં આવેલી છે.
અમદવાદના મૂળ બાર દરવાજા હતા. પાછળથી છ દરવાજા બાંધવામાં આવેલા. એમાં પુરાતત્વ ખાતાની માહિતી મુજબ ત્રણ દરવાજા સિવાય બધા દરવાજા કોટની દીવાલ સાથે જોડાયેલા છે. ત્રણ દરવાજા ભદ્રના કિલ્લાની પૂર્વ બાજુએ આવેલ છે.
ત્રણ દરવાજાનું નિર્માણ અહમદ શાહનાં શાસન પહેલા થયું છે એવું પણ માનવામાં આવે છે. ત્રણ દરવાજાની કોતરણી અત્યંત સુંદર છે. સંત માણેકનાથનાં દિવ્ય પ્રતાપ અને આશીર્વાદથી ભવ્ય અમદાવાદનું નિર્માણ તો થયું. પણ અમદવાદને આબાદ બનાવનાર એક ઓર વ્યક્તિની કથા ઇતિહાસમાં મળે છે.
અહમદ બાદશાહનાં સેવામાં એક સિદ્દીકી નામનો કોટવાલ હતો. એકવાર અંધારી રાત્રે નગરનાં દ્વારે એક દેવી પધારે છે. સિદ્દીકી નામનો કોટવાલ તેમને રોકે છે અને પૂછે છે, હે દેવી આપ કોણ છો ?.આપને ક્યાં જવું છે ? તે દેવીનાં રુપ, તેમની આભા સામાન્ય માણસ કરતા અલગ હતી.
સિદ્દીકી કોટવાલને તે કોઈ દિવ્ય શક્તિ પ્રતીત થયા. સિદ્દીકી કોટવાલે તે શક્તિને વિનંતી કરી કે હે દેવી આપને ક્યાં જવું છે ? ત્યારે તેમણે ઉત્તર આપ્યો કે, “ હું નગરદેવી છું. મારે બહાર જવું છે. “સિદ્દીકી કોટવાલ જાણી ગયો હતો કે, આ કોઈ સામાન્ય સ્ત્રી નથી. સ્વયં મા લક્ષ્મી છે. આથી કોટવાલ મા લક્ષ્મીને રોકવા માટે એક પ્રત્યત્ન કરે છે.
કોટવાલ મા લક્ષ્મીને કહે છે, ” કે દેવી આપ અહીં બિરાજો હું આપના આગમન વિશે અમારા બાદશાહને જણાવી આવું , હે મા હું પાછો ના આવું ત્યાં સુધી આપ અહીં જ રહેજો. મા લક્ષ્મી તે કોટવાલની વાતને સ્વીકારી ત્યાં જ રોકાયા.સિદ્દીકી કોટવાલ જાણતો હતો કે જો તે પાછો જશે તો મા લક્ષ્મી નગરમાં વાસ નહીં કરે. એટલે મા લક્ષ્મી કાયમ માટે અમદાવાદ નગરમાં વાસ કરે તે માટે કોટવાલે સ્વયંનું બલિદાન આપી દીધું. અને મા લક્ષ્મી કાયમ માટે અમદવાદમાં વસ્યાં. પોતાનું ના વિચારતા આખું નગર આબાદ બને, સમૃદ્ધ બને એ માટે સિદ્દીકી નામનો કોટવાલ પોતાને આહુત કરી દે છે.
જલન માતરીની ગઝલનો એક સુંદર શેર છે જે અહીં કહેવાનું મન થાય છે.
જલન માતરી સાહેબ લખે છે કે ,
“શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી !”
કોટવાલની આ કહાણી સાક્ષી પૂરતી મા લક્ષ્મીને સમર્પિત અખંડ જ્યોત આજે ત્રણ દરવાજા પાસે પ્રજવલિત છે. અમદવાદની સ્થાપનાને જેટલા વર્ષ થયા તેટલા વર્ષોથી આ જ્યોત તે કોટવાલનાં બલિદાનની કહાણી વ્યક્ત કરે છે.
મા લક્ષ્મીની કૃપાથી અમદવાદ શહેર બધી જ રીતે આબાદ છે. આથી અમદવાદમાં સુકુન છે, શાંતિ છે. અને સફર કરવા માટે ઈચ્છો એટલા સરનામા છે. આપણે અમદાવાદીઓ વારંવાર ત્રણ દરવાજા જઈએ છીએ. બની શકે આ અખંડ જ્યોતનાં દર્શન પણ કર્યા હશે. પણ કદાચ કોટવાલ સિદ્દીકીનાં બલિદાનની વાતથી અજાણ હોઈ શકીએ. પરંતુ કોટવાલ સિદ્દીકીએ અમદાવાને ભેટમાં આપેલા તેના જીવના આપણે હંમેશા ઋણી રહીશું. કોટવાલ સિદ્દીકીનાં લોકકલ્યાણ, સદ્ભાવ, ત્યાગ, બલિદાનથી આજે આપણું અમદવાદ આબાદ છે. સમૃદ્ધ છે.