અભિષેક જૈન એટલે ગુજરાતી Film Industryમાં એક નવી કેડી કંડારનાર ફિલ્મમેકર. ગુજરાતી Film Industry બહુ ભવ્ય ભૂતકાળ ધરાવે છે. અનેક મહાન ફિલ્મમેકરોએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને દિશા અને દશા આપી છે. એમાં એક નામ ઉમેરાયું અભિષેક જૈન. નરસિંહ મહેતા, ગુણસુંદરી, લીલુડી ધરતી, મળેલા જીવ, જોગીદાસ ખુમાણ, કંકુ, કાશીનો દીકરો, મેરુ માલણ, જેસલ તોરલ, માનવીની ભવાઈ, વણઝારી વાવ, ભવની ભવાઈ, દેશ રે જોયા દાદા પરદેશ જોયા જેવી ફિલ્મો ગુજરાતી સિનેજગતની મહાન ફિલ્મો તરીકે ખ્યાતી પામી. 2008માં આશિષ કક્કડ દ્વારા દિગ્દર્શિત ‘બેટર હાફ’ ફિલ્મે ગુજરાતી ફિલ્મોમાં શહેરી જીવનને દર્શાવ્યું. જે ફિલ્મ જ અભિષેક જૈન માટે મારદર્શક નીવડેલી. અને પછી અભિષેક જૈન દ્વારા ‘કેવી રીતે જઈશ’,‘બે યાર’ અને ‘રોંગ સાઈડ રાજુ’ જેવી ફિલ્મો દ્વારા ગુજરાતી ફિલ્મોનું અર્બનાઈઝેશન થયું. અને ત્યારથી ‘અર્બન ગુજરાતી ફિલ્મો’ નામના ટેગ સાથે ફિલ્મો બનવા લાગી. પણ એની સફળ શરૂઆત કરનાર અભિષેક જૈન. તેમની સાથે એક સરસ સંવાદ થયો જેમાં તેમણે તેમની ફિલ્મી કરિયર વિશે રસપ્રદ વાતો કરી.
બહુ ઓછા ગુજરાતી ફિલ્મમેકરો છે જે ફિલ્મમેકિંગનું ભણીને આ ક્ષેત્રમાં આવ્યા છે. તેમાંના એક અભિષેક જૈન ‘વ્હીસલિંગ વૂડ્સ ઇન્ટરનેશનલ’માંથી ફિલ્મમેકિંગનો અભ્યાસ કરીને આવ્યા છે. આ સંસ્થામાં તેમણે સુભાષ ઘાઇ જેવા પ્રતિષ્ઠીત ફિલ્મમેકરની ફિલ્મમેકિંગના પાઠ શીખ્યા. અને એના પ્રતાપે તેમને સંજય લીલા ભણશાલી જેવા દિગ્ગજ સાથે ‘ગુઝારિશ’ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવા મળ્યું. આ સંસ્થામાંથી તેમને એક વાત શીખવવામાં આવતી કે, તમારે એ જ વાર્તાઓ કહેવી જોઈએ જે જીવન તમે જીવ્યા છો. જે પ્રમાણનું તમારું નાનપણ રહ્યું છે, જે પ્રકારનો તમારો ઉછેર રહ્યો છે. કારણ કે એવી જ વાર્તાને તમે વધારે જસ્ટિફાઈ કરી શકશો.’ અને એ સિવાય એ સમયમાં ફિલ્મ ક્ષેત્રે મોટાભાગે ગુજરાતીઓ જોવા મળતા. પૈસાના રોકાણથી લઈને Distribution સુધી ગુજરાતીઓનું પ્રમાણ ઘણું મોટું હતું. છતાં ગુજરાતી ભાષામાં કેમ આટલી ફિલ્મો નથી બની રહી? અને એ જ વિચાર તેમને ગુજરાતી ભાષામાં ફિલ્મો બનાવવા પ્રેરિત કર્યા.
‘કેવી રીતે જઈશ’ ફિલ્મના નિર્માણની વાત કરતા તેઓ કહે છે કે, ‘ નાનપણથી વિદેશ જવાનો પ્લાન હતો. તેથી વિઝા કન્સલ્ટન્ટની ઓફિસે આંટાફેરા હતા. અને ત્યાં આપણા ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછાએ તેમને આકર્ષિત કર્યા. અને ફિલ્મ સ્કુલમાં આ બાબત સતત મનમાં રહેતી. પોતે પણ રાજસ્થાનથી ગુજરાતમાં સ્થળાંતરીત થયેલા હોવાથી એ અનુભવ, એ લાગણી, એ તકલીફો જોયેલી. જ્યાં સરકારી અધિકારીઓની બદલીઓના કારણે જયારે એના બાળકો મોટા થાય ત્યારે તેને સૌથી પહેલો પ્રશ્ન થાય કે હું ક્યાંનો છું? એ બધું તેમને અસર કરી ગયું. અને પોતે જોયેલું ને જાણેલું હતું તે જ વાર્તા કહેવા માટે આ ફિલ્મ બનાવી.
‘કેવી રીતે જઈશ’નો બીજો ભાગ બનશે ? એ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ‘ કેવી રીતે જઈશ’ એક સટાયર ફિલ્મ હતી. અને જો બીજો ભાગ બને તો એ હ્યુમર નહીં હોય. એ ડાર્ક ફિલ્મ હશે. કેમ કે આજે જયારે આપણે છાપાઓ વાંચીએ છીએ ત્યારે તેમાં ગુજરાતીઓની હત્યા થઇ હોય. સરહદ ઓળંગતા ઠંડીમાં થીજી ગયા હોય. એના પર બનેલી ફિલ્મમાં હસી ન શકાય. જો હું કેવી રીતે જઈશ’નો બીજો ભાગ બનાવીશ તો એ ‘ડંકી’ કરતા પણ વધુ ડાર્ક ફિલ્મ હશે.