For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

શ્રીરામના જીવનનું એક અનન્ય પાત્ર એવા શબરી પર લખાયેલા કેટલાક શેર.

શ્રીરામના નામનો એક અનન્ય પર્યાય એટલે શબરી. અને શબરી એટલે પ્રતિક્ષા. શબરી એટલે ભજનનો ભવસાગર. શબરી એટલે ગુરુ ભક્તિનો મેરૂદંડ. શબરી એટલે દયાનો મેરામણ. શબરી એટલે ભરોસાની ઝુંપડી. શબરી એટલે ભક્તોની દિવાદાંડી. શબરી એટલે ભજનના રસ નીતરતા કેદારનો કેકારવ. શબરી એટલે ગોપિકાઓનું માસુમત્વ. શબરી એટલે સંતધારાનું સર્વોચ્ચ શિખર અને શબરી એટલે ભક્તિની ભાગીરથી. અને એ શબરી માટે સર્વસ્વ એટલે પ્રભુ શ્રી રામ.

શ્રીરામના નામથી ત્રેતાયુગમાં પથરા તર્યા હતા. જેમ કૃષ્ણના નામ સાથે લીલાઓ સંકળાયેલી છે. એ રીતે નામના નામ સાથે પ્રતીક્ષા જોડાયેલી છે. આજીવન રામની પ્રતીક્ષા જ રહી છે. પહેલા તેમના જન્મની, ત્યારબાદ રાજા બનવાની, ત્યારબાદ વનવાસમાંથી પાછા ફરવાની, રાવણ સામેના યુદ્ધમાં વિજેતા બનવાની વગેરે વગેરે…. એવા તો કંઇ કેટલી ઘટનાઓ છે. એ સીતા માતાએ રામની કરેલી પ્રતીક્ષા હોય કે અન્ય ભક્તોએ. પરંતુ એ સૌમાં એક વ્યક્તિ આજીવન લોકજીભે ચડી ગયું. એ નામ એટલે શબરી. પ્રતીક્ષાનું તપ જેને ફળ્યું એ નામ એટલે શબરી.

પુરાણ કથા પ્રમાણે ‘શબરી’ આગળના જન્મમાં રાજાના રાણી હતા. એક વખત તેઓ પ્રયાગરાજ ગયા. ત્યાં સાધુ મહાત્મા-સંતોનાં દર્શન કર્યાં. વૈરાગ્ય થતાં ત્રિવેણીમાં ડૂબકી લગાવી દીધી, એ પણ એવી ઇચ્છાથી, કે હવે પછીના જન્મમાં સાચા સંત સાથે સત્સંગ થાય અને ભગવાનનું દર્શન થાય.

આ રાણી નવા જન્મમાં ભીલકન્યા શબરી તરીકે જન્મ્યા. લગ્નની ઉંમરે લગ્ન નક્કી કર્યું. લગ્નની ખુશાલીરૂપ મિજબાની માટે, પશુઓની હિંસા કરવામાં આવી. દયાળુ શબરી આ ન જોઈ શક્યા. મધ્યરાત્રીએ તેમણે ઘરનો ત્યાગ કર્યો.

વનરાવનમાં પવિત્ર પંપા સરોવરના કિનારે, માતંગઋષિના આશ્રમ પાસે, તે રહેવા લાગ્યાં. સાધુઓની સેવા કરવા લાગ્યાં. માતંગઋષિએ તેમને, ‘રામ’ નામના મંત્રની દિક્ષા આપી. માતંગઋષિએ, દેહ છોડતાં કહ્યું, ‘મેં તને રામમંત્રની દિક્ષા આપી છે. બેટા ! તારા ઘેર શ્રી રામચંદ્ર ભગવાન આવશે.’

‘મારા ઘેર મારા રામજી આવશે’, એવી સતત રટણા સાથે, તે સારા મીઠાં બોર લાવતા. ‘મારા રામ આ બોર આરોગશે’ એમ, તે એકધારી ‘પ્રેમ રટણા’ કરતા. ‘મારા રામને મીઠાં મીઠાં બોર મળે’ એવો ભાવ રાખી, તે ચાખી ચાખીને, બે પડિયા મીઠાં બોર ભરી રાખતા. મારા ગુરુજીએ કહ્યું એટલે, મારા રામ મારી ઝૂંપડીએ આવશે જ એવો દ્રઢ વિશ્વાસ તે રાખતા. તે વૃદ્ધ થયા છતાંય તેમણે વિશ્વાસ અકબંધ રાખ્યો.

રામ-લક્ષ્મણ પંપા સરોવર પાસે આવ્યા. વચ્ચે ઋષિમુનિઓએ પોતાના આશ્રમમાં પધારવા, ઘણો આગ્રહ કર્યો પણ શ્રીરામે પ્રેમથી કહ્યું, ‘મારે તો શબરીને ત્યાં જ જવું છે.’

શબરી તો સતત રામજીની રાહ જુએ છે. ભગવાન કહે છે ‘જે મને સતત શોધે છે તેને શોધતો શોધતો હું તેના ઘેર જાઉં છું’ ભગવાન રામચંદ્ર શબરીને શોધતા શોધતા તેમના ઘેર ગયા.

શબરીએ ભાવથી સ્વાગત કર્યું. શબરીએ પ્રેમથી એઠાં બોર આપ્યાં. શ્રીરામજી તો એ બોર ખાતાં, ધરાયા જ નહિ. શબરીનાં આ બોરમાં, શુધ્ધ પવિત્ર પ્રેમભાવ હતો. કહેવાય છે કે ‘શબરીબાઈ’ રામજીનાં દર્શન કરતાં કરતાં યોગાગ્નિમાં સમાઈ ગયાં.

રામનામના જાપથી શબરી અમર થઇ ગયા. રામાયણની જેમ અનેક ટીકાઓ લખાય એમ શબરી પર ખુબ સાહિત્ય લખાયું. કવિઓએ મન મુકીને શબરી પર કવિતાઓ લખી છે.

હાલના સમયના ગુજરાતી કવિતાના ખુબ જાણીતા ગઝલકાર વિકી ત્રિવેદી લખે છે કે,

શબરીએ એકલીએ પ્રતીક્ષા નતી કરી,

કે એની સાથે ઝૂંપડી ને બોર પણ હતા.

આપણે માત્ર શબરીને પ્રતીક્ષાનો પર્યાય માનીએ છે, જયારે કવિ અહીં સાથે તેમના બોર અને ઝુંપડીએ પ્રતીક્ષા કરી એની નોંધ લે છે.

તો એવા જ એક લોકપ્રિય કવિ હિરેન ગઢવી લખે છે કે,

બેઠો છું કોની રાહમાં તું એનું ભાન દે,

શબરીને પણ ખબર હતી કે કોણ આવશે.

જ્યાં કવિ રઈશ મનીઆર તો બહુ સુંદર વાત લખે છે. આપણે ત્યાં કહેવત છે કે ‘વરની મા વરને જ વખાણે’  એ મુજબ કવિ કે છે કે રામને તો બોર બહુ મીઠા લાગ્યા હતા, કારણ કે શબરીએ એ બોરને ચાખ્યા હતા અને મીઠા બોર જ આપ્યા હતા. પણ જો તમારે ખરેખર બોરનો સ્વાદ ચાખવો હોય તો શબરીને પૂછો. કેમ કે ખાટા બોર તેમને ચાખીને જવા દીધા હતા.

બોર કેવા હોય છે, શબરીને પૂછો

રામને પૂછો તો એ મીઠા જ કહેશે

એ જ કથાનક લઈને કવિ ગુંજન ગાંધી પણ લખે છે કે,

જે શબરી એ ચાખ્યા’તા અને જે તે ન’તા ચાખ્યા કદી પણ,

એ ભક્તિ બોરની જો ચાખવાની હોય તો કહેજે મને તું.

 

યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,

શ્રીરામને જમાડવા શબરી થવું પડે.

– રવિશંકર ઉપાધ્યાય ‘રવિ’

 

તો કવિ ‘રવિ’ તો કહે છે કે રામને જગાડવા તો શબરી થવું પડે.!

આવશે ઈશ્વર કદી મુજ આંગણે

એ પ્રતીક્ષા છે ને એઠાં બોર છે.

— ડૉ. ઉર્વીશ વસાવડા

 

પ્રતીક્ષા શબરીની સાથે કરીતી ઝૂંપડે પણ,

ગયાતા ફૂલડાં આવી અને પગથાર આગળ.

— રાહુલ ર.મહેતા ‘રાહ’

 

એક આંખમાં શબરી બેઠી, બીજી આંખમાં મીરાં

પહેલી બેઠી કરી અડિંગો, બીજીએ વન વિખ્યાં

એક નેજવું બની ગઈ ને બીજી ચિર ઝૂરાપો

બેઉં તમારી સમજણ ઉપર મારી દેશે છાપો

એકે ચાખ્યાં ખાટાં દિવસો, બીજીએ વિષ મીઠાં

એકે સન્મુખ જ્યોત નિહાળી, બીજી માંહ્ય સમાણી

અડી અડી ને રહેતી તોયે ઉભયથી અણજાણી

નોખાં નોખાં આંસુ કિંતુ, એક જ એની પીડા.

સ્નેહી પરમાર

આદિ મહાકાવ્ય સંપૂર્ણ રામાયણ
સંપૂર્ણ રામાયણ આ ઈમેજ પર ક્લિક કરો.

અહીં માત્ર શબરી અને શ્રીરામના જીવન સાથે સંકળાયેલા અમુક પ્રસંગની વાત કરી છે. પરંતુ જો તમે શ્રીરામના જીવન વિષે રામાયણ વિષે જાણવા ઈચ્છતા હોય તો અમે જલસો પર સંપૂર્ણ રામાયણ રજુ કરી છે. અને એ પણ ગુજરાતના ખુબ જાણીતા લેખક રામ મોરીના મુખે.

 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz