વિનોદ જોશીનું અદ્ભુત સાહિત્ય સર્જન
‘સખી! મારો સાહ્યબો સૂતો ફળીયે ઢાળી ઢોલિયો
હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં……
એક તો માઝમ રાતની રજાઇ
ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
પોયણાંથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય…’
આ ચામત્કારિક ભાષા ધરાવતી કવિતા છે મૂર્ધન્ય સાહિત્યકાર વિનોદ જોશીની. આ રચના ખૂબ જ લોકપ્રિય છે અને તેનું અમર ભટ્ટ ધ્વારા સ્વરાંકન પણ થયેલું છે.
વિનોદ જોશી વિશે
ગુજરાતી સાહિત્યજગતનું એક મોખરાનું નામ એટલે કવિ વિનોદ જોશી. એમની રચનાઓની મોહિનીનો ગુજરાતી કાવ્યભાવકો પર વ્યાપક પ્રભાવ છે. એમનાં ગીતકાવ્યો તો અગાયકને પણ ગાતાં કરી મૂકે તેવાં સહજ. તેના ભાવહિલ્લોળમાં સહૃદયો એવાં તો તણાઇ જાય છે કે ભાષા અને તેના અર્થો એમને માટે સાવ ગૌણ બની જાય છે. `પરંતુ’ કાવ્યસંગ્રહથી આરંભાયેલી એમની કાવ્યયાત્રા વૃતબદ્ધ દીર્ઘકાવ્ય `શિખંડી’, મધ્યકાલીન ગુજરાતી કાવ્યસ્વરૂપમાં લખાયેલી પદ્યવાર્તા ‘તુણ્ડિલ-તુણ્ડિકા’, બહુપ્રશસ્ત કાવ્યસંગ્રહો `ઝાલર વાગે જૂઠડી’, અને `ખુલ્લી પાંખે પિંજરમાં’ તેમજ રાષ્ટ્રીય સ્તરે પોંખાયેલાં અને વિવિધ ભારતીય ભાષાઓમાં અનૂદિત થયેલાં સાત સર્ગનાં પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ સુધી વિસ્તરી છે. ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ અને ગુજરાતી કવિતાના સર્વોચ્ય ગણાતા નરસિંહ મહેતા એવોર્ડ જેવા અસંખ્ય નોંધપાત્ર પારિતોષિકોથી વિભૂષિત આ કવિનો સાહિત્યની ભાષા અંગેનો દૃષ્ટિકોણ આપણને વિચારતાં કરી મૂકે તેવો છે.
લોકભાષા અને સંસ્કૃતપ્રચુર ભાષાનો સમન્વય ધરાવતી વિનોદ જોશીની રચનાઓ ઘણી વિલક્ષણ છે. ગુજરાતી કવિતાસાહિત્યમાં એક પ્રશિષ્ટ કવિ તરીકે વિનોદ જોશીનું બહુ ઊંચું સ્થાન છે. જલસો સાથે કવિ શ્રી વિનોદ જોશી સાથે થયો એક વિશિષ્ટ સંવાદ, જ્યાં તેમણે તેમના સફર વિશે, સાહિત્ય સર્જન વિશે અનેક સુંદર વાતો કરી છે. ગુજરાતી ભાષા માટે, ગુજરાતી સાહિત્ય માટે તેઓ અન્ય સર્જકો કરતા જરાક જુદો મત ધરાવે છે, તે સાંભળીએ ત્યારે આપણને ચોક્કસથી વિચારતા કરી મૂકે છે. સંવાદ સાંભળવાનું ચૂકતા નહીં, અને આ બ્લોગમાં તે સંવાદના અમુક રસપ્રદ પ્રસંગોને વર્ણવ્યા છે, વાંચીને ખૂબ મજા પડશે.
કવિશ્રી વિનોદ જોશીનું બાળપણ અને સાહિત્યસર્જનની શરૂઆત
કવિશ્રી વિનોદ જોશીનો જન્મ અમરેલી ખાતે થયો.સંસ્કૃત પ્રકાંડ પંડિત પરિવારમાંથી તેઓ આવે છે, તેમના પિતાશ્રી યજુર્વેદી બ્રાહ્મણ. સંસ્કૃત ભાષામાં પણ તેઓ અત્યંત વિદ્વાન. તેઓ જયારે પાંચમાં કે છટ્ઠા ધોરણમાં હતા ત્યારે જ તેમણે તેમની સૌપ્રથમ કવિતા લખી, તેમણે જયારે તે કવિતા લખી ત્યારે ‘આ કવિતા કહેવાય’, તેઓ ખ્યાલ તેમને નહોતો પરંતુ તેમને કંઇક મજા પડી ગયેલી. ત્યારબાદ હાઈસ્કૂલમાં તેમણે એક સોનેટ કાવ્ય શિખરણી છંદમાં લખ્યું, જે તેમણે કુમાર સામાયિકમાં મોકલ્યું અને પાછળથી તે તેમાં છપાયું પણ ખરું. તે ઉંમરે તેમને એ ખ્યાલ નહોતો કે કુમાર સામાયિકમાં કવિતાનું છપાવું એ ઘણી મોટી વાત કહેવાય. છંદ વિશે, ભાષા વિશે, સાહિત્ય સર્જન વિશે તેઓ ગળથૂથીમાંથીજ જ્ઞાન લઈને જન્મ્યા હોય તેટલા તેઓ પ્રખર છે.
વિનોદ જોશીની કવિતાઓ
તેમની લખેલી કવિતાઓ-પદ્ય રચનાઓ વાંચીએ કે સાંભળીએ તો ભાષાનો અદ્ભુત અનુભવ થાય છે. તેમનું શબ્દોનું ઉચ્ચારણ અને તેમના લખાણમાં બંનેમાં ગુજરાતી ભાષા તેના શુદ્ધ સ્વરૂપે અનુભવાય છે. કવિ વિનોદ જોશી લિખિત ‘ખુલ્લી પાંખે પિંજરમાં…’ કાવ્યની આ પંક્તિઓમાં તે વાતને સચોટ રીતે અનુભવી શકાય છે:
‘ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બહાર,
અમે જીવતા લઈને એવા પંખીનો અવતાર!
હિલ્લોળાતી હવા હોય કે હવડ શ્વાસની ઢગલી,
નિરખીને આકાશ માંડતાં માંડ માંડ બે પગલી;
વાદળ સાથે નથી અમારે વાતોનો વહેવાર!’
આ કાવ્ય તેમના કાવ્યસંગ્રહ ‘ખુલ્લી પાંખે પિંજરમાં’ ની છે. કેટલો સચોટ ભાષાપ્રયોગ અને તેટલો જ રસપ્રદ અને ભાવપૂર્ણ મર્મ સમાયેલો છે આ પંક્તિઓમાં.
કવિશ્રી વિનોદ જોશી ગુજરાતી ભાષા માટે શું મત ધરાવે છે?
ભાષા માટે તેઓ ખૂબ જ અલગ મત ધરાવે છે, જયારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભાષા એ માત્ર એક ટૂલ છે કે પછી તેનાથી વિશિષ્ટ ત્યારે તે કહે છે કે,’ નૈષધ, તે મારી દુખતી રગ ઉપર આંગળી મૂકી દીધી છે. ભાષા એ મને ખૂબ જ પજવનારી, જેને હું ધિક્કારું છું તેવી આ વસ્તુ છે. ભાષા મને ખૂબ જ પજવે છે. તેના આમ બે કારણ છે એક તો કે ભાષા એ પારકી વસ્તુ છે, તેને લઈને હું જન્મ્યો નથી પરંતુ દરેક વ્યક્તિ પાસેથી લઉં છું તે મારી પોતાની નથી. અને બીજું કે કક્કો-બારાખડી સિવાય બહાર તો હું લખી નહીં શકું, એક બંધનમાં રહીને હું કામ કરું છું. ભાષા મને સાંકળી રાખે છે’ કેટલી વિલક્ષણ વાત છે ને આ? તેમને ભાષા માટે અનન્ય પ્રેમ અને અનુરાગ છે પરંતુ આ ભાષા તેમને ખૂબ પીડા પણ આપે છે તે આ સંવાદમાં જ જાણવા મળે છે.
જયારે સર્જકોને ભાષા વિશે પૂછવામાં આવે ત્યારે તેઓ તેમનો ભાષા માટેનો પ્રેમ જ વ્યક્ત કરે છે પરંતુ અહીં તેમણે ભાષા કેટલી પીડાદાયક છે તે પણ જણાવ્યું. ગુજરાતી ભાષાને લઈને પણ તેઓ એકદમ સ્પષ્ટ મત ધરાવે છે કે,’ગુજરાતી કે કોઇપણ ભાષા ક્યારેય મરશે નહીં. ભાષા સતત ને સતત વિકસે છે, નવા સ્વરૂપો ધારણ કરે છે.’
કવિ વિનોદ જોશીની અદ્ભુત રચનાઓ
‘પરંતુ’ કાવ્યસંગ્રહથી તેમની સાહિત્યસર્જનની સફરનો આરંભ થયો, ત્યારબાદ તો તેમણે અનેક કાવ્યસંગ્રહ આપ્યા, અનેક સુંદર ગીતો પણ આપ્યા. ‘શિખંડી’ એ તેમનું ખૂબ જ નામાંકિત થયેલું દીર્ઘકાવ્ય છે. સંસ્કૃત ભાષાના નિયમોને સાંકળતી આ શિષ્ટબદ્ધ કવિતામાં ભીષ્મ પિતામહ અને શિખંડી વચ્ચેનો માનસ સંવાદ વર્ણવ્યો છે, આવું દ્રષ્ટાંત તો ભાગ્યે જ કોઈ સર્જકને આવ્યું હશે. મહાભારતના જ અન્ય એક પાત્ર ઉપર તેમણે આવું દીર્ઘકાવ્ય આપ્યું છે ‘સૈરન્ધ્રી’. આ કાવ્યસંગ્રહ એ તેમનું છેલ્લે આવેલું દીર્ઘકાવ્ય છે. આના ઉપરથી તો પછી નાટક પણ રચાયું. કવિશ્રી વિનોદ જોશી દ્વરા રચિત કવિતાઓનું ઘણી ભાષામાં રૂપાંતરણ પણ થયેલું છે. રાષ્ટ્રીય કક્ષાએ તેઓ ખૂબ જ પોંખાયેલા અને સન્માનિત કવિ છે.
‘સૈરન્ધ્રી’ કાવ્યસંગ્રહ કે જે કવિ વિનોદ જોશીનો હમણાં છેલ્લે આવેલ દીર્ઘકાવ્ય છે, આ કાવ્ય કઈ રીતે લખાયું તે ઘટના પણ ખૂબ રસપ્રદ છે. આ પદ્યકાવ્યની રચના પાછળની વાત જણાવતા તેઓ કહે છે કે,’ઘણાં સમયથી મને કંઈ જ સૂજતું નહોતું કે હું શું લખું, જાણે કે સરસ્વતી માતા મારાથી નારાજ થઇ ગયા હોય તેમ પ્રતીતિ થઇ.’ આ બાદ તેઓ જયારે એક મંદિરમાં દર્શન કરવા ગયા, ત્યાં સરસ્વતી માતાની મૂર્તિ સમક્ષ તેમણે આ વ્યથા વ્યક્ત કરી અને થોડા જ સમયમાં વિચાર સ્ફૂર્યો. તે પછી પણ કવિતા ન બહાર આવી. તે પછી તેમને ઓસ્ટ્રેલીયા તેમના દીકરાને ત્યાં જવાનું થયું અને આ કવિતા લખવાની શરૂઆત થઇ. ત્યારબાદ ભારત આવ્યા ત્યારે ફરી કોઈક રીતે તેઓ અટવાઈ ગયા અને કવિતા આગળ ન વધી. અને ફરી જયારે ઓસ્ટ્રેલીયા ગયા ત્યારે ત્યાં જ કવિતા પૂર્ણ થઇ. કવિતા પાછળની મહેનત, પીડા કેટલી બધી હોય છે, જે આપણને એક વાચક કે ભાવક તરીકે ક્યારેય ખબર નથી પડતી.
વિનોદ જોશીની કવિતાઓમાં શૃંગાર રસ કઈ રીતે છલકે છે?
વિનોદ જોશી લિખિત રચનાઓમાં સ્ત્રી-સંવેદના અને શૃંગારરસ અત્યંત સુંદર રીતે છલકે છે. અનેક સાહિત્યકારોને પ્રશ્ન પણ હોય છે કે ‘કવિ વિનોદ જોશી આટલું સચોટ રીતે સ્ત્રી-સંવેદનાનું આલેખન કઈ રીતે કરે છે? શું તેમણે લીધેલા પાત્રો એ તેમની આજુબાજુની દુનિયાના જ પાત્રો છે?’ આ સવાલને તેઓ જવાબ આપતા કહે છે કે,’ના, આ પાત્રો વાસ્તવિક નથી પરંતુ મારી કલ્પનાના પાત્રો છે. હા, આજુબાજુના નિરીક્ષણથી ક્યાંક સહેજ ઝાંખી જોવા મળે છે પરંતુ આ વાસ્તવિક નથી.’ અને આ વાત જયારે તેમની રચના વાંચીએ ત્યારે માનવામાં આવતી નથી તેમ છતાં સત્ય છે અને આ તેમની અદ્ભુત કળા જ છે.
લોકપ્રિય એવા ગીતકાર વિનોદ જોશી
ગીતો લખવા પ્રત્યે તેઓ વિશિષ્ટ પ્રેમ ધરાવે છે. હોસ્ટ નૈષધ પુરાણી આ વાતને વિસ્તારમાં જણાવતા કહે છે કે,’આજે પણ કોઈ યુથ ફેસ્ટીવલ હોય કે ગુજરાતી સુગમ ગીતોની સ્પર્ધા હોય તો આપ (વિનોદ જોશી)ની લિખિત રચનાઓ તો ગવાય જ છે. ખૂબ જ સરળ શબ્દપ્રયોજન સાથે પણ આટલા સુંદર ગીતો કઈ રીતે લખ્યા?’ ત્યારે કવિશ્રી વિનોદ જોશી જણાવે છે કે,’ગીતો લખવા પ્રત્યે મને વિશિષ્ટ અનુરાગ છે. પ્રારંભથી જ છંદયુક્ત કવિતાઓથી મને વિશિષ્ટ પ્રેમ છે, લયબદ્ધ કવિતાઓને લખવાની મજા અછાંદસ અને ગઝલ લખવા કરતા વધુ મળે છે. લયબદ્ધ રીતે શબ્દોનું બંધારણ કરવું એ એક અનેરી કળા છે જેમાં કવિશ્રી વિનોદ જોશી પારંગત છે. આમ તેઓ કહે છે કે,’ગીતો લખવા એ મારા ડાબા હાથ નો ખેલ છે પરંતુ હું દરેક સર્જનમાં કંઇક નવું કરવા માંગુ છું, ખુદનું પુનરાવર્તન નથી કરવા માંગતો’ આશ્ચર્ય પમાડે તેવી વાત છે ને આ!? આ વાત તેમના સાહિત્યસર્જનમાં પડઘાય પણ છે. આટલું બૃહદ પ્રમાણમાં સાહિત્યસર્જન અને દરેક રચના એકબીજાથી અલગ.
‘કૂંચી આપો બાઈજી’ અને ‘સખી મારો સાઈબો સૂતો’ તેમના આ ગીતો તો ખૂબ જ લોકપ્રિય છે. આ રચનાઓનું સ્વરાંકન કઈ રીતે થયું તે પ્રસંગને પણ તેઓ આ સંવાદમાં જણાવે છે, જેને સાંભળતા આપણને એ પણ ખ્યાલ આવે છે કે તેમને સંગીત વિશે કેટલું બધું જ્ઞાન છે અને રસ પણ. છંદ અને લય વિશે તેઓ અદ્ભુત રીતે સમજ ધરાવે છે અને તેમની રચનાઓમાં પણ તે વિશિષ્ટતા અનુભવાય છે.
કવિશ્રી વિનોદ જોશી સાથેના સંવાદનો અંત
આ સંવાદ સાંભળવા જેવો છે, ચૂકતા નહીં. એક કાવ્યનું સર્જન કઈ રીતે થાય એ પ્રક્રિયા જાણીને ચોક્કસથી આપણને ખ્યાલ આવે કે આ કાર્ય એટલું સરળ નથી અને સાથે સાથે સાહિત્યસર્જન કરવાની ઈચ્છા પણ થાય. અહીં આ બ્લોગ સિવાય પણ આ સંવાદમાં અન્ય અનેક રસપ્રદ મુદ્દાઓ પર વાત થઇ છે. કવિશ્રી વિનોદ જોશીને સાંભળવું તે એક લ્હાવો છે. આ સંવાદ સાંભળતા જ આપણા સૌને પણ ગુજરાતી ભાષા માટેનું, ગુજરાતી સાહિત્ય માટેનું વળગણ સહેજ વધે છે. ભાષા માટે પ્રેમ વધુ ઊમટે છે અને નવા દ્રષ્ટિકોણ પણ પ્રાપ્ત થાય છે.
અંતે ચલો કવિશ્રી વિનોદ જોશીની સુંદર રચના સાથે જ આ બ્લોગને પૂર્ણવિરામ આપીએ.
કહી કહીને પછી (‘ખુલ્લી પાંખે પિંજરમાં’ – કાવ્યસંગ્રહ)
કહી કહીને પછી છેવટે શું કહેવાનું?
વહેણ જે તરફ વળે એ તરફ વહેવાનું.
ગુનાહ માફ થયા તે છતાંય છે વસમું,
સજા મળી નહીં એ રોજ રોજ સહેવાનું;
પ્રબંધ વર્તમાનનો કર્યાની ભ્રમણામાં,
ન હાથ આવે પછીનું કે પછી પહેલાનું;
વજૂદ એટલું જ હોય છે અટકવામાં,
ખબર રહે કે સતત ચાલતાં જ રહેવાનું.