રામાયણ અને રામ. અયોધ્યા અને રામ. રામ અને સીતા. રામ અને લક્ષ્મણ. રામ લક્ષ્મણ જાનકી. સીતા –રામ. આ નામો એ એકબીજાના નામ વગર બોલવા શક્ય જ નથી. રામનું નામ લેવું હોય તો માતા સીતાનું નામ આવે જ. લક્ષ્મણનું નામ લેતા પહેલા રામ બોલાય જ. અયોધ્યાની ઓળખ રામ જન્મભૂમિ તરીકેની જ આપવી પડે. આ એકબીજાના પર્યાય બની ચુકેલા નામો આજે સમગ્ર દુનિયા એક સાથે લઇ રહી છે. આજે સમય છે રામમય થવાનો. આજે સમય છે એકતાના રંગે રંગાવાનો. આજે સમય છે ભક્તિ, સમર્પણ, આદર્શ અને મર્યાદાના એ સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાનો. કેમ કે પધારી રહ્યા છે પ્રભુ શ્રીરામ પોતાના ઘરે. અને આ મહામુલા પ્રસંગે જલસોએ રજુ કરી છે ‘સંપૂર્ણ રામાયણ’. ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર ‘સંપૂર્ણ રામાયણ’ રજુ થઇ છે. અને એ પણ પ્રભુ શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભ દિવસોમાં.
જલસો પર રામની જ કથા કહેવામાં આવી છે. પરંતુ ભારતમાં રામકથાની વ્યાપકતા એટલી બધી છે કે એમાંના માનવીય સ્પંદનો સહુ કોઈને પોતાના લાગ્યા છે. એની ઘટનાઓ જાણે આપણા પરિવારની ઘટનાઓ હોય એવું લાગે. કારણ કે એ કથાઓને અનેક કથાકારોએ ઘેર ઘેર પહોંચાડી છે. પૂજ્ય સંત ડોંગરેજી મહારાજથી લઈને આજે ભાઈશ્રી રમેશભાઈ ઓઝા જેવા અનેક સંતો કથાકારોએ રામાયણને ઘેર ઘેર પહોંચાડી છે. આજના સમયે પૂજ્ય મોરારીબાપુ રામાયણના અધિકૃત વક્તા ગણાય છે. એ સિવાય ઘરના દાદા –દાદી ને નાના નાની પાસેથી રામાયણ મહાભારતની કથાઓ આપણા બાળકોને સતત સાંભળવા મળતી જ હોય છે.
એટલે રામાયણની કથાઓથી કોઈ અજાણ હોય એ તો શક્ય નથી. છતાં જલસોની આ ‘સંપૂર્ણ રામાયણ’ એનાથી અલગ છે. કારણ છે આ કથાના કહેનારા રામ મોરી. રામ મોરી એ ગુજરાતના ખુબ પોંખાયેલા વાર્તાકાર તો છે જ. એ ઉપરાંત ફિલ્મલેખક તરીકે તેમને બહુ ઉમદા કામ કર્યું છે. એટલે વાર્તા લખવી અને વાર્તા કહેવી એ બંને કસબ તેઓ સારી રીતે જાણે છે. ફક્ત તેના માધ્યમો અલગ અલગ છે. અને રામ મોરી મૂળ વાર્તાકાર હોવાથી તેમની પાસે વાર્તાનું ભાથું બહુ મોટું છે. સામાન્ય ગામડામાં ઉછેરેલો છોકરો રામાયણ, મહાભારત, વેદો, પુરાણો અને ભારતીય સાહિત્ય ને સંસ્કાર સાથે જ ઉછેરેલો હોય. તેથી રામ મોરીને એ વારસો મળેલો. જેનો ઉપયોગ બહુ જ સુંદરતાથી તેમણે આ રામાયણ કહેતી વખતે કર્યો છે.
રામ મોરીએ જલસોની સંપૂર્ણ રામાયણમાં મહર્ષિ વાલ્મીકી રચિત ‘રામાયણ’ અને સંત તુલસીદાસજી રચિત ‘રામચરિત’નો આધાર તો લીધો જ છે. રામાયણના સૌથી અધિકૃત પુસ્તક એ જ છે. પરંતુ એ સિવાય એના પર લખાયેલી ટીકાઓ, સામાન્ય લોકમાં પ્રચલિત રામાયણની કથાઓ, નાનાભાઈ ભટ્ટ જેવા સર્જકોએ લખેલી ‘લોક રામાયણ’ની કથાઓ અને નાનપણમાં સાંભળેલી રામાયણની જાણી અજાણી અનેક કથાઓને સમાવીને બહુ સુંદર રીતે ‘સંપૂર્ણ રામાયણ’ ની પ્રસ્તુતિ કરી છે.
આ કથાને વધારે અસરકારક બનાવે છે જલસોના સાઉન્ડ એન્જિનિયર નિશીથ ધીનોરાનું મ્યુઝીક. આ અતિશય મનમોહક મ્યુઝીક સાથે રામાયણ સાંભળો તો તમે એક અલગ જ વાતાવરણમાં પહોંચી જાવ.
આ કથાએ કેટલાય લોકોનાં હૈયાંનું પરિવર્તન કર્યું છે. જમાને જમાને ‘રામાયણ’ના કથાઘટકોમાં રસ, ભાવ કે ભક્તિનો ઉમેરો થતો રહ્યો છે. એકેય યુગ એવો નહીં હોય કે જ્યાં ભારતમાં કોઈને કોઈ સંત-મહાત્મા કે કથાકાર દ્વારા રામકથા કહેવાઈ ન હોય! અને અહીં તો ‘રામ’ દ્વારા જ રામકથા કહેવાય છે.