For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

મહાલક્ષ્મી અષ્ટક દેવી લક્ષ્મીનું પ્રિય સ્તોત્ર કેમ ગણાય છે ?

મહાલક્ષ્મી Mahalkshami

મા મહાલક્ષ્મી ત્રિદેવીમાંના એક દેવી છે. મહાપુરાણમાં ભક્તિનાં નવ પ્રકાર બતાવામાં આવ્યાં છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન.આ નવ પ્રકારે ભક્ત કે ઉપાસક પોતાના ઇષ્ટદેવનું આરાધન કરે છે. આપણા સાહિત્યમાં પણ કવિઓએ અને ભક્તોએ ભગવાનનું આરાધન કરતા સ્તોત્રોની રચના કરી છે. સ્તોત્ર શબ્દની વ્યાખ્યા  સંસ્કૃતમાં સ્તુયતે ઇતિ સ્તોત્રમ એવી થાય છે. એટલે કે જેમાં સ્તુતિ કરવામાં આવી હોય તેને સ્તોત્ર કહેવાય છે.

દરેક વ્યક્તિનાં અલગ અલગ ઇષ્ટદેવ કે દેવી હોય છે.આપણા હિંદુ ધર્મમાં ત્રણ પ્રમુખ દેવ આપણા સૌના ઇષ્ટદેવ છે. અને એ જ રીતે ત્રિદેવોનાં પત્ની એવા મા લક્ષ્મી, મા સરસ્વતી અને મા પાર્વતી આપણા ઇષ્ટદેવી મનાયા છે. ત્રણેય દેવીની ઉપાસના ઉપાસકને જુદા જુદા ફળ આપનારી છે. મા લક્ષ્મીની ઉપાસનાથી શ્રી તત્વની પ્રાપ્તિ થાય છે. મા સરસ્વતીની ઉપાસનાથી આપણને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અને મા પાર્વતી પાસેથી આપણને બુદ્ધિ અને વિવેકની પ્રાપ્ત થાય છે.

ત્રિદેવીઓમાં દેવીલક્ષ્મીને આદિ શક્તિ કહેવામાં આવ્યાં છે. દેવી લક્ષ્મી વિશેનો સૌ પહેલો ઉલ્લેખ ઋગ્વેદનાં શ્રી સૂક્તમાં મળે છે. પણ દેવી લક્ષ્મીનાં પ્રાગટ્યની કથા શ્રીમદ્ ભાગવત મહાપુરાણનાં આઠમાં સ્કંધમાં મળે છે. ભાગવત પુરાણની કથા પ્રમાણે ભગવાન વિષ્ણુનાં આદેશથી દેવરાજ ઇન્દ્ર અને દાનવરાજ બલિએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું. સમુદ્રમંથનમાંથી 14 રત્નો ઉત્પન્ન થયા. આ ચૌદ રત્નોમાંથી એક રત્ન એટલે મા લક્ષ્મી.

સમુદ્રમાંથી પ્રગટ થયા હોવાથી મા લક્ષ્મી સિંધુસુતા કહેવાયા. મા લક્ષ્મી સમુદ્રમંથન વખતે  પ્રગટ થતા તરત ભગવાન વિષ્ણુને વરી લે છે ‘વિષ્ણુ ભાર્યા’ બને છે. મા લક્ષ્મી સૌન્દર્ય, સંપત્તિ અને ભાગ્યનાં દેવી છે. મા લક્ષ્મી ધનનાં અધિષ્ઠાત્રી છે. મા લક્ષ્મી ચતુર્ભુજા છે. મા લક્ષ્મીનાં બે હાથમાં  કમળ અને અન્ય બે હાથમાંથી એક હાથ વરદ મુદ્રામાં છે અને બીજો હાથ અભય મુદ્રામાં રહેલો છે. મા લક્ષ્મી કમળ પર બિરાજે છે. મા લક્ષ્મીનું વાહન ઘુવડ છે. મોટા ભાગે મા લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે ક્ષીરસાગરમાં કે વૈકુંઠમાં નિવાસ કરે છે. મા લક્ષ્મીનાં આઠ સ્વરૂપ છે તેથી મા લક્ષ્મીને ‘ અષ્ટલક્ષ્મી’  પણ કહેવાય છે.

દેવી લક્ષ્મીનું પ્રાગટ્ય શરદપૂર્ણિમાનાં દિવસે થયું હોવાથી શરદપૂર્ણિમાનાં દિવસે મા લક્ષ્મીને સમર્પિત ‘ કો જાગ્રત વ્રત ’ ખાસ કરવામાં આવે છે. કો જાગ્રત વ્રતનું વર્ણન સનતકુમાર સંહિતામાં મળે છે. કો જાગ્રત વ્રત ખાસ શરદપૂર્ણિમાનાં દિવસે જ કરવામાં આવે છે. પરંતુ આપણા નિત્ય કર્મોમાં આપણા  ઇષ્ટદેવ કે ઇષ્ટદેવીની પૂજા અને આરાધન કરવાનું આવશ્યક કહેવામાં આવ્યું છે.

આપણા વૈદિક ગ્રંથોમાં શ્રવણનું બહુ મોટું મહત્વ છે. દેવી સ્તોત્રોનો નિત્ય પાઠ ન કરી શકીએ તો શ્રવણ તો થઇ જ શકે. એ હેતુરુપે જલસો પર નિત્ય પ્રાર્થનામાં ઉપયોગી એવા સંસ્કૃત મંત્રો, સ્તોત્રો, સ્તુતિઓનો એક સુંદર સેગમેન્ટ ક્રિએટ કરવામાં આવ્યો છે. આ સેગમેન્ટમાં મા લક્ષ્મી, મા સરસ્વતી અને મા દુર્ગા, મા ગંગાનાં સંસ્કૃત સ્તોત્રો અને મંત્રો અવેલેબલ છે.

આજે મા લક્ષ્મીની નિત્ય વંદના અને સ્તુતિમાં ઉપયોગી એવું એક નાનકડા સ્તોત્ર વિશે વિગતે વાત કરવી છે.આમ તો મા લક્ષ્મીની વંદના, સ્તુતિ અને સ્તોત્રની સંખ્યાનો આંકડો ખૂબ મોટા પ્રમાણમાં છે.એ બધા સ્તોત્રમાંથી એક સ્તોત્ર  એટલે મહાલક્ષ્મી અષ્ટકમ.

મહાલક્ષ્મી અષ્ટક પદ્મ પુરાણમાં આવે છે. પદ્મ પુરાણમાં ભગવાન ઇન્દ્ર મા લક્ષ્મીની સ્તુતિ છે. આથી મહાલક્ષ્મી અષ્ટક ઇન્દ્ર ભગવાન રચિત માનવામાં આવ્યું છે. આઠ શ્લોકમાં ભગવાન ઇન્દ્રએ મા લક્ષ્મીની સ્તુતિ કરી છે. મુખ્ય રીતે મહાલક્ષ્મી અષ્ટક 11 શ્લોકોનું બનેલું છે. છેલ્લા ત્રણ શ્લોકમાં મહાલક્ષ્મી અષ્ટકનો ફળાદેશ કરવામાં આવ્યો છે. નિત્ય પાઠ કરવામાં ઉપયોગી એવું  મહાલક્ષ્મી અષ્ટકમ ઉચ્ચારણની દ્રષ્ટીએ અતિ સરળ છે.

મહાલક્ષ્મી અષ્ટકને સિદ્ધ સ્તોત્ર માનવામાં આવ્યું છે. આ સુંદર અષ્ટકમાં ભગવાન ઇન્દ્ર મા લક્ષ્મીનો મહિમા સુંદર ભાવે વ્યક્ત કરે છે. પહેલા શ્લોકમાં ભગવાન ઇન્દ્ર મા લક્ષ્મીની સ્તુતિ કરતા કહે છે કે,

नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते ।
शङ्खचक्रगदाहस्ते महालक्ष्मि नमोऽस्तु ते ॥ १ ॥

અર્થાત્ શ્રી પીઠ પર બિરાજિત અને દેવતાઓ દ્વારા પૂજવામાં આવતા હે મહામાયા, હાથમાં શંખ, ચક્ર, ગદા ધારણ કરવાવાળા હે મા મહાલક્ષ્મી આપને નમન છે.

બીજા શ્લોકમાં દેવરાજ કહે છે કે,
नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करि ।
सर्वपापहरे देवि महालक्ष्मि नमोऽस्तु ते ॥ २ ॥

અર્થાત્ ગરુડપર સવાર થઈને કોલાસુર નામના રાક્ષસને ભયથી કંપિત કરવા વાળા અને બધા જ પાપને હરવા વાળા હે  મહાલક્ષ્મી તમને પ્રણામ છે.
सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि ।
सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तु ते ॥ ३ ॥

અર્થાત્ સર્વજ્ઞા એટલે કે  બધું જ જાણનારા, બધાને વરદાન આપવા વાળા, સમસ્ત દુષ્ટોને ભયથી કંપિત કરવા વાળા અને સમસ્ત દુ:ખોને હરવા વાળા હે મહાલક્ષ્મી તમને વંદન છે.

सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनि ।
मन्त्रमूर्ते सदा देवि महालक्ष्मि नमोऽस्तु ते ॥ ४ ॥

અર્થાત્ સિદ્ધી અને બુદ્ધિ પ્રદાન કરનારા, સાંસારિક ભોગ અને મોક્ષ આપનારા હે ભગવતી મહાલક્ષ્મી તમને શત શત પ્રણામ છે.

आद्यन्तरहिते देवि आद्यशक्ति महेश्वरि ।
योगजे योगसम्भूते महालक्ष्मि नमोऽस्तु ते ॥ ५ ॥

અર્થાત્ એ આદિ અને અંત વિનાનાં, આદિ શક્તિ સ્વરુપ અને યોગમાંથી પ્રગટ થયેલા હે મહાલક્ષ્મી તમને વારંવાર પ્રણામ છે.

स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ति महोदरे ।

महापापहरे देवि महालक्ष्मि नमोऽस्तु ते ॥ ६ ॥

અર્થાત્ આપ સ્થૂળ રુપા, સુક્ષ્મ રુપા અને મહા રુદ્રરુપીણી છો, મહાશક્તિ અને મહા ઉદરા અને  મહા પાપોનો નાશ કરવા વાળા હે મહાલક્ષ્મી આપને પ્રણામ છે.

पद्मासनस्थिते देवि परब्रह्मस्वरूपिणि ।
परमेशि जगन्मातः महालक्ष्मि नमोऽस्तु ते ॥ ७ ॥

અર્થાત્ કમળ પર બિરાજેલા, હે પરબ્રહ્મસ્વરુપીણી,  પરમ ઈશ્વરી હે જગન્ન માતા, હે મહાલક્ષ્મી આપને મારા પ્રણામ છે.

श्वेताम्बरधरे देवि नानालङ्कारभूषिते ।
जगत्स्थिते जगन्मातः महालक्ष्मि नमोऽस्तु ते ॥ ८ ॥

હે સ્વેત વસ્ત્ર ધારણ કરવાવાળા અને અનેક પ્રકારનાં આભુષણોથી વિભૂષિત અને સમગ્ર જગતમાં આપ વ્યાપ્ત એવા હે મા મહાલક્ષ્મી આપને મારા પ્રણામ છે.

फलश्रुति

महालक्ष्म्यष्टकं स्तोत्रम् यः पठेद्भक्तिमान्नरः ।
सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा ॥ ९ ॥

एककाले पठेन्नित्यं महापापविनाशनम् ।
द्विकालं यः पठेन्नित्यं धनधान्यसमन्वितः ॥ १० ॥

त्रिकालं यः पठेन्नित्यं महाशत्रुविनाशनम् ।
महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा ॥ ११ ॥

ફળાદેશમાં કહેવામાં આવ્યું છે કે, જે ઉપાસક મા લક્ષ્મીની શ્રી યંત્ર સમક્ષ કે માતાજીની મૂર્તિ સમક્ષ મહાલક્ષ્મી અષ્ટકનું પઠન કરે છે તે બધી જ સિદ્ધી અને રાજભોગને પ્રાપ્ત કરે છે.બીજા શ્લોકમાં કહે છે કે, પૂરા દિવસમાં એક વાર મહાલક્ષ્મી અષ્ટકના પઠનથી આપણા સઘળાં પાપ નષ્ટ થાય છે, દિવસમાં જો બે વાર એટલે કે પ્રાત: કાળે અને સાયંકાળે કે મધ્યાહ્ન અને સાયંકાળે પાઠ કરવામાં આવે તો મહાક્ષ્મીની કૃપાથી ધનધાન્યની પ્રાપ્તિ થાય છે. અને જો દિવસનાં ત્રણેય કાળે મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરવામાં આવે તો ઉપાસકનાં જીવનમાંથી બધા જ શત્રુઓનો નાશ થાય છે. અથવા માની ઉપાસના કરતા ઉપાસકની બુદ્ધિ શુદ્ધ થાય છે અને તેનામાં શત્રુભાવનાં મટી જાય છે. વિદ્વાન બ્રાહ્મણોનાં વચન અનુસાર મહાલક્ષ્મી અષ્ટકનું એક હજાર વારનું અનુષ્ઠાન કરવાનું અતિ ફળદાયી બતાવામાં આવ્યું  છે.

મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો પાઠ મોટા ભાગે શુક્રવારે  કરવામાં આવે તો વધુ લાભકારી કહેવામાં આવ્યો છે. કારણ કે શુક્રવાર એ દેવી લક્ષ્મીનો માનવામાં આવે છે. મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ ઉત્તર દિશામાં મુખ રાખીને કરવાનું જ્યોતિષકારો જણાવે છે. જો શ્રધ્ધાથી નિત્ય મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરવામાં આવે તો આપણા ભાગ્યનો ઉદય થાય છે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz