For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

તથાગત ગૌતમ બુદ્ધનો અંતિમ ઉપદેશ શો હતો?

બુદ્ધનો અંતિમ ઉપદેશ

તથાગત ગૌતમ બુદ્ધનો અંતિમ ઉપદેશ શો હતો? તેઓ આ પૃથ્વી પર અવતરેલા એવા મહામાનવ હતા જેમના વિચારો અને ઉપદેશો આજે પણ માનવ જાત માટે ઉપકારક છે. વિશ્વ આખું આજે અનિશ્ચિતતાના માહોલમાં જીવી રહ્યું છે. માનવ-માનવ પ્રત્યેની કરુણાનો હ્રાસ થઈ રહ્યો છે ત્યારે આ દુનિયાને ફરીથી કદાચ એક એવા મસીહાની જરૂર છે જે માનવતાનો સંદેશ ફેલાવી શકે. ચોતરફ નજર ફેરવતા આપણે જવું પડે છે અઢી હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલા મહામાનવ પાસે, જેમના વિચારોથી આજે પણ મન શાંત થાય છે. જેમના વિચારો આટલા વર્ષો પછી પણ એટલા સશક્ત છે જેની માનવ જાતને આજીવન જરૂરિયાત રહેવાની. માનવજીવનને એક નવી જ દિશા દેખાડનાર એ મહામાનવ એટલે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ. ભગવાન બુદ્ધના જીવનનાં અંતિમ સમયની દાસ્તાન અત્યંત ખૂબસૂરત અને જીવનને એક નવો માર્ગ ચીંધનારી છે. જેમનો જન્મ થઈ ગયો છે એનો અંત, એનું પૂર્ણવિરામ, એનું મૃત્યુ અવશ્યંભાવી છે. ૐ અર્થાય નમઃની સાથે સાથે ૐ અનર્થાય નમઃ પણ એટલું જ સત્ય છે. જાતસ્ય હિ ધ્રુવં મૃત્યુ.

એક જાપાનીઝ કહેવત છે : મૃત્યુ પીંછા કરતાં પણ હલકું છે, અને મૃત્યુ પહાડ કરતાં પણ વજનદાર છે! મૃત્યુ એ સનાતન સત્ય છે.

દાગ હેમરશીલ્ડે લખ્યું હતું : મૃત્યુ એ ફ્રેમ છે, ચિત્રની ફ્રેમ. એ પહેલેથી જ છે, ફક્ત તમારે એમાં જિંદગીના રંગો પૂરી લેવાના છે. રઘુવંશમાં લખ્યું છે : મરણં પ્રકૃતિઃ શરીરાણામ્.

માણસનું મૃત્યુ જીવનની છેલ્લી કહાણી છે. કિતાબનું આ એ પ્રકરણ છે જેના પછી અચળ પૂર્ણવિરામ છે. જીવનની આખરી પળો એ સમયનો સૌથી સશક્ત દસ્તાવેજ છે. દુનિયા પર અસર છોડી ગયેલા મહાન વ્યક્તિત્વોના સમયનો એ દસ્તાવેજ આપણને કદાચ જીવનના ગૂઢ રહસ્યો જણાવી શકે છે.

તથાગત બુદ્ધ ચક્રવર્તી તો થયા પણ કોઈ મહારાજ્યના નહિ પણ ધર્મ નામના વિશાળ પ્રદેશના. અને કંઈક કેટલાય લોકોના જીવનમાં આમૂલ પરીવર્તન આણનાર જયારે યુગપરિવર્તનની ઘડી આવી ત્યારે પેલી કહેવત ‘કાશીનું મરણ’ને સાર્થક કરતા હોય એમ કાશી નજીક કુશીનારા પહોચ્યા. કુશીનારા, એ સ્થળ જ્યાં અઢી હજાર વર્ષ પૂર્વેના મહાપરીનિર્વાણના પડઘા હજુયે સાંભળવા મળે છે, એ કુશીનારાના રસ્તાઓ પર હજુયે બુદ્ધના પગલાની છાપ જોઈ શકાય છે, એ જંગલના વૃક્ષો બુદ્ધના અંતિમ સ્મિતની મહેક પ્રસરાવી રહ્યા છે, એ પક્ષીઓનો કલરવ કદાચ બુદ્ધના વિદાયનું કરુણગાન હશે ને! અઢી હજાર વર્ષ પહેલા થઈ ગયેલા આ મહાપુરુષ દેહરૂપે અસ્તિત્વમાં નથી, પણ તેમના વિચારો આજે પણ લોકકથાઓમાં, વિસરાઈ ગયેલી સભ્યતાના અવશેષોમાં, ડિજિટીલ માધ્યમોમાં અને ક્યાંક પુસ્તકોના બે પૂંઠા વચ્ચે પણ શોધવામાં આવે છે.

સમસ્ત માનવ સમાજમાં કરુણાનો જે ભાવ છે એ ક્યાંકને ક્યાંક બુદ્ધના વિચારોનું પ્રતિબિંબ પાડે છે. સમગ્ર વિશ્વને એક અલગ જ દ્રષ્ટિ આપનાર મહામાનવ તથા પૃથ્વી પર અવતરનાર જીવોમાં શ્રેષ્ઠ એવા તથાગત બુદ્ધના વિચારોએ સમગ્ર વિશ્વમાં શાંતિ અને કરુણા પ્રસરાવી છે. જેમના જીવનની પ્રત્યેક ક્ષણ વ્યક્તિને કરુણા શીખવે એ માણસનું નિર્વાણ પણ એવું અતુલ્ય અને પ્રેરણાદાયી હતું. 80માં વર્ષે દેહલીલા સંકેલીને પરલોકમાં પ્રસ્થાન કરનાર આ મહાપુરુષનું પરીનિર્વાણ કેવી રીતે થયું હશે?  મરણ પથારીએ પડેલા બુદ્ધને જોઈને શું અનુભૂતિ થાય? રામાભાર સ્તૂપ, બુદ્ધના મહાપરીનિર્વાણનું સ્થળ, ત્યાં બુદ્ધની સુતેલી અવસ્થા જોઇને એમ થાય કે માનવ ઇતિહાસની સુસંસ્કૃત સભ્યતાના સૌથી મોટા મહાનાયકોમાંના એકની અંતિમ ક્ષણો કેવી હશે એ વિચાર પોતાનામાં જ એક મહાપરીનિર્વાણ છે.

‘દિગનિકાય’, ‘ઉદાન’ અને ‘અંગૂતરનિકાય’ જેવા બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં તેમના મહાપરીનિર્વાણ વિષે વિગતે માહિતી આપવામાં આવી છે. કહેવાય છે કે 80માં વર્ષમાં પહોંચેલા બુદ્ધ ભારતવર્ષમાં વિહાર કરતા કરતા સમજી જાય છે કે હવે સમયનું ચક્ર પૂરું થયું. જ્યારે ‘અપ્પ દિપો ભવ'(તું તારો દીવો થા)’નો વિચાર આપનારનો દીવો બુજાઈ જવાની ક્ષણો ગણાઈ રહી હતી અને નિર્વાણનો સમય નજીક આવી રહ્યો હતો ત્યારે ‘સાધુ તો ચલતા ભલા’ એ ન્યાયે તેઓ પોતાના શિષ્યો સાથે પાટલીપુત્રથી મા ગંગાના કિનારે કિનારે વિહાર કરતા સુંદર નગરી વૈશાલી પહોંચ્યા. વૈશાલીનગરી 16 મહાજનપદોમાં લોકતાંત્રિક રીતે શાસિત શ્રેષ્ઠ મનાતી હતી. બુદ્ધના આગમનથી દુષ્કાળગ્રસ્ત વૈશાલીમાં જાણે ઈન્દ્રદેવ પ્રસન્ન થયા હોય એમ ધોધમાર વરસાદ થયો. વૈશાલીના પ્રજાજનોએ તેના માટે બુદ્ધના પગલાને પુણ્ય ગણી તથાગત પ્રત્યે પોતાનો આદર અને સ્નેહ વ્યક્ત કર્યો. બુદ્ધના આગમનથી વૈશાલીના લિચ્છવીઓ હરખમાં ઘેલા બન્યા.

તથાગત પોતાના ઘરે મહેમાન બને એવી આશા સાથે સૌ તેમના ઉપદેશ સાંભળવા જતા હતા. વૈશાલીના ઘણા ખ્યાતનામ નગરશ્રેષ્ઠીઓએ બુદ્ધને પોતાના યજમાન બનવા આમંત્રિત કર્યા. તે સૌમાં ‘વૈશાલીની નગરવધુ’ તરીકે પ્રખ્યાત એવી સર્વાંગસુંદર ગણિકા ‘આમ્રપાલી’એ બુદ્ધ અને તેમના શિષ્યોને સૌપ્રથમ ભોજન માટે આમંત્રિત કર્યા, જેનો તથાગતે સહર્ષ સ્વીકાર કર્યો. સર્વનો સ્વીકાર એ તો તથાગતનો સહજ સ્વભાવ હતો તેથી આમ્રપાલીને ભોજન માટે ના કહેવાનું કોઈ કારણ ન હતું. તથાગત માટે તો શું ગણિકા, ને શું રાજા!! તથાગતે બહુ ભાવથી આમ્રપાલીનાં ઘરે ભોજન કર્યું, એ ભોજનમાં બુદ્ધને સહજ રીતે સુજાતાની ખીરનો સ્વાદ સ્મરણ થયો. કઠોર તપ કરતા બુદ્ધને ખીરના પ્રસાદથી જ્ઞાનની આંખ ઉઘાડનાર સુજાતાનું સ્મરણ તેમના માટે સહજ હતું.

બુદ્ધને જ્ઞાનની સર્વોચ્ચ કક્ષાએ પહોંચ્યા બાદ લોકહ્રદયમાં સ્થાન અપાવવામાં ક્યાંકને ક્યાંક આ બે મહિલાઓના ભોજનનો બહુ મોટો ફાળો હતો. કઠોર તપ કરી રહેલા રાજકુમાર ગૌતમ જયારે સુજાતાની ખીર ખાતા હશે ત્યારે એક સ્ત્રી દ્વારા તપોભંગના કડવા વેણ સાંભળવાનો ડર હશે? કે પછી ગણિકાના ભોજન માટે સ્થિતપ્રજ્ઞ ગૌતમ બુદ્ધના ચરિત્ર પર સવાલ ઉઠવાની આશંકા ? કે પછી એવું પણ હોય કે આ કોઈ બાબતનો વિચાર કર્યા વગર સહજ રીતે એનો સ્વીકાર કર્યો હોય. જયારે સ્ત્રીનું અસ્તિત્વ જ ગૌણ ગણાતું ત્યારે તથાગતના આ નિર્ણયો અસામાન્ય હતા. વિચારોની સ્પષ્ટતા અને ત્વરિત નિર્ણયશક્તિ આવા મહાન કાર્યો કરાવતી હશે કે એ વ્યક્તિત્વમાં જ કંઈક ગુઢ ચેતના હશે! શું ખબર….

વૈશાલીમાં વર્ષામાસ પસાર કરીને બુદ્ધ જંગલોમાંથી પસાર થતા થતા પોતાના છેલ્લા સમયને યાદ કરીને વિચારતા હતા કે : ‘ખરેખર જવાનો સમય થઈ ગયો? મારા હોવા કે ન હોવાપણું પણ મહત્વનું ખરું? વિચારો જ સમર્થ હોય તો આ સ્થૂળદેહ હોય તોય શું ને ન હોય તોય શું? મારું જીવનકર્મ હકીકતમાં શું હતું, હતું તો પૂરું થયું? વિચારોના વમળને ત્યાં જ ધરબી દેતા બુદ્ધે આનંદને બોલાવીને કહ્યું : આનંદ, ચાલો પ્રયાણ કરીએ. આમ, પોતાનો અમૂલ્ય અંતિમ સમય વૈશાલીમાં પસાર કરીને તેઓ શિષ્યો સાથે આગળ વધ્યાં. સાધુના જીવનમાં તો આગળ વધવું જ મહત્વનું હોવાનું ને! ક્યાંક પહોંચવું, એ તો ક્યાં એમનું ધ્યેય જ હોય છે?

ઘટાટોપ વૃક્ષોથી સભર જંગલોમાં વિહાર કરતા કરતા બુદ્ધ પાવાનગર પહોંચ્યા, જ્યાં તેમનો ઉપદેશ સાંભળનાર ચુંદ નામના એક લુહારે બુદ્ધને બહુ પ્રેમથી જમવા આમંત્રિત કર્યા અને બુદ્ધ તેને ત્યાં ભોજન માટે ગયા. બિહારમાં ગરીબ ખેડૂત ચોમાસામાં સુકર મદ્ધ્વનું (એક કંદમૂળ) શાક બનાવતા. ચુંદે પણ તેનું જ શાક બનાવીને બુદ્ધને જમાડ્યા. પણ આ સુકર મદ્ધ્વ વાસી થઇ ગયા હોવાથી અત્યંત ઝેરી થઈ ગયા હતાં. તથાગતે આ કડવું અને જમવા યોગ્ય નહિ એવું ભોજન ગ્રહણ કર્યું. બાદમાં ચુંદ એ ભોજન ગ્રહણ કરતા આશ્ચર્યચકિત થાય છે કે આટલું કડવું ભોજન હોવા છતાં તેઓએ આ ભોજનગ્રહણ કર્યું! બુદ્ધની આ સ્થિતિ જોઈને અત્યંત દુઃખી ભાવે ચૂંદ બુદ્ધના ચરણોમાં નમ્યો. ગરીબ માણસ ક્યાં દોડાદોડી કરવાનો! એમ વિચારીને તેઓ આ ખોરાક આરોગે છે કે પછી પોતાનું નિર્વાણ આ માધ્યમથી પસંદ કરે છે, શું ખબર? બન્ને શક્યતાઓ હોઈ શકે!. જેની શરૂઆત છે એનો અંત નિશ્ચિંત છે એ સ્વીકાર કરનાર જ આ નિર્ણય લઈ શકતા હશે ને! અવસાનને આમંત્રણ આપવા માટે કેટલી દ્રઢતા જોઈએ! આત્માની યાત્રા તો સતત છે તો પછી આ સ્થૂળ દેહનો મોહ શું હોવાનો. અટકવું એ પણ ગતિનું કોઈ રૂપ જ હશે ને !

ચુંદના ઘરે ભોજન આરોગીને બુદ્ધ તેમના શિષ્યો સાથે વિહાર કરવા નીકળ્યા જ્યાં બુદ્ધે એમના શિષ્યોને કહ્યું  : તમે મને તમારી ઘોડી ન સમજતા, તમે જો લંગડા હો અને મારી ઘોડીના આધારે ચાલવા લાગો તો કેટલું દુર જઈ શકશો? મંજિલ સુધી ન પહોંચી શકો. આજે સાથે છું કાલે સાથે ન પણ હોઉં, પછી તમારે તમારા પગ પર ચાલવાનું છે. મારા અજવાળે ન ચાલતા, કારણકે, આ તો જંગલમાં થોડો સાથ થઈ ગયો. તમે મારા અજવાળે થોડીવાર સાથે ચાલી શકશો પરંતુ પછી તો આપણો રસ્તો જુદો થઇ જશે. મારું અજવાળું મારી સાથે હશે, તમારું અંધારું તમારી સાથે હશે. ‘અપ્પો દીપો ભવ’ બુદ્ધના આ ઉપદેશને સાંભળીને ઘણા ભિક્ષુકો તેમના કહેવાના મર્મને સમજી ગયા. તથાગત તેમના પ્રયાણના ચિહ્નો આપી રહ્યાં હતા. આનંદ સમજી જાય છે કે સુકર મદ્ધ્વના ઝેરની અસર શરીર પર થવા લાગી, તેથી તેઓ શાલવૃક્ષોના જંગલમાં આરામ કરવા રોકાયા.

લોકો જાણતા હતા કે બુદ્ધે ચુંદના ઘરે ભોજન કરેલ તેથી જો અત્યારે તેમનું અવસાન થશે તો લોકો તેમના અવસાન માટે ચુંદને જ જવાબદાર માનશે, તેથી તથાગતે આનંદને બોલાવીને કહ્યું : ‘આનંદ! હું જીવનના અંતિમ સમયમાં પહોંચી ચુક્યો છું. હે આનંદ! મારું પરીનિર્વાણ થઇ જાય ત્યારે ચુંદને દોષ ન દેતો, ચુંદનું ભોજન એટલું જ અગત્યનું હતું જેટલી સુજાતાની ખીર, વ્યક્તિને જીવનમાં સૌથી પહેલું અને સૌથી છેલ્લું ભોજન કરાવનાર ભાગ્યશાળી હોય છે. પહેલું ભોજન માતા દ્વારા પામ્યો હતો, અને નિર્વાણ ચુંદના ભોજનના માધ્યમથી પામીશ. ચુંદ મારા જીવન – મૃત્યુના ફેરામાંથી મુકિત પામીને પરીનિર્વાણ કરવાનું માધ્યમ બન્યો છે. તેથી એના તરફ તમે કોઈ દ્વેષભાવ ન રાખતા.’

બુદ્ધના આનંદ સાથેના આટલા સંવાદમાં તેમના જીવનનો સમગ્ર સાર આવી જાય છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. માનવ માત્રને પ્રેમ કરનાર બુદ્ધ તેમના જીવનની સૌથી મોટી ઘટનામાં નિમિત્ત બનનારને દોષી કેમ ગણાવી શકે? મૃત્યુ પર કોઈનો અધિકાર નથી તો એના માટે અવસાદ કેમ? જન્મ માટે માતા-પિતા પૂજનીય હોય તો મૃત્યુનું માધ્યમ પણ પૂજનીય જ હોવાનું ને! મૃત્યુ જેવા મહાપર્વનું માધ્યમ બનનારને દોષી કેમ ગણી શકાય. સમય અને મૃત્યુ શાશ્વત છે જેનો ઉદય છે એનો અંતિમ સમય નિશ્ચિંત છે, આ સમજ જરૂરી છે.

જંગલમાં જો બુદ્ધ પરીનિર્વાણ પામ્યા તો એમના શિષ્યો, ગ્રામજનો અહી દુર સુધી એમના દર્શન કરવા આવશે, લોકોને શું તકલીફ આપવી! એમ સમજી શારીરિક રીતે અક્ષમ હોવા છતાં તથાગતને લઈને આનંદે અન્ય શિષ્યો સાથે કુશીનારા જવા પ્રસ્થાન કર્યું. તેઓના આગળ વધતા એકએક પગલાં સાથે સમયનું વહેણ બદલી નાખનાર અને યુગવિધાયક એવા બુદ્ધનું સમગ્ર જીવન પણ તેના અંત તરફ આગળ વધી રહ્યું હતું. કુશીનારા જતા રસ્તામાં બુદ્ધ વિરામ કરવા રોકાયા જ્યાં આનંદે પાસે વહેતી કુકુત્થા નદીમાંથી પાણી લાવીને તેમને પાયું. અમૃત રૂપી આ પાણી બુદ્ધ કદાચ છેલ્લીવાર પી રહ્યા હતા એ એમને ખ્યાલ જ હશે. એ જળમાં પોતાનું પ્રતિબિંબ જોતા બુદ્ધને પોતાનું સમગ્ર જીવન એક ક્ષણમાં જીવાઈ ગયું હોય એવી અનુભૂતિ થઈ.

રાજકુમારથી તથાગત બુદ્ધ બનવાની સફર પોતાના પ્રતિબિંબમાં જોતા બુદ્ધ કુકુત્થા નદી પાર કરી હિરણ્યવતી નદી ઓળંગીને શાલવનમાં પ્રવેશ્યા. શાલવૃક્ષોની છાંયામાં તેઓ પોતાના શિષ્યો સાથે વિરામ કરવા રોકાયા. જીવનભરની દોડધામનો થાક જાણે આજે જ ઉતારવો હોય તેમ પડખું ફરીને સુતા. પડખું ફરીને સુતેલા બુદ્ધને જોતા જ એક ક્ષણ ચુકી જવાય કે તથાગતની અંતિમ ક્ષણો આવી ગઈ! ચક્રવર્તી સમ્રાટ થવા જન્મેલા આ મહામાનવ ધર્મનું ચક્ર ફેરવતા ફેરવતા જીવનના અંતિમ તબક્કે અહીં, વિરામની મુદ્રામાં ઝળહળી રહ્યાં હતા. બુદ્ધને પોતાના ખોળે આરામ કરતા જોઈને સમગ્ર વન, પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યું. ચોમેર ફૂલોની સુગંધ પ્રસરાઈ અને વનરાઈના પાન પવન સાથે તાલ મિલાવી મધુર રાગ ગાઈ રહ્યાં હતા. બુદ્ધના શિષ્યો સુગંધિત ફૂલોથી તેમની પૂજા કરી રહ્યાં હતા, ત્યારે આનંદે કહ્યું : ‘તથાગતની પૂજા ફૂલોથી નહીં, તેમણે આપેલા ઉપદેશોને અનુસરીને કરો.’

આનંદ સમજી ગયા કે તથાગતનો સમય હવે પૂરો થવા આવ્યો. નિર્વાણનો સમય નજીક હોવાનો ભાસ થતા તેણે બધાને જાણ કરી. આસપાસના રાજાઓ, તેમના શિષ્યો, ભિક્ષુકો તથા ગ્રામજનો બુદ્ધના અંતિમ દર્શન કરવા આવી પહોંચ્યા. લોકો માટે બુદ્ધનો અંતિમ સમય હતો, પણ તથાગત તો સામાન્ય દિવસની જેમ જ આ દિવસને જોઈ રહ્યાં હતા. રોજબરોજની એમની કાર્યરીતીમાં કોઈ વિક્ષેપ નહોતો થવા દીધો.

અંતિમ સમયમાં સુભદ્ર નામના વ્યક્તિને તેઓ દીક્ષા આપતા કહે કે ‘હું નહિ હોઉં ત્યારે જે ધર્મ અને વિનય મેં તમને શીખવ્યા છે, તે જ તમારા શાસનકર્તા બનશે’. તેમના અનુયાયીઓ અને શિષ્યો તેમને સવાલ પૂછતા જેનું તથાગત સમાધાન કરતા. અંતે આસમાનમાં બેઠેલા પ્રશ્ન પૂછનાર એવા ઈશ્વરે એવો સવાલ પૂછ્યો કે જેનો જવાબ બુદ્ધ પાસે પણ નહોતો. પછી તેઓએ ભિક્ષુકોને કહ્યું: ‘સંસ્કાર વ્યયધર્મી છે, માટે સાવધાની વર્તો.’ આ હતા તથાગત બુદ્ધના અંતિમ શબ્દો….

તેઓના આ શબ્દો આસપાસની ધરતી અને વાતાવરણમાં ગુંજ્યા. સમસ્ત માનવજાતને કરુણાનો બોધ આપનાર આ મહામાનવ ચીરકાલીન નિંદ્રામાં પોઢ્યા. મહાપરીનિર્વાણના અઢી હજાર વર્ષ પછી પણ બુદ્ધ આપણા વિચારોમાં જીવંત છે. આ મહામાનવના મહાપરીનિર્વાણથી ઈતિહાસ બે ભાગમાં વહેંચાય ગયો, બુદ્ધ પહેલા અને બુદ્ધ પછી. ઇતિહાસ બદલવાના બદલે નવો ઈતિહાસ શરુ થયો. બૌદ્ધ ધર્મ ભારતની ભૂમિમાંથી પ્રસરીને સમગ્ર વિશ્વમાં ફેલાયો અને ચીન- દક્ષિણ એશિયાના વિશાળ ક્ષેત્રમાં સ્થાયી થયો અને કાળનું એવું તે કેવું ચક્ર ફર્યું કે જે જગ્યાએથી બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ થયો ત્યા જ આ ધર્મ નામશેષ થયા બરાબર રહી ગયો!

જીવનનું મહાનતમ રહસ્ય એ જીવન પોતે નથી, પરંતુ મૃત્યુ છે. મૃત્યુ જીવનની પરાકાષ્ઠા છે, જીવનની પૂર્ણ ખીલવણી છે. મૃત્યુમાં સમગ્ર જીવન સમાઈ જાય છે, મૃત્યુમાં તમે ઘરે પાછા ફરો છો. જીવન, મૃત્યુ તરફ લઈ જતી તીર્થ યાત્રા છે. ઓશો કહે છે તેમ ‘મૃત્યુ એક કળા છે.’ ગુજરાતી ભાષામાં ‘મૃત્યુ પામ્યા’ કહેવાય છે. જીવન મેળવવાનું છે પણ મૃત્યુ પામવાનું છે. મૃત્યુ ઉપલબ્ધિ છે, પ્રાપ્તિ છે, સિદ્ધિ છે.ભગવાન બુદ્ધના અંતિમ સમયનો કદાચ આ જ ઉપદેશ છે. જલસો પર ‘અંતિમ’નામનો એક અદ્ભુત પોડકાસ્ટ છે, જેમાં મહામાનવોના અંતિમ સમયની અનુસુણી કહાણી કહેવામાં આવી છે. આ જો ગમ્યું હોય તો એ ચોક્કસ ગમશે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz