For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

દોલત ભટ્ટ – સૌરાષ્ટ્રની ધરતીનો ધબકાર સાહિત્યમાં ધબકતો કરનાર

દોલત ભટ્ટ

દોલત ભટ્ટ – સૌરાષ્ટ્રની ધરતીનો ધબકાર સાહિત્યમાં ધબકતો કરનાર 

‘ધરતીનો ધબકાર’ કોલમના લખનાર ગુજરાતી સર્જક દોલત ભટ્ટ ધબકાર ચૂકી ગયા. મૂર્ધન્ય ગુજરાતી સાહિત્યકાર દોલત ભટ્ટનું 90 વર્ષની જૈફ વયે અવસાન થયું. તેઓનું નવલકથા, લોકકથા, ઈતિહાસકથા, બાળ સાહિત્ય અને લોક સાહિત્ય ક્ષેત્રે વિશેષ પ્રદાન હતું. ગુજરાત સમાચારની ‘ધરતીનો ધબકાર’ કોલમના કારણે તેઓ ગુજરાતમાં ખુબ લોકપ્રિય હતા.

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનાં ગામ ‘દેરડી’ ( જાનબાઈ ) ખાતે તા. 19 માર્ચ, 1934 ના રોજ જન્મેલા દોલત ભટ્ટ ભણેલા ઓછુ પણ ગણેલા વધારે. ગામડાના રહેવાસ અને સહેવાસના કારણે ગામની એ ભાતીગળ સંસ્કૃતિને નજીકથી જાણી અને ખુબ માણી. જે પછીથી તેમના સાહિત્યમાં ખુબ ઝીણવટથી દેખા દે છે.

દોલત ભટ્ટ ગુજરાતમાં ખુબ લોકપ્રિય હોવા છતાં તેમના વિશેની જાહેર માહિતી ખુબ મળે છે. તેમના સાહિત્યથી પરિચયથી જ તેમનો પરિચય મેળવવો પડે. અને તેમના સાહિત્યનો પરિચય બહુ વિશાળ છે. ગુજરાતી સાહિત્યમાં તેમણે નવલકથા, વાર્તા, કવિતા, ચરિત્રકથા, લોકકથા જેવા વિવિધ સ્વરૂપમાં પ્રદાન કર્યું છે.

સૌરાષ્ટ્રની ધીંગી ધરા અને તેના લોકજીવનને આલેખતી વીસેક નવલકથાઓ તેમણે લખી છે. જેમાં નોંધપાત્ર નામ આપીએ તો ‘નાચે મનના મોર’, ‘મનનો માણીગર’, ‘વહાલનાં વેણ’, ‘વસમી વેળા’, ‘ધન્ય ધરા સોરઠ’, ‘ધરતીની ફોરમ’, ‘સજ્યા સોળ શણગાર’, ‘મર્દાનગીની મશાલ’, ‘સરી જતી સાંજ જેવી નવલકથા ગણી શકાય. દોલત ભટ્ટની સૌથી પ્રખ્યાત કૃતિ પૈકીની એક નવલકથા એટલે ‘કૈકેયી’. કૈકેયી જેવાં રૂઢીગત ખલનાયિકાનાં પાત્રને, તેનાં સ્ત્રી સહજ ઈર્ષા, લોલુપતા અને સંતાનપ્રિયતા આદિ લક્ષણોથી ઉફરા ચાલીને મહાન રાજનૈતિક મહિલા તરીકે અને આર્યાવર્તનાં સર્વાંગી રક્ષણ માટે રામને વનવાસનું કલંક માથે લઈને એક બહાદુર અને બોલ્ડ નાયિકા તરીકે દોલત ભટ્ટે રજુ કર્યા છે. આ નવલકથા નાટ્યાવતાર પણ પામી છે.

દોલત ભટ્ટનું સાહિત્યમાં પ્રદાન ઘણું પણ તેઓ સામાન્ય લોકો સુધી તેમની કોલમ ‘ધરતીનો ધબકાર’થી. જેમાં તેમણે લોકસાહિત્યની કથાનું બહુ સુંદર રીતે નિરૂપણ કર્યું.

ઝવેરચંદ મેઘાણીની જેમ દોલત ભટ્ટે પણ સૌરાષ્ટ્રનો આખો પ્રદેશ ખુંદયો ને જાણી અજાણી અનેક કથાઓ જાણી માણી અને આપણી સમક્ષ પ્રસ્તુત કરી. જે પુસ્તક સ્વરૂપે ‘પાછલા ઈતિહાસનું પાનું’, ‘ઈતિહાસનું અમર પાનું’, ‘હાલા તારા હાથ વખાણું’, ‘કીર્તિવંત કથાઓ’, ‘કીર્તિ કેરા કોટડાં’, ‘ગુજરાતની રસધાર ભાગ 1-2, ‘સરવો સોરઠ દેશ’, ‘ઘટમાં ઘોડા થનગને’ અને ‘પાવો વાગે પ્રીતનો’ જેવા પુસ્તકો ગણી શકાય.

આ લોકસાહિત્યના સંશોધન અર્થે તેમની ભ્રમણા લગભગ સમગ્ર ગુજરાતમાં રહી. તેથી તેમણે ગુજરાતને બહુ ઊંડાણપૂર્વક જાણ્યું. એના ફળરૂપે તેમણે જે તે વિસ્તારની તાસીર મુજબ નામ આપીને અમુક સંપાદન કર્યા. જેમ કે ‘અમરેલી જિલ્લાની જિંદાદીલી’, ‘ગોહિલવાડની ગૌરવગાથા’, ‘કચ્છની કીર્તિવંત કથાઓ, ‘ઝાલાવાડની જવાંમર્દી’ અને ‘પાટણવાડાના પટાધરો’.

જલસો પર દોલતભટ્ટની 10 વાર્તાનું વાચિકમ કરવામાં આવ્યું છે. જેમાં તેમની વાર્તાઓનું નાટ્યાત્મક પઠન કરવામાં આવ્યું છે. તેમનું વાર્તા ક્ષેત્રે વિશિષ્ઠ પ્રદાન છે. સૌરાષ્ટ્રના ખુમારીભર્યા પાત્રો અને તળપદી બોલી સાથેની તેમની વાર્તાઓ એક નવો આયામ સર્જે છે. તેમના નોંધપાત્ર વાર્તાસંગ્રહોમાં ‘ઉરનાં ઈંધણ’, ‘પરણેતર’, ‘ધરતીનો ધબકાર’, ‘ઝુમખું’ અને ‘હું રસ્તે રઝળતી વાર્તા’ ગણી શકાય.

ગુજરાતમાં જે સાહિત્ય પ્રકારમાં પ્રમાણમાં ઓછું સર્જન થાય છે એવા બાળ-સાહિત્યમાં પણ તેમનું સારું યોગદાન છે. ‘શિશુ શૌર્ય કથામાળા’, ‘છેલભાઈ શૌર્ય કથામાળા’, ‘રંગ કસુંબલ કથામાળા’, ’પક્ષી પરિચય’, ‘પ્રાણી પરિચય’, ‘નાગરદાસ ફોજદાર’ અને કંકુવરણી કુરબાની’ તેમના બાળ-સાહિત્યના પુસ્તક છે. ‘ચાંદો ઉગ્યો ચોકમાં’ જેવો નિજી મુદ્રા ધરાવતો અનુઠો કાવ્યસંગ્રહ પણ તેમના નામે છે.

એ સિવાય તેમણે ‘મોતી વેરાણાં ચોકમાં’, ‘સંત સદા સુખદાતા’, ‘આઝાદી જંગના યોદ્ધા’, ‘દલિત દિવાકર’, ‘ધરતીનું ધાન’ અને ‘મુક્તિસંગ્રામનો મોરચો’ જેવા ચરિત્રાત્મક પુસ્તકો પણ લખ્યા છે.

સાહિત્ય અને ફિલ્મ બંને ક્ષેત્રે સફળ થયા હોય એવા કેટલાક જુજ નામોમાં દોલત ભટ્ટ પણ ખરા. તેમણે કેટલીક ગુજરાતી ફિલ્મોની પટકથા લખી છે. જેમાં ‘મનનો માણીગર’, ‘વાંસળી વાગી વાલમની’, ‘નમણી નાગરવેલ’ અને ‘અખંડ ચૂડલો’ જેવી ફિલ્મો સામેલ છે. ‘મનનો માણીગર’ ફિલ્મ માટે દોલત ભટ્ટને ગુજરાત સરકારનો એવોર્ડ પણ મળ્યો હતો.  એ સિવાય ‘નમણી નાગરવેલ’ ફિલ્મમાં દોલત ભટ્ટે અભિનયમાં પણ ભૂમિકા ભજવી હતી.

દોલત ભટ્ટ લોકપ્રિયતાની સાથે સાહિત્યિક પુરસ્કારોથી પણ સન્માનિત થયા છે. તેઓને ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અને લોકસાહિત્યમાં નોંધપાત્ર માટે ‘મેઘાણી સુવર્ણચંદ્રક’ એનાયત થયેલો છે. તેમની યાદગાર નવલકથા ‘મનનો માણીગર’ હિંદી ભાષામાં અનુવાદિત થઇ છે.

તેમનો બહુ જ ઓછો જાણીતો પરિચય એ કે તેઓ થોડા સમય માટે રાજકીય ક્ષેત્રે પણ સક્રિય થયા હતા. રાજકારણમાં બહુ મજા ન આવી કે પછી અન્ય કારણ હોય તેઓ એ ક્ષેત્રને ત્યાગીને સંપૂર્ણપણે સાહિત્યને જ સમર્પિત રહ્યા. તેમણે તેમના વતન બાબરામાં તેમની માતા સ્વ. ત્રીવેણીબહેનના નામાભિધાન સાથે એક વાચનઘર અને પુસ્તકાલયની સ્થાપના કરી હતી, જેનું ખાતમુહૂર્ત રજનીકુમાર પંડ્યા અને અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરાવ્યું હતુ. તેઓ પોતાના અને બીજાઓના વાચન પરત્વે એટલા બધા સજાગ હતા કે મિત્રો પાસેથી પણ એ પુસ્તકો એકત્ર કરીને બાબરાના એ ત્રિવેણીબહેન પુસ્તક ઘર માટે વાહન ભાડે કરીને પણ પુસ્તકો પહોંચાડતા રહેતા.

તેમનું જીવન છેલ્લે છેલ્લે એકલવાયું માત્ર રહ્યું હતું. હતા માત્ર પુસ્તકો. જાણે કવિ કલાપીની આ પંક્તિને જીવી રહ્યા હોય! ‘ભળીશ નહી જનોથી, સ્ત્રી, મિત્ર, બાળકોથી, જીવીશ બની શકે તો એકલા પુસ્તકોથી !  આ પુસ્તકાલયની વાત શ્રી રજનીકુમાર પંડ્યાએ શેર કરી હતી. ગાંધીનગરની હરિયાળી શાંતિમાં વસતા ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ અને સન્નિષ્ઠ સાહિત્યકાર શ્રી દોલત ભટ્ટ 90 વર્ષની જૈફ વયે સ્વર્ગવાસી થયા. જલસો તેમને યાદ કરે છે. આપ સદાય સ્મૃતિમાં રહેશો.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz