For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

દિવાળીના તહેવારોનું પૌરાણિક મહાત્મ્ય શું છે?

Diwalina-દિવાળીના, તહેવાર-thevar

દિવાળીના તહેવારોની શરૂઆત આસો વદ એકાદશી એટલે કે રમા એકાદશીથી થાય છે. જે દેવદિવાળી સુધી ચાલે છે. હિંદુ પુરાણોમાં આ તહેવારોનું માહત્મ્ય કહેવામાં આવ્યું છે. એ દિવસો સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ કહેવામાં આવી છે. તેની સાથે જોડાયેલા વ્રતની કથાઓ કહેવામાં આવી છે.

સો વદ એકાદશી, રમા એકાદશી.

રમા એટલે સ્ત્રી. પુરાણોની કથા અનુસાર રાજા શરદે તેમની પત્ની ચંદ્રભાગાના કહેવા પર એકાદશીનું વ્રત કર્યું હતું. અને આ વ્રત કરવાથી આ રાજા શરદ તથા રાણી ચંદ્રભાગા બંને આ લોકમાં સર્વ પ્રકારના સુખ ભોગવી વિષ્ણુલોકમાં સ્થાન પામ્યાં હતાં.એટલે આ એકાદશીનું નામ રમા એકાદશી પડયું. આ ક્થા મહાપાપનાશક કહેવાય છે. કામધેનુતુલ્ય આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે. હિતકારી અને પ્રીતકારી છે. વ્રત અતિ સરળ છે. વિધિમાં માત્ર ઉપવાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ વ્રત આબાલવૃધ્ધ સર્વ કરી શકે છે. એકાદશી વ્રત એ મોક્ષ માર્ગનું સોપાન છે.

આસો વદ બારસ, વાકબારસ.

જન સામાન્યમાં વાકબારસ એ વાઘબારસ નામે જાણીતી છે. વાસ્તવમાં વાક શબ્દનો અપભ્રંશ થવાથી વાઘ શબ્દ આવ્યો છે. વાક એટલે વાણી, વાક્ચાતુર્ય કે ભાષા શુદ્ધિ. વાકબારસના દિવસે દેવી સરસ્વતીની પૂજા થાય છે. જેથી દેવી સરસ્વતી આપના પર પ્રસ્સન રહે અને આપણી વાણી ને શુદ્ધ રાખે. આસો વદ બારસ અથવા કૃષ્ણપક્ષની બારસને ગોવત્સ દ્વાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસથી ઉંબરા પૂજવાની અને દીવા મૂકાવાની શરૂઆત થાય છે. આ તહેવારનું પૌરાણિક નામ વસુબારસ છે. વસુ બારાસની પાછળનો ઉદેશ છે વસુ એટલે કે ગાય. ગાયને હિંદુ ધર્મમાં ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે ગાયની અને તેના વાછરડાની પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને વાછરડાનાં પુંછડાની પૂજા કરવામાં આવે છે.

આસો વદ તેરસ, ધનતેરસ.

આસો વદની આ તેરસને ધનતેરસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રચલિત કથા અનુસાર આજના દિવસે સમુદ્ર મંથનથી આયુર્વેદ શાસ્ત્રનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિ અમૃત કળશ લઇ પ્રગટ થયા હતા. તેમણે દેવાતોને અમૃતપાન કરાવીને અમર કરી દીધા. એ જ સંદર્ભમાં આજે પણ આયુષ્ય અને સ્વાસ્થ્ય સારું રહે એ ભાવનાથી ભગવાન ધન્વંતરિનું પૂજન ધનતેરસના દિવસે કરવામાં આવે છે. આ દિવસે યમરાજાનું પણ પૂજન કરવામાં આવે છે. સાયંકાળે દીપ પ્રજ્વલિત કરીને દુકાન આદિને શણગારવામાં આવે છે. યથાશક્તિ તાંબા, પિત્તળ અને સોનાની ચીજવસ્તુઓ પણ લોકો આ દિવસે ખરીદતા હોય છે.

આ દિવસે લક્ષ્મીપૂજન પણ થાય છે. લક્ષ્મીપૂજાનો પ્રારંભ શ્રી વૈકુંઠપતિ નારાયણ દ્વારા કરવામાં આવ્યો હતો. દેવ અને દાનવોના યુદ્ધમાં ઇન્દ્રનો પરાજય થયો અને તેમણે સત્તા તેમજ સંપત્તિ ગુમાવ્યા. તે સમયે તમામ દેવોએ એક મેરુના સાનિધ્યમાં આશ્રય લીધો. આ સમયે ભગવાન બ્રહ્માજીએ ભગવાન શિવ, વિષ્ણુ અને ઇન્દ્રને સલાહ આપી કે તેઓ માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરી તેમને પ્રસન્ન કરે. આથી તેમણે માતા લક્ષ્મીજીની શ્રધ્ધાપૂર્વક પૂજા કરી અને ઇન્દ્રએ પોતે ગુમાવેલુ સિંહાસન અને સંપત્તિ પાછા મેળવ્યા. આથી જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે માતા લક્ષ્મીજીનું ખાસ કરીને દિવાળીના તહેવારોમાં પૂજન કરવામાં આવે તો ઘરમાં હંમેશા ભર્યા ભંડાર રહે છે.

આસો વદ ચૌદશ, કાળીચૌદશ.

આ પર્વમાં ઉપાસના, સાધના, હનુમંત પૂજન, યંત્ર પૂજન ઉપરાંત મંત્રતંત્રની આરાધનાનું વિશેષ મહત્વ રહેલું છે. અઘોરપંથીઓને સાધના માટે આજનો દિવસ શ્રેષ્ઠ દિવસ ગણાય છે. દિવાળીના તહેવારોમાં લક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીના પૂજનનું વિશેષ મહત્વ છે. ત્યારે આ દિવસે મહાકાળીની પૂજા કરવામાં આવે છે એટલે આ દિવસને કાળીચૌદશ કહેવામાં આવે છે. ખાસ કરીને આજના દિવસે આધિ, વ્યાધિ અને ઉપાધિના નિવારણાર્થે હનુમાન ચાલીસના પાઠ કરવામાં આવે છે. વર્ષમાં માત્ર કાળીચૌદશના દિવસે જ મહુડી ખાતે ઘંટાકર્ણ વીરમહારાજની પૂજા, પક્ષાલ અને હવન કરવામાં આવે છે.

આ ઉપરાંત કાળીચૌદશના દિવસે કારખાનાં ફેક્ટરીમાં રાખેલા મશીનની વિશેષ પૂજાનું પણ મહાત્ય છે. યંત્રને શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે એટલે યંત્ર પૂજાનું પણ વિશેષ મહત્વ છે. શાસ્ત્રોકત માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણનાં પત્ની સત્યભામાને આજના દિવસે નરકાસુર નામનાં રાક્ષસનાં ત્રાસમાંથી મુક્તિ મળી હતી. તેથી જ  આજના દિવસને નરકચતુર્દશી પણ કહેવાય છે. કાળી ચૌદશ આધિ,વ્યાધિ અને ઉપાધિમાંથી બહાર નીકળવાનો દિવસ છે ત્યારે મોટાભાગોના ઘરોમાં કાળીચૌદશે સંધ્યા ટાણે તેલમાં તળેલા વડાને ઘરના સભ્યોના માથેથી ઉતારી ચાર રસ્તે મુકવામાં આવે છે. જેની પાછળ એવી માન્યતા છે કે ઘરમાંથી અનેક અનિષ્ટ તત્વોનો આ ક્રિયા કરવાથી નાશ થાય છે.

આ ઉપરાંત લોકોના ઘરોમાં  નૈવેદ્ય પણ ધરાવવામાં આવે છે. ખાસ કરીને સૌરાષ્ટમાં આજના દિવસે નૈવેદ્યનું મહત્વ હોય છે. કાળી ચૌદશનો દિવસ અઘોરી બાવા તેમજ સાધના કરતા લોકો માટે પણ મહત્વનો દિવસ છે. આજના દિવસે અઘોરીઓ, ભૂવા અને તાંત્રિકો સ્મશાનમાં જઈ વિશેષ પૂજા કરે છે.  એટલે કે આજની રાતને મંત્ર, તંત્ર અને સાધનની રાત પણ કહેવામાં આવે છે.

આસો વદ અમાસ, દિવાળી.

દિવાળીના સાથે જોડાયેલ કેટલાંક રોચક તથ્ય છે. જે ઈતિહાસના પાનાં પર પોતાનું અમર સ્થાન બનાવી ચૂક્યા છે. આ તહેવારનું પોતાનું ઐતિહાસિક મહત્વ પણ છે. જેના કારણે આ તહેવાર કોઈ એક ખાસ સમૂહનો ના રહેતા આખા રાષ્ટ્રનો બની ગયો છે. ત્રેતાયુગમાં ભગવાન રામ જયારે રાવણને હરાવી પાછા અયોધ્યા ફર્યા હતા ત્યારે શ્રી રામના આગમન પર દીવડા પ્રગટાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. એ દિવસની યાદમાં દીપાવલી ઉજવાય છે.

કારતક સુદ એકમ, બેસતુવર્ષ.

આ દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવંત મુજબ વર્ષનાં પહેલાં મહિનાનો પહેલો દિવસ છે. વિક્રમ સંવંત એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા હિંદુ ધર્મનાં વૈદિક પંચાંગની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે.ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતમાં વિક્રમ સંવંત અનુસરવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યએ શક રાજાઓને હરાવીને અવંતી દેશને મુક્ત કર્યો હતો. એના માનમાં ઇ.સ પૂર્વે ૫૭ માં આ સંવંતની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવંત પ્રચલિત રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં ખાસ કરીને ગુજરાતમાં આ દિવસ નુતનવર્ષ તરીકે મનાવવામાં આવે છે.  જેને બેસતુવર્ષ પણ કહેવામાં આવે છે.

લોકો એકબીજાને નુતનવર્ષાભિનંદન કે નવાવર્ષની શુભેચ્છા પાઠવે છે. લોકો એકબીજાને મીઠું સબરસના રૂપમાં આપે છે. જેનો મતલબ એ થાય છે કે મીઠાની જેમ તમારાં જીવનમાં પણ બધા રસ કાયમ રહે. મોટેભાગે આ દિવસે જ ગોવર્ધનપૂજા પણ કરવામાં આવે છે. જેમાં ગાય તથા વાછરડાને જુદી-જુદી રીતે શ્રુંગારિત કરવામાં આવે છે. અન્નકૂટ પણ કરવામાં આવે છે. ભગવાનને જાતજાતનાં પકવાન બનાવી ભોગ ધરવામાં આવે છે. ખોરાકના ટેકરાને શણગારવામાં આવે છે જે ભગવાન કૃષ્ણે ઊંચકેલા ગોવર્ધન પર્વતનું પ્રતિક છે. ભગવાન કૃષ્ણએ લોકોને તેમનું કર્મ કરવા અને પ્રકૃતિનું જતન કરવાનો ઉપદેશ આપ્યો હતો. તેમનો સંદેશો હતો કે આપણે પ્રકૃતિને સાચવીશું તો પ્રકૃતિ આપણે સાચવશે.

કારતક સુદ બીજ, ભાઈબીજ.

કારતક સુદ બીજ જેને ભાઈદુજ, ભૈયાદુજ, ભાઉબીજ,ભાઈટીકા અથવા ભાઈબીજ પણ કહેવાય છે. આ દિવસે ભાઈઓ અને બહેનો મળે છે. અને એકબીજા માટેનાં પ્રેમ તથા લાગણીને અભિવ્યક્ત કરે છે. મોટાભાગનાં  ભારતીય ઉત્સવો પરિવારને નજીક લાવે છે. ભાઈબીજ પરિણીત બહેનો તથા ભાઈઓને નજીક લાવે છે અને માટે આ દિવસ મહત્વનો દિવસ છે. આ તહેવાર પ્રાચીન છે અને કેહવાય છે પોતાનાં કાર્યોમાં વ્યસ્ત યમરાજા પોતાની બહેન યમુનાને મળવા લાંબા સમય સુધી નહોતાં ગયાં. તેઓ ભાઈબીજના દિવસે યમુનાજીને વર્ષો બાદ મળ્યાં. ત્યારે યમુનાજી તેમના કપાળે તિલક કર્યું અને સંધ્યા સુધી યમરાજ યમુનાજીને ત્યાં રહ્યા. માટે આ દિવસે યમુના નદીમાં સ્નાન કરવાનો અને બહેનના હાથે તિલક કરાવવાનો મહિમા છે. આ વિધિ કરવાથી લાંબી ઉંમર મળે એવું પણ માનવામાં આવે છે.

કારતક સુદ પાંચમ, જ્ઞાનપંચમી, સૌભાગ્યપંચમી, લાભપાંચમ.

વિક્રમ સંવંતના કારતક માસના પાંચમાં દિવસે એટલે કે કારતક સુદ પાંચમના દિવસે જ્ઞાનપંચમી અથવા સૌભાગ્યપંચમી કે લાભપાંચમ મનાવવામાં આવે છે. આ દિવસે દુકાનદારો પોતાની દુકાન શરુ કરે છે. દિવાળી વખતે વધાવેલી દ્દુકાનનું મુહ્રત આજના દિવસે કરવામાં આવે છે. જ્ઞાનપાંચમને લાભપાંચમ અને સૌભાગ્યપાંચમ પણ કહે છે. જૈન શાસનમાં જ્ઞાનપંચમીની આરાધના સમ્યક જ્ઞાન માટે કરવામાં આવે છે. જ્ઞાન મહત્વનો ગુણ છે. જ્ઞાનથી જ વિવેક પ્રગટ થાય છે અને વિવેકથી સુંદર આચરણ વડે સ્વ અને પરનું હિત થાય છે.

આજના દિવસે સમગ્ર જૈન સંઘોમાં જ્ઞાનને  વિશિષ્ટ રીતે સજાવવામાં આવે છે. નાના ભૂલકાઓથી માંડીને મોટાઓ પણ જ્ઞાનનાં દર્શન અને પૂજનનો લાભ લઇ સાચા જ્ઞાનની પ્રાપ્તિ થાય તેવો સંકલ્પ કરે છે. જ્ઞાનપંચમીએ નાના મોટા સૌ કોઈએ સંકલ્પ કરવો જોઈએ કે જીવનમાં સમ્યક જ્ઞાન અચૂક ભણીશું અને જ્ઞાનની, જ્ઞાનીની તથા જ્ઞાનના સાધનોની અશાતનાં ક્યારેય નહીં કરીએ. જ્ઞાન પંચમીના દિવસે જૈન સંઘોમાં રહેલા જ્ઞાન ભંડારમાં કબાટ સ્વચ્છ કરાય છે અને જીવ-જંતુ ન થઈ જાય તે માટે નિર્દોષ ઔષધિઓ મુકીને પુસ્તકને સુરક્ષિત કરવામાં આવે છે. સાથોસાથ પુસ્તક પેન ઉચિત સ્થાનમાં અર્પણ કરવામાં આવે છે. જૈનધર્મમાં જ્ઞાન દાનને શ્રેષ્ઠ ગણાય છે. જ્ઞાનના પ્રભાવથી ક્લેશ, વાસના, રાગદ્વેષ વગેરે નષ્ટ પામે છે. જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીનું પણ આ દિવસે પૂજન કરાય છે. લાભપાંચમ એટલે માનવ દિવાળી અને દેવદિવાળીનો સમન્વય, સંધિકાળ.

માનવો દ્વારા ઉજવાતી દિવાળીનો પૂર્ણકાળ અને દેવોની દિવાળીની શરૂઆત લાભપાંચમથી થાય છે. આ દિવસ શુભ મનાય છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરવા લાભપાંચમ ઉત્તમ ગણાય છે. નુતનવર્ષ, અક્ષયતૃતીયા, વિજયાદશમી, ધનતેરસ, લાભપાંચમ અને ધૂળેટી આ છ દિવસ કાયમી શુભ ગણાય છે તેથી આ દિવસોમાં પંચાગ જોવાની આવશ્યકતા નથી હોતી. લાભપાંચમને સૌભાગ્યપંચમી અથવા શ્રીપંચમી પણ કહે છે. દીપોત્સવ અને લાભપાંચમના તહેવારો એટલે જૈન અને હિંદુધર્મનો સંગમ. આ દિવસોની અધિષ્ઠાત્રી દેવી શારદા મનાય છે. શારદા એટલે સરસ્વતી.આ દિવસે જ્ઞાનની દેવી અધિષ્ઠાત્રીદેવી સરસ્વતીનું પૂજન પણ કરાય છે.

કારતક સુદ એકાદશી, તુલસી વિવાહ.

આ દિવસને વિવિધ નામે ઓળખવામાં આવે છે. આ દિવસને દેવઉઠી અગિયારસ અને તુલસીવિવાહનાં નામથી ઓળખવમાં આવે છે. કારતક સુદ એકાદશીને દેવપ્રબોધિની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ચાતુર્માસની સમાપ્તિ થાય છે. તેમજ અષાઢ સુદ અગિયારસથી શયન કરી રહેલા ભગવાનને જગાડવામાં આવે છે. આ દિવસે દેવી તુલસીના ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરાવીને સંસારના તમામ સારા કાર્યોની શરૂઆત થાય છે. પુષ્ટિમંદિરોમાં આજે શેરડીનો મંડપ કરવામાં આવે છે. જેમાં દીવો કરવામાં આવે છે. આજે પ્રભુને રજાઈ, ગદ્દલ, અન્ગીઠી તથા કાચા ફળો ધરવામાં આવે છે. પ્રબોધિનીએ જાગરણ કરાય તેને રાત્રીજગો કહે છે. જે ચાર યુથાધિપતિની ભાવના અને તતસુખનો ભાવ છે. કુંજમાં ભક્ત આવે છે અને ત્યાં વિવાહ ખેલ આદી ચતુર્થ ભક્ત જાગરણ કરી, ભોગ ધરી, આરતી કરી, વિરહ તાપ દુર નિવારણ છે. પુષ્ટિમાર્ગમાં સ્ત્રી સુક્રાદિક પણ પોતાનાં ઘરમાં બિરાજતા ઠાકોરજીને તુંલસી સમર્પી શકે છે. ચાતુર્માસમાં સ્થિરતા ધારણ કરનાર સંતો આ દિવસે ચાતુર્માસ પૂર્ણ કરી પોતાનાં સ્થાને પરત થાય છે.

આ દિવસે પુનમ સુધી કરાતા પાંચ દિવસીય ભીષ્મપંચક વ્રતની પણ શરૂઆત થાય છે. વિષ્ણુ ભગવાનના તુલસી માતા સાથેના વિવાહના કારણે આ દિવસે તુલસી ચડાવવાનો નિષેધ છે. તેને બદલે ભગવાનને બીલીપત્ર ચડાવવાનું મહત્વ છે. કારતક સુદ નોમથી તુલસીવાસનું વ્રત કરનાર બારસના દિવસે પારણા કરે છે. આ દિવસે વિષ્ણુ ભગવાનની સોડ સોપચાર પૂજા કરીને શંખ, ઘંટ અને મુર્દંગના નાદ સાથે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરાય છે. તુલસી માતાને સૌભાગ્યવતીનો શણગાર કરી શાલિગ્રામની સાત પ્રદક્ષિણા કરવામાં આવે છે.

દેવ દિવાળી

દિવાળીના તહેવારોમાં દેવદિવાળી તહેવારોનો રાજા છે. હિંદુધર્મની માન્યતા પ્રમાણે કાળીચૌદસના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને નરકાસુર નામના રાક્ષસનો વધ કરી તેના ત્રાસમાંથી પ્રજાને છોડાવેલી તેની સ્મૃતિમાં દીપમાળાઓ પ્રગટાવીને દિવાળીનો તહેવાર ઉજવાય છે. ભગવાન મહાવીર દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા હતા. તેથી જૈનધર્મીઓ માટે પણ દિવાળીનો તહેવાર ખુબ જ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. દિવાળી એ સ્વચ્છતા, પ્રકાશ, આનંદ, અને ઉત્સાહનું મહાપર્વ છે. અને તેના અંતિમચરણમાં દેવદિવાળી એ જાણે મહાપર્વના સમાપન રૂપે ઉજવાય છે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz