For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

જવાહર બક્ષીની કવિતામાં આધ્યાત્મિકતાના કેવી રીતે પ્રવેશી?

આધ્યાત્મિકતા

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ,

ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

ગુજરાતી ગઝલના સર્વોત્તમ શેરમાં સુમાર આ શેરના સર્જક જવાહર બક્ષી. તેમની ગઝલો અને તેમની ખુદની પણ ઓળખ આધ્યાત્મિક કવિ તરીકેની છે. નરસિંહમહેતના વંશજ હોવાને લીધે તેઓ પણ આધ્યાત્મિક હશે એવું પણ સામાન્ય રીતે ધારી શકીએ. પરંતુ આ કિસ્સામાં એ ધારણા ખોટી પડે. નરસિંહ મહેતાનો વારસો એમનામાં ઉતરે જ, એ તો છે. એક તંતુ એ પણ ખરો. પણ જવાહર બક્ષીની પોતાની એટલી સાધના છે કે આપણે એમને કવિ ન કહીએ તો એક સાધક કહેવા પડે.

જવાહર બક્ષી મૂળે ચાર્ટર્ડ ઍકાઉટન્ટ. જુનાગઢના સાહિત્યના વાતાવરણમાં તેમનો ઉછેર થયો હોવાથી નાનપણથી જ તેઓ દિવાળીબેન ભીલ, કાનજી ભૂટા બારોટ, પિંગળદાન ગઢવી અને અમૃત ઘાયલ જેવા સર્જકો કલાકારોના બહુ નજીકથી જોઈ શક્યા. એટલે કલાનું બીજ તેમનામાં બહુ નાની ઉંમરે રોપાયું. કહેવાય છે કે કોઈપણ કલાકારના જીવનમાં બનેલી દુખદ ઘટનાઓ તેની કલાને નિખાર આપે છે. જવાહર બક્ષીના જીવનમાં આધ્યાત્મિકતા હોવાનું કારણ એ પણ ગણી શકાય.કેમકે બહુ નાની ઉંમરે પિતા, બે નાની બહેનો, કાકી અને ફુઆનું અવસાન થયું. તેથી જીવનની ક્ષણભંગુરતાનો અહેસાસ થયો. આ કારણે તેમની રસ રૂચી સામાન્ય લોકો કરતા અલગ રહી. પણ એવું જરાય નથી કે તેઓ સંસારથી અલિપ્ત થઇ ગયા. 12 વર્ષની ઉંમરે તેમણે છંદોબદ્ધ ગઝલ લખીને ઉસ્તાદો પાસેથી દાદ મેળવી હતી. તેમના લગ્ન તેમની કોલેજ સમયની પ્રેમિકા સુશ્રી દક્ષાબેન સાથે થયા. એટલે જિંદગીની રંગીલીનીયત પણ એટલી જ છે જેટલી ક્ષણભંગુરતા.

પતિ પત્ની બંને ચાર્ટડ એકાઉન્ટન્ટ, જીવનમમાં આમ જોવા જઈએ તો દુઃખી થવા માટેના કોઈ કારણો ન હતા. પરંતુ બચપણમાં પોતાનાને ગુમાવેલા એ ડંખ તો હતો જ. એ જ ગાળામાં તેમની મુલાકાત મહર્ષિ યોગી સાથે થઇ. આ કદાચ તેમના જીવનનો ટર્નીંગ પોઈન્ટ હતો. તેમણે પોતાના જીવનના 10 વર્ષ મહર્ષિ યોગી સાથે વિતાવ્યા. એ પછીથી તેમનું સમગ્ર જીવન યોગમય થઇ ગયું. આજે પણ તેઓ નિયમિત યોગસાધના કરે છે.

એવો તે કંઈ ઘાટ જીવનને દીધો જી;

પરપોટામાં કેદ પવનને કીધો જી.

આ બે પંક્તિઓમાં જીવનની ક્ષણભંગુરતાનો મર્મ બહુ સરળ શબ્દોમાં જવાહર બક્ષીએ વ્યક્ત કર્યો છે. ગઝલક્ષેત્રે ઉર્દૂ શબ્દ બાહુલ્યને સ્થાને સરળ અસરકારક ગુજરાતી શબ્દો દ્વારા જીવન, તત્વજ્ઞાન અને  અધ્યાત્મના ગૂઢ રહસ્યોને સહજ શબ્દરૂપ આપી શબ્દબદ્ધ કરવામાં તેઓ સફળ થયા છે.

ગુણથી ગુણાતીત અને પરેથી પરાત્પર તરફના તેઓ ગતિશીલ યાત્રી છે. જો કે, સાહિત્યમાં તેમને મળેલી અપ્રતિમ સફળતા તરીકે તારાપણાના શહેરમાં (1999) અને પરપોટાના કિલ્લા(2012) તેમના બે ગઝલસંગ્રહો પ્રગટ છે.

ગુજરાતી સાહિત્યમાં જવાહર બક્ષીનું સૌથી મોટું પ્રદાન કયું? એવું કોઈ પૂછે તો શું જવાબ હોય? સ્વાભાવિકપણે તેમની ગઝલો કહેવી પડે, પરંતુ તેમનું સૌથી મોટું પ્રદાન ગણી શકાય એવું કામ તે ‘નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા’ આ વિષય પરનો તેમનો મહાશોધનિબંધ. જીવનની ઢળતી સાંજે જયારે કશું જ મેળવવાનું બાકી નહોતું, અડધા ઉપરની દુનિયા ફરી ચુકેલા, મુંબઈના સૌથી પ્રખ્યાત વિસ્તારમાં દરિયા કિનારે આરામથી જીવવ જીવવાની ઉંમરે તેમણે આ વિષય પર પી.એચ. ડી. કર્યું. અને તેમની મધ્યકાલીન સાહિત્ય પરની વિદ્વતા સાબિત કરી. આ શોધનિબંધમાં નરસિહ મહેતા પર થયેલા અત્યાર સુધીના બધા સંશોધનોથી વિશેષ રીતે અલગ સંશોધન કર્યું. એ સિવાય તો મીરાં, કબીર અને મધ્યકાલીન સંત સાહિત્યના અભ્યાસી તો ખરા જ. આ પણ એક કારણ હોય તેમની આધ્યાત્મિકતાનું!

બીજા બધા ગઝલકારો કરતા તેઓ વિશિષ્ટ કેમ છે એનું કારણ ચકાસતા એક વાત સ્પષ્ટપણે સમજાય છે તેમની ગઝલ સ્વાનુભૂતિમાં ઝબોળાઈને લખાઈ છે એટલે તાજગીસભર છે. તેમણે સંતોષ ન થાય ત્યાં સુધી સ્વ સાથે જ સંઘર્ષ કરવો પડ્યો છે , અભિવ્યક્તિ બાબતે. છતાં એ રમત એટલી સફળ રહી કે 1973 – 74 માં મુંબઈ યુનિવર્સિટીમાં વિશેષ અભ્યાસ માટે જવાહર બક્ષીની અસંગ્રહસ્થ ગઝલોનો સમાવેશ થયો એ એક ઐતિહાસિક ઘડી ગણી શકાય. પરંતુ એ પછી જવાહર બક્ષી બાર વર્ષ માટે વિદેશ ચાલ્યા ગયાં.

1976 – 86 દરમિયાન અને પછી મહર્ષિ મહેશ યોગીના સાંનિધ્યે યોગશિક્ષણ આપવા વિશ્વભ્રમણ કર્યું. પરિણામે તેમની ચેતના વધુ ઉજ્જવળ થઈ અને ગુજરાતી ગઝલે પરંપરાગત ભાવજગતના બંધિયારપણામાંથી છૂટીને જાણે નવું તાજગીભર્યું આધુનિક અને અલગ રૂપ ધારણ કર્યું. ગઝલ સ્વરૂપમાં તળપદી કાવ્યપ્રકારોનું ઉમેરણ કરી તેને નવું રૂપ આપ્યું. દોહા ગઝલ, ગરબા ગઝલ, ગીત ગઝલ, આખ્યાન ગઝલ, ભજન ગઝલ વગેરે અનેક પ્રકારો ગણી શકાય. વળી,  ગઝલ પર થતા આક્ષેપોનો જડબાતોડ જવાબ એક મૂડની, એક સરખા કાફિયાની, એક રદીફની, મત્લાની ગઝલોના ચાર ચાર ગુચ્છ પ્રગટ કરીને આપ્યો. ‘રે લોલ’ રદીફવાળી ગઝલથી ગુજરાતી કવિતામાં ગીત ગઝલનો નવો પ્રકાર પ્રચલિત બન્યો. કહી શકાય કે ગુજરાતી ગઝલના ગુજરાતીપણાનો રખેવાળ મળી ગયો જેને ગુજરાતી ભાષાની અસ્મિતા જાળવીને ગઝલને નવી ઉંચાઈ બક્ષી. તેમની ગઝલમાં ઈશ્કેમિજાજી, ઈશ્કેહકીકી અને પાત્રગઝલ જોવા મળે છે. તેમના પ્રેયસીના  ઇંગ્લેન્ડ  જતા પહેલાની, જતા વખતની, ગયા પછી તરતના વિવિધ ભાવની ગઝલ લખી છે. દસ ગઝલની હારમાળા છે. વિશેષ પ્રયોગ થયો છે. પ્રેયસી સાથે પુનર્મિલન, લગ્ન, યોગસાધના, આદ્યાત્મિક અનુભૂતિઓ,  સાંપ્રત જીવન અને આધુનિક સંવેદનશીલતાના તત્વો વડે તેમની ગઝલનું સ્વરૂપ ઘડાયુ છે.

તેમણે વિશ્વ કક્ષાએ ભારતીય તત્વજ્ઞાન, યોગ, ધ્યાન અને સંત સાહિત્ય વિશે વ્યાખ્યાન આપ્યા, ગઝલ અંગેની વર્કશોપ ભારત, યુ.કે, યુ.એસ.એ તથા આફ્રિકા વગેરેમાં કરી છે. નરસિંહ મહેતા, મીરાં , પ્રેમાનંદ, હરીન્દ્ર દવેથી સિતાંશુ યશશ્ચન્દ્રના ગુજરાતના પરંપરાગત સંગીત અને સંત સાહિત્ય, કવિતાની સી.ડી. પ્રોડ્યુસ કરી છે, તેમના સંશોધન પર આધારિત ટાઈમ્સ મ્યુઝિક દ્વારા લોકપ્રિય ચાર સંગીત સી.ડી. ‘કબીર,મીરા, સુરદાસ અને તુલસીદાસ અંગે Saints of Indiaમાં તેમણે પોતાના વિચારોને વાચા આપી છે.

જવાહર બક્ષી ગુજરાતી વાચકોને શ્રેષ્ઠ સર્જન આપવામાં જ માનતા હતા. તેમની ગઝલોએ ગુજરાતી સાહિત્યને નવી ઊંચાઈઓ આપી છે. જવાહર બક્ષીએ રચેલી સાડા આઠસો ગઝલોમાંથી તેમણે લખેલી પણ ન ગમેલી સાતસો  જેટલી ગઝલો ફાડી નાંખી  હતી. બાકીમાંથી એકસો આઠ ગઝલો તારાપણાના શહેરમાં નામના સંગ્રહમાં સમાવિષ્ટ કરી હતી.

તેનું કારણ જણાવતા તેઓ કહે છે, ‘નાનપણમાં મેં રોમનાં જાણીતા શિલ્પકાર માઈકલ એન્જેલોનો એક કિસ્સો વાંચ્યો હતો. માઈકલ એન્જેલોને કોઈએ પૂછ્યું કે આવા સરસ શિલ્પો તમે બનાવ્યા? શિલ્પકારનો જવાબ હતો કે, આ સુંદર શિલ્પ તો માર્બલમાં છુપાયેલા જ હતા, મેં તો વધારાનો માર્બલ એના પરથી હઠાવ્યો છે. એક વખત માઈકલ એન્જેલો દારૂના પબમાં ગયો, એ બીયર પીવા બેઠો. ગ્લાસ હોઠે અડાડ્યો અને માલિકને કહ્યું કે, બીયર ખાટું છે. તરત જ માલિકે બીયર ચાખ્યા વગર બીયરનું આખું પીપ ઢોળી દીધું. માઈકલ એન્જેલોને જાણે એક સંદેશ મળી ગયો કે મારે પણ જગતને શ્રેષ્ઠ જ આપવું છે અને એ ઉભો થઈ ગયો અને બધા શિલ્પ પર સફેદ કૂચડો ફેરવી દીધો. ટૂંકમાં, જે ઉત્તમ હોય તે જ ભાવકોને આપવું બાકી બધું ગંગામાં પધરાવી દેવું. શક્ય છે કે મને ઉત્તમ ન લાગે તે બીજાને ઉત્તમ લાગે પણ ખરું. પણ એ જવાબદારી મેં સ્વીકારી છે, કળાની શ્રેષ્ઠતા અને શ્રેષ્ઠ કળા એ મારો પ્રયત્ન રહ્યો છે.’

 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz