For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

રમેશ પારેખ – છ અક્ષરનું નામ

રમેશ પારેખ

નથી સમાતો આજ હવે તો,

હું  આ  મારા  છ અક્ષરમાં.

પોતાના છ અક્ષરમાં ન સમાય શકતા આ કવિએ ગુજરાતી કવિતાને પોતાનામાં સમાવી લીધી છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. રમેશ પારેખ ગુજરાતી કવિતાની અદ્વિતીય ઘટના છે. તેઓ મુશળધાર વરસ્યા અને ગુજરાતી કવિતાને ન્યાલ કરી દીધી. કવિ રમેશ પારેખ, ગુજરાતી કવિતાના શિખરની એવી ટોચ પર પહોંચ્યા છે જ્યાં તેમની સમકક્ષ લગભગ કોઈ નથી પહોંચી શક્યું. રમેશ પારેખ એ વ્યક્તિત્વ મટીને ઘટના બની ગયા. પોતાની કવિતા દ્વારા અમરેલી શહેરને અમર કરી દેનાર આ કવિ ભાષાના માધ્યમથી ભાષાને વટાવી જઈને સમગ્ર વિશ્વને બાથ ભરી ચુક્યા હતા. એટલે જ લખ્યું કે,

ચીંધ આખું વિશ્વ તું એને રમેશ

જેને સરનામું ર.પા.નું જોઈએ.

આખા વિશ્વને પોતાનું ગણતા આ કવિ ગુજરાતી ભાષાના અતિશય લોકપ્રિય, પ્રતિષ્ઠિત અને મને ને તમને સૌને ગમતા કવિ છે. એક એવા કવિ જેમની કવિતાઓ વડીલ, વૃદ્ધ, યુવાન, પ્રેમી, વિરહી, બાળકો, સૌને પારાવાર ગમી. આ સૌએ તેમની કવિતા અને તેમને પણ ચાહ્યા. સાહિત્યના અભ્યાસીઓ અને વિવેચકોએ તેમને ખુબ આદર આપ્યો. જેમને અતિશય પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા સાંપડી હોય એવા કવિઓ બહુ ઓછા હોય છે, તેમાના એક રમેશ પારેખ. રમેશ પારેખે ખરેખર તો ગુજરાતી ભાષા, સૌરાષ્ટ્રની લોકબોલી, લહેકો અને લઢણને પોતાની કવિતા દ્વારા રમાડ્યા છે.

સૌરાષ્ટ્રના અમરેલીમાં તા. 27 નવેમ્બર 1940 ના રોજ પિતા મોહનલાલ અને માતા નર્મદાબેનના ઘરે એક સંતાનનો જન્મ થયો. નામ આપ્યું રમેશ. આ બાળક ભવિષ્યમાં અમરેલી અને એની માતૃભાષાને આટલી નામના અપાવશે તેવો તો અંદાજ પણ ક્યાંથી હોય? અમરેલીની શાળામાં જ ભણતા ભણતા રમેશ નામનો આ છોકરો વિદ્યાર્થી અવસ્થાથી જ વાંચન, ચિત્રકલા અને સંગીતકલામાં રસ લેતો થયો. વાંચન ભૂખ્યા વિધાર્થી રમેશ પારેખ અમરેલી લાઈબ્રેરીમાં જઈને ‘બાલમિત્ર’, ‘બાલજીવન’, ‘ગાંડીવ’, ‘ચાંદની’, ‘કિસ્મત’ વગેરે સામયિકો વાંચતા. વાર્તાઓ વાંચતા-વાંચતા તેમને પણ લખવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. અને 10માં ધોરણમાં ભણતા રમેશે એક વાર્તા લખી. નામ આપ્યું ‘પ્રેતની દુનિયા’, ગામડાના છોકરાઓ તો આવું જ લખવાનાને ! વાર્તા લખતા તો લખી નાખી હવે શું ? સામયિકો વાંચતા તેથી તેમાં જ મોકલવી એવું વિચારી તે સમયનું વાર્તા માટેનું પ્રસિદ્ધ સામાયિક ‘ચાંદની’માં પોતાની વાર્તા મોકલી. અને ખુદના આશ્ચર્ય વચ્ચે પોતાના ફોટા અને પરિચય સાથે વાર્તા છપાય.

ઇ.સ. 1957નું આ વર્ષ. દસમાં ધોરણમાં ભણતા રમેશ પારેખ તો રાજી રાજી! પછી તો પાંચેક વર્ષ વાર્તાઓ લખી અને મોટાભાગની સામયિકોમાં છપાઈ. અને સાથે સાથે એમણે ગઝલો અને ગીતો પણ લખ્યા. તેમની કવિતાનો ખરો નિખાર કવિ અનિલ જોશીની મિત્રતાથી આવ્યો. અનિલ જોશી સાથે તેમની મિત્રતા ગુજરાતી સાહિત્યને બહુ ફળી. આ બંને કવિમિત્રો ગુજરાતી સાહિત્યનુ અમર નામ બની રહ્યા.

તેમની ઈચ્છા તો હતી કે જે.જે. સ્કુલ ઓફ આર્ટ્સમાં જઈને ચિત્રકલા વિશે વધુ અભ્યાસ કરવો. સંગીતમાં પણ રસ ખરો. સારું ગાઈ શકતા, સંગીતની સમજ, પરંતુ પિતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ અભ્યાસ પછી તરત નોકરી સ્વીકારી લીધી. રસીલાબેન સાથેનું સુખી લગ્નજીવન તેમની સાહિત્ય પ્રવૃત્તિને ઉપકારક નીવડ્યું. કેમ કે સાંસારિક જવાબદારીઓથી સાવ જ અલિપ્ત એવા કવિના ઘરની અને વ્યવહાર જગતની તમામ જવાબદારીઓ રસીલાબેને સંભાળી અને સાડા ત્રણેક દાયકા સુધી એમણે મૈત્રીપૂર્ણ દાંમ્પત્યજીવન વિતાવ્યુ. અમરેલી જીલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા રમેશ પારેખની બદલી અંત સમયે ગાંધીનગરમાં થઇ. સંવેદનના માણસ એવા ર.પા. ગાંધીનગરની સરકારી જડતામાં કેમ સહજ થઇ શકે? 1988 માં વ્યાવસાયિક નિવૃતિ લીધી અને સંપૂર્ણપણે સાહિત્યમસર્જનને સમર્પિત થયા.

રમેશ પારેખને વતન અમરેલી પ્રત્યે તીવ્ર લગાવ હતો અને એ લગાવ તેમના અનેક કાવ્યોમાં જોવા મળ્યો છે. જીવનના 6 દાયકા કરતા વધુ સમય અમરેલીમાં રહ્યા પછી પુત્રના વ્યવસાયને કારણે રાજકોટ રહેવા આવ્યા. અમરેલી અને રાજકોટ ર.પાના સાહિત્ય સર્જનના સાક્ષી રહ્યા અને ત્યાના લોકોનો ખુબ પ્રેમ સતત મળતો રહ્યો.

એવું કહેવાય છે કે મહાકવિ ન્હાનાલાલ પછી રમેશ પારેખ જેટલી અનન્ય લોકચાહના હજુ સુધી કોઈ કવિ મળી નથી. આ કવિ સતત વંચાતા, ગવાતા રહ્યા છે અને વ્યાપકપણે લોકોના હ્રદયસિંહાસ પર બિરાજતા રહ્યા છે. અને એનું પ્રમાણ આપવું હોય તો આ ઘટના.

ઈ.સ. 1991નું વર્ષ રમેશ પારેખના જીવનના 60 વર્ષ પુરા થયાનું વર્ષ હતું. તેમના આ જન્મદિવસની તેમના ચાહકોએ ધામધુમથી ઉજવણી કરવાનું નક્કી કર્યું. તેમનો આ હીરક મહોત્સવ માત્ર ગુજરાતી સાહિત્ય જ નહિ પણ ઇતિહાસમાં પણ અનેક રીતે ઐતિહાસિક ઘટના છે.

27મી નવેમ્બર 1991 ના રોજ રમેશ પારેખના જન્મદિવસે વતન અમરેલી અને રાજકોટમાં એક અદ્ભુત કાર્યકમ યોજાયો હતો. પૂજ્ય મોરારીબાપુની હાજરીમાં રમેશ પારેખની સમગ્ર કવિતાના ગ્રંથ ‘છ અક્ષરનુ નામ’નું કવિ હરીન્દ્ર દવેના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું. ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ કર્યો તે આ. અમરેલીના નગરજનો એ ‘છ અક્ષરનુ નામ’ કાવ્યસંગ્રહને માનભેર સ્થાન આપીને હાથી પર તેની શોભાયાત્રા કાઢી હતી. પાટણમાં સિદ્ધરાજ જયસિંહે હજાર વર્ષ પહેલા કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યકૃત વ્યાકરણગ્રંથ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ની શોભાયાત્રા કાઢી હતી. એના એક હજાર વર્ષ બાદ તેવું માન રમેશ પારેખના કાવ્યસંગ્રહ ‘છ અક્ષરનુ નામ’ને મળ્યું.

સાહિત્યિક સન્માનો તો તેમને બહુ મળ્યા, પરંતુ તેમને મળેલા આ સન્માનની તોલે કંઇ ન આવી શકે. અને એવું જ એક બહુ મોટું સન્માન તે ગુજરાતી પ્રજાનો અપ્રિતમ પ્રેમ. ગુજરાતીઓએ રમેશ પારેખને જેટલા ચાહ્યા છે એ એકલ્પનીય છે. આટલી પ્રચંડ લોકપ્રિયતા ! આહા… રમેશ પારેખને ગુજરાતી સાહિત્યના સુપરસ્ટાર કહેવાતા.

Ramesh Parekh - રમેશ પારેખ
રમેશ પારેખની ગઝલો સાંભળવા ઈમેજ પર ક્લિક કરો.

રમેશ પારેખને આવું માન મળવાનું કારણ કદાચ એમની સહજતા પણ હશે. તેમની સર્જકતા કે સફળતાને ક્યારેય તેમને અભિમાની નથી બનાવ્યા. તેઓ પોતે ખાસ કે વિશેષ હોવાનો દાવો ક્યારેય નથી કર્યો, હંમેશા પોતાને સામાન્ય જ સમજ્યા છે. આખી દુનિયાને પ્રેમ કરવાની ચાહના રાખનાર કવિ, આખા વિશ્વને પ્રેમની બાથ ભરવાનો મનોરથ સેવતા હતા, તેથી જ લખ્યું કે,

માણસથી મોટું તીર્થ નથી કોઇ પ્રેમનું,

હું છું પ્રથમ મુકામ લે મારાથી કર શરુ.

 

રમેશ પારેખની કવિતાની સાચી મજા માણવી હોય તો તેમને રૂબરૂ સંભાળવા. શ્રેષ્ઠ કવિ હોવાની સાથે તેઓ રજુઆતના રાજા હતા.મુશાયરો લુંટી લેતા કવિ હતા. તેમની હાજરી જ ભાવકોમાં જોમ ભરી દેતું.

જેમની હાજરીથી ગુજરાતી સાહિત્ય રળિયાત હતું એ ર.પા. અચાનક 17 મી મે 2006ના રોજ રાજકોટ ખાતે દેહત્યાગે છે. એ ખરો બપોર ન માત્ર ર.પા. માટે પણ ગુજરાતી સાહિત્ય માટે બહુ તડકો લઈને આવ્યો. એ મધ્યાહનની વેળાએ ગુજરાતી કવિતાના આકાશમાંથી પૂર્ણતેજે તપતો રમેશ પારેખ નામનો સૂરજ એકાએક અસ્ત થઇ ગયો !.

કોયલ કંઇ કલરવનું એવું ખાબોચિયું નથી કે દુષ્કાળ પડ્યે ખુટે

સગપણના દરિયામાં લેણદેણ નામનો  પરપોટો થાય અને ફૂટે

 

‘વિદાયગીત’ માં આવું કહેનારા કવિએ સ્થૂળ દેહે વિદાય લીધી. કવિના ચાહકો-ભાવકો અને સ્વજનોએ ભાવાંજલિ આપતા કવિના જ શબ્દોનો  આશ્રય લઇને કહ્યુ હતુ કે :

 

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?

ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા  કરત,

આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

 

આધુનિક ગુજરાતી સાહિત્યના એક અગ્રગણ્ય કવિ તરીકે પ્રતિષ્ઠા પામેલા રમેશ પારેખે કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ અને બાળ સહિત્ય ક્ષેત્રે  પણ મૂલ્યવાન યોગદાન પ્રદાન કર્યું છે.

રમેશ પારેખનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘ક્યાં’ ઇ. સ. 1970 માં પ્રગટ થયો, ત્યારબાદ ‘ખડિંગ’, ‘ત્વ’, ‘સનનન’, ‘ખમ્મા આલા બાપુને’, ‘મીરા સામે પાર’, ‘વિતાન સુદ બીજ’ અને સમગ્ર કવિતા ‘છ અક્ષરનુ નામ’ તેમના કાવ્યસંગ્રહો છે. ગુજરાતી સાહિત્ય અકાદમીએ સંજુ વાળા, અરવિંદ ભટ્ટ અને પ્રણય પંડ્યાના સંપાદનમાં ‘આ મન પાંચમના મેળામાં’ નામે રમેશ પારેખની સમગ્ર કવિતા સંપાદિત કરી છે. કવિતાની વિપુલતા, વિવિધતા અને વિશિષ્ટતાને કારણે રમેશ પારેખ ગુજરાતી કવિતા જગતના ઉત્કૃષ્ટ સ્થાનના અધિકારી બની શક્યા. કવિ કંકુ અને ગેરુ વચ્ચેનો સુક્ષ્મ ભેદ પારખે છે. એની સાહેદી ‘મીરા સામે પારના’ અધ્યાત્મરંગી કાવ્યોમાંથી સહજ રીતે જ સાંપડે છે

મીરા ભાવને આત્મસાત કરીને લખાયેલા કાવ્યો આધ્યાત્મિક ઊંચાઇએ પહોંચાડે છે. ભજનનો ભગવો રંગ પ્રગટાવતા કવિ લખે છે,

 

હરિ પર અમથું અમથું હેત

હુ અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.

રમેશ પારેખની ગીત સૃષ્ટીનું અનેરું આકર્ષણકેન્દ્ર છે એ ગીતોના લય. કવિએ એમના ગીતોમાં સોરઠી લોકગીતની પરંપરાનું સામર્થ્ય અને સૌંદર્ય આબાદ્ રીતે પ્રગટાવ્યુ છે. કવિને સહજ સિધ્ધ એવી સોરઠી બાની ગીતના ભાવ-પરિવેશને પ્રગટાવવામાં ઉપકારક નીવડે છે. ગીત બાદ રમેશ પારેખની અભિવ્યક્તિનો અન્ય બળૂકો  પડાવ ગઝલ છે. તેઓ પ્રયોગશીલ ગઝલકાર છે, અલબત તેઓ ગઝલનાં આંતર-બાહ્ય સ્વરૂપની ખેવના કરવાના હિમાયતી છે. એટલે એમની ગઝલોમાં પ્રશિષ્ટતા અને પ્રયોગશીલતાનો એકસાથે અનુભવ થાય છે.

‘ખમ્મા આલા બાપુને’ ના કટાક્ષમુલક કાવ્યો પણ રમેશ પારેખની કવિતાનો એક મહત્વપૂર્ણ મુકામ છે. ‘આલા ખાચર’ને નિમિત્તે માણસજાતની નબળાઇઓને આ કાવ્યો આબાદ રીતે ઉઘાડી પાડે છે. માણસની દાંભિક મનોવૃત્તિ ઉપર કટાક્ષના કોરડા વીંઝે છે. વ્યંગ, વિનોદ, ઉપહાસ, કટાક્ષ વગેરેનો ઉપયોગ કરીને હળવી વાણીમાં વિડંબના વ્યક્ત કરી છે.

બાળસાહિત્યના ક્ષેત્રે પણ રમેશ પારેખે માતબર પ્રદાન કર્યુ છે. એમણે ગુજરાતી બાળ સાહિત્યના ઇતિહાસમાં માનભર્યું સ્થાન મેળવ્યું છે. એમની પાસેથી ‘હાઉક’, ‘ચીં’, ‘દરિયો ઝુલ્લમઝુલ્લા હસીએ ખુલ્લમખુલ્લા’ અને ‘ચપટી વગાડતા આવડી ગઇ’ જેવા બાળકાવ્યોના સંગ્રહો સાંપડ્યા છે, તો ‘દે તાલ્લી’, ‘હફરક લફરક’, ‘કુવામાં પાણીનું ઝાડ’, કે ‘જંતર મંતર છૂ’ જેવા બાળવાર્તાઓના પુસ્તકો પણ મળ્યા છે, તો લાંબી કથા સળંગ બાળનવલરુપે ‘જાદુઇ દીવો’ કે ‘અજબ ગજબનો ખજાનો’ જેવી કૃતિઓ મળી છે.

રમેશ પારેખના સાહિત્ય વિશે તો ઘણું બધું લખી શકાય, માત્ર પુસ્તકોના નામોલ્લેખ કરવાથી તેમના સાહિત્ય વિશે વાત ન થઇ શકે. તેમનું એક એક ગીત એ ગુજરાતી ગીત સાહિત્યનુ ઘરેણું છે ત્યારે આટલું માતબર પ્રદાન કરનાર કવિ વિશે આપણે તો શું લખી શકીએ? તેમની યાદોને વાગોળીને, તેમના ગીતો ગણગણીને અને તેમની કવિતાઓ વાંચીને જ તેમના પ્રત્યેનો આપણો આદર અને માન વ્યક્ત કરવા એ વધુ ઉચિત ગણાય. જલસો હંમેશા આપણી ભાષાના સાહિત્ય અને સંગીતને ગુજરાતી પ્રજા સુધી પહોંચાડવા પ્રયત્નશીલ રહ્યું છે. જલસો પર કદાચ સૌથી વધુ સાહિત્ય ર.પા. નું જ છે. અલગ અલગ કલાકારોના અવાજમાં તેમનું અનેક કવિતાઓ જલસો પર ઉપલબ્ધ છે. તેમના ગીતોના અનેક કમ્પોઝીશન જલસો પર મળી જશે. આપણી ભાષાના આ શ્રેષ્ઠ કવિના સાહિત્યને જલસો આપ સૌ સુધી પહોંચાડી શક્યું એનો વિશેષ આનંદ છે.આપની શબ્દોથી આપ ગુજરાતી ભાષામાં અમર છો. તેમના જ શબ્દો સાથે,

‘તો પછી જીવતો રહીશ શબ્દો મહીં;

હું મરીને પણ મરી શકતો નથી’

 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz