ગુજરાતી સાહિત્ય અને સંગીતમાં સતત નવું નવું કશુંક કરતું રહેવું એ જલસોની પરંપરા રહી છે. જલસોએ પોતાના લિસનર્સને હંમેશા કંઈક નવીન આપવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતી મ્યુઝીકમાં સૌપ્રથમ ઇન્સટ્રૂમેન્ટલ ગરબા જલસો લઇ આવ્યું. જલસો ઓરીજીનલ ક્રિએશનમાં ઘણા બધા એવા ગરબા અને ગીતો છે જે તદ્દન નવા છે. પણ આ નવરાત્રીમાં કંઈક રીક્રીએટ કરવાના વિચાર સાથે અમે શોધ-ખોળ શરુ કરી. અઢળક ગીતો, લોકગીતો અને ગરબા સાંભળ્યા પછી એક પ્રાચીન ગરબો પસંદ કર્યો ‘ઘોર અંધારી’.
આ ગરબો ખુબ જુનો અને ખુબ પ્રચલિત ગરબો છે. આ ગરબા સાથે અસંખ્ય લોક લાગણીઓ જોડાયેલી છે. મોટા ભાગે આ ગરબો સ્ત્રીના સીમંતમાં જયારે રાંદલના લોટા તેડાય ત્યારે ગવાતો હોય છે. એટલે આ ગરબો લગભગ બધી જ સ્ત્રીને હોઠે, હૈયે અને હાથ તાળીએ જ હશે. એક રીતે જોઈએ તો આ ગરબો આપણી પરંપરાનો એક ભાગ છે. આપણા લોકગીતો આપણી સંસ્કૃતિમાં વણાયેલી પરંપરાને અભિવ્યક્ત કરે છે. એ અર્થમાં પણ ‘ઘોર અંધારી’ ગરબો ખુબ અર્થપૂર્ણ છે.
આજના સમયમાં ગીતો, ગરબા અને સાહિત્ય – સંગીતમાં નવીનતમ પ્રયોગો અને ટેકનોલોજી સાથે ક્યાંક આપણા મૂળ ગરબા અને ગીતો થોડા થોડા વિસરાતા જઈ રહ્યા છે, એવું આપણને લાગે, તમે પણ કદાચ એવું અનુભવ્યું હશે. નવીનતાને સ્વીકારીને પણ આપણા મૂળભૂત તત્વને પકડી રાખવું એ જલસો હંમેશથી કરતું આવ્યું છે.
આપણા ઘણા ગીતો, ગરબા અને સાહિત્યને જલસોએ નવીન રીતે, નવા માધ્યમથી હંમેશા શ્રેષ્ઠ રીતે રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ વાચિકમ હોય, અરજ હોય, રણક હોય કે પછી ગરબા લાઉન્જ હોય. અને અમારા એ જ પ્રયાસને આગળ વધારતા અમે આ અદ્ભુત ગરબો રીક્રીયેટ કર્યો છે. આ ગરબાને સ્વર આપ્યો છે ગુજરાતી સંગીતનું ખુબ ઉભરતું નામ એવા યુવા ગાયિકા પાયલ શાહે અને સંગીત આપ્યું છે જલસો ટીમના હોનહાર કલાકાર નિશીથ ધીનોરાએ. આ બંનેના અદ્ભુત પ્રયાસોથી એક સુંદર ગરબો તૈયાર થયો.
ગુજરાતમાં માતાજીના ગરબા ગાવાની અને રમવાની પરંપરા ખુબ જૂની છે. કહેવાય છે કે વર્ષો પહેલા ગામડાઓમાં લોકો પોતાના ઘરની શેરીમાં ભેગા થતા. ગરબા રમવાની જગ્યા એ માતાજીનો ફોટો મુકતા અને એક નાનો એવો માટીનો ઘડો મુકતા, જેને આપણે ગરબો કહીએ છીએ. ગરબા માથે કોડિયું મૂકી એમાં આડી દિવેટનો ઘીનો દીવો કરતા. અને એ ગરબાની ફરતે ગોળ આકારમાં ગરબા રમતા. ગામની કુંવારીકાઓ અને પરિણીતાઓ બે તાળી, ત્રણ તાળી અને હીંચ એવા ગરબા રમતી અને લોક દેવીઓનાં ગરબા ગાતી. જેમાં કાળકા મા, અંબે મા, ખોડીયાર મા, ચામુંડા મા અને રાંદલ મા જેવી દેવીઓનો સમાવેશ થતો.
ગુજરાતમાં સૂર્યપત્ની રન્નાદેની પૂજાનો વિશેષ મહિમા છે. લગભગ મોટાભાગના ઘરોમાં લગ્ન કે સીમંત જેવા શુભ પ્રસંગે રાંદલ તેડવાનો રીવાજ હોય છે. અને એ પ્રસંગે જે ગરબો ગાવામાં આવે છે તે ગરબો એટલે ‘ઘોર અંધારી’. આ ગરબાના શબ્દો ગરબામાં અનુસરવામાં આવતી કેટલીક વિધિઓ વિશે છે. આ ગરબાના શબ્દો છે,
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
લીલે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
જયારે અંધારી રાત્રે કુંવારિકાઓ અને પરિણીતાઓ ગરબા રમવા જાય ત્યારે તેમને ચાર ઘોડે સવાર દેખાય છે. એ ઘોડા કયા-કયા રંગના છે એને એ ઘોડા ઉપર ક્યા માતાજી અસવાર થયા છે એનું વર્ણન કરાયું છે. લીલે ઘોડે મા રાંદલ સવારી કરે છે, જયારે કાળે ધોળે કાલકા મા બિરાજે છે, એમ ઘોડાના રંગ પરથી માતાજીની ઓળખ કરવામાં આવે છે. આપણે ત્યાં માતાજીને નવરાત્રીમાં નૈવેધ ધરાવાય છે. ક્યાંક સુખડી હોય ક્યાંક લાપસી હોય અને ક્યાંક કુલેર પણ હોય.
અહિંયા માતાજીને સવા મણનું સુખલડું એટલે કે સુખડી ધરવાની વાત કરી છે. અને ગોરણીયું એટલે કે નવરાત્રીમાં ઘણા ઘરોમાં કન્યા પૂજન કરીને ગોરણી જમાડવામાં આવે છે. એ ગોરણીયુંને આખી રાત ગરબા રમીને માતાજીનું જાગરણ કરવા કહ્યું છે. આમ જુના પારંપરિક ગરબામાં દરેક લોક દેવીઓને અલગ-અલગ ભાવથી યાદ કરવામાં આવતા.
આ ગરબાનું રીક્રીએશન અમારો એક નાનકડો એવો પ્રયાસ છે, એ જૂની લાગણીઓને નવા અંદાજ સાથે સ્પર્શવાનો. જલસોના આભા મંડળમાં ઝગમગ કેટલાક તારલાઓમાં વધુ એક તારા સરીખો આ ગરબો. જલસોના ઓરીજીનલ ગરબા સાંભળવા છે? તો આ રહ્યા.