પ્રેમ, એક એવો વિષય જેના વિષે જેટલું બોલીએ, લખીએ, વિચારીએ કે વ્યક્ત કરીએ, હંમેશા ઓછુ જ પડે! હા, આ વિષય જ એવો છે જે વાંચવા, કહેવા, વિચારવા કરતા અનુભવવાનો વિષય વધારે છે. પ્રેમ વિશે અનેક લોકોએ લખ્યું છે. પ્રેમ વિશે હજારો પુસ્તકો લખાયા છે, વક્તવ્યો અપાયા છે, અને હજુ પણ અપાય છે. છતાં તેના વિષે વાત કરવા માટે કંઇક ને કંઈક ખૂટે છે. પ્રેમ તો વિષય જ એવો છે કે એના વિશે લખવા માટે શબ્દો ખૂટે પડે.
આજના આ વેલેન્ટાઈન ડે વિશેષપણે ગુજરાતી સાહિત્યમાં લખાયેલી પ્રેમ વિશેની કેટલીક ઉત્કૃષ્ટ ગઝલો વિશે વાત કરવી છે. ગુજરાતી સાહિત્યમાં હાલના સમયે જો સૌથી વધુ કોઈ સાહિત્ય પ્રકારનું ખેડાણ થતું હોય તો એ ગઝલ છે. એક સમયે એવું કહેવાતું કે જે સોનેટ ન લખે એ કવિ નહીં. એવું જ આજના સમયમાં કહી શકાય. આજે કોઈ પણ કવિ કવિતાની શરૂઆત ગઝલથી કરતા હોય છે. એના કારણે ગઝલ વગોવાય પણ ઘણી છે. છતાં ઉત્તમ ગઝલો પહેલા પણ લખાતી હતી ને આગળ પણ લખાતી રહેશે.
દુનિયાભરનાં કોઈ પણ સાહિત્યને જોઈએ, એમાં સૌથી વધુ ખેડાણ પ્રેમ, પરિવાર, સંઘર્ષ ને ધાર્મિકતા પર જ લખાયેલું હશે. એમાં પણ પ્રેમ વિષય તો પહેલો જ છે! આ છે પ્રેમની તાકાત. મનુષ્ય હોવાનો સૌથી મોટો આધાર જ પ્રેમ છે. પ્રેમ વિના તો જીવન કેમ સંભવી શકે? ચાલો જોઈએ ગુજરાતી ગઝલમાં પ્રેમ ક્યાં ક્યાં પ્રદર્શિત થયો છે.
ગુજરાતી કવિતાનું એક સન્માનીય નામ એટલે કવિ મનહર મોદી. રે મઠના કેટલાક આગળ પડતા કવિઓમાં મનહર મોદી પણ ખરા. આધુનિકતાના એ સમયગાળામાં ભલે અસ્તિત્વવાદની વાત હોય તો પ્રેમ પ્રેમથી થોડા અળગા રહી શકવાના? એટલે જ તેમણે લખ્યું ને કે,
મારા વિશે કશુંક વિચારી શકું નહિ
મારા બધા વિચારમાં તારી અસર હશે.
કેટલો સુંદર શેર. પ્રિયતમાના વિચારમાં વિચારમાં પોતાની જાતને પણ ભૂલી જવાની વાત. આ જ ભાવ ને બીજા એક કવિ, સંગીતકાર રિષભ મહેતાને અલગ શબ્દોમાં વર્ણવી છે.
તું કરે મારા વગરની જિંદગીની કલ્પના,
ને મને તારા વગરની કલ્પના પણ ના મળે.
પ્રિયતમાને કહે છે કે તું મારા વગરની જિંદગીની કલ્પના કરે છે, મને તો તારા વગરની જિંદગી તો શું કલ્પના પણ ન મળે. શું વાત છે.
તું મળે તો ઉજાસ થઈ જાશે
આંખનો પણ વિકાસ થઈ જાશે
ચાલ તારા વિચારમાં આવું
એ બહાને પ્રવાસ થઈ જાશે
એક દિ’ આ બધાં સ્મરણ તારાં
મારી ગઝલોના પ્રાસ થઈ જાશે
જયારે મિલિન્દ ગઢવી તો કહે છે કે તું મળે તો મારે વિકાસ થઇ જશે, અને આંખોનો પણ વિકાસ થઇ જશે, ક્યાં બાત હૈ. તારા વિચારમાં જ મારે તો પ્રવાસ થઇ જશે. અને આ શેર તો બહુ જ સુંદર કે તારા સ્મરણમાં મારી ગઝલના પ્રાસ થઇ જશે. મિલિન્દ ગઢવી પોતાની સર્જકતા અહીં બહુ સુંદર રીતે પ્રસ્તુત કરે છે.
ગુજરાતી ગઝલ હોય એમાં રમેશ પારેખનું નામ ન હોય એવું ક્યારેય બને? ગુજરાતી ગીત કવિતાનું સર્વોચ્ચ નામ એવા રમેશ પારેખ ગીતોના કારણે એટલા લોકપ્રિય થયા કે તેમની વાર્તાઓ, બાળ સાહિત્ય અને ઉત્તમ ગઝલો ઓછી ધ્યાનમાં આવી. ગુજરાતી ગઝલના અમર શેરમાં ગણી શકાય એવો આ શેર
સોનલ, આંસુ હોત તો હળવે લૂછી લેત;
આ તો તારાં હેત, એના થાપા લવકે લોહીમાં.
કેટલી અદ્ભુત વાત…સોનલ, આંસુ હોય તો એને હળવેથી લુછી લેતા, પણ આ તો તારા હેત છે, એના થાપા લોહીમાં ટપકે છે. પ્રિયતમાના વિરહમાં આનાથી ઉત્તમ શેર શોધી બતાવો! હશે તો ચોક્કસ મળશે પણ રમેશ પારેખ જેવું કોઈ લખી શકે?
મનોજ ખંડેરિયા તો લખ્યું હતું
તોડી નાખે છે રગેરગ ને ચીરી નાખે ત્વચા,
લોહીમાં એક નામનો ઉન્માદ પણ શું ચીજ છે.
પ્રિયતમાની ગેરહાજરીમાં તેની યાદ રગ રગ તોડી નાખે છે ને ત્વચા પણ ચીરી નાખે છે, લોહીમાં નામનો ઉન્માદ…શું શેર છે..
તારા સિવાય કંઈ જ અહીં કાયમી નથી,
આવી અજબ બીજા કોઈની સાહ્યબી નથી !
તારા વિરહમાં જેટલું આંખો રડી હશે,
તારા વિરહમાં એટલી ગઝલો કહી નથી !
જયારે જીગર ફરાદીવાલા તો કહે છે કે તારા સિવાય અહીં કંઈ કાયમી નથી. અને આવી બીજા કોઈની સાહબી પણ નથી. ગુજરાતી સાહિત્યમાં પ્રેમનું નામ આવતા અમુક કવિઓ આપોઆપ નજર સામે આવી જાય એ કવિઓ એટલે મરીઝ ને કલાપી. એમાં પણ કલાપીનું તો જીવન જ પ્રેમમય હતું. એ માણસ પ્રેમ વિષે લખે તો શું લખે?
હર્ષ શું છે ઝીંદગીમાં ને હર્ષ શું હોત મૃત્યુ માં !
પ્રેમના રંગોથી ના રંગાયું હોત વિશ્વ આ !
જીવનમાં પ્રેમ ન હોત તો હર્ષ શું ને મૃત્યુ શું? કહેવાનું તાત્પર્ય જીવનનો આધાર જ પ્રેમ છે. અને પ્રેમ એટલે માત્ર આનંદ જ ? ના પ્રેમ એટલે વેદના, પ્રેમ એટલે વિરહ, પ્રેમ એટલે જીવનનો આધાર પણ અને આ જીવન એક ક્ષણ પણ ન જોઈએ એટલી પ્રચંડ નિરાશા પણ. જેમ સફળ પ્રેમ વિષે લખાયું એમ નિષ્ફળ પ્રેમ વિષે પણ લખાયું જ હોય ને? મરીઝ ને આસિમ રાંદેરી જેવા કવિઓ એ એ ગુજરાતી ગઝલમાં સુંદર ગઝલો લખી છે. અહીં એક યુવા કવિ અગન રાજ્યગુરુનો શેર
મહોબ્બતનો અનુભવ એક લીટીમાં કહી દઉં તો;
ખુદાની હાજરીમાં પણ રહી નિષ્ફળ દુવા જાણે!