For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

ગુજરાતી કવિતામાં દિવાળી – કેટલાક ઉત્કૃષ્ટ શેર.

ગુજરાતી-કવિતામાં-દિવાળી-શેર

દિવાળી અને  એની રોનક સામન્ય વ્યક્તિને પણ પોતાની તરફ આકર્ષે છે તો કવિ અને લેખકોની તો વાત જ શું કહેવી. ગુજરાતી સાહિત્યમાં તહેવારો ઉપર ઘણું લખાયું છે. જેમાં કદાચ સૌથી વધુ ઉત્તરાયણ કે રંગોનો તહેવાર ધૂળેટી ઉપર વધુ લખાયું છે. પણ દિવાળીને લઈને પણ કેટલીક ઉત્તમ કવિતાઓ અને શેર લખાયા છે.

દિવાળી આવે એટલે નાનપણની યાદગીરીઓ આંખોની સામે તરવરવા લાગે. એનું કારણ આજ સુધી કોઈ સમજી શક્યું નથી કે એવું કેમ? પણ દિવાળી અને આપણા નાનપણ સાથે દિવાળીનું એક ગીત જે કદાચ આપણને હજી સુધી યાદ છે. કારણ કે એ ગીત જુના અભ્યાસક્રમમાં ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવતું.  અને એ ગીત એટલે ચં. ચી મેહતા લિખિત

ઈલા, દિવાળી ! દીવડા કરીશું;

તારા સર્યા વ્યોમ થકી અહીં શું ?

કેવા ફટાકા આ અહીં ફૂટે છે !

આ કાનના તો પડદા તૂટે છે.’

 

‘સુણ્યા નથી તેં વીજના કડાકા ?

એ સ્વર્ગમાંના ફૂટતા ફટાકા !

ત્યાં વાદળવાદળીઓ અફાળી

સૌ દેવબાલો ઊજવે દિવાળી.’

 

‘તું બ્હેન જ્યારે કદી લે અબોલા,

ઝીલું ન તારાં વચનો અમોલાં;

મૂંગા ફટાકા દિલમાંહી ફૂટે

ને એ સમે તો ઉરતંતુ તૂટે.’

આ તો થઈ વાત નાનપણની યાદની. પણ ગુજરાતી સાહિત્યમાં કેટલાક શેર એવા પણ લખાયા છે જે વ્યક્તિનું મનોબળ વધારે. જેમ કે, કવિયેત્રી દિપાલી લીમકરનો આ શેર.

ઉદાસીને અને નફરતને બાળીને દિવાળી કર,

હ્રદય તારું પ્રથમ તું ઝગમગાવીને દિવાળી કર,

પ્રણય, વિશ્વાસ, આશા ને ઉમંગોનાં લઈ રંગો,

જીવનમાં એની તું રંગોળી પાડીને દિવાળી કર.

કવિયેત્રી દિપાલી લીમકરનો આ શેર કેટલું કહી જાય છે. અને શેરની આજ તો મજા છે. શબ્દ થોડા, વાત નાની અને અર્થ વિશાળ. દિવાળી પર કોઈ કવિ એ ગીત લખ્યું તો કોઈએ કવિતા લખી. પણ ખલીલ ધનતેજવી સાહેબે દિવાળી ઉપર કટાક્ષ કર્યો છે. કટાક્ષ પણ કેવો?

અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,

તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.

વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,

મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.

ધનતેજવી સાહેબેના શેરની ચાર લીટી તમને વિચાર કરવા મજબુર કરી દે છે. સામજિક પ્રશ્નો અને પારિવારિક પ્રશ્નો વચ્ચે અટવાયેલો માણસ કેટલી શોખથી દિવાળી કરી લે છે. જેની પીડા કદાચ ક્યારેય કોઈ સમજી નહીં શકે. જેના વિષે સામન્ય રીતે વાત પણ નથી થતી જે ખલીલ સાહેબે પોતાના શેરમાં શું ખુબ રીતે કહી છે.

સાહિત્ય સમય સાથે બદલાતું રહે છે. વાત બદલાતી રહે, વાત કહેવવા રીત બદલાતી રહે છે પણ કદાચ એ વાત સાથે જોડાયેલી લાગણીઓ નથી બદલાતી. દિવાળી પ્રેમ, લાગણી અને ખુશીઓનો તહેવાર છે એ વાત સત્ય જ છે. પણ વ્યક્તિ દિવાળી કરવા માટે પોતાનું આખું વર્ષ મહેનત કરે છે ત્યાંરે જઈને એની દિવાળીમાં રોશની થાય છે. આ વાત પર નવા યુગના ખુબ જાણીતા કવિ અનીલ ચાવડા લખે છે,

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;

 

કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;


ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

લોકો એવું મને છે કે ગુજરાતીનો આવકારો બહુ મીઠો હોય છે. એ ચાહે કાઠિયાવાડી બોલીમાં ‘આવો બાપા આવો’ એમ હોય કે પછી સામન્ય ગુજરાતી બોલીમાં ‘ભલે પધાર્યા’ કહેવાયું હોય. પણ કવિની બોલીમાં દિવાળી ઉપર એટલે કે નવા વર્ષમાં કોઈને આવકારો કઈ રીતે અપાય એના માટે કવિ સુધીર પટેલ લખે છે,

અમારે આંગણે પણ  આજ દિવાળી કરો,

તમે આવી અમારી રાત અજવાળી કરો!

અમે તો ઊંબરે  કૈં લાભ-શુભને ચીતર્યાં,

હવે સાર્થક તમે એ વિઘ્ન સૌ ટાળી કરો!

અહીં તો દર્દો-ગમની રેત ઊડે છે સતત,

હસી  થોડું  તમે  વસ્તી  હરિયાળી કરો!

અમે આ જિંદગી શણગારી છે ત્રેવડ મુજબ,

તમે  સ્પર્શી  બધી બાજુથી  રૂપાળી  કરો!

અમે છીએ સ્વયં બરછટ બહુ સાચું ‘સુધીર’,

તમે ઓઢી  ઘડીભર  જાત  સુંવાળી કરો!

ગુજરાતી સાહિત્યમાં લખાયેલી દિવાળી માટેની કવિતાઓ અને શેર શોધવા બેસીએ તો કદાચ આપણી કેટલીય દિવાળીઓ વીતી જાય એવું બને. છતા ગુજરાતી સાહિત્યના દિવાળી પરના કેટલાક શ્રેષ્ઠ શેર આપના માટે.

અંધકારની વેલ પર

ખીલે છે એક કળી

તે કળી પ્રકાશની.

– દુર્ગાચરણ પરિડા | અનુ. ભોળાભાઈ પટેલ

કોડિયું ઉત્સાહનું લઈ દીપક પેટાવ્યા હર્ષનાં,

ઝગમગે જો ઊર્મિનો ઉજાસ તો હર પળ દિવાળી.

– સુધીર દત્તા

કિરણ તણી કોમળ અંગુલિએ રમ્ય રચી રંગોળી,

સોનલ એના સ્નેહસુહાગે કોણ રહ્યું ઝબકોળી?

– સુન્દરમ

અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો,

યુગો યુગોથી મથે છે દિવો, નોંધાવો કૈંક ફાળો!

અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો.

– ડૉ. મનોજ જોશી

છુપાયું છે ભીતર એ સતના દીપકને પ્રજાળીને,
આ કાજળકાળી રાતોના હૃદય હરપળ ઉજાળીને;
કોઈની આંખમાં એકાદ–બે સ્વપ્નોની રોનક થાય,
મનાવીએ એ રીતે આ વરસ, ચાલો દિવાળીને !

– વિવેક મનહર ટેલર

આ બધા શેર ગુજરાતીમાં લખાયેલ દરિયા જેટલા સાહિત્યમાંથી બે-ચાર ટીપાં સમાન છે. ગુજરાતી સાહિત્યમાં દિવાળી અને તહેવારો વિષે અઢળક લખાયું છે. જલસોના મખમલ વિભાગમાં 100 કરતા વધુ કવિઓએ પોતાના અવાજમાં કવિતા રેકોર્ડ કરી છે, આપ વધુ કવિતા સાંભળવા ઈચ્છતા હો તો એ સાંભળી શકો છો.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz