For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

ગીતા દત્ત – માતૃભાષા પહેલા ગુજરાતીમાં પ્રસિદ્ધી પામેલા ગાયિકા

Geeta Datt - ગીતા દત્ત

ગીતા દત્ત, આ નામ લેતા સૌથી પહેલા શું યાદ આવે? સ્વાભાવિક છે કે Waqt Ne Kiya Kya Haseen Sitam આ ગીત યાદ આવે. અને જો તમે ગુજરાતી હોવ તો તો શું શું યાદ કરવું! ‘ઓ ભાભી તમે થોડાં થોડાં થાઓ વરણાગી’ ગીત હોય કે પછી ‘આજ મારી નણદીએ મેણું માર્યું’ ગીત હોય. ગુજરાતી સંગીતના સુપરસ્ટાર એવા ગીતા દત્ત પોતાની માતૃભાષા બંગાળી કરતા પણ પહેલા અને વધારે ગુજરાતીમાં પ્રસિદ્ધી પામ્યા હતા.

1930માં હાલના બાંગ્લાદેશના ફરીદપુર ખાતે જન્મેલા ગીતા નાનપણથી જ સંગીતમાં રસ ધરાવતા હતા. મુંબઈ નિવાસ દરમિયાન તેમણે પંડિત હનુમાનપ્રસાદના માર્ગદર્શન નીચે સંગીતની તાલીમ લીધી. અને તેમની જ ભલામણથી ફિલ્મ ‘ભક્ત પ્રહલાદ’માં તેમને એક ગીતની બે પંક્તિઓ ગાવાની તક મળી.

સંગીતગુરુ હનુમાનપ્રસાદ ગીતાના અવાજને પારખી ચુક્યા હતા. તેમણે S.D. Barmanને ગીતાને ફિલ્મમાં ગાવાની તક આપવા ભલામણ કરી. સચિનદાએ 1947માં ‘દો ભાઈ’ ફિલ્મમાં ગીતાને સિંગર તરીકે તક આપી. અને આ ગીતાએ આ તક દ્વારા પોતાના ગુરુનો વિશ્વાસ સાચો સાબિત કરી બતાવ્યો. તે ફિલ્મનું ગીત ‘મેરા સુંદર સપના બીત ગયા’ દ્વારા ગીતા રાતોરાત એક લોકપ્રિય ગાયિકા બની ગયા.

એ સમયે ભારતમાં સુરૈયા, અમીરબાઈ, જોહરાબાઈ, ઉમાદેવી અને શમશાદ બેગમ જેવી ગાયિકાઓ હિન્દી ફિલ્મ સંગીતમાં છવાઈ ચૂકી હતી. આઝાદી પછી નૂરજહાં પાકિસ્તાન ચાલ્યા જતા ફિલ્મ સંગીતમાં જાણે ખાલીપો વર્તાવા લાગ્યો. જો કે લતા મંગેશકર અને ગીતા દત્તે બહુ જ ટૂંકા ગાળામાં નૂરજહાંની ખોટ પૂરી કરી દીધી એવું કહી શકાય. આ બંને ગાયિકાઓના આગમનથી સંગીત રસિયાઓ એ ભૂલી ગયા કે નૂરજહાં ભારતમાં નથી ને તેમનો અવાજ હવે ભારતીય ફિલ્મોમાં સાંભળવા નહીં મળે. લતા કોકિલ કંઠી તરીકે જાણીતા બન્યા જયારે ગીતા તેમના ઘાયલ કોયલ જેવા અવાજ દ્વારા છવાઈ ગયા.

અને ગીતા દત્તના ગુજરાતી સંગીતના પ્રદાનની વાત કરીએ તો ખાસ એ વાત યાદ આવે કે એ સમયે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેના ઉત્તમ સમયમાંથી પસાર થઇ રહી હતી. ગુજરાતી ફિલ્મમાં અવિનાશ વ્યાસની એન્ટ્રીથી ગુજરાતી સંગીત અતિશય લોકપ્રિય થયું. ગુજરાતી સંગીતને દુનિયાભરમાં પહોંચાડવાનો શ્રેય અવિનાશ વ્યાસને જાય છે. અવિનાશ વ્યાસના સૌથી ગમતા ગાયિકા હતા ગીતા દત્ત. સંગીતના બહુ મોટા વિદ્વાન હાર્દિક ભટ્ટના જણાવ્યા મુજબ ગીતા દત્તે ગુજરાતી ભાષામાં કુલ 84 ગીતો ગાયા છે. જેમાં તેમણે સૌથી વધુ ગીતો અવિનાશ વ્યાસ સાથે ગાયેલા છે. તેઓ ગીતા દત્તને દત્ત કરતા ગીતા રોય કહેવાનું વધારે પસંદ કરે છે. ગુરુ દત્ત સાથેના લગ્ન બાદ તેઓ ગીતા દત્ત કહેવાયા.

gita datt - ગીતા દત્ત
ગીતા દત્ત અને ગુરુ દત્ત

1948માં આવેલી ‘ગુણસુંદરી’ ફિલ્મના ગીતોથી અવિનાશ વ્યાસનો સિતારો બુલંદી પર પહોંચ્યો. આ ફિલ્મના બે ગીતો ગીતા રોયે ગાયા ‘ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી’ અને ‘આજ મારી નણદીએ મેણું માર્યું’ તો આજે પણ ગુજરાતી ભાષાના સૌથી લોકપ્રિય ગીતોમાં સ્થાન પામે છે. નણંદ – ભાભીની મીઠી નોકઝોકનું આ ગીત સંગીતકાર રોશનને એટલું ગમી ગયું કે તેમણે 1951 માં પોતાની ફિલ્મ ‘મલ્હાર’માં એક ગીતમાં આ ધૂન વાપરી.

ત્યારબાદ ‘કરિયાવર’ ફિલ્મમાં અજીત મર્ચન્ટના સંગીતમાં ગીતા રોયે ‘મારા સપનાને માંડવે’, મને માર્યા નેણાના બાણ’ અને  ‘બોલીને ભરમાવી’, જેવા ગીતો ખુબ લોકપ્રિય થયા.

એ સમયે 1949માં આવેલી ગુજરાતી ફિલ્મ આવેલી ‘મંગળફેરા’માં ગીતા દત્તે ‘મારે ક્યાં જાવું?’ ગીત અને ‘તાલીઓના તાલે’ ગરબો ગાઈને ભારે લોકપ્રિયતા મેળવી હતી. એ પછી તેમણે ઘણાં ગરબા ગાયા. તેમણે  1948 થી 1956ના સમયગાળા દરમિયાન 84 જેટલા ગુજરાતી ફિલ્મી – નોન ફિલ્મી ગીતો ગાયા હતા. જેમાં તેમણે મોટાભાગના ટોચના ગુજરાતી સંગીતકારો સાથે કામ કર્યું. અવિનાશ વ્યાસે તો કેટલીયે હિન્દી ફિલ્મોમાં ગીતા દત્ત સાથે કામ કર્યું હતું.

તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં ગાયિકા તરીકે પોતાનો અવાજ આપ્યો જેમાં ‘ગાડાનો બેલ’, ‘ઘરદીવડી’, ‘કાદુ મકરાણી’, ‘મંગલફેરા’, ‘નસીબદાર’, ‘પરણેતર’, ‘કસુંબીનો રંગ’, ‘નાગદેવતા’, ‘અખંડ સૌભાગ્ય’, ‘ભક્ત નરસૈયો’, ‘ગોરખધંધા’, ‘કહ્યાગરો કંથ’,’નણંદ ભોજાય’, ‘સતી સુકન્યા’ વગેરે છે.

તેમના લોકપ્રિય ગીતોની વાત કરીએ તો,

ગોકુળીયે રંગ રમવા

કાનુડા તારી મોરલીએ

હાલી હાલી ગોવાલડી

તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે

જીવડો ડોલતો જાય

જેવા ગીતો ગણાવી શકાય.

ગીતા દત્તના ગીતોની સંખ્યા તો બહુ છે. ગુજરાતીમાં તેઓ સૌથી પહેલા સુપરસ્ટાર ગણાયા. ત્યારબાદ તેઓ હિન્દી સિનેમાના ટોચના ગાયિકાઓમાં આજે પણ આદરભર્યું સ્થાન પામે છે. આ ભારતીય સંગીતની આ મહાન વિભૂતિને જલસો આદરપૂર્વક યાદ કરે છે.

 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz