For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

ક્ષેમુભાઇ દિવેટિયા- ગુજરાતી સંગીતનું અવિસ્મરણીય નામ

Kshemu-Divetia - ક્ષેમુભાઇ દિવેટિયા

ક્ષેમુભાઇ દિવેટિયા, ગુજરાતી સંગીતનું એક અવિસ્મરણીય નામ. ગુજરાતી સંગીતની કમાલ એ છે અહીંયા કેટલીક શ્રેષ્ઠ કવિતાઓ કમ્પોઝ થઇ છે. અહીંયા એવા એવા સંગીતકારો આવ્યા છે જેમણે તેમના સ્વરાંકનો થકી કવિના શબ્દોને નવા અર્થ અને નવી ઉંચાઈ બક્ષી હોય. એ કવિતાઓ લોકભોગ્ય બની શકી હોય. એવા સ્વરકારમાં એક ખુબ જ આદરણીય નામ એટલે શ્રી ક્ષેમુભાઇ દિવેટિયા. ગોરમાને પંચે આંગળીએ પૂજ્યા નાગલા ઓછા પડ્યા રે લોલ આ ગીત તો આપણા સુગમ સંગીતનાં શિરમોર ગીતમાં ગણી શકાય. આ ગીત એ ક્ષેમુભાઈનું અમર સ્વરાંકન છે. જે તેમણે કરેલી એકમાત્ર ગુજરાતી ફિલ્મ કાશીનો દીકરોમાં હતું. રમેશ પારેખની આ કવિતામાં રહેલા દર્દને ક્ષેમુભાઈનાં સ્વરાનાંકને ઘૂંટી ઘૂંટીને ઘેરું કર્યું છે. જેને શ્રી હર્ષદા રાવલે મુળે સ્વર આપ્યો હતો. આ રચના હજુ પણ એટલી જ સંભળાય છે અને કાવ્ય સંગીતની મહેફિલમાં ગવાય છે.

કાવ્યસંગીતમાં તેમનું સ્વરાંકન ગીતના શબ્દોને અતિક્રમી ન જવું જોઈએ પણ તેને વધારે ઓપ આપીને રજુ કરે તેવું હોવું જોઈએ. આ વાત ક્ષેમુભાઈના સ્વરાંકનોમાં બખૂબી ઝીલાઈ છે. યુગલગીત કે પ્રેમગીતોની શ્રેષ્ઠ 10 ગુજરાતી ગીતોની હરોળમાં મૂકી શકાય એવું એક અદ્ભુત સ્વરાંકન એટલે કેવા રે મળેલા મનના મેળ..સુખદ દામ્પત્ય જીવન જીવી ગયેલા યુગલની શ્રેષ્ઠ કવિતા એટલે બાલમુકુન્દ દવેની કેવા રે મળેલા મનના મેળ. આ ગીતનું ક્ષેમુ દિવેટિયાએ એવું તો સુંદર સ્વરાંકન કર્યું છે. બસ આ એક ગીત માટે જ તેમને યાદ રાખીએ તો પણ હજાર ગીતનું સાટું વળી જાય, એમાં પણ જુગલજોડી એવા જનાર્દન રાવલ અને હર્ષદા રાવલનાં સ્વરમાં જયારે જયારે આ ગીત કાને પડે ત્યારે રૂંવાડા ઉભા થયા વિના રહેતા નથી.

એક ખાસ વિશેષતા છે ક્ષેમુ દિવેટિયાનાં સ્વરાંકનોમાં તેમણે યુગલમાં ગાઈ શકાય સુંદર ગીતો પણ આપ્યા છે. એમનું એક અતિ સુંદર ગીત એટલે આંખ્યુંનાં આંજણમાં ફાગણનો કૈફ મૂળ સ્વર તો એમાં ખુબ જાણીતા ગાયિકા એવા આરતી મુનશી & માલિની પંડિત નાયકનો છે. બે સખીઓની ગોષ્ઠી જેવી આ ગીતને તમે સાંભળો તો તમને ક્ષેમુ દિવેટિયાની ગીતને સ્વરબદ્ધ કરવાની રેંજ સમજાય. એક તરફ વ્હાલા સાવ રે અધૂરું મારું આયખું જેવું સુંદર, ગુઢ અને ગંભીર સ્વરાંકન અને બીજી તરફ આંખ્યુનાં આંજણ જેવું રમતિયાળ ગીત. પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા સમર્થ સ્વરકાર, ગાયક અને આશિત દેસાઈ જે પણ એટલા જ સમર્થ સ્વરકાર અને ગાયક આ બંનેને એક ગીતમાં સાથે સાંભળવા એ લહાવો છે. એટલો ઠહરાવ છે આ ગીતમાં જે તમે તેને સાંભળતા સંભાળતા ચોક્કસ થોડા ઉપર ઊંચકાઈ ગયા હોય એવી લાગણી થઇ જશે.

ક્ષેમુભાઈની અમુક રચના તો એટલી પ્રખ્યાત થઇ છે કે તે હવે તો લોકગીતની જેમ ગવાય છે જેમકે, અલી તારું હૈયું કેસુડાંનું ફૂલ અને એક લોકગીત જે તેમને સ્વરબદ્ધ કર્યું દાડમડીનાં ફૂલ રાતાં ઝૂલણ લો વણઝારી.. આ બંને ગીતો તો ઘણીવાર ગરબામાં પણ સંભળાઈ જતા હોય છે એટલા બધા પ્રખ્યાત થયા છે. એક સ્વરકાર કે કવિ માટે તેમના સર્જન માટે શ્રેષ્ઠ ઉપલબ્ધી જ એ ગણાય છે કે તે ગીત એટલું બધું લોકોનું થઇ જાય કે તે લોકગીત સમજીને ગવાય. શ્રી ક્ષેમુ દિવેટિયાની એટલી બધી રચનાઓ છે જે આજે પણ દરેક ગુજરાતી સંગીતની મહેફિલનાં કાર્યક્રમોમાં ગવાય છે. તેમનાં સંગીત સુધા આલ્બમનાં ૧૦ ભાગમાં રહેલા ગીતો સાંભળો તો એ ચોક્કસ તમારા પ્લેલીસ્ટમાં કાયમી થઇ જાય. જલસો એપમાં આ બધા જ ગીતો છે.

ઘણાં કલાકારો એવા હોય છે જેમના માટે તેમની કળા ને તેનું કર્મ જ સૌથી મહાન હોય. નામ અકરામ કશાની અપેક્ષા વગર જે માત્ર સંગીતને પોતાનું સર્વસ્વ માનીને તેની સાધનામાં જ જોડાયેલા રહ્યા હોય. ક્ષેમુ દિવેટિયા આવું જ એક નામ છે.

 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz