જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
ગુજરાતી સાહિત્યમાં મધ્યકાળથી જ માતૃમહિમા ખૂબ ગવાયો છે. પરંતુ એક ગીત; જે હવે લોકગીતની કક્ષાએ પહોંચી ગયું છે, તેની વાત કંઈક અલગ જ છે. એ ગીત એટલે ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’. આ ગીતના સર્જક એટલે કવિ બોટાદકર. દામોદર ખુશાલદાસ બોટાદકર.
કવિ બોટાદકરનો જન્મ 27 નવેમ્બર, 1870ના રોજ બોટાદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ તેમણે બોટાદામાં જ મેળવ્યું. ત્યારબાદ તેરમાં વર્ષે તેઓ શિક્ષક બન્યા. સમયની માંગ પ્રમાણે કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે તેમણે જુદા જુદા વ્યવસાયો અજમાવેલાં. વેપાર અને વૈદું કર્યાં, પણ તેમાં ફાવ્યા નહીં. 1893 માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. ‘પુષ્ટિમાર્ગ પ્રકાશ’નું તંત્રીપદ સંભાળ્યું. મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. નાદુરસ્ત તબિયતના કારણે 1907માં વતન પાછા આવી પુનઃ શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. અને 7 સપ્ટેમ્બર, 1924ના રોજ તેમણે દેહ ત્યાગ કર્યો.
ગુજરાતી સાહિત્યની ખૂબ જાણીતી રચના તેમના નામે છે, એ રચના છે,
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.