પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
ગુજરાતી સાહિત્યજગતમાં નાના-મોટા તમામ સાહિત્યકારો, ચાહકો, વાચકો તમામ જેમને માત્ર ચિનુ મોદી કહીને જ સંબોધતા, તેવા કવિ ચિનુ મોદી ‘ઇર્શાદ’ ઉપનામથી પોતાનું સાહિત્ય સર્જન કરતા હતા. ગુજરાતી ભાષાના ઉત્તમ કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક તરીકે તેમણે સાહિત્યની ખૂબ સેવા કરી છે.
તારીખ 30 સપ્ટેમ્બર, 1939ના રોજ વિજાપુરમાં ચંદુલાલ અને શશિકાંતાબેન મોદીના ઘરે જન્મેલા ચિનુ મોદી ભાષા, સાહિત્ય અને માધ્યમકર્મી તરીકે ખૂબ જ પ્રસિદ્ધ થયા છે. ઘણી સંસ્થાઓમાં અધ્યાપન કાર્યની સાથે સાથે કવિતા અને લેખનમાં તેમણે જે સિદ્ધિઓ મેળવી છે, તે ઉત્તમ છે. તેમની સિદ્ધિઓમાં ઘણાં પુરસ્કારોનો સમાવેશ થાય છે, જેમ કે સાહિત્ય અકાદમી એવોર્ડ, વલી ગુજરાતી એવોર્ડ અને નરસિંહ મહેતા એવોર્ડ.
ચિનુ મોદીએ કુલ 52 પુસ્તકોનું સર્જન કર્યું છે. આકાશવાણી અને દૂરદર્શન જેવા માધ્યમો સાથે સંકળાયને તેમણે ઘણા કાર્યક્રમો આપ્યા છે.
આ જગતથી વિદાય લઈને તેઓ 19 માર્ચ, 2017ના રોજ અનંતની સફરે ચાલ્યા છે.